મળો એક અસાધારણ મહિલાને નામ છે મિત્તલ પટેલ

શૈલેષ નાયક

03-12-2018

જેમની છાપ ચોર-લૂંટારાની છે એવા ડફેર સમુદાયના નાગરિકોને મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વગર વ્યાજની લોન આપીને બે હજાર પરિવારોને સમાજમાં માનભેર સ્થાન અપાવવામાં આવ્યું છે : આ સંસ્થાએ પાંચ કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે, પણ એકેય જણે હજી સુધી ઉઠમણું નથી કર્યું

‘સાહેબ, આ લોન લીધા પછી મારું જીવન બદલાઈ ગયું છે, ઉન્નતિ થઈ છે. અમે દુ:ખી હતા અને મિત્તલબહેને અમારું બાવડું પકડીને અમને રોજીરોટી આપી. આજે મારી પાસે દસપંદર બકરાં છે અને દૂધ ભરું છું, બે પૈસા મળે છે અને લોનના પૈસા ચૂકવું છું.’

ગુજરાતના ધ્રાંગધ્રા નજીક આવેલા ગુજરવદી ગામના પાદરમાં રહેતા ઉસ્માન રાયબ ડફેરે બકરાં લાવવા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી અને એના કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તનની વાત ‘મિડ-ડે’ને કરી રહ્યા હતા.

ઉસ્માન રાયબ ડફેરની જેમ માલણિયા ગામના ગુલાબ ઇબ્રાહિમ ડફેરે ઊંટલારી લાવવા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી તો સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામનાં ૬૦ વર્ષનાં સાજનબહેન ઉર્ફે લાડુમાએ બિસ્કિટ, ગોળી, વેફરના ગલ્લા માટે ૩૦ હજાર રૂપિયાની લોન લીધી અને આજે આ પરિવારો સ્વમાનભેર રોજીરોટી કમાઈને તેમનું જીવન સારી રીતે જીવી રહ્યાં છે.

બૅન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને એ સમયસર નહીં ભરીને બૅન્કોને આર્થિક મુશ્કેલીમાં મૂકનારાઓની સામે સમાજમાં જેમની છાપ લૂંટફાટ કરનારા તરીકે છે એવા ડફેર સમુદાયના સામાન્ય નાગરિકો ૩૦–૪૦ કે ૫૦ હજાર રૂપિયા જેવી રકમની નાની લોન લઈને નાનોમોટો ધંધો કરીને સમયસર લોનના હપ્તા ભરીને પગભર થયાં છે એટલું જ નહીં, તેમની આ ક્રેડિટના કારણે તેમને એક વખત નહીં પણ બબ્બે વખત લોન મળી છે; અને આ વિચરતી જાતિના નાગરિકોએ નાનોમોટો ધંધોરોજગાર કરીને સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં એક મહિલાએ ડફેરોની વાતમાં વિશ્વાસ મૂક્યો અને કુનેહપૂર્વક તેમને સારી લાઇન પર લાવીને સન્માનપૂર્વક જીવન જીવતાં કર્યાં છે. જેમનાં કોઈ ઠેકાણાં ન હોય તેવા નાગરિકોમાં વિશ્વાસ મૂકીને તેમને વગર વ્યાજની લોન આપીને તેમને જીવનમાં બેઠાં કરવાનું સરાહનીય કામ અમદાવાદમાં આવેલી વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાનાં મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલ કરી રહ્યાં છે. સામાન્ય વર્ગના આ નાગરિકોની માત્ર એક જુબાન પર વિશ્વાસથી આપેલી લોનના હપ્તા ભરીને વિચરતી જાતિના નાગરિકો મિત્તલ પટેલના ભરોસાને પાકો કરી રહ્યા છે અને એટલે જ લોન આપવાનું કામ અટક્યું નથી, આગળ વધતું રહ્યું છે.

માત્ર ડફેર સમુદાયના જ નહીં; વાદી, મદારી, ભરથરી, નાથ, નટ, બજાણિયા, મીર, ફકીર, દેવીપૂજક, બાવરી, વાંજા, ગાડરિયા, સલાખિયા સહિતની વિચરતી જાતિના સમુદાયના સામાન્ય નાગરિકોના માનવીય ઉત્થાન માટેના મિત્તલ પટેલના પ્રયાસો રંગ લાવ્યા છે અને આ સમુદાયના નાગરિકોના જીવનમાં વાસ્તવિક ચમત્કાર સરજાયો છે.

અમદાવાદમાં આવેલી મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચે વિચરતી જાતિઓના સમુદાયના નાગરિકોના ઉત્થાન માટે વગર વ્યાજે લોન આપીને અત્યાર સુધીમાં આશરે બે હજાર જેટલાં પરિવારોને સન્માનપૂર્વકનું જીવન જીવતાં કરી સમાજમાં માનભેર સ્થાન અપાવ્યું છે. આ સંસ્થા દ્વારા પાંચ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન જરૂરિયાત પ્રમાણે આપવામાં આવી રહી છે. વિચરતી વિમુક્ત જાતિઓ સ્વમાનભેર આજીવિકા મેળવી શકે એ માટે સંસ્થા દ્વારા ૨૦૧૪ના વર્ષથી અત્યાર સુધીમાં પાંચ કરોડ ૧૨ લાખ રૂપિયાથી વધુની લોન આપવામાં આવી છે અને એમાંથી બે કરોડ ૯૮ લાખ રૂપિયાની લોન નાગરિકો ભરપાઈ કરી ચૂક્યા છે. બાકીના નાગરિકો લોનના હપ્તા ભરી રહ્યા છે.

સામાન્ય વર્ગના આ નાગરિકો આ લોનથી ઊંટલારી લાવ્યા છે, બંગડી–બોરિયાં લાવી નાનો ધંધો કરી રહ્યા છે, બકરા–ભેંસ લાવી દૂધનો ધંધો કરે છે, તબડકાં, છાબડાં, સાવરણી, દોરડાં, મૂર્તિ, સિમેન્ટના બ્લૉક, તવી, તાવેથા, ચીપિયા બનાવીને કે પછી ચાની કીટલી શરૂ કરીને પગભર થયા છે.

વિચરતા સમુદાય સમર્થન મંચનાં મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘વિચરતી જાતિઓના હક અને અધિકાર માટે કામ કરી રહ્યાં હતાં એ દરમ્યાન ૨૦૧૪માં મને સૌથી પહેલાં ગુલાબભાઈ મળ્યા હતા. તેમણે કહ્યું કે બહેન, અમને પૈસા આપો, અમે કામ કરીશું. અમે તેમનામાં ભરોસો મૂક્યો. જો હું પૈસા માટે વિચારું તો બૅન્ક જેવું થાય. હું જ અવિશ્વાસ કરીશ તો આ નાગરિકોનું શું થશે? ચોર કે લૂંટારા દુનિયાની નજરે હોઈ શકે, પણ મને એવો અનુભવ થયો નથી એટલે મેં આ નાગરિકોમાં વિશ્વાસ મૂક્યો અને સંસ્થામાંથી લોન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ચાર-પાંચ વ્યક્તિઓથી લોન આપવાનું શરૂ કર્યું. આ નાગરિકોએ અમારો વિશ્વાસ જાળવી રાખ્યો. નિયમિત લોનના હપ્તા ભરતા ગયા અને આજે સંસ્થા દ્વારા પાંચ કરોડથી વધુની લોન આ નાગરિકોને આપી છે. મારાં આશ્ચર્યની વાત એ છે કે હજી સુધી એક પણ માણસ લોન લીધા પછી ઉઠમણું કરીને જતો નથી રહ્યો. સામાન્ય જાતિના આ નાગરિકો લોન લઈ ગયા પછી નિયમિત હપ્તા ભરે છે. હા, કોઈ વાર તેઓ સાજાંમાંદાં હોય કે કોઈ એવી ઘટના બની હોય તો લોનના હપ્તા ભરવામાં એકાદબે મહિના વાર લાગે છે, પણ લોનના હપ્તા અચૂક ભરી લોન ચૂકતે કરે છે. પાંચ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની લોન આપીએ છીએ. હપ્તા ભરવાની રકમ જે-તે વ્યક્તિની આવક ઉપર નક્કી થાય છે. જેમ આવકની વધ–ઘટ થાય તેમ લોનના હપ્તા ભરવામાં પણ વધઘટ કરીએ છીએ. લોન લઈ ગયા પછી આ નાગરિકો મહિને ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીનો હપ્તો ભરે છે.’

ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ, ખેડા સહિત ૧૭ જિલ્લામાં આ સંસ્થા કામ કરી રહી છે અને ૧૩ કાર્યકરો ફીલ્ડમાં ફરે છે.

કરોડોની લોન લઈને રફુચક્કર થતા બિઝનેસમેનો સામે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આ અભણ નાગરિકોના કિસ્સા સમાજ માટે આઇઓપનર સમાન છે.

૭૦ વર્ષનાં મીરામાએ પ્રેમથી ધબ્બો માર્યો અને કહ્યું, હવે સેલ્લો જ હપ્તો બાકી સે. રાજકોટ જિલ્લાના પડધરી ગામનાં ૭૦ વર્ષનાં મીરા કાંગસિયા ઉર્ફે મીરામાએ બોરિયાં-બક્કલ, કપડાં સહિતની ચીજવસ્તુનો કટલરીનો ધંધો કરવા માટે ૧૦ હજારની લોન લીધી હતી, અને છેલ્લો હપ્તો ભરવાનો બાકી હતો ત્યારે કાંગસિયા સમાજના એક સંમેલનમાં મિત્તલ પટેલને નેકનામ ગામે જવાનું થયું હતું. તેઓ જ્યારે સ્ટેજ પરથી નીચે ઊતર્યાં ત્યારે ૭૦ વર્ષનાં આ મીરામાએ પાછળથી પ્રેમથી તેમને ધબ્બો માર્યો અને તેમની ભાષામાં મિત્તલ પટેલને કહ્યું હતું કે હવે સેલ્લો જ હપ્તો બાકી સે, લોન આવતા મહિને પતીયે જાસે.

મિત્તલ પટેલ કહે છે, ‘આ મીરામાની ઉંમર જોઈને તેમને લોન આપવા માટે અવઢવ ચાલતી હતી, પરંતુ છેવટે લોન આપી. પણ આ મીરામાએ મને કહ્યું કે ડોશીને લોન આપવાની ના પાડતા હતા, પણ લોન ભરી દીધીને. મીરામાએ ૧૦ હજારની લોન લઈને કટલરીનો ધંધો કર્યો હતો અને ધીમે-ધીમે લોનના હપ્તા ભરપાઈ કરી દીધા. તેમને ધંધો વધારવા માટે અમે ૩૦ હજાર રૂપિયાની બીજી વખત લોન આપી છે.’

મિત્તલ પટેલ વિચરતા સમુદાય માટે તેમના હક અને અધિકારો માટે ગામડે-ગામડે ફરીને કામ કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીના કામદારો સાથે મિત્તલ પટેલ દોઢ મહિનો રહ્યાં હતાં. આ દરમ્યાન તેમની કન્ડિશન જોઈને મિત્તલ પટેલને અનુકંપા થઈ અને થયું કે આ ગરીબો માટે કામ કરીએ અને આ એક વિચાર સાથે સામાન્ય નાગરિકોના ઉત્થાન માટેની તેમની સફર શરૂ થઈ.

મિત્તલ પટેલ કહે છે, ‘જર્નલિઝમમાં કરીને ૨૦૦૫માં જનપથ સંસ્થા સાથે જોડાઈ અને વિચરતા સમુદાયો માટે રિસર્ચનું કામ કરવાની શરૂઆત કરી. આ રિસર્ચ દરમ્યાન ગરીબોની હાલત જોઈ, ત્યારે થયું કે આખી દુનિયા તો બદલી ન શકાય, પણ આપણાથી થતું કરી શકીએ. એમ વિચારીને આ સમુદાયના ઉત્કર્ષ માટે કામ શરૂ કર્યું. સૌથી પહેલાં આ જાતિઓના મતદાર કાર્ડ માટેનું કામ હાથમાં લીધું. તેમની પાસે કોઈ પુરાવા નહોતા એટલે અમારા લેટરપૅડ પર લખીને આપ્યું અને એના માટે ૨૦૧૦માં અમે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા રજિસ્ટર કરાવી.’

મિત્તલ પટેલ અને તેમની સંસ્થા વિચરતા સમુદાયના પરિવારોને તેમના હક અને અધિકાર અપાવવા માટે કામ કરી રહી છે. રૅશનકાર્ડ, મતદાર કાર્ડ, રહેવા માટેના પ્લૉટ, જાતિ પ્રમાણપત્ર, વિવિધ સરકારી યોજનાઓમાં મદદ સહિતની કામગીરી કરી રહી છે. આ સમુદાયના નાગરિકો સ્વમાનભેર જીવી શકે એ માટે વગર વ્યાજે લોન આપે છે. આ ઉપરાંત આ સમુદાયનાં બાળકોને શિક્ષણ અને બાળકોને રહેવા માટે હૉસ્ટેલ પણ શરૂ કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ૨૦૧૭માં આવેલા પૂરમાં જમીનદોસ્ત થયેલાં ઘરોનું પુન:નર્મિાણ કરાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં જળવ્યવસ્થાપનનાં કામો પણ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાને દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે અને સેવાકાર્યો થઈ રહ્યાં છે.

ગુજરાતમાં વાડિયા ગામ દેહવ્યપાર માટે બદનામ થયેલું છે. એ ગામમાં મિત્તલ પટેલે ૨૦૧૨ના વર્ષમાં વીસ છોકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. આ સમૂહલગ્ન કરાવવા માટે તેમને બહુ હેરાનગતિ થઈ ત્યારે હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મિત્તલ પટેલે મદદ માટે પત્ર લખ્યો અને નરેન્દ્ર મોદીએ ત્વરિત મદદ કરી હતી. નરેન્દ્ર મોદીએ ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સૂચના આપી આ સમૂહલગ્ન શાંતિથી સંપન્ન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ સમૂહલગ્નમાં જિલ્લા કલેક્ટર, પોલીસ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌજન્ય : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 02 ડિસેમ્બર 2018

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaj-02122018

Category :- Samantar Gujarat / Samantar