જુસેપે લાન્ઝા દેલ વાસ્તો - ઉર્ફે શાંતિદાસ

આશા બૂચ
02-12-2018

ગાંધી - એક વિશ્વમાનવ શ્રેણી મણકો - 3

ગાંધીજીને મહાત્મા અને વિશ્વમાનવ તરીકે પહેચાનતા લોકો પાસે એ માન્યતા માટે વજૂદવાળા કારણો છે. દેખાવમાં અતિ સાધારણ લાગતા, આડંબર વિનાના શબ્દોવાળું વક્તવ્ય ધીમે અવાજે આપતા એવા એ રાજકીય અને સામાજિક નાયકમાં એવું શું અસામાન્ય હતું જે તેમને ઉપલા બે બિરુદો અપાવી ગયું? લાગે છે કે તેમની આર્ષદ્રષ્ટિ, તદ્દન સરળ ભાષામાં પોતાના વિચારો રજૂ કરવાનું કૌશલ્ય, જે બોલે તે કરે તેવું પાખંડરહિત જીવનદર્શન હોવું અને સદંતર નિઃસ્વાર્થ ભાવે માત્ર પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરવાની વૃત્તિ જ તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવી ગઈ.

તેમને સાથ આપનારા અને તેમના વિચારોનું અનુસરણ કરીને અમલ કરનારાઓ અત્યંત બુદ્ધિશાળી, પોતપોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત અને સફળ લોકો હતા એ હકીકત સાબિત કરે છે કે ગાંધીજીના વ્યક્તિત્વમાં કઇંક એવું અનોખું પાસું હતું જેને કારણે દેશના ખૂણે ખૂણેથી આવેલ વિવિધ વ્યવસાયોમાં જોડાયેલ લોકો તો ગાંધીજી સાથે જોડાયા જ પરંતુ વિદેશથી આવીને તેમનાં કાર્યોથી પ્રભાવિત થઈને સત્ય-અહિંસાનો સંદેશ વિશ્વમાં ફેલાવ્યો તેવા ય કેટલાક વીરલાઓ થઇ ગયા. આજે એક એવી હસ્તીની વાત કરવી છે.

જુસેપે લાન્ઝા દેલ વાસ્તો - ઉર્ફે શાંતિદાસ. અહિંસક ચળવળો વિષે રસ ધરાવનારાઓએ આ નામ કદાચ સાંભળ્યું હશે. જન્મ સમયનું નામ Giuseppe Giovanni Luigi Maria Enrico Lanza di Trabia-Branciforte. જન્મ થયેલો ઇટાલીના સિસિલી પ્રાંતમાં અને મૃત્યુ સ્પેઇનમાં. 29 સપ્ટેમ્બર 1901થી 6 જાન્યુઆરી 1981ના જીવનકાળ દરમ્યાન કરેલાં કર્મોનો વ્યાપ ઘણો મોટો. ફ્રાંસના ગાંધી તરીકે પંકાયેલા. તેઓ મૂળે એક કેથોલિક ધર્મના તત્ત્વજ્ઞાની, કવિ અને કલાકાર હતા, જેમાં અહિંસક માર્ગના મશાલચીનું પાસું ઉમેરાયું. તત્ત્વજ્ઞાનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ, તેમણે વિવિધ ધર્મો વચ્ચે વાર્તાલાપ કરવા, આધ્યાત્મિક વિચારોને નવો ઓપ આપવો, પ્રાણી તથા માનવસૃષ્ટિ તથા પર્યાવરણને લગતી બાબતોમાં કાર્યશીલ રહેવું અને જગતભરમાં અહિંસક વિચારધારાને પ્રસરાવવાનું કાર્ય કરવામાં જ જીવન વ્યતીત કર્યું.

લાન્ઝા દેલ વાસ્તો શાંતિદાસ કેમ બન્યા તે જાણવું રસપ્રદ છે. ખ્રિસ્તી ધર્મના સંસ્કારોએ લાન્ઝા દેલ વાસ્તોને ભારત ભણી ખેંચ્યા. તેમને સારા ખ્રિસ્તી બનવાની નેમ  હતી. ભારત આવ્યા બા,દ તેમને શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનો પરિચય થયો અને થોડો સમય રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યા, પરંતુ ખ્રિસ્તી ધર્મના પ્રત્યક્ષ આચરણની શોધ અધૂરી હતી. રોમાં રોલાંના પુસ્તક દ્વારા તેમને ગાંધી વિષે જાણ થઇ અને 1936ના ડિસેંબરમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા તેઓ વર્ધા પહોંચી ગયા. ગાંધીજીને મળ્યા પહેલાં જ લાન્ઝા દેલ વાસ્તોને ભારત આવવા પાછળ પોતે ગાંધીજીને સમર્પિત થઇ જવા માંગતા હતા એ હેતુ સ્પષ્ટ હતો. ગાંધીજીએ જ તેમને શાંતિદાસ નામ આપ્યું. વર્ધામાં રહીને ગાંધીના સૂચનને અનુસરી તેઓએ કાંતણ, વણાટ અને સુથારીકામની તાલીમ લીધી. શ્રમ દ્વારા વસ્તુઓ કરતાં માનવનું ઘડતર કેવી રીતે થાય તે જાતે અનુભવ્યું, જે અનુભવો આગળ જતાં પોતે સ્થાપેલા આશ્રમો માટે ગુરુકિલ્લી સમાન બની રહ્યા. ગાંધીજી સાથે તો માત્ર ત્રણ મહિના જ વિતાવ્યા, પરંતુ તેમને એવી અનુભૂતિ થઇ કે ગાંધીજીએ એવા સત્યને ખોળી કાઢ્યું હતું કે જે દુનિયામાં પ્રાણસંચાર કરી શકે અને દુનિયાને બદલી નાખે. અહીં તેમને ખરા ખ્રિસ્તી ધર્મના ઉપદેશોનું સહજપણે પાલન થતું લાગ્યું. વર્ધાનિવાસ દરમ્યાન શાંતિદાસના આંતરબાહ્ય જીવનમાં સમૂળું પરિવર્તન આવ્યું. અહીં તેમને એ પણ પ્રતીત થયું કે અહિંસા એ કંઈ દુશ્મનો કે વિરોધીઓ પર વિજય મેળવવા માટેનું શસ્ત્ર માત્ર નથી, પણ ખુદ દુશ્મનાવટની લાગણીઓનો નાશ કરીને એ જ દુ:શ્મનો સાથે સ્વસ્થ સંબંધોનું નિર્માણ કરવાનું ઉત્તમ સાધન છે.

શાંતિદાસે 1937માં ગંગોત્રીની યાત્રા કરી, જ્યાં તેમને અંતરાત્માનો અવાજ સંભળાયો, “પાછો જા, અને સ્થાપના કર!” ગાંધીજી સાથે રહ્યા અને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો તે દરમ્યાન લાન્ઝાને અહિંસક સત્યાગ્રહની કૂંચી હાથ લાગી ગઈ. દુનિયાના પડમાં જ્યાં ક્યાં ય પણ અન્યાય કે શોષણના એંધાણ મળ્યાં ત્યાં ન્યાય અને મુક્તિના અધિકાર માટે લડવા પહોંચી જતા. શાંતિદાસ 1938માં સીધા પહોંચ્યા જેરુસલેમ અને બેથલેહામ, જ્યાં બંને બાજુ ટેન્કો સામસામે આવી ઊભેલી અને એક ભયાનક સિવિલ વોર ચાલી રહેલી.

તે પછી તો ચારેક દાયકા સુધી શાંતિદાસની અહિંસાની ચિનગારી જલતી રહી. 1948માં પેરિસમાં તેમણે શાંતિવાદીઓનું એક સંગઠન ઊભું કર્યું અને ‘Ark’ નામનો આશ્રમ સ્થાપ્યો જેની સાત શાખાઓ ફ્રાન્સમાં પથરાયેલી છે. ન્યુ કેલિડોનિયા નામના ટાપુની સ્વતંત્રતા માટે ‘આર્ક’ વર્ષો સુધી આંદોલન ચલાવતું રહ્યું જેના પ્રેરણા સ્ત્રોત શાંતિદાસ રહ્યા. 1962માં દક્ષિણ ફ્રાન્સમાં કમ્યુનિટી ઓફ આર્ક એક વેરાન ગ્રામ્યપ્રદેશમાં સ્થાયી થયું. 70 અને 80ના દસકાઓમાં તેની સંખ્યા સોથી પણ વધુ થઇ ગયેલી. એ આશ્રમ તેના સભ્યો વચ્ચે મતભેદો વધવાથી અને એ જીવનપદ્ધતિમાં રસના અભાવને કારણે 1990ના દાયકામાં બંધ થયો. જો કે 2000ની સાલ પછી ફ્રાન્સ, સ્પેઇન, બેલ્જિયમ, ઇટલી, એક્વાડોર અને કેનેડા જેવા દેશોમાં સંગઠિત કેટલાક જૂથો હજુ ય સક્રિય પણે કામ કરી રહ્યા છે. 1962 બાદના 17 વર્ષોમાં યુરોપ-અમેરિકા અને એશિયામાં ઠેર ઠેર શાંતિદાસની પ્રેરણાથી આશ્રમો સ્થપાયા જ્યાં સ્વાશ્રય, સેવા અને સાદાઈના સિદ્ધાંતો ઉપર અનેક લોકો જીવનયાપન કરી રહ્યા છે. શાંતિદાસ પોતે આશ્રમમાં સ્થાયી કદી ન થયા.

એક વખત જેને અમૃતની કૂંપી હાથ લાગે તે સહુને વહેંચવા તત્પર બને તેમ આ સત્ય અને અહિંસાની જાદુઈ ચાવીની ભાળ મળી એ લઈને શાંતિદાસ કઠોરમાં કઠોર સમસ્યાઓના ઉકેલ શોધવા પહોંચી જતા. તેઓ 1954માં ભૂદાનની ચળવળમાં વિનોબાજી સાથે જોડાવા ભારત પહોંચી ગયા. 1958માં ફ્રાન્સમાં અણુશક્તિ મથક કે જ્યાં અણુશસ્ત્રો માટેપ્લુટોનિયમ પેદા થતું તેના વિરોધમાં શાંતિદાસે 21 દિવસના ઉપવાસો કરેલા. 1971માં ફ્રાન્સ સરકાર અણુબૉમ્બનો પ્રયોગ કરવાની હતી. હજારો નાગરિકોએ સત્યાગ્રહ કર્યો, લાન્ઝાએ પોતે 11 દિવસના ઉપવાસ કર્યા. છેવટે સરકારને અણુ પ્રયોગ બંધ રાખવો પડ્યો. સૈન્યમાં ભરતી ન થવા માગતા યુવાનો માટે અહિંસક પ્રશિક્ષણ લેવા શિબિરોનાં આયોજનો પણ તેમની નિશ્રામાં થતા રહ્યાં. 1957માં ફ્રાન્સ અને અલ્જીરિયાના યુદ્ધ વખતે લોકોને માત્ર શક પરથી પકડ્યા, મોરોક્કોમાં કેદીઓ પર સિતમ થયો, દક્ષિણ ફ્રાન્સમાં ખેડૂતોની જમીન સૈનિક અડ્ડાને સોંપવાની નોબત આવી, તે તમામ અવસરે શાંતિદાસ અહિંસક આંદોલનનું શસ્ત્ર લઈને પહોંચી જતા. 1963માં પૉપ જ્હોન પૉલને યુદ્ધ વિરુદ્ધ પોતાની કાઉન્સિલને સહમત કરાવવાના મુદ્દે રોમમાં 40 દિવસના ઉપવાસ પર ઉતરેલા. 1965માં આર્જેન્ટિનામાં વિશ્વવિદ્યાલયમના છાત્રો પાસે અઠવાડિયાંઓ સુધી અહિંસા વિષે પ્રવચનો આપ્યાં. આ બધું જ જાણે પૂરતું ન હોય તેમ 1972માં લાઝાર્કના મેદાનો લશ્કરનો વિસ્તાર વધારવા લઇ લેવામાં આવનાર હતા, ત્યારે શાંતિદાસે ખેડૂતોને સાથ આપ્યો અને 15 દિવસના ઉપવાસ જાહેર કર્યા. 1974માં લશ્કરે ખરીદેલ ફાર્મ હાઉસમાં જ કમ્યુનિટી ઓફ આર્કનો વસવાટ થયો! આ રહી એ સત્યાગ્રહીઓની તસ્વીર!

શાંતિદાસને વીસમી સદીમાં પ્રસરી રહેલ હિંસા અને અનીતિના દાવાનળને ગાંધી વિચારનો આચાર જ ઓલવી શકશે તેવી અતૂટ શ્રદ્ધા હતી. આથી જ તેઓ એ વિચારો પોતાની ગાંઠે બાંધીને પોતાના અને બીજા અનેક દેશોમાં કાર્ય કરવા ચાલ્યા. એક વાત અહીં નોંધ લેવા જેવી છે જે આજે તમામ ભારતવાસીઓને  વિચાર કરતા કરી મૂકે તેવી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં ભારતના શિક્ષિત વર્ગ પર પશ્ચિમની ખૂબ વ્યાપક અસર હતી અને શાંતિદાસ તેનાથી ખૂબ ખિન્ન હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીનાં છાત્રોને સંબોધન કરતા તેમણે કહેલું, “તમારી સાંસ્કૃતિક પરંપરાઓનો નાશ કરવાનું તથા ભારતીય મૂલ્યોની અંદરની શ્રદ્ધા ઉચ્છેદવાનું જે કાર્ય તમે કરી રહ્યાં છો, એથી તો અત્યાર સુધી કોઈ પણ વિદેશી આક્રમણકાર ભારતમાં નથી કરી શક્યો તે તમે કરશો.” તેમની એ ઉક્તિને આઠ-નવ દાયકાઓ વીતી ચુક્યા. ભારતની પ્રજા અને શનાસકર્તા પક્ષોનો વિદેશી રાજ્ય પદ્ધતિ, અર્થ નીતિ અને સમાજ વ્યવસ્થા પ્રત્યેનો વ્યામોહ ઘટવાને બદલે એટલો વકર્યો છે કે આજે શાંતિદાસની ઉપરોક્ત ઉક્તિ તદ્દન સાચી ઠરી છે.

1981માં મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે લાન્ઝા દેલ વાસ્તોનું પાર્થિવ શરીર આ ફાની દુનિયા છોડી ગયું. જ્યારે તેઓ વર્ધા જઈને ગાંધીના વિચારો અને કાર્યોથી નિકટ પરિચયમાં આવ્યા, ત્યારે તેમને પ્રતીત થયું કે ગાંધીના કોઈ અનુગામી તેમનું સ્થાન લઇ શકે તેવો નથી. પણ સાથે સાથે તેમને શ્રદ્ધા પણ હતી કે સત્ય-અહિંસાનાં બીજ રોપાઈ ગયા છે, જે ક્યાંક ને ક્યાંક ઊગી નીકળશે. તેઓ પોતે જ એવા એક બીજને પોતાના દિલ-દિમાગમાં રોપી શક્યા અને ફ્રાન્સ તથા અન્ય યુરોપિયન દેશો, કે જે અય્યાશી અને સત્તાલોલુપ મુલક તરીકે પ્રખ્યાત હતા ત્યાં જઈને એ બીજાંકુરને ફળીભૂત કરી શક્યા. એકવીસમી સદીમાં પણ ભારત દેશના સીમાડા વટાવીને અહિંસાના એટલા બધા દીપ જલતા રહ્યા છે તે શાંતિદાસ જેવા સાચા અહિંસાના પૂજારીઓને કારણે. કોણ કહી શકે કે ગાંધી આજે પ્રસ્તુત નથી?

e.mail : 71abuch@gmail.com

Category :- Gandhiana