ગોત્ર ગાંધીનું માનવતાનું

પંચમ શુક્લ
28-11-2018

ગોત્ર ગાંધીનું માનવતાનું,
હાથ સત્યનું એક જ વાનું.

લોહી વહે છે તારી રગમાં,
સ્વતંત્રતાનું, સમાનતાનું.

ઘણું મેળવ્યું પીઠબળ બાનું,
તારે પગ તારે ઊભવાનું.

શ્વાન શ્રમિત થઈ શમશે આખર,
ગજગતિ રાખીને ધપવાનું.

વાણીમાં ઓજસ્વી શબ્દે,
તર્કપૂત થઈ ઓચરવાનું.

અભિમન્યુની જેમ ઝઝૂમી,
મહારથીઓથી લડવાનું.

હીરાને પણ ઝગતાં પહેલાં,
ભાગ્ય પડ્યું છે કતરાવાનું.

27/11/2018

તર્કપૂતઃ તર્કથી શુદ્ધ થયેલું, વિચારપ્રક્રિયાથી ઉત્પન્ન થયેલું

Category :- Poetry