યાદ તને બહુ કરીએ 'અખા'

પંચમ શુક્લ
27-11-2018

યાદ તને બહુ કરીએ 'અખા' 

લોકશાહીને ચડે લખલખાં,
ચડે સિંહાસન તીસમારખાં.

વખાના માર્યા ઝંખે વખા,
ગરજે, તરજે તીસમારખાં.

ડગલેને પગલે પ્રગટે ડખા,
ડગલા બદલે તીસમારખાં.

મિયાંફૂસકીના એમ સખા,
ફેંકમફેંકા તીસમારખાં.

ગામે ગામે ફરે ગોરખા,
ગોધણ વાળે તીસમારખાં.

પટમાં પાડીને પખપખા,
પલટણ છોડે તીસમારખાં.

મન વાતોથી ભરે ખામખા,
ગોળના ગાડે તીસમારખાં.

ઝેરના કરવા નથી પારખાં,
થાવ અલવિદા તીસમારખાં.

યાદ તને બહુ કરીએ 'અખા',
કોણ ચાબખે તીસમારખાં?

27/11/2018

તીસમારખાંઃ ઘણો બહાદુર પુરુષ, જોહુકમી કરનાર,બડાઈખોર; ફૂલણજી, જાહેલ, ક્રોધી, તમોગુણી, ગરમમિજાજી, અભિમાની

વખાઃ વર્ષા, વરસાદ

ગોરખાઃ ગુરખા, નેપાળના હિંદુ રાજ્યમાં પ્રાચીન પરંપરા અનુસાર ક્ષત્રિય રાજા દ્વારા શાસન થાય છે. તેઓનો ગોરક્ષા કરવાનો ધર્મ છે તેથી તેઓ ગોરખા કહેવાયા હોય એમ મનાય છે.

પખપખાઃ પક્ષાપક્ષી, સામસામા પક્ષ પડી જવા એ, સામસામું પક્ષપાતી વલણ, 'ફૅક્શન', વિભાગ, ફાટ

પલટણઃ લશ્કરની ટુકડી, હારની હાર, લશ્કરની ટુકડી. ઘણું કરી ૧૦૦૦ સુધીના પાયદળ લશ્કરની સંખ્યાને પલટણ કહે છે અને તેનો એક સરદાર હોય છે. એક પલટણના ૪ થી ૧૦ સુધી ભાગ કરાય છે તેને કંપનિ કહે છે. બે અગર વધારે પલટણને રેજિમન્ટ કહે છે. બે થી વધારે રેજિમેન્ટને બ્રિગેડ કહે છે. બેથી વધારે બ્રિગેડને ડિવિઝન કહે છે. બે કે તેથી વધારે ડિવિઝનને કોર કહે છે. બે કે તેથી વધારે કોરને આર્મિ એટલે લશ્કર કહે છે.

ચાબખા મારવા: માર્મિક વેણ કહેવાં, શિખામણરૂપ આકરા શબ્દ કહેવા

અખો: એ નામનો એક ગુજરાતી બ્રહ્મજ્ઞાની કવિ. તે અમદાવાદમાં સત્તરમી સદીમાં થઈ ગયો. તે જાતે શ્રીમાળી સોની હતો. છપ્પા લખવા ઉપરાંત એણે પંચીકરણ, બ્રહ્મલીલા, કેવળગીતા અને ગુરુસંવાદ વગેરે પુસ્તક રચ્યાં છે. લોકોમાં ચાલતી ઠગબાજી ને પાખંડ વખોડી કાઢી છપ્પામાં એણે લોકોને શિખામણ દીધી છે. મૂર્ખાઈ ને પાખંડની મશ્કરી કરી શિખામણ આપવામાં અને વેદાંત તથા લોકાચારના શાસ્ત્રીય ગ્રંથ લખવામાં અખા જેવો કોઈ બીજો કવિ ગુજરાતી ભાષામાં હજી થયો નથી એમ મનાય છે. એના બનાવેલ વેદાંતના ગ્રંથમાં અખેગીતા મુખ્ય છે. ધર્મ વિષે તેના વિચાર સ્વતંત્ર હતા. તેના પ્રધાન ઉદ્દેશ બે જણાય છેઃ પ્રજામાં પૂર્ણ જોશથી પ્રવર્તી રહેલ મૂર્ખતા, અધમતા અને અંધતાનું હસતાં હસતાં પ્રજાવર્ગને ભાન કરાવી તેને ઉન્માર્ગમાં એટલે કે તેથી વિરુદ્ધ માર્ગમાં ચડાવવો એ એક ઉદ્દેશ; અને એકવાર સન્માર્ગે આવ્યો એટલે પછી ખોટા અહંકારાદિ વિકારો ત્યાગ કરવાના ઉન્નતિમાર્ગમાં આગળ વધવા સારૂ અદ્વૈતવાદની શિક્ષા એ બીજો ઉદ્દેશ. અખો કવિ સંવત ૧૬૭૧-૧૭૨૦ માં થયો. તેનો જન્મ અમદાવાદના જેતલપુર નામના પરામાં થયો હતો. અમદાવાદમાં પાદશાહી ટંકશાળમાં તે નોકર હતો. એની એક બેન ગુજરી ગયા પછી વૈરાગ આવતાં એણે સંસારના ભોગ છોડ્યા. અને ગુરુની શોધમાં તે નીકળી પડ્યો. પણ કોઈ ગુરુ નહિ જડતાં તેણે ગોકુળ જઈ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા ગોકુલનાથજી પાસેથી લીધી. જપ, તપ, યોગ, ઉપવાસ કરીને એણે મનની શાંતિ મેળવવા ખૂબ સાધન કર્યાં, પણ તેની તત્ત્વજ્ઞાનની ભૂખ મટી નહિ. કાશીમાં બ્રહ્માનંદ નામના સાધુને એણે ગુરુ કર્યા. તેની પાસે ત્રણ વર્ષ રહી તેણે પંચદશી, અધ્યાત્મ રામાયણ, ભગવદ્ગીતા, યોગવાસિષ્ટ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. પોતાને થયેલા જ્ઞાનને તેણે પ્રાકૃત ભાષામાં ઉતાર્યું. તેના ગુરુભાઈઓમાં સુરતના ગોપાળદાસ, નરહરદાસ અને બૂટો ભક્ત પ્રસિદ્ધ છે. એના મુખ્ય ગ્રંથોમાં `ચિત્તવિચારસંવાદ`, `અનુભવબિંદુ`, `બ્રહ્મલીલા`, `સંતપ્રિયા` અને ૭૪૬ છપ્પા છે. તે દેહે સોની હતા અને શુદ્રને હાથે વેદાંતશાસ્ત્ર રચાય તેમના મત પ્રમાણે સનાતન ધર્મની ચાલતી આવતી રીતનો નાશ થાય તેથી કાશીના બ્રાહ્મણ પંડિતોએ અને દંડી સંન્યાસીઓએ મળીને અખાના હસ્ત લિખિત ગ્રંથો ગંગાજીમાં ફેંકી દીધા. આથી તેણે કાશી તજી દીધું. પંજાબીઓ અખાને સન્માનપૂર્વક પોતાના દેશમાં તેડી ગયાં. ત્યાં તેણે હિંદી, પંજાબી, ઉર્દૂ મિશ્રિત ભાષામાં પોતાનો પરમાત્માનો સાક્ષાત્કાર ખુલ્લો કર્યો છે.

Category :- Poetry