નમો નમો નરપુંગવ નીકળે

પંચમ શુક્લ
26-11-2018

ના ઘઉં નીકળે, ના જવ નીકળે,
કોઠી ધોતાં કાદવ નીકળે.

દ્રવની સાથે ઉપદ્રવ નીકળે,
પાંડવ સાથે કૌરવ નીકળે.

દેવને બદલે દાનવ નીકળે,
પૃથ્વી રોળતો માનવ નીકળે.

આડતિયો થઈ ઓધવ નીકળે,
માયાવી થઈ માધવ નીકળે.

શીરા માટે શ્રાવક થાતો,
પીડ પારખુ વૈષ્ણવ નીકળે,

આ ભવ નીકળે, પરભવ નીકળે,
સ્વર્ગની વચ્ચે રૌરવ નીકળે.

વિકાસને રથ કૈતવ નીકળે,
નમો નમો નરપુંગવ નીકળે.

25/11/2018

દ્રવઃ પ્રવાહી પદાર્થ, ભીનું; આર્દ્ર, પ્રેમ, દયા, રસીલી ચીજ

ઉપદ્રવઃ કનડગત, પજવણી, રંજાડ, હાલાકી, પીડા, દુ:ખ, સંતાપ, અહિત, અનિષ્ટ, અવગુણ, આફત, આપત્તિ, ઉત્પાત,બંડ, ફિસાદ, તોફાન

રોળવુંઃ ધૂળમાં રગદોડવું, પાયમાલ કરવું

રૌરવઃ એ નામનું એક નરક, ખરાબ સ્થાન

કૈતવઃ જુગારી, ખેલાડી, દગાખોર માણસ, ઠગ, ધુતારો

નરપુંગવઃ નર ( માણસ ) + પુંગવ ( શ્રેષ્ઠ,આખલો, ખૂંટ, ખૂંટડો, ખૂંટિયો), આખલા જેવો લોંઠકો પુરુષ

e.mail : spancham@yahoo.com

Category :- Poetry