ગાંધીવિચારો આજે કેટલા પ્રસ્તુત?

ચંદુ મહેરિયા
25-11-2018

ગાંધીજીના સાર્ધ શતાબ્દી વરસે ફરી એકવાર ગાંધીવિચારોની પ્રસ્તુતતા કેટલી એવો સવાલ ઊઠવો સ્વાભાવિક છે. બમ્બઈયા ફિલ્મોના ‘મુન્નાભાઈ’ના ગાંધીવિચારો નવી પેઢીને આકર્ષે છે તેમાં ગાંધીની પ્રસ્તુતતા જોઈ શકાય. એમ તો થોડાં વરસો પહેલાં પચાસેક નોબલ પુરસ્કૃતોએ એક જાહેર નિવેદન થકી દુનિયા માટે એક અને એક માત્ર ગાંધી જ પ્રસ્તુત હોવાનું જણાવ્યું જ હતું ને?

ગાંધીવિચાર : માત્ર વિચાર નહીં, આધાર

બૅરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકા જાય છે તો વકીલાત સારુ પણ મેરિત્સબર્ગ સ્ટેશને છતી ટિકિટે માત્ર હિંદી હોવાના કારણે જ રંગભેદનો ભોગ બની ફંગોળાય છે અને એક સત્યાગ્રહી બની ભારત પરત આવે છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના આ સુકાની મુંબઈ પહોંચે તે પૂર્વે તેમની સફળતાની ગાથાઓ પહોંચી ચૂકી હોય છે. મંુબઈમાં એમના જાહેર સત્કાર વખતે એકઠી થયેલી મેદનીમાં એક પારસી સ્ત્રીને ગાંધીમાં, બૅરિસ્ટર ગાંધીમાં, ‘આ તો આપણો ઢનો દરજી’ ભળાય છે એ એમની સફળતા હતી. ગાંધીહત્યા પછી ‘આવો હાડચામનો માણસ આપણી વચ્ચે સહેદે જીવતો હતો એવું ભવિષ્યની પેઢી માનશે નહીં’ એવાં અમર અંજલિ વચનો આઇન્સ્ટાઇને આપ્યાં હતાં. પણ એ તો ગાંધી, મહાત્મા બન્યા અને નિર્વાણ પામ્યા તે વખતના, ગાંધી ગુરુ ગોખલેએ ઈ. સ. 1909ના કૉંગ્રેસના લાહોર અધિ વેશનમાં ગાંધીજીની ઓળખાણ, “આના કરતાં વધારે પવિત્ર, વધારે બહાદુર, વધારે ઉન્નત આત્મા આ ધરતી ઉપર આજ સુધી વિચર્યો નથી”—એ શબ્દોમાં આપી હતી.

ગાંધીજીના વિચારોનું રહસ્ય એ વાતમાં રહ્યું છે કે, તેમના વિચારો આચારમાં પરિણમ્યા છે. ‘વિચાર’ અને ‘આચાર’ નોખા નથી. ગાંધીનું ચારિત્ર એ જ તેમના વિચારો રહ્યા છે. ગાંધીજીએ તેમના આ વિચારો કોઈ પુસ્તકમાંથી નહીં જીવનની પાઠશાળામાંથી જ મેળવ્યા છે.

‘મારું જીવન એ જ મારી વાણી’ કહેતાં ગાંધીજીએ “મને સર્વ કાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. … પ્રતિ ક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારાં ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને” એવી સ્પષ્ટતા છેક 30મી એપ્રિલ, 1933ના ‘હરિજનબંધુ’માં કરી દીધી હતી.

સત્ય : ગાંધીવિચારનું ઉત્તુંગ શિખર

સમગ્ર ગાંધીવિચારને જો કોઈ બે કે ત્રણ શબ્દોમાં વર્ણવવા હોય તો સત્ય, અહિંસા અને સાધનશુદ્ધિ એમ કહી શકાય. આજે જ્યારે ગાંધીની પ્રસ્તુતતા કે અપ્રસ્તુતતાની ચર્ચા થાય છે ત્યારે ગાંધીવિચારનંુ પ્રમુખ તત્ત્વ ‘સત્ય’ કે સત્ય માટેનો ગાંધીઆગ્રહ એવા “સત્યાગ્રહ”ને પ્રથમ મૂલવવો રહ્યો.

ગાંધીજીનો ‘સત્ય’ માટેનો આગ્રહ કે સત્ય માટેની શોધ એ જીવનભર એમની મથામણ રહી છે. શંુ ‘સત્ય’ જેવું શાશ્વત મૂલ્ય ક્યારેય અપ્રસ્તુત ગણાય ખરું? 

‘હંુ પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું’ એમ કહેનાર ગાંધીજી માટે સત્ય એ માત્ર કોઈ સ્થૂળ વાચાનંુ સત્ય નથી. એ જેમ વાચાનંુ સત્ય છે તેમ વિચારનંુ પણ છે જ. મૂળભૂત રીતે ધાર્મિક કે આધ્યાત્મિક એવા ગાંધીજી માટે ‘સત્ય’ એ જ ઈશ્વર છે. એટલે જ તે ‘મરતાં પણ સત્ય ન છોડવંુ’ એમ કહી શકે છે. “ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ. પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.” એવી ગાંધીવાણી અજર-અમર જ રહેવાની અને તેની પ્રસ્તુતતા ક્યારે ય નહીં ઘટવાની.

ગાંધીજીએ એમના એકાદશવ્રતમાં સત્યને પ્રથમ સ્થાન આપ્યું છે. આજે અંગત અને જાહેરજીવનમાં જ્યારે જૂઠની બોલબાલા હોય ત્યારે સત્યની પ્રતિષ્ઠા થવી ખૂબ જ જરૂરી છે.

અહિંસા : અનોખો ગાંધીવિચાર

જેનો સૂર્ય ક્યારે ય આથમવાનો નથી એવા બ્રિટિશ શાસનને ગાંધીજીએ, ‘સાબરમતીના સંતે’, ‘બિના ખડગ, બિના ઢાલ’ નમાવ્યું તેના મૂળમાં ગાંધીજીનો ‘અહિંસા’નો વિચાર રહ્યો છે. આપણા રાજકારણમાં, જાહેરજીવનમાં અરે સમગ્ર સ્વાતંત્ર્ય આંદોલનમાં ગાંધીજીએ અહિંસાના જોરે જ સફળતા મેળવવા ભાર મૂકેલો.

ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે.

દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે.

માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે. ”

ગાંધીજીની અહિંસા એ માત્ર વ્યક્તિગ આચરણનો મુદ્દો ન રહેતાં તે સામૂહિક આચરણનો મુદ્દો પણ બની શકે તેમ છે. ગાંધીજી તો હિંસા અને અહિંસાના દ્વંદ્વમાં અહિંસા જ વિજયી બને તેવું દૃઢપણે માનતા અને અહિંસક રાજ્ય કે અહિંસક સમાજરચના તે તેમનું સ્વપ્ન હતું. જો ‘અહિંસા’નો એક મૂલ્ય તરીકે વ્યક્તિગત જીવનમાં સ્વીકાર થાય તો તે રાષ્ટ્રીય મૂલ્ય પણ આપોઆપ બની શકે.

ગાંધીજીએ એમના અહિંસાના બળે તો ભારત વિભાજન વખતની કોમી આગને ઠારી હતી, નોઆખાલીમાં ગાંધીજીનંુ એક વ્યક્તિનંુ લશ્કર જે કરી શક્યું તે હજારોનું શસ્ત્રબદ્ધ સૈન્ય પણ ન કરી શક્યું, અહીં જ ગાંધીજીની અહિંસાની તાકાત દેખાઈ હતી.

જ્યાં સુધી ગાંધીજીની અહિંસાનો સવાલ છે તેઓ ડરપોક કે નામર્દ સમાજ પણ ઇચ્છતા નહોતા. તેમણે નામર્દાઈ અને હિંસામાંથી પસંદગી કરવાની આવે તો પોતે હિંસાની જ પસંદગી કરશે એમ સ્પષ્ટ જણાવ્યું હતું. સ્વમાન ખાતર, સ્વાભિમાન ખાતર તે માયકાંગલું બનીને, હાથ જોડીને ઊભું રહે તેવું રાષ્ટ્ર પસંદ નહોતા કરતા; પણ ઇજ્જતની રક્ષા ખાતર હથિયાર ઉઠાવે તે વાતની તરફેણ કરતા હતા. જો કે આજની સરકારો જે રીતે પડોશી દેશો સાથે કાયમ સાવધાનની મુદ્રામાં જ રહે છે અને જંગી સંરક્ષણ બજટે ફાળવે છે ત્યારે ગાંધીજીની અહિંસા કસોટીની સરાણે છે.

સાધનશુદ્ધિ : દૂજો ન કોઈ

ગાંધીજી માટે સાધ્ય જેટલંુ જ મહત્ત્વ સાધનનંુ પણ હતું. ગાંધીવિચારનો અર્ક આ સાધનશુદ્ધિના ખ્યાલમાં રહેલો છે. જ્યારે અસહકારનંુ આંદોલન એની ચરમસીમાએ હોય ત્યારે ચૌરીચૌરામાં સિપાઈને જીવતા જલાવી દેવાનું કૃત્ય લોકો આચરે તે ગાંધીજી સહન કરી શક્યા નહોતા. તમામ દેશનેતાઓની વિનંતી છતાં તેમણે ચૌરીચૌરાની હિંસાને માફ કરી નહોતી અને આંદોલન મોકૂફ રાખી દીધું હતું. સાધનશુદ્ધિ માટેનો ગાંધીજીનો અણિશુદ્ધ આગ્રહ તેમનાં આ પગલાંમાં દેખાય છે.

ગાંધીજી સિદ્ધિ કરતાં સાધનને વધુ મહત્ત્વ આપતા હતા અને સિદ્ધિ પર નહીં સાધન પર માનવીનો અંકુશ છે એટલે તે તો શુદ્ધ જ હોવાં જોઈએ તેમ માનતા હતા. આઝાદીનું આંદોલન ચૌરીચૌરીના મોટા બનાવ ઉપરાંત અનેક નાની-મોટી સાધનશુદ્ધિના અભાવથી ભળેલું હતું જ. પણ ગાંધીજીના વિરાટ વ્યક્તિત્ત્વ થકી તે ઢંકાયેલું રહ્યું કે પછી ગાંધીજીને જાણ થતાં તેનો સ્વી કાર થઈ શક્યો.

એકાદશવ્રત : ગાંધીવિચારનો અનોખો અધ્યાય

આપણી શાળા-કૉલેજોમાં ગાંધીના એકાદશવ્રતને રોજની પ્રાર્થનાઓમાં સ્થાન મળ્યું છે. પણ એ એકાદશવ્રત જાણે કે ઠાલંુ રટણ જ રહ્યું છે અને તેના અમલ માટે ભાગ્યે જ આપણે સજાગ હોઈએ છીએ.

ગાંધીજીનાં અગિયાર વ્રતો ગાંધીવિચારના આચરણની ગુરુચાવી છે. તેમનાં આ વ્રતો પાછળ તેઓ ધર્મઆધ્યાત્મનંુ બળ પણ ઉમેરે છે. સત્ય-અહિંસા જેવાં મૂલ્યોની સાથે જ ગાંધીજીને બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્વાદ, અભય જેવાં મૂલ્યો પણ સ્થાપવાં છે. તેઓ વ્યક્તિગત જીવન અને જાહેરજીવન બંનેમાં સર્વધર્મસમભાવ, આભડછેટનો વિરોધ, સ્વદેશી જેવાં વ્રતોનો માત્ર મહિમા જ નથી કરતા તેના આચરણના રસ્તા પણ શીખવાડે છે. આ વ્રતો અને તેમના અન્ય વિચારોના અમલ માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો ઘડી કાઢ્યા હતા. ગાંધીજી તેમના રચનાત્મક કાર્યક્રમોને તેમના આઝાદી આંદોલનની રાજકીય લડત જેટલંુ જ મહત્ત્વ આપતા હતા. ગાંધીજીના વિચારોના જ પ્રતાપે ભારતમાં રાજકીય લડતોની સાથે જ સમાજ-સુધારણાનાં આંદોલનો પણ ચાલ્યાં. આજની સરકારો અને રાજકીય પક્ષો સામાજિક સુધારણા માટેના કાયદાઓ ઘડીને બેસી રહે છે. પણ ગાંધીજીને કાયદા ઉપરાંત સમાજ-સુધારણાના આંદોલનમાં પણ રસ હતો; અને તેઓ તેમના સમાજસુધારણાનાં આંદોલનો થકી વ્યક્તિના માનસપલટામાં માનતા હતા.

ગાંધીજીના આર્થિક વિચારો

જ્યારે દુનિયામાં નવી અર્થનીતિ છવાયેલી હોય અને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણની બોલબાલા હોય ત્યારે ગાંધીજીનું અર્થશાસ્ત્ર કેટલું સાર્થક બની રહે તે પ્રશ્ન ગાંધીવિચારોની પ્રસ્તુતતામાં સૌથી મોટો છે. ગાંધીજીએ તેમના અર્થકારણને ગ્રામકેન્દ્રી કે માનવકેન્દ્રી બનાવ્યું હતું. મોટા અને ભારે ઉદ્યોગો કે યંત્રોના વધુ પડતાવપરાશના તેઓ વિરોધી હતા. 

ગાંધીજીના આર્થિક વિચારોમાં સ્વદેશી ગ્રામોદ્યોગો, ટ્રસ્ટીશિપ, વિકેન્દ્રીકરણ જેવી બાબતો પ્રમુખ છે.

અંગ્રેજોની સામે લડત કરવા તેમણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકારનું શસ્ત્ર અજમાવ્યું હતું. પણ આઝાદ ભારતમાં અને નવી અર્થનીતિમાં અને દુનિયા જ્યારે ગ્લોબલ વિલેજ બની ગઈ હોય ત્યારે ગાંધીનો સ્વદેશીનો ખ્યાલ કોઈને સરળતાથી ગળે ન ઉતરે તેવો છે. જો કે આજે ગાંધીજીના સ્વદેશીના વિચારને કોઈ સંકુચિત દૃષ્ટિથી ન વિચારતાં દેશહિત અને આંતરરાષ્ટ્રીયતાના સંદર્ભે પણ વિચારવો જોઈએ. જે અનાજ, ચીજવસ્તુઓ દેશમાં પાકતી હોય અને દેશ-જનતા તેનો અભાવ વેઠતી હોય તે ચીજવસ્તુઓ થોડા ડૉલર-પાઉન્ડના માટે વિદેશ ભેગી થાય તેવી નિકાસ ચલાવી ન લેવાય. એ જ રીતે દેશની ઉત્તમ ચીજવસ્તુ, અનાજ, પરદેશ ભેગું કરાય અને વિદેશોની ઊતરતી વસ્તુઓ દેશમાં પધરાવાય તેવી આયાતો પણ ન ચાલે. એટલું સાફ સત્ય જો સમજાય તો પછી ગાંધીજીના સ્વદેશીનો ખ્યાલ પણ આપોઆપ સમજાઈ જશે.

ગાંધીજીને યંત્રોના વિરોધી માનવામાં આવે છે પણ સાવ એવું નથી. એપેન્ડિક્સ થયું ત્યારે કુદરતી ઉપચાર અજમાવવાને બદલે હોસ્પિટલ ભેગા થઈ ઓપરેશન કરાવનાર ગાંધી નવી ટેકનિક કે આધુનિક જ્ઞાન અને યંત્રસામગ્રીના વિરોધી હરગિઝ ન હોઈ શકે. તેઓ કરોડો હાથ બેકાર હોય ત્યારે યંત્રોથી થોડાક લોકોને રોજી મળે અને બેકારી યથાવત્ રહે તેવાં યંત્રોના બેફામ ઉપયોગના વિરોધી હતા. ગાંધીના જ પ્રતાપે આપણે ત્યાં નાના અને મધ્યમ ઉદ્યોગો વિકસ્યા છે.

રેંટિયો અને ખાદી પણ ગાંધીજીના આર્થિ ક વિચારોનું કેન્દ્ર છે, પણ ખાદીનો સંબંધ ગાદી સાથે સંકળાયો અને રેંટિયો દેખાડાનું પ્રતીક બની ગયો ત્યારથી આ બંને આર્થિક સાધનોએ તેમની પ્રસ્તુતતા ગુમાવી દીધી છે. આજે ખાદી એ શઠ રાજકારણીનો પોશાક બની છે અને રેંટિયો ગાંધીની પાઠશાળાઓનો ક્રિયાકાંડ બની રહ્યો છે. પણ ગાંધીજીએ આઝાદીની લડતમાં વિદેશી વસ્તુઓના ત્યાગ સાથે તેના વિકલ્પમાં રેંટિયો અને ખાદીને સફળતાપૂર્વ ક અજમાવ્યા હતા.

ગાંધીજીના આર્થિક વિચારની અન્ય એક મહત્ત્વની બાબત તે તેમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે. ગાંધીજી શ્રમિકોના પરિશ્રમથી પેદા થતો નફો માલિકના એશઆરામ માટે વપરાય તે સ્વીકારી શકતા નહોતા. એટલે તેમણે માલિકોને તેઓ જેમ કુટુંબના તેમ વેપાર-ઉદ્યોગના માત્ર ટ્રસ્ટી કે વાલી છે તેવંુ વલણ દાખવવા જણાવ્યું હતંુ. ગાંધીજી તેમના આ વાલીપણાના સિદ્ધાંત દ્વારા માલિકોના મનમાં રહેલો મજૂરો પ્રત્યે તો દીનભાવ તો દૂર કરવા માગતા જ હતા. પણ સાથે સાથે માલિકોને પણ તેમનું સ્થાન બતાવી દેવા માગતા હતા. ગાંધીજીનો આ વિચાર બહુ વ્યવહારુ અને અમલી બની શક્યો નહીં પણ તેથી તેનું મહત્ત્વ જરા ય ઓછું આંકી શકાય તેવું નથી. ટ્રસ્ટીશિપ મારફતે ગાંધીજી આર્થિક સમાનતા સ્થાપી અહિંસક અર્થકારણ ફેલાવવા માગતા હતા. માલિકોને સંપત્તિના માલિક નહીં પણ માત્ર રખેવાળ માનવા તેમાં ગાધીજીમાં રહેલો ક્રાંતિ કારી સમાનતાશીલ દેખાય છે.

ગાંધીજી શરીરકામને કોઈ ઊતરતું મૂલ્ય માનતા નહોતા પણ તેમણે તેનો સવિશેષ મહિમા કર્યો છે. જ્યારે અર્થશાસ્ત્રના પ્રૉફેસર કૃપાલાની અધ્યાપકની નોકરી છોડી ગાંધીના ગુલામ બનવા આવે છે ત્યારે ગાંધી તેમને પહેલું કામ કસ્તૂરબા સાથે રસોડાનાં મોટા તપેલાં ઊંચકવાનંુ સોંપે છે. પાયખાનાની સફાઈથી માંડીને જાતમહેનતનંુ જે મહત્ત્વ ગાંધીજીએ આઝાદી આંદોલનમાં સ્થાપિત કરી આપ્યું હતું તે જો જળવાઈ રહ્યું હોત તો આજે જે નવો બેઠાડુ વર્ગ પેદા થયો છે તેમાંથી દેશમુક્ત થઈ શક્યો હોત.

આભડછેટ નાબૂદી : તાકીદની ગાંધીગીરી

આઝાદીના આંદોલનમાં ગાંધીજીએ ભારતના તમામ જાતિ, કોમ, ધર્મ, લિંગના લોકોને સાંકળ્યા હતા. તે દરમિયાન જ તેમને ભારતમાં પ્રવર્તતી આભડછેટની તીવ્રતાનો ખ્યાલ આવ્યો. ગાંધીજીએ તેમના એકાદશવ્રતમાં તેમ જ રચનાત્મક કાર્યક્રમોમાં આભડછેટની નાબૂદીનો કાર્ય ક્રમ સામેલ કર્યો. જો કે જેમ કૉંગ્રેસના સભ્ય થવા માટે ખાદી પહેરવી ફરજિયાત હતી તેમ આભડછેટમાં ન માનવંુ તે ફરજિયાત નહોતું. આજની વિકસતી દલિત ચેતનાને તેમાં ગાંધીજીની દિલચોરી કે વાણિયાગીરી દેખાય છે, પણ ગાંધીજીએ આઝાદી-આંદોલન વખતે ભારતની અસ્પૃશ્યતાનો પ્રશ્ન રાજકીય એજન્ડા પર મૂક્યો અને તેને સામાજિક ચળવળનું બળ પૂરું પાડ્યું તે બાબત નાનીસૂની નહોતી.

ભારત આઝાદ થયા બાદ તરત જ આભડછેટ નાબૂદીનો કાયદો ઘડાયો હતો (જો કે નિયમો બહુ મોડેથી બન્યા હતા) પણ હજુ ભારતમાંથી આભડછેટ ગઈ નથી. અનેક સમાજશાસ્ત્રીય અભ્યાસોએ દર્શાવ્યું છે કે ગ્રામીણ ભારતમાં હજુ ય આભડછેટ અકબંધ છે. એટલંુ જ નહીં સાર્વજનિક કે જાહેર સ્થળોએ તો આભડછેટ નાબૂદ થઈ તેવંુ મનાતંુ રહ્યું છે ત્યારે કેટલાક અભ્યાસ તો એમ કહે છે કે દેશના ગ્રામ્ય-વિસ્તારની 25 ટકા પોલીસ ચોકીઓમાં હજુ પણ દલિતો પ્રવેશ કરી શકતા નથી. આભડછેટ નાબૂદીનંુ ગાંધીજીનંુ કાર્ય કેટલંુ દોહ્યલંુ છે તે આ હકીકત પરથી જણાઈ આવે છે.  

દલિતોની અલગ મતાધિકારની માગણી, ને સામે ગાંધીજીનાં આમરણ અનશન, આંબેડકર સાથેના પૂનાકરાર અને રાજકીય અનામતોનો સ્વીકાર જેવી બાબતો વિશે વિચારતાં ગાંધીજીએ તેમના સમયમાં દલિતોના પ્રશ્ને દાખવેલી તત્પરતા અને નિસબત આજે કેટલી ઓછી થઈ ગઈ છે તે સમજાય છે.

ધર્મ અને રાજકારણ : નવી દિશાનો ગાંધીવિચાર

ગાંધીજીએ એમના સત્ય અને અહિંસા જેવા આધ્યાત્મિક વિચારોનું રાજકારણમાં પાલન કરાવીને રાજકારણને એક નવી દિશા આપી હતી. આભડછેટ જેવા શુદ્ધ ધાર્મિક કલંકને તેમણે વખોડ્યું હતંુ તો ધર્મ અને રાજકારણની ભેળસેળ થવા દીધી નહોતી. ગાંધીજીએ રાજકારણનું ધાર્મિકીકરણ ન કર્યું તેમ ધર્મનાં ખાસ તત્ત્વોને રાજકારણમાં જોડીને તેને ઊર્ધ્વ કરવા પ્રયત્નો કર્યા છે. અસત્ય અને સાઠમારીના ક્ષેત્ર ગણાતા કે શેતાનોનું ધામ ગણાતાં રાજકારણને ગાંધીજીએ એક પવિત્ર અને સાધનશુદ્ધ બનાવ્યું હતું.

ગાંધીવિચાર : પ્રસ્તુત જ નહીં, ગતિશીલ પણ

એકવીસમી સદીના બીજા દાયકે ગાંધી દોઢસોના દિવસોમાં ઊભા રહી જ્યારે ગાંધીવિચારની પ્રસ્તુતતા વિશે વિચારીએ છીએ ત્યારે તે પ્રસ્તુત જ નહીં, ગતિશીલ પણ લાગે છે. ‘હંુ સૌથી મોટો સામ્યવાદી છું’ એમ કહેનાર ગાંધીજીએ માર્ક્સ કરતાં એ રીતે આગળનું વિચાર્યું હતું કે ગાંધીજી અને માર્ક્સ બંને સંપત્તિની સમાન વહેંચણી, સંસાધનોની સમાન વહેંચણીમાં તો માનતા જ હતા, પણ માર્ક્સ રાજ્યને સર્વોચ્ચ અને નિરંકુશ માનતા હતા, જ્યારે ગાંધીજી સઘળી સત્તા રાજ્યના હાથમાં રહે તેમ ઇચ્છતા નહોતા. એ રીતે તેઓ શ્રમિકોના નિરંકુશ રાજ્ય શાસનના માર્ક્સના વિચારથી જુદા પડતા હતા. આજે જે રીતે ‘રાજ્ય’ નામનંુ તત્ત્વ હાવી થઈ રહ્યું છે અને તેની નિ રંકુશતા જણાઈ આવે છે તે જોતાં ગાંધીજી રાજ્યને કઈ રીતે અંકુશમાં રાખવા માગતા હતા તે દેખાય છે.

ગાંધીજી સતત વિચારનારા અને વિચારમાં પણ ફેરફાર આણનારા હતા. તેઓ લોકશાહીના પ્રબળ સમર્થક હતા, પણ રાજ્યની સત્તા ઓછી કરવામાં માનતા હતા. તેઓ વિકેન્દ્રીકરણના પ્રખર હિમાયતી હતા. તેઓ ધનસત્તા અને રાજ્યસત્તા બંને કેન્દ્રીત રહે તેમ ઇચ્છતા નહોતા. વૈચારિક પરિવર્તન કે વિચારોની ગતિશીલતા એ હદની હતી કે, કૉંગ્રેસનું વિસર્જન કરી તેઓ તેને રાજકીય પક્ષને બદલે લોકસેવક સંઘમાં રૂપાંતરિત કરવા માંગતા હતા. જો તેમ થઈ શક્યું હોત તો આજે દેશનો ઇતિહાસ જુદો હોત.

હિંદુ-મુસ્લિમ પ્રશ્ન એટલે સર્વ ધર્મ સમભાવ. એ ગાંધીજીના વિચારનો અને તેમના રચનાત્મક કાર્ય ક્રમોનો કસોટી કરનારો મુદ્દો હતો. આજના સમયમાં ગાંધીજીનો સર્વ ધર્મ સમભાવનો વિચાર જરૂર વધુ તીવ્રપણે પ્રસ્તુત લાગે છે. જે મુદ્દે દેશના રાષ્ટ્રપિતાની હત્યા થઈ તે મુદ્દો એટલે કે સર્વ ધર્મ સમભાવ હજુ આ દેશમાં પૂર્ણપણે પ્રગટી શક્યો નથી તે આ દેશની કમનસીબી છે.

ગાંધીજીના દારૂબંધી કે બ્રહ્મચર્ય જેવા  વિચારોની પણ લગભગ એવી જ હાલત છે. આધ્રં કે ઉત્તરાંચલમાં ક્યાંક દારૂબંધીના આંદોલનો થયાં છે કે ગુજરાતમાં ગાંધીની શરમે નબળી દારૂબંધી અમલી છે અને બિહારે અંશત: દારૂબંધી સ્વીકારી છે પણ દેશમાં વ્યાપક શરાબબંધી થઈ શકી નથી. એ જ રીતે ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો સંતતિનિયમનના વ્યાપક સરકારી પ્રચારમાં ક્યાંક દબાઈ ગયા છે. આ દેશ અને દુનિયાની ભાગ્યે જ એવી કોઈ સમસ્યા હશે જેના વિશે ગાંધીજીએ લખ્યું ન હોય, વિચાર્યું ન હોય કે તે જાહેરમાં તે વિશે બોલ્યા ન હોય. આતંકવાદ અને ત્રાસવાદના આ જમાનામાં ગાંધીજીની અહિંસા જ એક માત્ર ઉપાય છે એવી નોબેલ પુરસ્કૃતોની અરજ કેટલી સાચી હશે!

સ્ત્રી-પુરુષ સમાનતાના ગાંધીજી મોટા પુરસ્કર્તા હતા. આઝાદી આંદોલનમાં તેમણે સ્ત્રીઓને મોટા પાયે સાંકળી હતી. આજે દેશમાં સ્ત્રી અનામતના મુદ્દે રાજકારણ ખેલાતંુ રહ્યું છે ત્યારે ગાંધીજીએ એમના સમાજસુધારાનાં આંદોલનો અને જાહેરજીવનમાં જે રીતે સમાજના સઘળા વર્ગોની સ્ત્રીઓને સામેલ કરી તે તેમને આર્ષદૃષ્ટા પુરવાર કરે છે.

આપણા દેશમાં જો કોઈ એક ક્ષેત્રમાં સૌથી વધુ બગાડ થયો હોય તો તે શિક્ષણ, આઝાદી પછી અક્ષરજ્ઞાન જરૂર વધ્યું છે, સાક્ષરતાદર પણ વધ્યો છે. પણ ગાંધીજીની પાયાની કેળવણી કે બુનિયાદી શિક્ષણનો અભાવ તીવ્રપણે વર્તાય છે. ગાંધીજી જીવનલક્ષી નઈ તાલીમને શિક્ષણનું માધ્યમ બનાવવા માગતા હતા. ઘણા ગાંધીવાદીઓ થાણાં નાંખીને બેઠા અને તે કામ કરી દેખાડ્યું; પણ આજે ગાંધીવિચાર કેન્દ્રી નઈ તાલીમના વળતાં પાણી છે. અંગ્રેજી શિક્ષણની બોલબાલા છે અને શિક્ષણના ભાગરૂપ શરીરશ્રમ ભુલાયો છે. પુસ્તકો અને દફતરથી લદાયેલાં ભૂલકાઓના ભાર વિનાના ભણતરની ઘણી વાતો થાય છે, પણ બાળકોનો શ્રમ સાથેનો, ભૂમિ સાથેનો નાતો સાવ જ તૂટી ગયો છે.

ગાંધીહત્યા પછી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ઉદ્ગા રો હતા, “આપણા જીવનમાંથી જ્યોતિ બુઝાઈ ગઈ છે. આપણા પ્રિય નેતા, જેને આપણે બાપુ કહેતા, તે આપણા રાષ્ટ્રપિતા આપણી વચ્ચે રહ્યા નથી. મેં કહ્યું કે જ્યોતિ બુઝાઈ ગઈ, પણ એ મારી ભૂલ હતી કારણ આ દેશમાં જે જ્યોતિ જલી હતી તે અસાધારણ જ્યોતિ હતી. ઘણાં વર્ષો સુધી જે જ્યોતિ આ દેશમાં જલી તે ઘણાં વર્ષો સુધી ઝળહળતી રહેશે અને હજાર વર્ષ પછી પણ એ જ્યોતિ આ દેશમાં દેખાશે અને દુનિયા એને જોશે. અને અસંખ્ય હૈયાને એ સાંત્વન આપશે.”

નેહરુની આ આશા ફળવતી બની રહે અને ગાંધીજીની અને ગાંધીવિચારોની પ્રસ્તુતતા ક્યારે ય ન મરો એવી આશા ગાંધી દોઢસોએ વધુ દૃઢ બનાવવાની જરૂર છે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ - 6; અંક - 10-11; અૉક્ટોબર - નવેમ્બર 2018; પૃષ્ઠ - 322 - 328

Category :- Gandhiana