ફ્રૅન્ચ કવિ શાર્લ બૉદ્લેરે પોતાની પ્રેમિકાને લખેલો પત્ર ૪ નવેમ્બર ૨૦૧૮-ના રોજ €2,34,000માં વેચાયો છે

સુમન શાહ
24-11-2018

બૉદ્લેરની એક પંક્તિ છે : પ્રેમમાં ગાફેલ નિદ્રાને મેં શોધી લીધી; પણ પ્રેમ તો કંટકોની શય્યા છે

શેક્સપીયર પછી બહુ થોડા સાહિત્યકારોનો વિશ્વ આખામાં પ્રભાવ પ્રસર્યો છે પણ એ સૌમાં બૉદ્લેરનું નામ હંમેશાં લેવાય છે

ગુજરાત સાહિત્ય અકાદમીના સામયિક "શબ્દસૃષ્ટિ"-નો દીપોત્સવી અંક (૨૦૧૮) તાજેતરમાં પ્રકાશિત થયો છે. એ, પત્ર-વિશેષાંક છે. અંક મને "વ્હૉટ્સઍપ" પર મળ્યો છે. બધા સાહિત્યકારોએ મુખ્યત્વે એ દર્શાવ્યું છે કે પત્રોનો પોતા પર કેવો પ્રભાવ પડ્યો અને એથી સાહિત્યલેખનની પોતાને કેવી તો પ્રેરણાઓ મળી. પંચાવનેક લેખોમાં રજૂ થયેલી સર્વસામાન્ય વાત એટલી જ છે પણ સૌએ દિલ ખોલીને માંડીને કરી છે. પ્રશસ્ય છે. જહેમત અને કાળજીથી થયેલા આ સમ્પાદનથી આપણે ત્યાંના દીપોત્સવી અંકોની પરમ્પરામાં એક સુન્દર મણકો ઉમેરાયો છે. અકાદમીને અભિનન્દન ઘટે છે. તેમ છતાં, એક વસ્તુ મારા ધ્યાનમાં ખાસ આવી કે મારા વ્હાલા એક પણ લેખકે પ્રેમપત્રની તો વાત જ નથી કરી ! અંક દળદાર પણ એમાં દિલ્લગી અને દિલદારીની વાત જ નથી ! મેં જવાબદાર વ્યક્તિને પૂછીને ખાતરી કરી; સાચો પડ્યો. કહે કે બે અપવાદ છે : એક તો, સુમન શાહે - મેં - લખેલા કાફ્કાના પત્રો વિશેના લેખમાં બે પ્રેમિકાઓ સાથેના કાફ્કાના પ્રેમની વાતો છે. અને, સુભાષ ભટ્ટના જિબ્રાનના પત્રો વિશેના લેખમાં કોઇ સન્નારીના પત્રની વાત છે.

શું એમાંના કોઇ લેખકને કોઇ જોડે પ્રેમ નહીં થયો હોય? એણે કોઇને પ્રેમપત્ર લખ્યો હોય કે કોઇએ એને લખ્યો હોય એવું નહીં બન્યું હોય? પ્રેમ નહીં તો પ્રેમ - જેવું સદ્ભાગ્ય તો હર કોઇને સાંપડતું હોય છે. શું એને ડર હશે કે પ્રેમની વાત કરવા જતાં સારસ્વત તરીકેની પોતાની છબિ અભડાઈ જશે? હા, જેમાં વ્યવહારુ વાતોનાં પિલ્લાં લપેટ્યાં હોય ને ભાષિક - સાહિત્યિક કશું સૌન્દર્ય ન હોય તો એવા રસહીન પત્રો પ્રેમપત્રો હોય તો પણ પત્રસાહિત્યમાં નકામા છે. એવા કારણે કોઇએ મૌન સેવ્યું હોય તો એ સમજદારીનું કામ છે. બીજું, પ્રેમપત્ર જેવી અત્યંત અંગત વસ્તુની જાહેરમાં વાત કરવાનું કોઇને ન ગમ્યું હોય તો એ પણ સમજદારીનું કામ છે. ભલે. જે હશે તે. પ્રેમપત્ર અંગેના એક રોમાંચક સમાચાર સાંભળો :

ફ્રૅન્ચ કવિ ચાર્લ્સ બૉદ્લેરે પોતાની પ્રેમિકાને લખેલો પત્ર ૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ એક હરાજીમાં €2,34,000માં વેચાયો છે ! Rs.19,339,466.94 ! પત્ર ૧૮૪૫ની ૩૦મી જૂને લખાયો છે. ત્યારે બૉદ્લેરની ઉમ્મર ૨૪ હતી. પ્રેમિકા હતી, Jeanne Duval -જિઅન્ન ડ્યુવૉલ.

બૉદ્લેરે લખ્યું છે : આ પત્ર તને મળશે ત્યારે હું મૃત્યુ પામ્યો હોઇશ. મારું જીવવું મને આકરું થઇ પડ્યું છે. ઊંઘ નથી આવતી. ઉજાગરાની પરેશાની મારાથી વેઠાતી નથી. હું આપઘાત કરું છું : તે દિવસે બૉદ્લેરે છાતીમાં કટાર હુલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો પણ સફળતા નહીં મળેલી. ત્યારે એમને એક સર્જક તરીકેની પોતાની શી ગુંજાઈશ છે તેની પણ ખબર ન્હૉતી. દેવું પણ થઇ ગયેલું. જન્મ ૧૮૨૧માં; માત્ર ૪૬-ની વયે ૧૮૬૭-માં મૃત્યુ. એમની એક પંક્તિ છે : પ્રેમમાં ગાફેલ નિદ્રાને મેં શોધી લીધી; પણ પ્રેમ તો કંટકોની શય્યા છે : બૉદ્લેર લૉ-નું ભણેલા. પણ કવિતાના 'લૉ' ભણીને અવતર્યા હશે ! વરણાગિયા હતા. દેવું કરીને ઘી પીતાં ખચકાતા નહીં. જાતને આશ્વાસન આપતા કે જોજે ને, કાલે - પરમદા'ડે તો પુરસ્કાર આવી જશે, વાંધો નહીં આવે. એમને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં સાહિત્યજગત તરફથી માન-સમ્માનનો અઢળક પુરસ્કાર મળવાનો'તો !

સાહિત્યકારોના પત્રોનો મહિમા સાહિત્યકારોના મહિમાને કારણે હોય છે. વિશ્વસાહિત્યના ભાવકોને ખબર છે, કવિ બૉદ્લેર કેવા તો મહાન હતા. અધ્યેતાઓ કહેતા હોય છે, સાહિત્યકલામાં આધુનિક સંવેદના અને દર્શનનાં કેટલાં ય મૂળ ખરેખર તો બૉદ્લેરમાં અનુભવાય છે. દેખીતું છે કે સામાન્ય લેખકનો પત્ર પણ સામાન્યપણે સામાન્ય જ હોય. એ મહિમામાં પ્રિયતમ કે પ્રિયા હોય એ વાતનો પણ મહિમા છે. આછીપાતળી ઓળખાણ થઇ હોય ને જાતે ને જાતે પ્રેરણામૂર્તિ ગણી લઇને લવારા કર્યા હોય તો એવા પત્રને તો સમજુ પ્રિયજન પોતે જ ફગાવી દે છે ! જિઅન્ન, બૉદ્લેરની કાવ્યસૃષ્ટિની જબરી મોટી પ્રેરણા હતી. હેઈતી છોડીને એ ફ્રાન્સ આવી ત્યારે ૧૮૪૨માં પહેલી વાર મળેલાં. ત્યારે બૉદ્લેર ૨૧-ના હતા. પછીના બે દાયકાનો સહવાસ તોફાની છતાં આનન્દમય હતો. જિઅન્નનું ફ્રૅન્ચ અને બ્લૅક-આફ્રિકન એમ મિશ્ર લોહી હતું. નૃત્યાંગના હતી. અભિનેત્રી હતી. એના મારફાડ પ્રેમથી ઘાયલ બૉદ્લેરને જિઅન્ન કામુક ભયાનકસુન્દર અને રહસ્યમયી નારીરત્ન લાગેલી. એને 'બ્લૅક વીનસ' કહેતા. બૉદ્લેરે જાતે જિઅન્નનું વ્યક્તિચિત્ર દોરેલું. પોતાનું પણ દોરેલું. પોતાનાં અનેક કાવ્યો જિઅન્નને અર્પણ કરેલાં - "ધ બાલ્કની" - "ઍક્ઝોટિક પરફ્યુમ" - "ધ હૅઅર" - "ડાન્સિન્ગ સર્પેન્ટ", વગેરે.

બૉદ્લેરે દોરેલું પોતાનું વ્યક્તિચિત્ર

જિઅન્નનું બૉદ્લેરે દોરેલું વ્યક્તિચિત્ર

૧૯-મી સદીના ઉત્તરાર્ધ લગીમાં ઔદ્યોગિક ક્રાન્તિ એની ચરમ સીમાએ પ્હૉંચી હતી. એના મહત્તમ પરિણામ રૂપે મહાનગરો પ્રગટેલાં. આધુનિક નગરસભ્યતાનો આવિષ્કાર થયેલો. બૉદ્લેર માનતા કે મહાનગરના જીવનઅનુભવો કલામાં જવાબદારીપૂર્વક વ્યક્ત થવા જોઇએ. એ દાયિત્વભાવ સંદર્ભે એમણે 'મૉડર્નિટી' શબ્દ ઘડી કાઢેલો. નીતિ-સદાચાર અને સભ્ય સમાજનાં ધોરણો ન સાચવતી સ્ત્રીઓ demi-monde વર્ગની ગણાતી, એટલે કે પૅરીસની વેશ્યાઓ. બૉદ્લેર પૅરીસના એ વિસ્તારોમાં જતા વિચરતા ને રોગ લઇ બેઠા'તા, છતાંપણ, તેમની વ્યથાઓ વિશે લખતા. બૉદ્લેરે પૅરીસને કવિતાનો વિષય બનાવીને ઘણું લખ્યું. એમનો જગવિખ્યાત કાવ્યસંગ્રહ છે, "ધ ફ્લાવર્સ ઑફ ઈવિલ". ફ્રૅન્ચ શીર્ષક છે, "Les Fleurs du Mal". (1853). mal એટલે દુરિત, fleurs એટલે ફ્લાવર્સ, પુષ્પો. ગુજરાતીમાં કહેવાય, "દુરિતનાં પુષ્પો". દુરિત એટલે ઘાતક દુષ્ટતા. એનાં તે કંઇ પુષ્પ હોય? બૉદ્લેરે એ બે સાવ ભિન્ન પદાર્થોને સાથેસાથે મૂકીને - જક્સ્ટાપોઝ કરીને - પોતાની લાક્ષણિક સર્જકતાનો પરચો આપેલો. રોમાન્ટિક કવિઓ પ્રકૃતિ-માં સૌન્દર્ય શોધતા'તા પણ બૉદ્લેરની સર્જકતાએ દર્શાવ્યું કે 'દુરિત' પણ સુન્દર છે. નગરનું સઘળું રુગ્ણ અને કદર્ય પણ સુન્દર છે. ત્યારથી, સૌન્દર્યની ચીલાચાલુ પરિભાષા જ બદલાઈ ગઈ.

શેક્સપીયર પછી બહુ થોડા સાહિત્યકારોનો વિશ્વ આખામાં પ્રભાવ પ્રસર્યો છે પણ એ સૌમાં બૉદ્લેરનું નામ હંમેશાં લેવાય છે. આપણે ત્યાં નિરંજન ભગતે બૉદ્લેરના પ્રભાવ હેઠળ "પ્રવાલદ્વીપ" રચ્યું, જેમાં વિષયવસ્તુ મુમ્બઇ છે. વરસો પર મેં "સુજોસાફો"ના ઉપક્રમે બૉદ્લેર વિશે બે-દિવસીય પરિસંવાદ યોજેલો. નિરંજન ભગત સહિતના સૌ વિદ્વાનોએ વ્યાખ્યાનો આપેલાં. એ મૂલ્યવાન વ્યાખ્યાનો પ્રકાશિત થઇ શક્યાં નહીં એ વાતનો અફસોસ છે.

૧ : પ્રેમ થયો હોય તો મિલનનાં સુખ કે વિરહની પીડા વ્યક્ત કરતા પ્રેમપત્રો પ્રગટે, ને તો એનો સાહિત્યલેખન પર નિર્ણાયક પ્રભાવ પણ પ્રગટે, ને તો એવા પત્રોનું જાહેરમાં પ્રકાશન અને વાચન લેખે પણ લાગે : ૨ : સર્જનમાં જીવનના મહાન પરિબળ પ્રેમની સમજપૂર્વકની સ્થાપના થઇ હોય તો એની આજુબાજુ, સત્ય સહિષ્ણુતા સમાનતા સમરસતા કરુણા કે ન-નિવાર્ય મૃત્યુ જેવાં બીજાં પરિબળો આવીને આપોઆપ ગોઠવાઈ જાય છે : ૩ : રતિ હશે તો એની સાથે ઉત્સાહ ઈર્ષા ક્રોધ શોક વગેરે ભાવો પણ ખીલી ઊઠશે. પ્રેમ ગેરહાજર હોય એવા સાહિત્યમાં કશો દમ નથી હોતો. એમાં, રસરાજ શૃંગાર સિદ્ધ કરનારી સર્જકતાની તો વાત જ કેવી ! : ૪ : જીવનની સપાટી પર છબછબિયાં કરતું સહેલુંસટ સાહિત્ય સાવ પ્રાથમિક હોય છે. જરૂરી છે કે આ ૪ સત્યોને ઝટ આત્મસાત્ કરીએ.

= = =

"સાહિત્ય સાહિત્ય" : (સળંગ) લેખ ક્રમાંક : 221 : તારીખ ૨૪/૧૧/૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2219516998079201

Category :- Opinion / Literature