કૉન્ગ્રેસ નામનું ટકી રહેલું ઘાસ કામનું છે; ગેર-ભા.જ.પ.વાદ માટે આનો ખપ છે. એ ઘાસ ગમે ત્યારે પાછું કોળાઈ શકે છે; ગેર-ભા.જ.પ.વાદ માટે બાધારૂપ છે

રમેશ ઓઝા
07-11-2018

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ વિરોધ પક્ષો એકતા સાધવાના કામે લાગી ગયા છે. ભારતીય રાજકારણનું આ સ્થાયી તત્ત્વ છે. જ્યારે દેશમાં કૉન્ગ્રેસનું એકચક્રી શાસન હતું ત્યારે આની શરૂઆત થઈ હતી. ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં પરાજય પછી તરત જ સમાજવાદી પક્ષ અને આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પાર્ટીનું વિલીનીકરણ થયું હતું અને પ્રજા સમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વભાવત: સમાજવાદીઓ સાથે રહી ન શકે એટલે એમાં વિભાજન થયું અને સમવિચારી પક્ષોનું વિલીનીકરણ કે એકતાનો અંત આવી ગયો.

એની વચ્ચે ૧૯૫૭ અને ૧૯૬૨માં કૉન્ગ્રેસનો ભવ્ય વિજય થયો અથવા વિરોધ પક્ષોનો કારમો પરાજય થયો એ પછી તો વિરોધ પક્ષોની, ખાસ કરીને સમાજવાદીઓની હતાશાની કોઈ સીમા રહી નહોતી. સમવિચારી જ શા માટે? વિષમવિચારી પક્ષો વચ્ચે પણ કેમ ચૂંટણીજોડાણ ન થાય? ડૉ. રામ મનોહર લોહિયાએ આ થિયરી રાખી હતી જેને ગેર-કૉન્ગ્રેસવાદ તરીકે ઓળખાવવામાં આવતો હતો. વિષમવિચારી પક્ષો વચ્ચે જોડાણ કરવું હોય અને તેમાં પણ ફાસિસ્ટ વિચારધારામાં માનતા ભારતીય જનસંઘને સાથે લેવો હોય તો દેખીતી રીતે કૉન્ગ્રેસનું સત્તામાં હોવું એ ફાસિવાદના હોવા કરતાં વધારે ખતરનાક છે, એમ બતાવવું પડે. ડૉક્ટરસાહેબે એ જવાબદારી ઉઠાવી લીધી હતી. સિદ્ધાંતવિહોણા સમાધાનકારી રાજકારણ અને ખાસ પ્રકારની વિચારધારા આધારિત રાજકારણમાં જમીન-આસમાનનો ફેર છે, એ ત્યારે કૉન્ગ્રેસ સામેના પ્રચંડ રોષના કારણે ધ્યાનમાં આવ્યું નહોતું. આ લખનારને પણ ધ્યાનમાં આવ્યું નહોતું એની આજ કબૂલાત કરવી જોઈએ.

સમાજવાદીઓએ અને પ્રગતિશીલ ઉદારમતવાદી સેકયુલરિસ્ટોએ હોંશેહોંશે ફસિવાદીઓની પાલખી ઉઠાવી હતી. કૉન્ગ્રેસ સામેનો રોષ હતો અને રોષ હોવા માટેનાં વાજબી કારણ પણ હતાં. કૉન્ગ્રેસીઓની ચરબીના થર કાંઈ ઓછા નહોતા. પરિણામે સમાજવાદીઓ અને બીજા સેક્યુલર પક્ષોની સાથે અને તેમની કંપનીમાં ધીરે-ધીરે ફાસિસ્ટ તત્ત્વોને અને તેમના રાજકીય પક્ષ ભારતીય જન સંઘને (એ પછી બી.જે.પી.ને) સમાજમાં આદર મળવા લાગ્યો અને રાજકીય કદ પણ વધવા લાગ્યું. જેને કોઈ ચીપિયાથી પણ અડતું નહોતું, એવા અછૂત મનાતા જન સંઘના નેતાઓ વિપક્ષી રેલીઓમાં રામલીલા મેદાનમાં અને અન્યત્ર દિગ્ગજ વિપક્ષી નેતાઓ સાથે નજરે પડવા લાગ્યા.

આજે કૉન્ગ્રેસ ફેંકાઈ ગઈ છે, અને કૉન્ગ્રેસની જગ્યા બી.જે.પી.એ લઈ લીધી છે. જેમણે બી.જે.પી.ને સિંહાસન સુધી પહોંચાડી. એ સમાજવાદી કૂળના તેમ જ કૉન્ગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને તેમના રાજકીય પક્ષો હવે બી.જે.પી.ને સિંહાસન પરથી ઉતારવાના કામે લાગ્યા છે. ત્યારે ગેર-કૉન્ગ્રેસવાદ હતો તો આજે ગેર-ભા.જ.પ.વાદ છે. ગેર-કૉન્ગ્રેસવાદ વખતે જન સંઘનું શું કરવું, એ પ્રશ્ન હતો તો આજે ગેર-ભા.જ.પ.વાદમાં કૉન્ગ્રેસનું શું કરવું એ પ્રશ્ન છે. ત્રણ ફરક છે; ત્યારે ગેર-કૉન્ગ્રેસવાદ માટેની ઠીકઠીક પ્રમાણમાં ગળે ઊતરે એવી એક થિસીસ ડૉ. લોહિયાએ વિકસાવી હતી, જે અત્યારે ગેર-ભા.જ.પ.વાદ માટે હજુ તૈયાર થઈ નથી. બીજો અને મોટો ફરક એ છે કે ત્યારે જન સંઘ તેની વિચારધારાને કારણે અછૂત હતો, જ્યારે કૉન્ગ્રેસ તેની વિચારધારાના કારણે અછૂત નથી. ત્રીજો મોટો ફરક એ છે કે ત્યારે વિરોધ પક્ષો હજુ અજમાવાયેલા નહોતા, એટલે બધા પવિત્ર ગાય જેવા હતા. કૉન્ગ્રેસીઓ ઠગ અને વિપક્ષી નેતા દેશભક્ત મૂલ્યનિષ્ઠ. આજે ભારતમાં કોઈ પણ નેતા આવી આબરૂ ધરાવતો નથી. તેમનો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ લોકોની સામે છે.

ફાસિવાદ કરતાં કૉન્ગ્રેસ દેશ માટે વધારે મોટું દૂષણ છે, એ સાબિત કરવા માટે ડૉ. લોહિયાએ શીર્ષાસન કરવું પડ્યું હતું. દેખીતા ઉત્તરને ગળે ઊતરે એ રીતે ઉલટાવવો અને જે દેખીતો ઉત્તર ન હોય એને સ્થાપવો એ અઘરું કામ છે. એ તો ડૉ. લોહિયા મેધાવી માણસ હતા અને કૉન્ગ્રેસ માટે ઠાંસીઠાંસીને નફરત ભરી હતી એટલે કરી શક્યા હતા. પણ એ ન ભૂલવું જોઈએ કે ડૉ. લોહિયાની ગેર-કૉન્ગ્રેસવાદની કાચી અને અનેક છિદ્રોવાળી થિસીસને માન્યતા મળી એનું કારણ તેઓ સત્તાની બહાર હતા અને અજમાવાયેલા નહોતા એ હતું. સમાજવાદીઓનું નામ પડે અને લોકોના મનમાં આદર પેદા થતો (પછી ભલે મત ન આપે) અને જનસંઘીઓ માર્ગ ભૂલેલા પણ દેશભક્તો લાગતા હતા.

આદરણીય સમાજવાદીઓએ અને અસંતુષ્ટ કૉન્ગ્રેસીઓએ મળીને માર્ગ ભૂલેલા દેશપ્રેમીઓને સત્તા સુધી પહોંચાડી દીધા. નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી જેમના મનમાં રહી સહી શંકા હતી, તેમને પણ ખાતરી થઈ ગઈ કે આ માર્ગ ભૂલેલા નથી, પરંતુ પોતાના માર્ગને વરેલા ફાસિવાદીઓ છે. એવું નથી કે આ બ્રહ્મજ્ઞાન પહેલી વખત થયું છે. જવાહરલાલ નેહરુ, વિનોબા ભાવે અને બીજા અનેક લોકોએ આવું કહ્યું હતું અને ચેતવણી આપી હતી. એટલે તો વિનોબા ભાવેએ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા બિહાર અંદોલનનો વિરોધ કર્યો હતો. જે લોકોની રાષ્ટ્રની કલ્પના જ આપણી સહિયારા રાષ્ટ્રની સહિયારી કલ્પના કરતાં સાવ જુદી હોય, એ હમસફર કઈ રીતે બની શકે? જવાહરલાલ નેહરુએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને પૂછ્યું હતું.

તો વાત એમ છે કે વિરોધ પક્ષોની ત્યારે આબરુ અકબંધ હતી એટલે ડૉ. લોહિયા અઘરી થિસીસ આસાનીથી તૈયાર કરી શક્યા હતા અને અત્યારે આબરુ રહી નથી એટલે ગેર-ભા.જ.પ.વાદની સાવ સરળ થિસીસ અઘરી પડી રહી છે. આની વચ્ચે કૉન્ગ્રેસ છે; હારેલી, થાકેલી, કરેલાં પાપોનો બોજ ઢસડનારી અને ૨૦૧૪માં ફેંકાઈ ગયેલી. આમ છતાં એ કૉન્ગ્રેસ છે. આસેતુ હિમાલય ભલે ઘાસરૂપે, પણ અસ્તિત્વ ધરાવનારી. ભારતમાં એવી એક ઇંચ ભૂમિ નથી જ્યાં કૉન્ગ્રેસ જમીનને બાધેલા અને ટકી રહેલા ઘાસ સ્વરૂપે અસ્તિત્વ ન ધરાવતી હોય. એ ઘાસ કામનું છે. ગેર-ભા.જ.પ.વાદ માટે આનો ખપ છે. એ ઘાસ ગમે ત્યારે પાછું કોળાઈ શકે છે. ગેર-ભા.જ.પ.વાદ માટે બાધારૂપ છે. પાંચ દાયકા પહેલા< જનસંઘનો ડર નહોતો; કારણ કે દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સિવાય બીજા કોઈ રાજ્યમાં જનસંઘનું કોઈ અસ્તિત્વ જ નહોતું. ડૉ. લોહિયા આને કારણે અઘરી થિસીસ તૈયાર કરી શક્યા હતા. આની સામે કૉન્ગ્રેસનો ડર છે, કારણ કે કૉન્ગ્રેસ છેવટે ભાંગ્યું તો ય ભરૂચ છે. આને કારણે આસાન થિસીસ અઘરી પડી રહી છે.

કર્ણાટકની પેટા-ચૂંટણીનાં પરિણામો પણ આવી ગયાં છે એની વચ્ચે વિપક્ષી એકતાની વધુ વાત આવતીકાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 નવેમ્બર 2018

Category :- Opinion / Opinion