સડેડાટ

રમણીક અગ્રાવત
01-11-2018

વીતેલા ચોવીસ કલાકમાં
હું
મારી પાસે કેટલી મિનિટ થોભ્યો?
આમ મને ભીડમાં ઊભેલો જોઉં અલપઝલપ
અને વીતી જાઉં છું ...

અવાજો તો ઘણા હતા,
કોઈ સ્વર ખાસ યાદ નથી.
આંખ આગળથી ઘણું થયું પસાર,
કોઈ પણ દૃશ્ય મને કેમ અડ્યું નહીં?
સ્વાદની વચ્ચોવચ્ચ રહીને જ ખાદ્યો
પરબારાં હાજરીમાં!

સાવ ખાલીખમ ધોરીમાર્ગ જેવી મનોભૂમિમાં
નકરા થાકના ભણકાર.

નર્મદાનગર, જિ. ભરૂચ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 20

Category :- Poetry