‘અ ગુરુ નેવર ડાઈઝ’

દીપક મહેતા
30-10-2018

પત્રને મથાળે તારીખ લખી છે: ૨૩:૧૦:૭૮. આજથી બરાબર ચાલીસ વર્ષ પહેલાંનો પત્ર. એ જમાનામાં પત્રો લખાતા, ટપાલમાં આવે તેની રાહ જોવાતી, આવે એટલે વંચાતા, ઘણી વાર તો એક કરતાં વધારે વાર વંચાતા. વાંચ્યા પછી જવાબ લખાતો. અને જો કોઈ મોંઘેરો, મહત્ત્વનો, મનમાં વસી જાય એવો પત્ર હોય તો જતનથી જળવાતો, વર્ષો સુધી. પણ હવે તો છેલ્લો પત્ર ક્યારે મળેલો કે લખેલો એ સવાલનો જવાબ આપવાનું સહેલું નથી રહ્યું. હવે તો ઈન્સ્ટન્ટ કોમ્યુિનકેશન(તાત્કાલિક પ્રત્યાયન)નો જમાનો છે. ઈમેલ, એસ.એમ.એસ., અને વોટ્સએપ આંગળીવગાં હોય પછી પત્ર લખવાની કે વાંચવાની ફુરસદ કોને છે? અને જરૂર પણ કોને લાગે છે?

પણ પત્રોનો જમાનો હતો ત્યારે પણ લખેલા કે આવેલા પત્રો સાચવવાની આ લખનારને ટેવ નહોતી. અપવાદ રૂપે ત્રણ પત્રો આજ સુધી સાચવી રાખ્યા છે. તેમાંનો એક તે આ ચાલીસ વર્ષ પહેલાં લખાયેલો પત્ર. લખનાર, મનસુખલાલ ઝવેરી, આપણી ભાષાના એક અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક, પ્રભાવક વક્તા, ઉત્તમ અધ્યાપક. પણ મારે મન સૌથી મોટી વાત તો એ કે મનસુખભાઈ મારા ગુરુ. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમની પાસે ભણવાનો લાભ મળ્યો. અને પછી મુંબઈની સોમૈયા કોલેજમાં હું ૧૯૬૩માં લેકચરર તરીકે જોડાયો ત્યારે એક વર્ષ માટે મનસુખભાઈ મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. અગાઉ અધ્યયન માટે તેમણે મારી આંગળી પકડીને મને દોરેલો, પછી અધ્યાપન માટે. ૧૯૯૫માં કેનેડિયન સાઈડ પરથી નાયગરાનો ધોધ જોયો ત્યારે મનસુખભાઈ યાદ આવેલા. ધોધને સંસ્કૃતમાં પ્રપાત કહે છે. મનસુખભાઈ એટલે પ્રપાત – પ્રેમનો, ક્રોધનો, વાણીનો, વિરોધનો, અક્ષરનો, આકરી અપેક્ષાનો. આશુતોષ નહિ જ, પણ જો રીઝે તો તમને તરબોળ કરી દે. આશુરોષ ખરા. રોષે ભરાય ત્યારે જ્વાલામુખી જોઈ લો. પણ મોટે ભાગે રોષ લાંબો વખત ન ટકે.

આવા મારા ગુરુનો આ પત્ર. ૧૯૭૬થી ૧૯૮૬નાં દસ વર્ષ હું દિલ્હી હતો ત્યારે તેમણે મુંબઈથી લખેલો. નિમિત્ત? ૧૯૭૮માં મારું બીજું પુસ્તક પ્રગટ થયું, કથાવલોકન. તેનું અર્પણ આ પ્રમાણે હતું: “મનોભૂમિમાં વવાયેલાં સાહિત્યપ્રીતિનાં બીજનું જેમણે પોષણ-સંવર્ધન કર્યું તે મુ. પ્રા. મનસુખલાલ ઝવેરીને તથા એક અવલોકનરૂપી બીજમાંથી વિસ્તરીને જેમની સાથેનો સંબંધ સદાબહાર વૃક્ષમાં પરિણમ્યો છે તે મુ. શ્રી ગુલાબદાસ બ્રોકરને.” પુસ્તકની પહેલી નકલ મનસુખભાઈને મોકલેલી તેની સાથે પત્ર લખેલો. તેની નકલ તો ક્યાંથી સાચવી હોય, પણ તેમાં તેમના પ્રત્યેનો મારો આદરભાવ અને આભારભાવ પ્રગટ કરેલો. તે વખતે હજી કુરિયર સેવાની સગવડ પ્રસરી નહોતી, એટલે પુસ્તક અને પત્ર પોસ્ટમાં મોકલેલાં. બોલવા-લખવામાં મનસુખભાઈ ચોકસાઈના ભારે આગ્રહી. એટલે પત્રમાં લખ્યું છે: ‘બપોર પછીની ટપાલમાં … તમારો પત્ર જોયો ત્યારે’. હા, જી. એ વખતે મુંબઈમાં દરરોજ ત્રણ વખત ટપાલી ઘરે આવે – સવારે, બપોરે, અને ‘બપોર પછી.’ એ છેલ્લી ટપાલ ત્રણ-ચાર વાગે આવતી, એટલે એને સાંજની ટપાલ તો ન કહેવાય, એટલે ‘બપોર પછીની.’ ઔચિત્યવિચાર મનસુખભાઈની શાહીમાં જ નહિ, તેમના લોહીમાં હતો.

સાધારણ રીતે વિદ્યાર્થીના જીવન અને મનમાં અધ્યાપકનું વિશિષ્ટ સ્થાન હોય, પણ આ પત્રમાં તો એક અધ્યાપક પોતાના જીવનમાં વિદ્યાર્થીઓનું શું સ્થાન છે તે નિખાલસપણે જણાવે છે: “વિદ્યાર્થીઓનો પ્રેમ મારા જીવનનું મોટામાં મોટું બળ બન્યો છે. ને તેણે જ મને પ્રતિકૂળમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકાવ્યો છે. એ પ્રેમનો આવિર્ભાવ જ્યારે જ્યારે મને જોવા મળ્યો છે ત્યારે ત્યારે મેં ધન્યતા જ અનુભવી છે. અને એવી ધન્યતા અનુભવવાના પ્રસંગો, ઈશ્વરકૃપાથી, જિંદગીમાં ઓછા નથી આવ્યા.”

મનસુખભાઈનું લખાણ – પછી એ વિવેચન લેખ હોય કે પત્ર હોય – અત્યંત વ્યવસ્થિત અને લોજિકલ હોય. પહેલા પેરેગ્રાફમાં ‘વિદ્યાર્થીઓનો પ્રેમ’ વિષે સર્વસામાન્ય વાત કર્યા પછી બીજા પેરેગ્રાફમાં ચોક્કસ વાત પર – મારા પત્ર પર – આવે છે. મનસુખભાઈ જાહેરમાં લાગણીવશ ભાગ્યે જ થાય. આંખના ખૂણા હંમેશાં રતુંબડા રહે. જાહેરમાં ભીના ન થાય, પણ અંગત રીતે અત્યંત માયાળુ. એટલે જ તેમણે મારા પત્રને ‘હૃદયના ઊંડામાં ઊંડા મર્મોને સ્પર્શીને પાંપણને પલાળી દે તેવો આવિર્ભાવ’ જન્માવતો કહ્યો છે. સાથોસાથ વર્ષો પહેલાંનો આવો બીજો એક પ્રસંગ પણ યાદ કર્યો છે: ૧૯૪૫ના જૂનમાં (આ પત્ર લખાયો તેના ૩૩ વર્ષ પહેલાં) તેઓ રાજકોટ છોડી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે એસ્તેર સોલોમન તેમને વિષે જે બોલ્યાં હતા તે યાદ કર્યું છે. મનસુખભાઈમાં સાચકલાઈ ભરપૂર. પત્રમાં મને જે લખે તે એસ્તેર સોલોમનને તો કદિ જણાવાનું નહોતું, છતાં પત્રમાં પહેલાં તેમને યાદ કર્યાં છે. મનસુખભાઈ જે કાંઈ બોલે-લખે તે પૂરેપૂરી નિખાલસતાથી. એટલે આગળ લખે છે: “બહેન એસ્તેર અને તમે, બંને મિતભાષી અને પ્રદર્શનવૃત્તિથી દૂર રહેનારાં. એટલે અકળ પણ ખરાં.” પત્ર મળ્યો તે વખતે આ વાક્ય વાંચીને પત્ની વંદનાએ કહેલું: ‘એટલે એકંદરે તો તમે મીંઢા છો એમ જ ને?’ મેં જવાબ આપેલો: ‘ના. એ શબ્દ વાપરવો હોત તો મનસુખભાઈએ તે જ વાપર્યો હોત.’ શબ્દછળ મનસુખભાઈના સ્વભાવમાં જ નહિ.

આગળ જતાં મનસુખભાઈ લખે છે: “તમારા જેવાના હૃદયમાં અત્યારે પણ મારું આ સ્થાન છે તે જોઉં છું ત્યારે મારો વિષાદ ઊડી જાય છે, ને જીવન વ્યર્થ નથી ગયું એવું આશ્વાસન સાંપડે છે.” નાયગરાનો ધોધ જોયો ત્યારે મનસુખભાઈ યાદ આવેલા એમ અગાઉ કહેલું. પણ નાયગરાનો ધોધ પણ શિયાળામાં થીજી જતો હોય છે. પોતાના જીવનમાં કેટલાંક વર્ષ મનસુખભાઈ જેવા મનસુખભાઈએ પણ હતાશા અનુભવેલી. પછી તો તેમાંથી બહાર આવી ગયેલા. છતાં ક્યારેક ક્યારેક વિષાદની વાત મનની સપાટી પર આવી જતી. ૧૯૭૮માં પણ તેઓ ‘વિષાદ ઊડી જાય છે’ એમ લખે છે તે વાંચીને તે વખતે ગળે ડૂમો બાઝેલો, આજે ય બાઝે છે. શબ્દો વેડફે તે મનસુખભાઈ નહિ. એટલે “મારે મન એ પત્રનું મૂલ્ય ઘણું ઘણું ઘણું છે.” એ વાક્યમાં ‘ઘણું’ શબ્દ ત્રણ વખત વાંચીને ત્યારે આંખ ભીની થયેલી, આજે ય થાય છે. અને છેવટે જેનામાં તેમને અખૂટ શ્રદ્ધા હતી તેને યાદ કરતાં લખે છે: “પરમાત્મા તમારું કલ્યાણ કરો!”

આ પત્ર દિલ્હીમાં મળ્યો ૧૯૭૮માં. ત્રણ વર્ષ પછીની, ૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની એક સવાર. દિલ્હીમાં નોકરીના ભાગ રૂપે રોજ સવારે ઓફિસમાં પહેલું કામ ગુજરાતી-મરાઠીનાં વીસેક છાપાં પર નજર ફેરવી જવાનું. તે દિવસે મુંબઈનું એક ગુજરાતી છાપું ખોલ્યું તો પહેલે જ પાને છપાયેલા એક સમાચાર વાંચી થોડી વાર સૂનમૂન થઇ બેસી રહ્યો. મનસુખભાઈના અવસાનના સમાચાર. છાપામાંના મનસુખભાઈના ફોટા સામે તાકીને બેસી રહેલો. ઓફિસના અમેરિકન ડિરેક્ટર જીન સ્મિથ કશાક કામસર હું બેઠો હતો ત્યાં આવ્યા. મને જોઇને કહે: “દીપક, આર યુ ઓકે? મેં કહ્યું:“ નો. મનસુખલાલ ઝવેરી પાસ્ડ અવે.” જીન સ્મિથ ભારતીય સાહિત્યની વિગતોથી પૂરેપૂરા જાણકાર, એટલે કહે: “હી વોઝ અ લીડિંગ પોએટ એન્ડ અ ક્રિટિક, ઇઝન્ટ ઈટ? મેં કહ્યું: “યસ સર્ટનલી, બટ મોર ધેન ધેટ, હી વોઝ માય ગુરુ.” તેમણે હળવેકથી કહ્યું: “દીપક, અ ગુરુ નેવર ડાઈઝ. હિ કન્ટિન્યુઝ ટુ લિવ ઇન ધ હાર્ટસ ઓફ હિઝ સ્ટુડન્ટસ.” અને પછી ત્યાંથી ખસી ગયા. આજે મનસુખભાઈનો પત્ર વર્ષો પછી ફરી એક વાર વાંચ્યા પછી મનમાં પેલા શબ્દો પડઘાયા કરે છે: “અ ગુરુ નેવર ડાઈઝ.”

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E) Mumbai 400 051

e.mail : deepakbmehta@gmail.com

Category :- Opinion / Literature