નાસિર કાઝમી

દીપક બારડોલીકર
23-10-2018

 

ઢુંઢેંગે લોગ મુઝ કો હર મહફિલે-સુખન મેં
હર દૌરે કી ગઝલ મેં મેરા નિશાં મિલેગા

આ શેર છે, જીવાતા સાથે તાલ મિલાવી ચાલનારા અને સમયના કણેકણની ધબક ઝીલવાનો પ્રયાસ કરનારા અને પોતાના અનોખા રંગે ગઝલને સજાવનારા એક મુર્ઘન્ય શાયર નાસિર કાઝમીનો. તેમણે સાચું કહ્યું છે અને અધિકારપૂર્વક કહ્યું છે કે ગઝલના પ્રત્યેક દૌરમાં તેમની તલાશ જારી રહેશે. લોકો તેમની કમી અનુભવશે, કહેશે ‘કાશ આજ નાસિર હોતા !’

કેમ નહીં ! લોકો તેને કેમ ન સંભારે કે જે જનારાઓની સારાઈ, તેમના ગુણ ગાવાનું, તેમને સંભારીને આંખો ભીની કરવાનું ચુક્યો નથી !

રોનકેં થીં જહાં મેં કયા-કયા કુછ
લોગ થે રફ્તગાં મેં કયા-કયા કુછ

યાને રફ્તગાંમાં − જનારા, મૃતકોમાં કેવા કેવા ગજાના માણસ હતા ! તેમના હોવાથી વિશ્વમાં એવી રોનક હતી કે જે વર્ણવી શકાતી નથી. તેમના દમથી એક ભરપૂર વસંત હતી અને તે ગયા તે પતઝડ ઘેરી વળી છે. માળો ય બળી ગયો છે. નાસિરના શબ્દોમાં કહીએ તો :

ક્યા કહૂં અબ તુમ્હેં ખિંઝાવાલે
જલ ગયા આશિયાં મેં ક્યા−ક્યા કુછ

માળો તો બળી ગયો.  પણ માળા ભેગું અન્ય શું શું બળી ગયું તે હું કેમ સમજાવું ! ઇચ્છા બળી ગઈ, આશા બળી ગઈ. સીટનાં બળી ગયાં, બધું જ રાખ થઈ ગયું ! કંઈ બચ્યું નથી ! જેમને જોઈને અમે જીવતા હતા તે પણ નથી.

જિન્હેં હમ દેખ કર જીતે થે ‘નાસિર’
વહ લોગ આંખોં સે ઓઝલ હો ગયે હૈં

આ શાયર નાસિર કાઝમીની જન્મભૂમિ અંબાલા (પંજાબ). તેઓ રોયલ ઇન્ડિયન આર્મીના એક સૂબેદાર મેજર મુહમ્મદ સુલતાનના સુપુત્ર હતા. અંબાલામાં એમનો જન્મ 1925માં થયેલો. પિતા લશ્કરી અધિકારી હતા. અને રેજિમેન્ટોનું સ્થળાંતર થતું રહેતું હોવાથી, તેમનો વિદ્યાભ્યાસ અંબાલા, લાહોર, પેશાવર વગેરે શહેરોની નિશાળોમાં થયો હતો બી.એ. સુધીનો અભ્યાસ ઘણું કરીને લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં કર્યો હતો. પણ કહે છે કે પરીક્ષા આપી શક્યા ન હતા.

કોલેજમાંથી નીકળ્યા તો એક સામયિક ‘અવારાકે નવ’નું તંત્રીપદ મળી ગયું. બાદમાં 1952થી 57 સુધી એક બીજા સામયિક ‘હુમાયું’ના તંત્રીપદે રહ્યા. ‘હમ લોગ’ નામે એક પત્રિકાના નાયબ તંત્રીની હેસિયતે પણ સેવા બજાવી હતી.

એમના મિત્રો ઘણા હતા. હનીફ રામે, મુનીર નિયાઝી, શેખ સલાહુદ્દીન, કતીલ શિફાઈ વગેરે તેમના ભાઈબંધ હતા. પરંતુ જિગરજાન દોસ્ત, એક શ્રેષ્ઠ વાર્તાકાર ઈન્તેઝાર હુસૈન હતા. કહે છે કે લાહોરના કોફી હાઉસોમાં જામતી મહેફિલોમાં નાસિરને ઘડાવાની સારી તક મળી હતી. અહીં એવા એવા જાજ્વલ્યમાન ચહેરાઓનો સંપર્ક થયો હશે કે આમ કહ્યા વિના રહી શકાય જ નહીં :

ઉસ પયકરે નાઝ કા ફસાના
દિલ હોશ મેં આયે, તો સુનાયે

પયકરે નાઝ એટલે મોટાઈમાં મસ્ત રહેનાર, સૌંદર્યનું ગુમાન રાખનાર વ્યક્તિ. હા, એમની કથા હું તમને કહું, પણ હૃદય ભાનમાં આવે તો ને ! એ સૌંદર્યઝરતા ચહેરા નિહાળીને હૃદય ઊલટપૂલટ થઈ ગયું છે !

સુંદરીની ઝુલ્ફ જોતાં સામાન્ય રીતે ઘટાનો ખયાલ આવે છે. કોઈ એની અંદર કાળી રાતને તો વળી કોઈ કાળોતરાને જુએ છે. પરંતુ આ કવિ નાસિર કાઝમી કંઈક જુદી જ વાત કરે છે :

ઉડતી હુઈ ઝુલ્ફ યું પરીશાં
જૈ સે કોઈ રાહ ભૂલ જાયે

અને જ્યારે ઝુલ્ફ, સુવાસિત ફરફરતી ઝુલ્ફ આવે ત્યારે આવું યે થાય :

ઝુલ્ફોં કે ધ્યાન મેં લગી આંખ
યૂં કૈફ હવામેં સો ગયે હમ

ઝુલ્ફ સુંવાળી હોય છે, જાણે રેશમ. આ ઝુલ્ફ હૃદયને ચલિત કરે છે, જકડે છે. અને એનો જાદુ એવો કે માણસ એક દિશામાંથી બીજી દિશામાં ચાલતો થઈ જાય છે. નાસિર સાહેબે એને જંગલની રાત પણ કહી છે :

રંગ ખુલે સહરા કી ધૂપ
ઝુલ્ફ ઘને જંગલ કી રાત

કેટલીક વાર એમ બને છે કે તોરીલા યુવાનનું હૃદય પુષ્પની માફક કોઈક સુંદરીની લટમાં બંધાઈ જાય છે. અંબોડલે બેસી જાય છે પણ ત્યાર પછી આમ પણ થાય છે કે યુવાન પ્રીત તજી દે છે. તે સુંદરીથી વેગળો થઈ જાય છે. પરંતુ શું તે સાચેસાચ વેગળો થતો હોય છે ? જુઓ નાસિર સાહેબ શું કહે છે:

ઐ દોસ્ત હમને તર્કે મુહબ્બત કે બાવજૂદ
મહસૂસ કી હૈ તેરી ઝરૂરત કભી - કભી

આ કરીબ રહેવાનો અને મનગમતા પાત્રથી વેગળા થવાનો અને પુન: તેની જરૂરત મહેસૂસ કરવાનો ખેલ એ માનવપ્રકૃતિની તાસીરો છે. આ ફિલસૂફી સમજાવતાં કવિ કહે છે :

મેરે બિસ્તર પે સો રહા હૈ કોઈ
મેરી આંખોમેં જાગતા હૈ કોઈ

હા, આવું થાય છે. માણસ ન ઇચ્છે તો પણ મન ભટકે છે. પણ પરિસ્થિતિ હંમેશાં એક સારે રહેતી નથી. ગ્રાફ ઊંચો નીચો થતો રહે છે. ક્યારેક એકદમ ઊલટ પણ થઈ જાય છે. સ્નેસંગમ હોય ત્યાં જુદાઈની ચટ્ટાન ખડકાઈ જાય છે અને એ વિરહની, જુદાઈની રાતો ? જુઓ નાસિર સાહેબ શું કહે છે :

યે શબ, યે ખયાલો - ખાબ તેરે
ક્યા ફૂલ ખિલે હૈં મુંહઅંધેરે !

શુઅલે મેં હૈ એક રંગ તેરા
બાકી હૈં તમામ રંગ મેરે

આંખો મેં છુપાયે ફિર રહા હું
યાદોં કે બુઝે હુએ સવેર

વિરહ એટલે વિરહ. આગની પથારી. દિવસે ચેન નહીં ન રાત્રે આરામ ! પ્રેયસીની કમી એવી મહેસૂસ થાય કે જીવ ફફડે અને કંઈક આવો સૂર ઊઠે છે :

કિતને બીતે દિનોં કી યાદ આઈ
આજ તેરી કમી મેં ક્યા કુછ થા

રાતભર હમ ન સો સકેં ‘નાસિર’
પરદએ ખામૂશી મેં ક્યા કુછ થા

નાસિર કાઝમી એક એવો શાયર છે જેણે દેશની ખૂનખરડી આઝાદી અને એ સમયની માનવ હેવાનિયત સગી આંખે જોઈ હતી. આશરા માટે ભટકતા કાફલા, ખૂનરેજી, વસ્તીઓની પાયમાલી અને ભભૂકતી જ્વાળાઓનું બહુ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ એવી ભયાનકતા હતી, જેની અસરો હંમેશાં તેમનો પીછો કરતી રહી હતી. એ તાસીર હેઠળ તેમણે ઘણું લખ્યું છે. સાચું લખ્યું છે. થોડા અશઆર જોઈએ :

શહર દર શહર, ઘર જલાયે ગયે
યૂં ભી જશને-તરબ મનાયે ગયે

ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર
ઈસ્મતોં કે દિયે બુઝાયે ગયે

વક્ત કે સાથ હમ ભી ઐ ‘નાસિર’
ખરો-ખસ કી તરહ બહાયે ગયે !

***

ઝમીં લોગોં સે ખાલી હો રહી હૈ
યે રંગે આસમાં દેખા ન જાયે
***
ગલી ગલી આબાદ થી જિન સે
                           કહાં ગયે વહ લોગ
દિલ્લી અબ કે ઐસી ઉજડી
                           ઘર ઘર ફૈલા સોગ

***

તુ હી બતા તેરા બે ખનુમા કિધર જાયેં
કિ રાહ મેં શજરે સાયાદદાર ભી તો નહીં

***

મેં ભટકતા ફિરતા હું દેર સે
        યું હી શહર-શહર, નગર-નગર
કહાં ખો ગયા મેરા કાફિલા
        કહાં રહ ગયે મેરે હમસફર

આવા તો બીજા અનેક અશઆર છે, જેમાં નાસિર સાહેબે તેમની રવરવતી અનુભૂતિઓ સચ્ચાઈપૂર્વક અભિવ્યક્ત કરી છે. આ જ રીતે તેમણે સૌંદર્ય અને સ્નેહને ગાયાં છે. સામાજિક, રાજકીય, સાંસ્કૃિતક પ્રવાહો − પ્રશ્નો ઉપર પણ એમની દૃષ્ટિ રહી છે. એમની ગઝલ બંધિયાર જળાશય નથી. વહેતી સરિતા છે. જુઓ આ અશાઆર :

ચમન મેં ફિર રસનો-તૌકો-દાર કે દિન હૈં
કહાં પડે હો અસીરોં ! બહાર કે દિન હૈં

***

કુછ યાદગારે શહરે-સિતમગર હી લે ચલેં
આયે હૈં ઈસ ગલી મેં, તો પત્થર હી લે ચલેં

***

બાગ તેરા હી સહી ગુલચીં
ફૂલ મેરે હૈં, સબા મેરી હૈ

***

નાસિર કાઝમી, માથે પોતાનું આકાશ રાખીને પોતાની ધરતી પર ચાલનારા કવિ છે. તે પોતાની ધરતી ઉપર મક્કમ કદમ જમાવે છે. લોકોમાં ભળે છે. તેમના સુખદુ:ખના સાથી બને છે. તેમના વિશે વિચારે, કલમ ચલાવે છે. તેમની કવિતા માનવજીવનને સ્પર્શતી કવિતા છે.

તેમણે સરકારી નોકરી કરી હતી. 1958માં સમાજ કલ્યાણ ખાતામાં અને ત્યાર પછી રેડિયો પાકિસ્તાનના સ્ટાફ આસિસ્ટન્ટ તરીકે સેવા બજાવી હતી. 1972માં લાહોરમાં અવસાન થયું હતું. રેડિયો માટે તેમણે પુષ્કળ લખ્યું અને લેખનમાં એવા ખૂંપી ગયા હતા કે યાદ રાખવા જેવું ય ઘણું ભૂલી ગયા હતા :

રિશ્તએ-જાં થા કભી જિસ કા ખયાલ
ઉસ કી સૂરત ભી તો અબ યાદ નહીં

***

કૈસી વૈરાં હૈ ગુઝરગાહે - ખયાલ
જબ સે વહ આરિઝો-લબ યાદ નહીં

નાસિરનો પ્રથમ કાવ્યસંગ્રહ બર્ગે નૈ, 1952માં પ્રગટ થયો હતો અને ત્યાર પછી દીવાન 1972માં, પહલી બારીશ 1975માં અને નિશાતે ખાબ 1977માં પ્રગટ થયા હતા. અન્ય પુસ્તકોમાં સુર કી છાયા (પદ્યનાટક), ખુશ્ક ચશ્મે કે કિનારે (લેખો), ઈન્તેખાબે મીર, ઈન્તિખાબે નઝીર, ઈન્તિખાબે વલી, ઈન્તિખાબે ઈન્શા અને નાસિર કાઝમી કી ડાયરીનો સમાવેશ થાય છે.

હમ ને રોશન કિયા મઅમૂરએ ગમ
વર્ના હર સિમ્ત ધુવાં થા પહલે

મઅમૂરએ-ગમ એટલે ગમની વસ્તી, ગમની આબાદી. કવિ કહે છે કે અમે ગમની વસ્તીને રોશન કરી છે. નહિતર અગાઉ તો ચોમેર માત્ર ધૂમાડો હતો.

ધુમ્રગોટાઓમાં ઢંકાયેલી ગમની વસ્તીઓને રોશન કરનારા, માનવજીવનને અશઆરનો વિષય બનાવનારા અને સૃષ્ટિમાં ચાલી રહેલા રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક પ્રવાહોની ધબક ઝીલનારા, કુશાગ્રદૃષ્ટિ ધરાવનારા આ શાયરને પ્રેમ અને વિષાદનું લેબલ લગાડનારા કોલમિયા વિવેચકોને જવાબ આપતાં તેઓ કહે છે :

ઉરૂજ પર હૈ મેરા દર્દ ઈન દિનોં ‘નાસિર’
મેરી ગઝલ મેં ધડકતી હૈ વક્ત કી આવાઝ

અને અંતે અગર આ શેર ન નોંધું તો નાઈન્સાફી કરી ગણાશે :

મૈંને જબ લિખના સિખા થા
પહલે તેરા નામ લિખા થા

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Category :- Opinion / Literature