ભાયા, કિયુ તમારું નાઇન / ઈલેવન ?

પ્રકાશ ન. શાહ
15-09-2018

નાઈન / ઈલેવનનું, લાદેન ઘટનાનાં સત્તર વરસે થતું સ્મરણ, હિંસક અભિગમની વરવી વાસ્તવિકતા અંગે નવી સભાનતા પ્રેરે છે. ખાસ કરીને વિશ્વસ્તરે ટ્રમ્પ-પુટિન તરેહનાં પરિબળોનો ઉદય અને આપણે ત્યાં અખલક ઘટનાથી માંડી ઍવોર્ડ વાપસીએ પ્રેરેલા સામસામા પ્રતિભાવો તેમ જ તમે છો ઊહાપોહ કરો અને ‘ઍવોર્ડ વાપસી ગૅગ’ રૂપે મેદાનમાં આવી જાઓ : ભા.જ.પ. તો વિજય હાંસલ કરી રહેલ છે એવો પ્રમુખીય હુંકાર - હિંસાનાં બળો અને હિંસાનું રાજકારણ શી વસ છે એની સમજને પુટ પર પુટ ચડાવી રહેલ છે તેવે નાઇન/ઈલેવન નાગરિક છેડેથી તમને ને મને ગાફેલ ન રહેવાનો સંદેશ લઈને આવે છે.

વાત તો સાચી કે ૨૦૦૧ની ન્યૂયૉર્કનાં ટિ્‌વન ટાવર્સને તહસનહસ કરી નાખતી ઘટના વિશ્વમાનવતાની દૃષ્ટિએ ભેંકાર એટલી જ અમાનુષી હતી. આતંકવાદનો જે અનુભવ બાકી દુનિયા કરી રહી હતી એ અજેય અને અનેક અર્થોમાં એકમાત્ર લેખાતા અમેરિકાને ભાગે આવ્યો તે એક સીમાચિહ્ન હતું. અમેરિકા એમાંથી જે રીતે માનવતા અને સભ્યતાને ધોરણે ઠીક ઠીક ઊભું થયું એ જો એક આશાચિહ્ન છે તો એકવીસમી સદીનો વિશ્વપ્રવેશ કેવાં માઠાં શકુન સાથે થયો છે એનાંયે ઓસાણ નહીં ભુલાવનારો છે.

જો કે ઇતિહાસવસ્તુ તરીકે, નોળિયાને જેમ નોળવેલ એવું સ્મરણ એક અન્ય નાઈન/ઈલેવનનું પણ લાજિમ છે. ટિ્‌વન ટાવર્સ, સેંકડોહજારોનાં મૃત્યુ સાથે તબાહ ને તહસનહસ થયાં એ જ દિવસોમાં રામકૃષ્ણ મિશનની એક પત્રિકા સમર્પકપણે રમતી થઈ હતી, એ બીનાની યાદ આપતી કે ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં નાઈન/ઈલેવન સાથે જોડાયેલી ભારતીય ઇતિહાસસ્મૃિત વિવેકાનંદના શિકાગો સંબોધનની છે. ૧૮૯૩ના સપ્ટેમ્બરની અગિયારમી તારીખે દૂર દેશમાં એક હમણે લગી અજાણ્યા જેવા હિંદુ સંન્યાસીએ કોઈ એક જ ધર્મનો ખીલો ખોડવાની ને ધજા ફરકાવવાની ભૂમિકાએથી હઠીને રામકૃષ્ણ પરમહંસ સરખા ગરવા ગુરુની સર્વધર્મસાધનાની પરંપરામાં પોતાના ધર્મચિંતનને મૂકી આપ્યું હતું. સજ્જનો, સન્નારીઓ, દેવીઓ પ્રકારનાં - જેન્ટલમેન ઍંડ લેડીઝ કુળનાં - રસમી સંબોધનોથી હટીને એમણે બહેનો અને ભાઈઓ એ રીતે જે સંબોધન શરૂ કર્યું, એણે બાજી મારી લીધી હતી. (વિવેકાનંદનો આ ‘ભારતીય’ વિશેષ એમના એક અભ્યાસીએ નોંધ્યું છે તેમ ‘ફ્રી મેસન’એ રહસ્યમય સંઘના સંપર્કને આભારી હતો.) સર્વ દેવ નમસ્કાર, અંતે તો, એક  દેવ ભણી (કેશવં પ્રતિ) જતા હોય છે. ‘કોઈ એક જ ધર્મ સાચો છે’ પ્રકારના હુંપદ અને હુંકારની પરિષદના યોજકો પૈકી કેટલાકની ભૂમિકાને વટી જતો આ અભિગમ હતો. જેમ ડાબલાબંધ પંથોપપંથોને જગાડતો તેમ એક ગુલામ પ્રજામાં સ્વાભિમાન જગવતો અવસર એ હતો.

જો કે, વિવેકાનંદની ભૂમિકાને (જેમ ચાલુ હિંદુ પંથોપપંથોને લાંઘી જતી રામકૃષ્ણ મિશનની ભૂમિકાને) કેવળ રાષ્ટ્રીય દર્પના ખાનામાં નાખવાનું વલણ ન તો એમને ન્યાય કરનારું છે, ન તો એની ક્રાંતિકારી શક્યતાઓને સમજનારું છે. પણ એની વાત ઘડી રહીને. દરમ્યાન, હમણાં તો, તત્કાળ લેખનધક્કો જે એક વાને લાગ્યો એની વાત કરીએ : સંઘ પરિવારના કેન્દ્રવર્તી સાપ્તાહિક ‘ઓર્ગેનાઈઝરે’ (ક્યારેક જેના તંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ હતા, એણે) વિવેકાનંદી નાઈન/ઈલેવનને વાજબીપણે જ લાદેની નાઈન/ઈલેવનની સામે મૂકી આપતી કવર સ્ટોરી કરી છે. આ આવરણકથા, બે નાઈન/ઈલેવનની પરસ્પરવિરોધી સહોપસ્થિતિમાં રહેલી ચમત્કૃિતથી ચોક્કસ જ એક ચોંટડૂક શક્યતા જગવે છે.

પણ જેમ વાજપેયીના ઉજાસમાં મોદીનું મૂલ્યાંકન પ્રશ્નો જગવે છે તેમ વિવેકાનંદના ઉજાસમાં, દેશ આખા માટે - અને સવિશેષ ને સર્વાધિક અલબત્ત એમને પોતાનો ‘ક્રીડો’ હોય તેમ આગળ કરનારા માટે - એક આત્મનિરીક્ષણનો અવસર પણ લઈને આવે છે. ગુલામ પ્રજાને અભિમાન સારુ જે સગવડ એમાં ત્યારે હશે તે હશે, પણ વિવેકાનંદે જે સર્વસમાવેશી ભૂમિકા લીધી એ ધોરણે આપણે ક્યાં છીએ એ સવાલ પ્રજાને પજવી શકે. અને ઝંડાબરદારોની આત્મનિરીક્ષણની ઇન્દ્રિય સાબૂત હોય તો એમને જાત જોડે ઝઘડાની ચિંતા વગર પુનર્વિચાર ને સહવિચારની શક્યતાઓ ચીંધી શકે.

સદ્‌ભાગ્યે, ત્રીજું એક (બલકે ગુંજાશની રીતે તો અનન્ય) નાઈન/ઈલેવન આફ્રિકા-યુરોપ-એશિયા એમ ત્રિખંડ ધરા પરના ગાંધીકાર્યની અનોખી ભેટ રૂપે વિશ્વ સુલભ છે. દક્ષિણ આફ્રિકામાં, ૧૯૦૬માં, અન્યાય પ્રતિકાર અને પરિવર્તનના ઓજાર રૂપે સત્યાગ્રહનો વિચાર ગઠિત ને ઉદ્યુક્ત થયો એની નિર્ણાયક અંકુર ઘટના જોહાનિસબર્ગના એ થિયેટર માંહેલી હિંદીજનોની યાદગાર સભામાં ઘટી હતી. થિયેટરને પણ જાણે પોતાનું જીવનકાર્ય પૂરું થયું હોય તેમ તરતના દિવસોમાં ભડભડ ભસ્મીભૂત થવાનું બન્યું હતું. પણ પેલી જે અંકુરઘટના શી સ્મૃિતજ્વલંત સભા, તે નવમા મહિનાની અગિયારમી તારીખની હતી.

સર્વધર્મસાધનાની ગુરુ પરંપરાના મિશન રૂપનો વિવેકાનંદનો હૃદયધક્કો ‘દરિદ્રનારાયણ’ માટેનો હતો. નારાયણથી હઠીને (કે એની સાથેની એકાકારતા રૂપે) એ દરિદ્રનારાયણ રૂપે મૂર્ત માનવ્યને સેવ્ય, ઉપાસ્ય, આરાધ્ય તરીકે ધર્મચિંતનના કેન્દ્રમાં લઈ આવ્યા. એનું નવું, માનવીય, ભલે હજુ પહેલાબીજા મોજાના સંસ્કારો વચ્ચે, પણ ત્રીજા મોજા લાયક જે રાજકારણ વિકસ્યું એ ગાંધીનો વિશેષ હતો. રામકૃષ્ણ-વિવેકાનંદમાં હિંદુધર્મનું જે ઉત્તમોત્તમ હશે એનો જાહેર જીવનની દૃષ્ટિએ આ ગાંધીપ્રકર્ષ હતો.

૧૮૯૩નું, વિવેકાનંદના શિકાગો સંબોધનનું વર્ષ હિંદી છેડેથી જગતતખતે યાદગાર એ વાતે હતું કે સુદૂર આફ્રિકાના અંધારખંડમાં ત્યારે ગાંધી એવું કાંક કરવા ઉદ્યુક્ત થઈ રહ્યા હતા જેને અંગે પછીનો દસકો ઊતરતે ટૉલ્સ્ટૉય કહેવાના હતા કે ભલે તમે ખૂણામાં કાર્યરત છો પણ એ ઓતાડો ખૂણો તમારા કાર્યને કારણે નવી દુનિયાના કેન્દ્રમાં મુકાઈ રહ્યો છે. ઓગણીસમી સદીના આ જ છેલ્લા દસકાએ લંડનના હાઉસ ઑફ કૉમન્સમાં દાદાભાઈ નવરોજીને વિધિવત્‌ ચૂંટાઈ રજૂઆત કરતા જોયા હતા. દાદાભાઈ જેમ કૉંગ્રેસના પ્રમુખીય મંચ પરથી પહેલી વાર ‘સ્વરાજ’ના પ્રયોગ માટે સંભારાતા રહેવાના હતા તેમ ‘પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ એ સત્તાવાર સ્રોતોના અભ્યાસમંડિત સંશોધન વાસ્તે પણ પંકાવાના હતા. વિવેકાનંદના દરિદ્રનારાયણને સાંસ્થાનિક શોષણની આ તરતપાસને આધારે જો વક્કર મળ્યો તો એને જે વળ અને વાક મળ્યા એ ૧૯૦૬થી શરૂ થઈ ચૂકેલા સત્યાગ્રહી મંડાણથી.

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને નામે જે રાજનીતિ આજે ચાલે છે એની પાસે કમનસીબે આ ઇતિહાસદૃષ્ટિ ખૂટે છે. હિંદુ ધર્મનો વિશ્વસંપર્કો પૂર્વકનો જે ગાંધીપ્રકર્ષ, એના જાહેરજીવનમાં મહત્ત્વનાં પ્રદાનો સંભારીએ તો દરિદ્રનારાયણ અને સર્વધર્મસમભાવની ભૂમિકાએથી એમનું રાષ્ટ્ર સાંપ્રદાયિકપણે સંકોડાઈ ન ગયું તેમ કોઈ અમૂર્ત ખયાલાતમાં સરી નહીં પડતાં જણેજણની સ્વીકૃતિરૂપે એનું સ્વરૂપ નિખર્યું. એ રાષ્ટ્રપિતા હશે તો પણ રાષ્ટ્રવાદી નહોતા તે આ અર્થમાં.

લાદેનના હિંસ્ર ને ઝનૂની અભિગમ સામે વિવેકાનંદને મૂકવા સાથે શરૂ થતી પ્રક્રિયા, કોઈક તબક્કે અવરૂદ્ધ અને ગંઠાયેલી બની રહે, જો તમને ને મને આ ગાંધી પ્રકર્ષ ન પકડાય. બાકી, અન્યાય પ્રતિકારનું જે ગાંધીઓજાર એ અને બિન લાદેન છાપ આતંકવાદ, બેઉ વચ્ચેનું અંતર સ્પષ્ટ છે.

વિશ્વમાનવતા, કાં તો તું વિવેકાનંદ ને ગાંધીના નાઈન/ ઈલેવનને સમજો કે પછી નવ દો ગ્યારા માટે તૈયાર રહો!

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” 16 સપ્ટેમ્બર 2018, પૃ. 01-02

ફોટોગ્રાફ સૌજન્ય : ઉર્વિન વ્યાસ

Category :- Opinion / Opinion