અવરોધો સામે લડીને જીતતી આ દેશની ખેલાડીઓને અને જુલમ સામે લડીને જીવતી મહિલાઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે
14-09-2018

Lancet નામના બહુ જાણીતા અભ્યાસ સામયિકનાં, બુધવારના અખબારોમાં જાહેર થયેલા, સર્વેક્ષણ મુજબ, દુનિયામાં આપઘાત કરતી દર દસ મહિલાઓમાં ચાર ભારતીય હોય છે, તેમાંથી મોટા ભાગની 15-40 વયજૂથની હોય છે, કન્યાઓના બાળમરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમ પર છે.

એશિયન ગેઇમ્સમાં સ્વપ્ના બર્મને ઍથલેટિક્સની હેપ્ટેલૉનમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો. આ વાક્યનો અર્થ એ કે પશ્ચિમ બંગાળનાં ઘોશપારા ગામમાં કાચા ઘરમાં રહેતી, એકવીસ વર્ષની આ છોકરી સાત સ્પર્ધાઓમાં જીતી છે - સો, બસો અને આઠસો મીટર દોડ, ઊંચી અને લાંબી કૂદ, ગોળા અને ભાલા ફેંક.

આ સિદ્ધિ માટે તેનું મન મજબૂત હશે પણ તન અપૂરતાં પોષણે મથતું રહ્યું હશે. કારણ કે રાજભોંગશી આદિવાસી કોમમાં જન્મેલી  સ્વપ્નાનાં માતા ચાના બગીચામાં મજૂરી અને ઘરઘાટી તરીકેનાં કામ કરે છે. તેના પિતા એક જમાનામાં પગરિક્સા ખેંચતા હતા, અને પછી સ્ટ્રોક આવવાને પગલે સાત વર્ષથી પથારીવશ છે. ચારસો મીટર રિલેમાં સુવર્ણ ચન્દ્રક મેળવનારી ટુકડીની ગુજરાતની સરિતા ગાયકવાડ અને આસામની હિમા દાસ બંને દૂરનાં ગામોના ખેડૂત પરિવારોની છે. કૉમનવેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ અને એશિયનમાં સિલ્વર જીતનારી  હિમાએ ત્રણ વર્ષ પહેલાં તેના ગામની બહેનોને ભેગી કરીને એક બુટલેગરને ફટકારીને સીધો કર્યો હતો. સરિતા ઍથલેટિક્સમાં છે કારણ કે તેની રોજમદાર ‘માતાની  પ્રેશર  કૂકર ખરીદવાની ઇચ્છા’ તેને પૂરી કરવી હતી. એક જમાનામાં બૂટ ખરીદવાના પૈસાને અભાવે તે ખુલ્લા પગે પ્રૅક્ટિસ કરતી.

ઓગણીસ વર્ષની પિન્કી બલહારા ‘કુરાશ’ નામની ઓછી જાણીતી, કુસ્તી જેવી, રમતમાં સિલ્વર જીતી છે. દિલ્હીની નેબ સરાઈ ગામની  મધ્યમ વર્ગની પિન્કીને છોકરી હોવા છતાં આ રમત રમવા માટે મહેણાં સાંભળવાં પડતાં હતાં. તેમાં વધારો થતો રહ્યો, કારણ કે ત્રણ જ મહિના પહેલા પિતાનાં અચાનક અવસાન પછી પણ તે રમત ચાલુ રાખવા મક્કમ રહી. પિન્કીની ઉઝબેકિસ્તાનમાંની ખાસ તાલીમ માટેનો પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ તેનાં ગામનાં લોકોએ ઉપાડ્યો હતો.

તેની જેમ કુરાશમાં સિલ્વર લાવનારી મલાપ્રભા જાધવની પાસે પણ સ્પોર્ટસ કિટ લાવવાના પાંત્રીસેક હજાર રૂપિયા ન હતા. કર્ણાટકના બેળગાવ જિલ્લાના તુરમુરી ગામના નાના ખેડૂતની દીકરી મલાપ્રભાએ પણ ટુકડીના બીજાં તેર ખેલાડીઓની જેમ પ્રવાસખર્ચ જાતે ઊપાડવો પડ્યો હતો, કારણ કે તેમનાં કુરાશ અસોસિએશનને ભારત સરકારની માન્યતા નથી. પવનવેગે દોડનાર વિશ્વવિખ્યાત દ્યુતિ ચંદનાં બે સિલ્વરથી તેના ઢગલાબંધ ચન્દ્રકોની સાથે રમતજગતમાં તેના માટેના આદરમાં પણ ઉમેરો થયો. દ્યુતિ ઓડિશાના ગામડાના બહુ ગરીબ ઘરની યુવતી છે. તેનાં શરીરમાં ચોક્કસ પ્રકારનાં હૉર્મોન્સ વધુ પડતી માત્રામાં નીકળતાં હતાં. તેને કારણે દ્યુતિ સ્ત્રી છે કે પુરુષ એવી શંકા ઊભી થઈ, કીચડ પણ ઉછાળાયો. તેના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાયો. આ બધાં સામે તે લડતી રહી, પ્રૅક્ટિસ કરતી રહી. તે એ વાતે બહુ  મક્કમ  હતી કે તે સ્ત્રી છે અને વિશ્વકક્ષાની દોડવીર છે. આ બંને ઓળખ તેણે એશિયન ગેઇમ્સમાં ફરી એક વાર સાબિત કરી બતાવી અને બતાવતી રહેશે.

નૌકાનયનમાં વર્ષા ગૌતમ અને શ્વેતા સેર્વેગરે રૌપ્ય મેળવ્યો છે. પણ તે પહેલાં યૉચિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તેમને કરેલાં અન્યાયની સામે તેમને દિલ્હી હાઇકોર્ટમાં લડત આપવી પડી હતી. કબડ્ડીમાં સિલ્વર મેળવનારી ટીમની ઉષા રાણીનાં મા-બાપ સહિત પરિવારનાં છ જણ પતરાંનાં છાપરાવાળા નાનાં ઘરમાં રહીને ફુલનો ધંધો કરીને દિવસનાં માંડ પચાસ રૂપિયા કમાય છે. અત્યારે કર્ણાટક પોલીસની કર્મચારી ઉષા પહેલી વાર કબડ્ડીનાં અગત્યના સિલેક્શનમાં ગઈ ત્યારે ત્યાં પહોંચવા માટેનું બસ ભાડું તેની માતાએ પાડોશી પસેથી ઉધાર લીધું હતું. સોળ વર્ષની સહુથી નાની ખેલાડી હર્ષિતા તોમરે જે નૌકાનયનમાં કાંસ્ય ચન્દ્રક મેળવ્યો છે તેમાં હરીફાઈમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હોય છે. બાળપણની માંદગીની અસર, અન્ય સ્પર્ધકોની સરખામણીમાં નાની ઉંમર, ઓછું વજન અને અભ્યાસ માટેની પહેલી પસંદગીના મા-બાપના આગ્રહ વચ્ચે હર્ષિતાએ આ જીત મેળવી છે. ચન્દ્રક મળે કે ન મળે, જે ખેલાડીઓ રમી છે તે બધી વિજેતા જ ગણાય છે, કારણ કે આપણા સમાજમાં મહિલાનું રમતગમત  જેવાં ક્ષેત્રે બહાર આવવું એ જ એક કસોટીમાં જીત હોય છે.

આપણી ખેલાડીઓ 18 ઑગસ્ટથી લઈને જે પંદર દિવસોમાં જાકાર્તામાં અભિનંદન મેળવી રહી હતી, એ જ દિવસોમાં ગુજરાતમાં સાત દલિત વિદ્યાર્થિનીઓ લુખ્ખાઓની અભદ્રતા વેઠી રહી હતી. કચ્છનાં મોટા લાયજા ગામની આ વિદ્યાર્થિનીઓ જ્યારે એસ.ટી. બસમાં બેસીને તાલુકાનાં ગામ માંડવીની કૉલેજમાં જાય ત્યારે બાજુના પંચોટિયા ગામના બેકાર માથાભારે યુવાનો તેમની અત્યંત અશ્લિલ રીતે છેડતી કરતા. લાંબા સમયથી ચાલતી આ હરકતોને અટકાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિને પેલા માથાભારે યુવાનોએ હથિયારોથી ઘાયલ કર્યો હતો. તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીઓ એ ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હતી કે વાલીઓ તેમનું ભણવાનું છોડાવી દેશે. એક વિદ્યાર્થિનીની પહેલ પછી, પોલીસે બધી વિદ્યાર્થિનીઓનાં બયાનો તેમની માતાઓની હાજરીમાં નોંધીને છ નાલાયકોની 21 અને 23 ઑગસ્ટે ધરપકડ કરી હતી. આરોપીઓને જામીન મળી ગયા છે એટલે હવે દલિતોમાં ફફડાટ છે. એ નોંધવું ઘટે કે ઉજળિયાત માથાભારે કોમો દ્વારા જુલમ સામે ઝીક લેનારી આ કૉલેજ યુવતીઓ મોટા લાયજા ગામમાં શિક્ષણ મેળવનાર દલિત મહિલાઓની પહેલી જ પેઢી છે.

આ જ અરસામાં, તુતિકોરિનના વિમાની મથકે એક યુવતીને ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી.’ એવો સૂત્રોચ્ચાર કરવા માટે જ્યુડિશિયલ કસ્ટડી ફરમાવવામાં આવી. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરી રહેલી 28 વર્ષની લુઇ સોફિયાની ફ્લાઇટમાં તામિલનાડુના ભા.જ.પ.ના પ્રદેશપ્રમુખ તામિલીસાઈ સૌન્દરારાજન હતાં. તે વિમાનમાંથી ઊતરી રહ્યાં હતાં એ વખતે તેમની સામે જોઈને સોફિયાએ નારા લગાવ્યાં. તેનો નારો જાણે સાચો પાડવા, નેતાને લેવા આવેલા કાર્યકર્તાઓએ સોફિયા સાથે ગુંડાગર્દી કરી. વળી, પ્રદેશપ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી જેને પગલે સોફિયાની ધરપકડ કરવામાં આવી. મે મહિનામાં સ્ટરલાઇટ કંપનીની સામે તુતિકોરિનમાં થયેલા આંદોલન વિશે લખનારી, દલિત અને મહિલા આંદોલનોની ટેકેદાર સોફિયા, કર્મશીલોની તાજેતરની ધરપકડોની સામે વિરોધ નોંધાવી ચૂકી છે.

ભાજપનો વિકરાળ ચહેરો ખુલ્લો પાડતો આ બનાવ ત્રીજી સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમી પર બન્યો. તે જ રાત્રે મુંબઈના ઘાટકોપરમાં દહીહંડીના કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રામ કદમનું હિંસક પુરુષવાદી પોત પ્રકાશ્યું. ગુનાઈત રેકૉર્ડ ધરાવતાં કદમે જાહેર ભાષણમાં યુવાનોને સંબોધીને કહ્યું કે, ‘લગ્ન માટે તમને અને તમારા મા-બાપને  કોઈ યુવતી પસંદ હોય, પણ તે ખુદ તૈયાર ન હોય તો તમે મને ફોન કરજો હું તેને ઊઠાવી લાવીને તમારી સાથે પરણાવીશ !’ એમ કહીને તે પોતાનો ફોન નંબર પણ બે વાર બોલ્યા. આ નિંભરતાના વિરોધમાં સહુથી તેજાબી પડકાર પુનાની યુવતી મીનાક્ષી ડિંબળે-પાટીલનો હતો. વાયરલ થયેલા તેના એક મિનિટના વીડિયોમાં તેણે કહ્યું : ‘કદમ, તમારું આ વિધાન અત્યંત લાંછનાસ્પદ છે… હું મુંબઈ આવું, મને ઊઠાવાની વાત તો પછી …. તમે મને માત્ર આંગળી તો અડાડો, પછી હું જોઉં છું. મારી તમને આ ઓપન ચૅલેન્જ છે.’

હમણાંના દિવસોમાં તમામ જાહેર જગ્યાઓએ, સ્થાપિત ધર્મોનાં સ્થાનકોએ, કામનાં સ્થળો પર, શેલ્ટર હોમ્સમાં, પરિવારોની અંદર ... સર્વત્ર, મહિલાઓ પરના અત્યાચારના શરમજનક બનાવો નોંધાયા છે. આ દેશમાં તે સમયના કોઈ પણ તબક્કે નોંધાય છે. આપણે સ્ત્રીઓને શું સમજીએ છીએ ?

++++++++

12 સપ્ટેમ્બર 2018 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 14 સપ્ટેમ્બર 2018

Category :- Opinion / Opinion