નાઈન ઈલેવન : મુકામ કોચરબ

ડૉ. અશ્વિનકુમાર
11-09-2018

સ્વામી વિવેકાનંદે ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં પ્રથમ વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં હિંદીઓની જાહેર સભામાં ‘સત્યાગ્રહ’ તરતો મૂક્યો. અમેરિકાનાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન, પેન્ટાગોન ઉપર ઈ.સ. ૨૦૦૧માં આતંકવાદીઓ દ્વારા વિમાની હુમલા થયા. આ બધી ઘટનાઓ જે તે વર્ષની અગિયારમી સપ્ટેમ્બરે બની હતી! અગિયાર સપ્ટેમ્બર એટલે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવમા મહિનાનો અગિયારમો દિવસ અર્થાત્‌ ‘નાઈન ઈલેવન’. આ શબ્દપ્રયોગ અમેરિકામાં ઘટેલી સન ૨૦૦૧ની આતંકી ઘટના પછી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂક્યો છે. જો કે, આ બધાથી અજાણી એવી અગિયાર સપ્ટેમ્બર તો ૧૯૧૫ની કહી શકાય. જેનો મુકામ કોચરબમાં આવેલો સત્યાગ્રહાશ્રમ હતો. આ ઘટના આજનાં સમૂહ માધ્યમોની ભાષામાં ‘બ્રેકિંગ ન્યૂસ’થી જરા ય ઓછી-ઊતરતી નહોતી! 

દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા આવ્યા બાદ, મો.ક. ગાંધીએ મિત્રો-પરિચિતો સાથે અમદાવાદમાં આશ્રમ-વસવાટ અંગે ચર્ચાઓ કરી હતી. અમદાવાદના મિત્રોની સાથે સંવાદોમાં અસ્પૃશ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઈ આશ્રમમાં દાખલ થવા માગશે તો તેઓ તેને જરૂર દાખલ કરશે. ‘તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?’ એમ કહીને એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ પણ વાળ્યો હતો. અને છેવટે અમદાવાદમાં વસવાનો નિશ્ચય થયો. કોચરબમાં ૨૫-૦૫-૧૯૧૫ના દહાડે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ. આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની ગાંધીજીને આશા નહોતી તેવી એ લોકોની કસોટી થઈ.


મોહનદાસ ગાંધીને અમૃતલાલ ઠક્કરનો આ કાગળ મળ્યો : ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ અમૃતલાલનો આ કાગળ વાંચીને મોહનદાસ ભડક્યા ખરા! ઠક્કરબાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી ગાંધીબાપુએ મુદ્દલ આશા રાખી નહોતી. ગાંધીજીએ સાથીઓને આ કાગળ વંચાવ્યો. તેમણે વધાવ્યો. આશ્રમના નિયમ પાળવા તૈયાર થાય તો અંત્યજ કુટુંબને લેવાની પોતાની તૈયારી ગાંધીજીએ ઠક્કરબાપાને જણાવી દીધી. દૂદાભાઈ દાફડા નામના દલિત ગૃહસ્થ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. તેઓ આશ્રમી નિયમોનું પાલન કરવા તૈયાર હતા. દૂદાભાઈએ આશ્રમમાં દાખલ થવા માટે ૦૬-૦૯-૧૯૧૫ના રોજ અરજી મોકલી હતી અને ૧૧-૦૯-૧૯૧૫ના રોજ તેઓ હાજર પણ થઈ ગયા. આમ, અગિયારમી સપ્ટેમ્બરે એટલે કે, આશ્રમ-સ્થાપનાના એકસો આઠ દિવસ પછી, કપરી કસોટીરૂપી તેજવાહિની મારતી ગતિએ આવી પહોંચી!


સન ૧૯૧૫ની નવમી જાન્યુઆરીથી વીસમી ડિસેમ્બર સુધીના સમયગાળાને આવરી લેતી, માતૃભાષા ગુજરાતીમાં લખેલી ડાયરીમાં અગિયારમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ મો.ક. ગાંધીએ નોંધ્યું છે : ‘દૂદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતોકે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી ઉપવાસ શરૂ કર્યો.’ આભડછેટને છેટી રાખવા માટે ગાંધીજીએ ભોજનનો ટંક છોડ્યો, પણ ટેક ન છોડી. ઓગણીસો પંદરના ‘નાઈન ઈલેવન’થી અમદાવાદના સામાજિક અને ધાર્મિક જીવનમાં ઊહાપોહ મચી ગયો. આ બનાવના કારણે કહેવાતા ‘ઊંચા’ લોકોએ આશ્રમનો બહિષ્કાર કરવાનો પણ વિચાર કર્યો હતો. જેમ આશ્રમની બહાર, તેમ આશ્રમમાં પણ ખળભળાટ થયો. એક તબક્કે, મોહનદાસે આશ્રમમાં અંત્યજના આગમનનો સખત વિરોધ કરનાર કસ્તૂરબાઈ સાથેનો છેડો કાયમ માટે ફાડી નાખવાનો નિશ્ચય કરી લીધો હતો!


પંદરમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ દૂદાભાઈ એમનાં પત્ની દાનીબહેનને લેવા ગયા. એના એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી સપ્ટેમ્બરે, પ્રિય અને આદરણીય મિત્ર વી.એસ. શ્રીનિવાસ શાસ્ત્રી(૧૮૬૯-૧૯૪૬)ને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલા પત્રના છેવટ ભાગમાં મો.ક. ગાંધી કહે છે કે, ‘હું મારા જીવનમાં એક મહત્ત્વનું પગલું લઈ રહ્યો છું. આજે એ સંબંધમાં લખવાનો સમય નથી. એનો સંબંધ કેટલેક અંશે પરિયા એટલે અસ્પૃશ્યોના પ્રશ્ન સાથે છે.’ છવીસ સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ કોચરબના આશ્રમમાં દૂદાભાઈની સાથે તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી દીકરી લક્ષ્મીનો પ્રવેશ થયો. એના ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે, ગાંધીએ, શ્રીનિવાસ શાસ્ત્રીને અમદાવાદથી મૂળ અંગ્રેજીમાં લખેલો પત્ર સ્પષ્ટ છે અને સ્ફોટક છે! પ્રિય શાસ્ત્રીયારને મો.ક. ગાંધી લખે છે : ‘મેં મારી પત્નીને કહી દીધું છે કે તું મને છોડી શકે છે અને આપણે સારા મિત્રો તરીકે છૂટા થવું જોઈએ. આ પગલું ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે એનાથી હું દલિત વર્ગોના કાર્ય સાથે એવા સંબંધથી બંધાઉં છું કે નજીકના ભવિષ્યમાં જ સંભવ છે કે મારે કોઈ ઢેડવાડામાં જઈને રહેવાનો અને ઢેડ લોકો સાથે તેમના જીવનમાં સહભાગી થવાનો વિચાર અમલમાં મૂકવો પડે. એ વાત મારા ચુસ્ત અનુયાયીઓને માટે પણ ભારે થઈ પડશે. મેં આપને મારી આ વાતની રૂપરેખા આપી છે. એમાં કોઈ ભવ્યતા રહેલી નથી. મારે માટે એનું મહત્ત્વ એટલા માટે છે કે એ વડે હું સામાજિક પ્રશ્નોમાં સત્યાગ્રહની કાર્યસાધકતા સિદ્ધ કરી શકું એમ છું. અને હું જ્યારે છેવટનું પગલું ભરીશ ત્યારે તેમાં સ્વરાજ્ય વગેરેનો પણ સમાવેશ થશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩, પૃષ્ઠ : ૧૨૦-૧૨૧) અંત્યજ કુટુંબના પ્રવેશથી આશ્રમમાં હર્ષનો નહીં, સંઘર્ષનો પ્રવેશ થયો. મો.ક. ગાંધીના સહાયક મિત્રમંડળમાં ખળભળાટ થયો. જે કૂવામાં બંગલાના માલિક જીવણલાલ વ્રજરાય દેસાઈનો ભાગ હતો તે કૂવામાંથી પાણી ભરવામાં જ અડચણ આવવા લાગી. આ ઘટનાને ગાંધીના મોઢેથી જ સાંભળીએ : ‘કોસવાળાને અમારા પાણીના છાંટા અડે તો તે અભડાય. તેણે ગાળો શરૂ કરી, દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દૃઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું મેં સહુને કહી દીધું. અમને ગાળ સાંભળતા જોઈ કોસવાળો શરમાયો ને તેણે છેડ મૂકી. પણ પૈસાની મદદ તો બંધ થઈ. જે ભાઈએ આશ્રમના નિયમો પાળનારા અંત્યજોના પ્રવેશ વિશે પ્રથમથી જ શંકા કરી હતી તેમને તો આશ્રમમાં અંત્યજ દાખલ થવાની આશા જ નહોતી.’ (‘સત્યના પ્રયોગો’, ૧૯૯૩, પૃષ્ઠ : ૩૮૦) આશ્રમને પૈસાની મદદ બંધ પડી. ગાંધીજીના કાને આશ્રમના બહિષ્કારની અફવા આવવા માંડી. જો કે, ગાંધીજીએ સાથીઓની સાથે આવું વિચારી મેલ્યું હતું : ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’ (પૃષ્ઠ : ૩૮૧)


છેવટે મોહનદાસ ગાંધી સમક્ષ તેમના પિતરાઈ ભાઈ ખુશાલચંદ ગાંધીના પુત્ર મગનલાલ ગાંધીએ ચિંતાસૂર કાઢ્યો કે, ‘આવતે મહિને આશ્રમખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી.’, ત્યારે મો.ક. ગાંધીએ ધીરજથી જવાબ આપ્યો : ‘તો આપણે અંત્યજવાડે રહેવા જઈશું.’ જો કે, એક સવારે મોટર લઈને આવેલા, શેઠ અંબાલાલ સારાભાઈ દ્વારા તેર હજાર રૂપિયાની રોકડ રકમ મળી. આ આકસ્મિક, અકલ્પનીય, આવકાર્ય, અનિવાર્ય મદદથી ગાંધીજીનું અંત્યજવાડામાં જવાનું અટક્યું. તેમને લગભગ એક વર્ષનું આશ્રમખર્ચ મળી ગયું. જો કે મગનલાલ ગાંધી અને વિશેષ કરીને તેમનાં પત્ની સંતોકબહેનને ‘દૂદાભાઈ, દાનીબહેન, લક્ષ્મી’ની હાજરીથી પોતાનો ધર્મ જોખમમાં મુકાયો હોય એવું લાગ્યું. આથી, ગાંધીજીએ આ ‘ધર્મસંકટ’ના ઉકેલ તરીકે, મગનલાલ અને સંતોકબહેનને વણાટકામ શીખવા માટે મદ્રાસ જવાનું સૂચન કર્યું. આ દંપતીએ મદ્રાસમાં આશરે છ માસ રહીને વણાટની કળા બરોબર હાથ કરી. મગન-સંતોક પોતાનામાં આવી ગયેલી નબળાઈ જોઈ શક્યાં. તેથી બન્નેએ ગંભીર વિચાર કરીને અસ્પૃશ્યતાનો મેલ પૂર્ણપણે કાઢી નાખ્યો. ક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈને ત્યાં અંત્યજો વગેરે આવતા, રહેતા, જમતા. પરંતુ કોચરબના સત્યાગ્રહાશ્રમમાં એક અંત્યજ કુટુંબનું આવવું કસ્તૂરબાઈને અને બીજા સ્ત્રીમંડળને ગમ્યું એમ ન કહેવાય. દાનીબહેન પ્રત્યેનો અણગમો નહીં તો તેમના પ્રત્યેની ઉદાસીનતા, એવી બાબતમાં ગાંધીની બહુ ઝીણી આંખ જોઈ જતી અને તીણા કાન સાંભળી જતા. આશ્રમને આર્થિક મદદના અભાવની બીકે ગાંધીજીને જરાયે ચિંતામાં નહોતા નાખ્યા, પરંતુ તેમના માટે ‘નાઈન ઈલેવન’થી નીપજેલો આંતર ખળભળાટ વસમો થઈ પડ્યો હતો. દાનીબહેન-દૂદાભાઈ દંપતી માટે ગાંધીજી ‘સત્યના પ્રયોગો’(પૃષ્ઠ : ૩૮૨)માં લખે છે : “દાનીબહેન સામાન્ય બાઈ હતી. દૂદાભાઈનું ભણતર સહજ હતું, પણ તેમની સમજણ સારી હતી, તેમની ધીરજ મને ગમી હતી. તેમણે કોઈ વેળા ક્રોધ આવતો, પણ એકંદરે તેમની સહનશક્તિની મારી ઉપર સારી છાપ પડેલી. ઝીણાં અપમાનો ગળી જવાનું હું દૂદાભાઈને વીનવતો ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.” એ તો ગાંધીમાં નૈતિક અને આત્મિક બળ હતું, એટલે તેઓ છેક સન ૧૯૧૫માં, ‘નાઈન ઈલેવન’ વહોરીને પણ, અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમમાં એક અસ્પૃશ્ય પરિવારનો પ્રવેશ અને સમાવેશ કરાવી શક્યા હતા. આ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી વર્ષે પણ એ ભૌગોલિક સત્ય ઊભું જ રહે છે કે, શહેરના કહેવાતા ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં, ઉચ્ચ સુવિધાયુક્ત ઇમારતો બાંધતા, ઉચ્ચ વર્ણીય ઘરનિર્માણકારો શિક્ષિત અને સક્ષમ દલિત પરિવારોને મકાન આપવાની આજે પણ ચોખ્ખી (અને ખરેખર તો મેલી) ના પાડે છે!

e.mail : ashwinkumar.phd@gmail.com

Blog-link : http://ashwinningstroke.blogspot.in

સૌજન્ય : 'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12

Category :- Gandhiana