સોરાબજી અડાજણિયા : દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો વિકલ્પ બને તેવું વ્યક્તિત્વ!

કિરણ કાપુરે
10-09-2018

ઇતિહાસના એવાં અનેક પાત્રો છે, જેમનું ગંજાવર પ્રદાન હોવા છતાં તેઓ આજે આપણાં ઇતિહાસનો હિસ્સો નથી બન્યા, ન તો તેઓ આપણી સ્મૃિતપટલ પર પણ મોજૂદ છે! એકવાર આવાં નામ વિસારે પડી જાય પછી તેની નોંધ લેવાતી નથી; અને સમય જતાં આવાં વ્યક્તિત્વ એવાં ઓઝલ થઈ જાય છે કે તેમને સંભારવા પણ લાંબી ભૂમિકા બાંધવી પડે! આવું જ એક અજાણી શખ્સિયત લાગી શકે તેવું નામ છે : સોરાબજી શાપુરજી અડાજણિયા.

વાચકોને આ નામ ભાગ્યે જ વાચવા-સાંભળવામાં આવ્યું હશે, પરંતુ દક્ષિણ આફ્રિકામાં જ્યારે હિંદીઓનો સંઘર્ષ ખૂબ જોરશોરથી ચાલતો હતો અને તેમાં જ્યારે યુવાન બેરિસ્ટર ગાંધી આગેવાની લઈને તે લડત લડી રહ્યા હતા, ત્યારે ગાંધીજીના પડખે સોરાબજી શાપુરજી અડાજણિયા બીજી હરોળના આગેવાન બનીને ઊભરી આવ્યા હતા. ગાંધીજીએ જેમનામાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે ગુણ જોયા તેવા સોરાબજી વિશે તેમણે ભાખેલું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં મારી જગ્યા લઈ કોમની સેવા કરશે! પણ તેમ ન થઈ શક્યું અને તેઓ તીવ્ર ક્ષયની બીમારીથી 35 વર્ષની વયે અવસાન પામ્યા. આ વર્ષે જુલાઈ 2018માં તેમના અવસાનને સો વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સોરાબજી અડાજણિયાના વ્યક્તિત્વને ઓળખીએ. ...

સોરાબજી અડાજણિયા વિશે જાણીએ તે અગાઉ તે કાળના દક્ષિણ આફ્રિકાની અને ત્યાં ગાંધીજીની ભૂમિકા શું રહી છે, તેનો સંક્ષિપ્તમાં પરિચય કરી લેવો જરૂરી છે. 1893માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે ત્યાંના બ્રિટિશ સંસ્થાનોમાં યુરોપિયન વસાહતીઓના કહેવાથી ‘ગિરમીટ’ (એક પ્રકારનો કરાર) નીચે હિંદીઓને લઈ જવાની પ્રથા હતી. આ રીતે ત્યાંના સંસ્થાનોમાં હિંદીઓ વસતા થયા. જેમ-જેમ ત્યાં હિંદીઓની વસતી વધી તેમ કેટલાંક હિંદી વેપારીઓ પણ ત્યાં જઈને વસ્યા. હિંદીઓની અને સાથે અન્ય એશિયાવાસીઓની સંખ્યા જોઈને દક્ષિણ આફ્રિકાના સંસ્થાનોએ તેમના પર કેટલાંક પ્રતિબંધો લાદ્યા, અને હિંદીઓની સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અસહ્ય થઈ પડી. પરિવાર સાથે ગયેલાં હિંદીઓને ત્યાંના કાયદાના કારણે ભેદભાવનો સામનો કરવો પડતો હતો. હિંદીઓ વિરોધી આવાં કાયદાને પડકારવા અને તેની સામે ઝિંક ઝીલવા બારિસ્ટર મો.ક. ગાંધીએ લડત ઉપાડી અને તે લડત આઠ વર્ષ સુધી ચાલી. દક્ષિણ આફ્રિકાના લડતની આ તો ખૂબ ટૂંકી વિગત છે, બાકી આ લડતનો ઇતિહાસ ત્યાંના વિવિધ સંસ્થાનો, તેમના અલગ-અલગ કાયદાઓ અને અસંખ્ય ઘટનાઓથી ભરેલો છે. તેનું વિસ્તૃત વર્ણન ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહના ઇતિહાસ’ નામના પુસ્તકમાં કર્યું છે. હવે સ્વાભાવિક છે કે આવી લડતમાં ગાંધીજી અનેક સાથીઓ પણ હોય, તેમાંના એક એટલે સોરાબજી શાપુરજી અડાજણિયા.

દક્ષિણ આફ્રિકાની જે લડત થઈ તેમાં સોરાબજી શાપુરજી અડાજણિયાનું પાત્ર અતિ મહત્ત્વનું રહ્યું છે. ગાંધીજી અને સોરાબજીની પહેલીવહેલી મુલાકાત 1908ના અરસામાં થઈ હોય તેવું જણાય છે. દક્ષિણ આફ્રિકાના ગાંધીજીના અગાઉના જીવનમાં તેમનો ઉલ્લેખ આવતો નથી. પણ જ્યારે ટ્રાન્સવાલમાં એશિયાઈ નોંધણી અંગેના ધારામાં હિંદીઓ અને ટ્રાન્સવાલ સરકારનું સમાધાન ન થયું, ત્યારે હિંદીઓ દ્વારા એશિયાઈ નોંધણી ધારાના તાબે ન થવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાયદાનો સવિનયભંગ કરીને હિંદીઓના હકની કસોટી કરવા ખાતર પહેલાં વહેલાં સોરાબજી ટ્રાન્સવાલની હદમાં દાખલ થયા હતા. બસ, અહીંથી સોરાબજી દક્ષિણ આફ્રિકની લડતના ચિત્રમાં વધુ ઉભરી આવે છે અને એક દાયકા સુધી તેઓ આમ જ હિંદીઓના સેવા ખાતર પોતાનું જીવન ગાળે છે. 1908માં જ તેઓ ગાંધીજી સાથે લડતના એવાં અભિન્ન અંગ બને છે કે અનેક ઠેકાણે ગાંધીજીના જાહેરજીવનનો ભાર હળવો કરતા તેઓ નજરે ચઢે છે.

એશિયાઈ નોંધણી ધારાના વિરુદ્ધ જ્યારે તેઓ ટ્રાન્સવાલમાં રજિસ્ટ્રેશન વિના પ્રવેશે છે ત્યારે તેમને પહેલીવાર પકડવામાં આવ્યા, અને તેમના પર કેસ ચાલ્યો. આ કેસમાં તેમની પેરવી કરનાર ગાંધીજી જ હતા! અનેક વખત આ રીતે નોંધણી ધારાને તોડીને દક્ષિણ આફ્રિકના લડતના પટ પર સોરાબજીનું વ્યક્તિત્વ ખીલતું ગયું. આમ ટ્રાન્સવાલની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને તેઓ આઠ વખત જેલ જાય છે. આને અનુલક્ષીને જ તેમનું 1911માં સન્માન થાય છે. સન્માન વખતે ગાંધીજીએ જે ભાષણ કર્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે, “મિ. સોરાબજીએ સત્યાગ્રહી તરીકે ઘણા ગુણો દાખવ્યા છે. મિ. સોરાબજીને સહુથી મોટા સત્યાગ્રહી કહેવામાં આવ્યા તે બરાબર જ છે.”

સોરાબજીના લડતમાં ભાગ લેવા અંગે જ નહીં, પણ ગાંધીજી સોરાબજીના સ્વભાવથી પણ આકર્ષાયા હતા અને તેથી જ તેમણે કહ્યું હતું કે, “જેલમાં સત્યાગ્રહીઓ વિષે કંઈ કંઈ રાવ આવતી પણ મિ. સોરાબજીની કદી રાવ સાંભળી નથી. તેમનો સ્વભાવ અત્યંત શાંત અને મિલનસાર હતો” ગાંધીજી સાથે કામ કરનારાં સોરાબજીના આવાં ગુણોનો ગાંધીજીને સતત પરિચય થતો રહ્યો. આ પરિચયથી સોરાબજી વિશેનો જે અભિપ્રાય ઘડાયો હતો તે ગાંધીજી અન્ય સુધી પણ પહોંચાડતા અને એટલે જ જ્યારે ગોપાળ કૃષ્ણ ગોખલેને ગાંધીજી એક પત્ર લખે છે અને તે પત્ર સોરાબજીના સાથે મોકલે છે. આ પત્રમાં ગાંધીજી લખે છે કે, “આ પત્ર આપને શ્રી સોરાબજી શાપુરજી અડાજણિયા આપશે. તેઓ મહાન સત્યાગ્રહીઓમાંના એક છે. આ સ્મરણીય લડતમાં મને જે કીમતી અનુભવો થયા તેમાં સોરાબજી જેવા માણસોની શોધ એ સૌથી મોટો અનુભવ છે. મને ખાતરી છે કે શ્રી સોરાબજીને મળીને આપને આનંદ થશે.”

સોરાબજી પર ગાંધીજીનો ભરોસો આમ અનેક પત્રોમાં પણ ઝળકે છે અને આ ભરોસો કેટલો દૃઢ હતો તેનો દાખલો ત્યારે મળે છે જ્યારે ડો. પ્રાણજીવન મહેતાના (ગાંધીજીના મિત્ર અને બેરિસ્ટર) ખર્ચે દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહીઓમાંથી બેરિસ્ટરીના અભ્યાસ અર્થે મોકલવાના હતા, ત્યારે તેમની પસંદગી સોરાબજી પર ઊતરી હતી. તેમની પસંદગી થઈ અને તેઓ બેરિસ્ટર પણ થયા. વિલાયતમાં બેરિસ્ટર થયા પછી સોરાબજી ફરી જોહાનિસબર્ગ આવ્યા અને ત્યાં જાહેર સેવા અને વકીલાત બંને શરૂ કર્યાં. ગાંધીજી જ્યારે હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે દક્ષિણ આફ્રિકાથી જે પણ કાગળો આવતા તેમાં સોરાબજીના વખાણ જ રહેતા. નાના-મોટા સૌ સાથે મળીને તેઓ કામ કરતા. તેમની સેવા આ રીતે હિંદીઓ માટે અવિરત ચાલુ રહી, પરંતુ 1918માં તેમને ક્ષય થયો અને થોડા જ મહિનામાં માત્ર 35 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.

અડજાણિયા અવસાન પામ્યા ત્યારે ગાંધીજીએ તેમને શ્રદ્ધાંજલિ આપતો એક લેખ ‘બોમ્બે ક્રોનિકલ’માં લખ્યો હતો, જેમાં ગાંધીજી સોરાબજી વિશે લખે છે કે, “લડતના દિવસો દરમ્યાન એમણે ધ્યેયની નિષ્ઠા, ચારિત્ર્યની શુદ્ધિ, સ્વભાવની સ્વસ્થતા અને વિષમ સંજોગોમાં જોઈતી હિંમત એવાં તો દાખવ્યા કે આપણામાંના શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ પણ ઘણી વાર તે દાખવી શકતા નથી. કઠણમાં કઠણ હૃદય પણ ભાંગી પડે એવા પ્રસંગો પણ આવેલા, પરંતુ સોરાબજી કદી ડગ્યા નથી.”

સોરાબજીની ખ્યાતિ માત્ર દક્ષિણ આફ્રિકા પૂરતી નહોતી. તેઓ જ્યારે બેરિસ્ટરી કરવા લંડન ગયા ત્યારે તેઓ ગોખલેના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓ ગોખલેને પણ પ્રભાવિત કરી શક્યા હતા. આ ઉપરાંત, લંડનમાં વસતા હિંદીઓએ જેટલાં આંદોલનો ચલાવ્યાં તે બધાં જ આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો. ત્યાં તેઓ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ના મંત્રી પણ રહ્યા અને તે વખતે યુદ્ધમાં સેવા અર્થે જે ભારતીય સેવાદળ બન્યું તેમાં તેઓ સામેલ થનારા પ્રથમ હતા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સોરાબજી શાપુરજી અડાજણિયા કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી હશે તેનો ખ્યાલ ગાંધીજી લિખિત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં પણ આવી શકે, જેમાં ગાંધીજીએ સોરાબજી વિશે એક આખું પ્રકરણ ફાળવ્યું છે! અહીંયા પણ ગાંધીજીએ સોરાબજી વિશે જે લખ્યું છે, તેમાં તેમના વ્યક્તિત્વની ઝાંખી મળે છે. ગાંધીજી તેમાં લખે છે કે, “સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હંમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફેરવે જ નહીં. જેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું—અને તે ખૂબ હતું—તેટલે જ દરજ્જે હિંદીપણું હતું. સંકુચિત જાતિઅભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી.”

ઇતિહાસનું દસ્તાવેજીકરણમાં ગાંધીજી દ્વારા કોઈ વ્યક્તિની વિશેષ ઓળખ અપાય ત્યારે બેશક તે ઇતિહાસમાં ન ભૂલાય એવું વ્યક્તિત્વ બનવું જોઈએ, પણ બદનસીબે તેવું થયું નથી.    

(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 09 સપ્ટેમ્બર 2018)

(તસવીર: ઉમા ધુપેલિયા લિખિત પુસ્તક 'Gandhi's Prisoner? :  The Life of Gandhi's son Manilal')

Category :- Gandhiana