બાલીન્ટા : જય હો લોકશાહી માત કી !

ચંદુ મહેરિયા
09-09-2018

નજરે જોયું

ભાઈ યશ મકવાણા(સહ કન્વીનર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ) એ બાલીન્ટા દલિત અત્યાચાર મુદ્દે સ્થળ તપાસમાં સાથે જોડાવા કહ્યું, ત્યારે હું બહુ ઉત્સાહિત નહોતો. કેમ કે દલિત અત્યાચારોના સેંકડો બનાવો વિશે જાણવા-લખવા-વાંચવાનું બન્યું છે. એટલે એમાં નવું શું હોય ( સિવાય કે હિંસા, ક્રૂરતાની ઘાતકતાનું પ્રમાણ) કે જવું જોઈએ એમ લાગતું હતું. પણ જ્યારે બાલીન્ટા અત્યાચારનો મુખ્ય આરોપી ‘બ્રાહ્મણ” છે, એમ જાણ્યું ત્યારે આઘાત અને આશ્ચર્ય અનુભવ્યા, અને મેં બાલીન્ટા જવાની હા ભણી.

કોઈ આફ્રિકા ખંડના દેશના નામ જેવું નામ ધરાવતું બાલીન્ટા ગામ, આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલું છે. તાલુકા મથક સોજીત્રાથી આશરે બારેક કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં ખેડા - આણંદ જિલ્લાના અનેક ગામોમાં પટેલોએ બંધાવેલા પ્રવેશદ્વારો જેવું પ્રવેશ દ્વાર છે. ગામના ‘મણિબા પટેલ પ્રવેશદ્વાર’માંથી ગામમાં પ્રવેશવું ભારે દુષ્કર હતું. આષાઢી વર્ષાનાં પાણી  ગામના પ્રવેશદ્વારની ચોપાસના ખાડાઓમાં ભરાયેલા હતા. તો ગારા અને કીચડમાંથી રસ્તો શોધવો મુશ્કેલ હતો. જેમણે માતૃશ્રીની સ્મૃિતમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે તેમને તેની નીચેની જ આ ગંદકીનો ઉપાય કેમ નહીં જડ્યો હોય, તેવા પ્રશ્ન સાથે માંડ માંડ પ્રવેશદ્વાર વટાવી ગામમાં પ્રવેશ્યા.

યશ મકવાણા, પ્રકાશ મકવાણા, લલિત મહિડા, જયંતી મકવાણા, ચન્દ્રકાંત રોહિત સાથે ૨૪મી જુલાઈની બપોરે બાલીન્ટાની મુલાકાત લીધી. ગુજરાતના જ નહીં દેશના કોઈ પણ ગામમાં દલિતોની વસ્તી ગામના આથમણા ખૂણે, ગામ છેવાડે જ હોય છે. બાલીન્ટા પણ તેમાં અપવાદ નહોતું. દલિત ફળિયામાં પ્રવેશતાં ફળિયાના મુખ્ય રસ્તાની બંને બાજુ બાંકડા મૂકેલા હતા. પહેલા બાંકડે બાબાસાહેબ આંબેડકરનું, તો તે પછીના બાંકડાઓ પર દિવંગત  કલ્યાણભાઈ લલ્લુભાઈ મકવાણા, કાશીબહેન ગાંડાભાઈ વણકરનાં નામો કોતરેલાં હતાં. એક બાંકડો છત્રસિંહ ચુનીભાઈ જાદવના નામનો હતો. જુદીજુદી જાતિકોમનાં નામોના બાંકડા જોડાજોડ રહી શકે છે, તેમ જો માણસો રહેતા હોત તો કેવું સારું એવો વિચાર મનમાં આવ્યો ન આવ્યો ત્યાં તો વિનુભાઈ રોહિતનું ઘર આવી ગયું.

આશરે ૩,૮૦૦ થી ૪,૦૦૦ની વસ્તીનું બાલીન્ટા ગામ અઢારે વરણને પોતાનામાં સમાવી વસ્યું છે. ગામમાં બહુમતી વસ્તી ઠાકોરોની છે. તે પછીના ક્રમે પટેલોની વસ્તી છે. દલિતોમાં વણકરોના ૩૦, વાલ્મીકિના ૨૦ અને રોહિતોના ૮ ઘર છે. ગામમાં માત્ર બે જ ઘર અને પંદરેક વોટ ધરાવતા ‘બ્રાહ્મણ’, ગામના સરપંચ  છે.  તો ૮ ઘર ધરાવતા ‘રોહિત’ ડેપ્યુટી સરપંચ છે ! જ્યારે દેશનું વાતાવરણ જાતિધર્મકોમના નામે વિષાક્ત હોય ત્યારે અહીં જાતિકોમધર્મ સિવાય સરપંચ-ઉપસરપંચ હોય તે જાણીને પહેલી નજરે રાજી થવાયું.

૩૦ વરસના, અપરણિત, ગુજરાતી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા દલિત યુવાન વિનુભાઈ મગનભાઈ રોહિતની ગ્રામ પંચાયતના સભ્ય તરીકે આ બીજી ટર્મ છે. ૨૦૧૨માં એ પ્રથમવાર ચૂંટાયેલા. ૨૦૧૭ની બીજી ટર્મમાં  ડેપ્યુટી સરપંચ છે. દલિતોની ત્રણેય પેટાજ્ઞાતિઓમાં રોહિતો સાવ જ લઘુમતીમાં છે તો પંચાયતનો સભ્ય તેમનો કેમ ?એવો સવાલ પૂરો થાય તે પહેલાં તો ફળિયામાં બેઠેલા સૌ એક અવાજે બોલી ઊઠે છે, “અમારા ગામમાં એવું નથી. જે લાયક હોય તે ક પછ તયણેય કોમમાંથી વારાફરતી પંચાયતનો સભ્ય બનં છં. ૧૯૪૭થી આજ સુધી અમારી અનામત બેઠક પર ચૂંટણી થઈ નથ. અમે જ અમારો સભ્ય બિનહરીફ ચૂંટીય છ.” આ અદ્દભુત દલિત એકતા અને સમજ પર ઓવારી જવાનું મન થવું સ્વાભાવિક હતું. જો કે લોકશાહીએ નાગરિક તરીકે, મતદાર તરીકે તેમને જરૂર ભેગા રાખ્યા છે, પણ ધર્મ અને સમાજે તેમને તેમ રહેવા દીધા નથી. ૮ ઘરના રોહિતોના ફળિયામાં એમનું ચામુંડા-બહુચરનું, ૩૦ ઘરના વણકરોનું રામાપીરનું અને ૨૦ ઘરના વાલ્મીકિઓના ફળિયામાં હડકાઈ માતાનું મંદિર છે. વણકરો-રોહિતોનું સ્મશાન ભેગું છે પણ વાલ્મીકિનું નોખું છે !

ગામના સરપંચની સીધી ચૂંટણી થવી જોઈએ એવી ઝીણાભાઈ દરજી સમિતિએ ભલામણ કરેલી. તેનો આશય તો આખું ગામ મળીને તેનો સરપંચ પસંદ કરે તેવો હતો. પરંતુ નાતજાતકોમધર્મમાં વહેંચાયેલા સમાજે કંઈક જુદું જ કર્યું. બાલીન્ટામાં ભટ્ટ અને દવે અટક ધરાવતા માત્ર બે જ બ્રાહ્મણ કુટુંબો છે. તેમના વોટ ગણીને ડઝનેય નહીં હોય પણ ગામના સરપંચ પ્રવીણભાઈ હીરાલાલ ભટ્ટ નામક બ્રાહ્મણ છે. તેના કારણમાં, તેમની લોકપ્રિયતા કરતાં તેમને મળેલી સત્તાધારી બી.જે.પી.ની ઓથ હોવાનું દલિતો કહે છે. આ કુટુંબનો પ્રભાવ એટલો છે કે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ તે જ ચૂંટાયા છે અને આખા પંથક પર તેમનું વર્ચસ્‌ છે. તેમની દાદાગીરી અને ગરીબ ગુરબાંને રંજાડવાની વૃત્તિ દલિત ડેપ્યુટી સરપંચ પર હાથ ઉપાડવા સુધી પહોંચી છે. ગામના બહુમતી ઠાકોરો વહેંચાયેલા છે. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ૫ ઠાકોરોએ ઉમેદવારી કરી હતી. એમાંનો એકેય ન ચૂંટાયો અને અણુમતિના બ્રાહ્મણ સરપંચ પદ પામ્યા.

ભારતીય લોકશાહી માટે ભારે કલંકરૂપ એવી હિંદુ સમાજની ધાર્મિક -સામાજિક જડતા વિનુભાઈની ડેપ્યુટી સરપંચ તરીકેની પસંદગીમાં જોવા મળી. ૨૦૧૨માં વિનુભાઈ રોહિત પહેલીવાર ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને આ ઉત્સાહી, પ્રતિબદ્ધ, પંચાયતી રાજના નીતિનિયમોના જાણકાર સભ્યે પોતાને ડેપ્યુટી સરપંચ બનાવવાની વાત કરી, ત્યારે ગ્રામપંચાયતની બેઠકમાં પહેલાં તો બેઘડી સોપો પડી ગયો અને પછી તરત ઠઠ્ઠામશ્કરી થયેલી. ૨૦૧૭ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૦ સભ્યોમાં ૮ ઠાકોરો, ૧ દલિત અને ૧ દેવીપૂજક ચૂંટાયા હતા. ઠાકોરો બહુમતીમાં હતા પણ વહેંચાયેલા હતા. એટલે દલિત અને દેવીપૂજક જેમના પક્ષે જાય તેને સત્તા મળે તેમ હતું. સમર્થન માટે વિનુભાઈ રોહિતે તેમને ડેપ્યુટી સરપંચ બનાવવાની શરત કરી, જે ઠાકોરોને બહુ આકરી લાગી. તેથી ઠાકોરોએ  સત્તા મેળવવા રસ્તો કાઢવા દેવી દેવતાનો આશરો લીધો. આ પંથકના ઠાકોરો માટે કોડવા ગામના હડકાઈ માતા ભારે આસ્થાનું કેન્દ્ર હતા. એટલે હડકાઈ માતાના મંદિરે જઈ  ચિઠ્ઠી નાંખવી અને માતાજી જે પસંદ કરે એમ કરવાનું નક્કી થયું. નિર્ધારિત દિવસે આખું રાવણું હડકાઈ માતાએ ગયું ને ચિઠ્ઠી બનાવી. તો માતાની કૃપા વિનુભાઈ રોહિત પર ઊતરી ! માતાનો આદેશ અને આશિષ ઠાકોરો માટે શિરોમાન્ય હતા. છતાં કશું વિઘ્ન ન આવે અને કોઈ સભ્ય તૂટે નહીં એટલે તેમના પક્ષના સભ્યોને જૂનાગઠ લઈ જવાયા ને પંચાયતની બેઠકના કલાક પહેલાં જ ગામમાં લવાયા. આમ દલિતોના બિનહરીફ પ્રતિનિધિ વિનુભાઈ રોહિતને જે લોકશાહી માત ડેપ્યુટી સરપંચ ન બનાવી શક્યાં તે કોડવાના હડકાઈ માતાએ કરી બતાવ્યું ! 

પંચાયતના સભ્ય બન્યા ત્યારથી જ વિનુભાઈએ ન માત્ર ગામના દલિતોના, સૌ વંચિત-ગરીબોના વિકાસ કામો હાથ ધર્યા હતા. વિનુભાઈ કહે છે, “ગામમાં તળાવડીના કાંઠે અમારું વણકર-રોહિતોનું સ્મશાન છે .. જે ભારે ખરાબ હાલતમાં હતું. ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડે. ગામના વાલ્મીકિના સ્મશાનની જમીન પર પટેલોએ એટલું દબાણ કરેલું કે પાંચ-દસ ફૂટ ભોંય માંડ બચેલી. એટલે આ સ્મશાનનું કામ મેં પહેલાં હાથ પર લીધું.” ગામડા ગામનો, લોકશાહી પ્રક્રિયામાં સામેલ થયેલો, એક જન પ્રતિનિધિ, જો એ દલિત હોય તો, વિકાસ કાર્યો માટેની તેની પહેલી પ્રાથમિકતા સ્મશાન બને છે તે ભારે ખિન્ન કરનારી બાબત છે. વિનુભાઈએ સ્મશાનનો પ્રશ્ન તો ઉકેલ્યો, દલિત ફળિયામાં પાણી, વીજળી, ગટર અને પેવર બ્લોક પણ નંખાવ્યા. ગામના દૂરના ફળિયાઓમાં પણ એ વિકાસને લઈ ગયા. દલિત ફળિયાને અડીને જમીનના એક જુદા ટુકડા પર સુંદરભાઈ પૂંજાભાઈ વણકર કુટુંબના ૮ ઘરો ૨૦૦૧માં વસ્યા. એમની વસ્તીમાં કશી સુવિધા નહીં. એમાં ય પાણીની તો ભારે તકલીફ રોજ ઊઠીને પાણી વારંવાર બાજુના વાલ્મીકિના નળેથી લેવા જવું પડતું હતું. પંચાયતમાં રજૂઆતો કરી કરી થાક્યા પણ કશું ન વળ્યું.” ૨૦૧૨માં વિનુભાઈ સભ્ય બન્યા અને અમારા ઘરોમાં પાણી આવ્યું, રસ્તો બન્યો અને હવે સ્ટ્રીટ લાઈટ પણ આવશે.” એવું ભારે ઓશિંગણ ભાવે આ ભાઈઓએ કહ્યું.

પંચાયતના સભ્ય વિનુભાઈ પંચાયતનો વહીવટ પારદર્શક અને ન્યાયી બને તે માટે મથતા હતા. જ્યાં પંચાયતે કામો કરવા જેવા છે તે, જોખમો વહોરીને પણ કરાવે અને એટલે હાલના સરપંચ કુટુંબને એ ખૂંચે છે. ગઈ તારીખ ૨૦ જુલાઈએ સાંજે પાંચેક વાગે વિનુભાઈ ગામના ટાવર પાસે દિનેશભાઈ કનુભાઈ પરમારની દુકાને ઊભા હતા. ત્યારે તેમણે ત્યાં ઊભેલા સરપંચના દોહિત્ર કિસનભાઈ દીપકભાઈ દવેને “કિસનપુરાવાળી પાણીની લાઈનમાં પાણી મળતું ન હોવાની” વાત કરી. તો કિસનભાઈ ઉશ્કેરાઈ ગયા. તેમને જાતિવિષયક ગાળો બોલી અપમાનિત કર્યા અને તેમણે અને તેમની સાથેના બીજા ત્રણ લોકોએ તેમના પર હુમલો કરી માર્યા. આ બનાવની પોલીસ ફરિયાદ બનાવના ૨૦ કલાક બાદ ભારે લોકદબાણ પછી પોલીસે લીધી પણ ઓગસ્ટ મહિનાના આરંભ સુધી હજુ કોઈની ધરપકડ થઈ નથી. કેમ કે બધા હુમલાખોરોને ભારતીય જનતા પક્ષની હૂંફ મળેલી છે અને પોલીસ તેની આગળ બેબસ છે.

ઘટનાના ચોથા દિવસે અમે ગામમાં ગયા ત્યારે વિનુભાઈ બહુ સ્વસ્થ હતા. એમણે ઘટનાની માંડીને વાત કરી. ત્રણેય ફળિયામાં અને ગાઉ છેટેના સ્મશાનમાં પણ લઈ ગયા. અમે વિનુભાઈને વારંવાર અમારી કોઈ મદદની જરૂર હોય તો કહો એમ પૂછતા હતા તો એ બહુ નચિંત થઈને, ‘બીજું તો શું મને બરોબર ન્યાય મલ એવું કરજો” એટલું જ કહ્યે જતા હતા.

ત્રણ ચાર કલાકની આ મુલાકાત પછી અમે ગામમાંથી નીકળતા હતા, ત્યારે ગામના એક પૂર્વ સરપંચ ભેળા હાલના પંચાયતના સભ્ય અને વિનુભાઈના સાથી પ્રહલાદભાઈ ચુનારા મળ્યા. પ્રહ્લાદભાઈ ભારે ચિંતામાં અને ઉશ્કેરાટમાં હતા. વિનુભાઈની ખરી હાલતની વાત કરતાં એમણે કીધું કે, “એમના માટે ગામમાં નીકળવું કાઢું છે. એક પોલીસનું રક્ષણ મળ્યું છે પણ એ ડંડો લઈને આખો દાડો પંચાયતમાં બેસી રહે છે. ગમે ત્યારે કશું થઈ જવાની ચિંતા રહે છે.” પ્રહ્લાદભાઈ ચુનારાની વાત ચૂપચાપ સંભળી રહેલા વિનુભાઈના ચહેરાના ભાવ પરથી લાગ્યું કે અત્યાર સુધી વિનુભાઈ જે અમને નથી કહી રહ્યા તે પ્રહ્લાદભાઈએ કહ્યું છે. યોગ્ય પોલીસ તપાસ, પોલીસ રક્ષણ અને આરોપીઓની ધરપકડના પ્રયાસો કરવાના આશ્વાસન સાથે અમે ગામ છોડ્યું. પણ આ નાનકડા ગામમાં વિનુભાઈના રૂપે જે નવું યુવા દલિત નેતૃત્વ ઉભરી રહ્યું છે તે આજે કેવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેના વિચારોમાં આખા રસ્તે ખોવાયેલો રહ્યો. હડકાઈ માયે તો વિનુભાઈને ડેપ્યુટી સરપંચ બનાવી દીધા છે, પણ હે મારી લોકશાકી મા તું એને હેમખેમ રાખે તો ય ઘણું !

સૌજન્ય : “દલિત અધિકાર (પાક્ષિક)”, 01 અૉગસ્ટ 2018; પૃ. 01-02

Category :- Samantar Gujarat / Samantar