બે કાવ્યો

‘નવ્યાદર્શ
04-09-2018

બહુ દિવસો થઈ ગયા નહીં ?
તારા અને મારા અબોલા વચ્ચે.
પણ તને ખબર છે
આ અબોલા વચ્ચે જ
હું તને ઓળખી શકી.
સાચી રીતે તો નહીં જ કહું
કે ખરેખર ઓળખી શકી,
પણ એટલું જરૂર કહીશ.
કે હા, હું તને ઓળખી શકી.
બહુ દિવસો પછી જ્યારે તારો અવાજ સાંભળ્યો
ત્યારે હાશ થઈ
કે તું જેવો છે તેવો જ છે
ને મારા હૃદયને પણ ...
આ અબોલામાં મારી આંખો તને શોધતી ન હતી
બસ ક્યારેક કોઈ આંખનો ખૂણો ભીનો થઈ જતો
હસતી હતી તો લાગતું હતું કે થોડું રડી લીધું.
બસ બહુ થયું
હવે મળીને પણ રડાવીશ કે,
બે આંસુ ખુશીના બસ તારી સામે આજે છલકાઈ ગયાં
તને તો ખબર જ હતી
આ અબોલા જોને કેવા વસમા હતાં !

•••••

દુનિયાની નજર

 
હું નાની હતી ત્યારની વાત છે
પપ્પા અને હું ખેતરે જતાં
ખેતર ઉપરથી જ્યારે વિમાન નીકળતું
ત્યારે હું બૂમ પાડી તેને ‘આવજો’ કહેતી
બધા જોઈ રહેતા મને અને હસતા
કહેતાં કે એમ કંઈ સાંભળે તે,
પપ્પા હસતા હસતા કહેતા
‘બેટા ! તું બોલે ને એ ન સાંભળે એવું બને ?’
હું બીજા સામે છણકો કરતી અને કામે વળગતી.
આજે વિમાન નીકળે છે,
પણ આજે હું તેને આવજો નથી કહેતી.
પપ્પાએ શા માટે એમ કહ્યું હશે ?
પપ્પા માટે તો હું રાજકુમારીથી કમ ન હતી
પણ આ દુનિયાની નજર ?
માત્ર મારું રૂપ અને મારું જોબન.
મારી આંખો અને મારા શબ્દો
ચીસ પાડીને કહે છે કે,
‘હું માત્ર રૂપ અને જોબન નથી.’
પણ પેલા વિમાનની માફક
આ દુનિયા પણ બહેરી નીકળી.

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry