ભીમભાઈ દેસાઈ

દીપક બારડોલીકર
29-08-2018

અમારા કોઈ ટીચર આવ્યા ન હોય એ દિવસે તેમનો પિરીઅડ લેવા માટે અમારા પ્રિન્સિપલ આવતા. તેઓ આવે તો અમારા મોજમેળા થઈ જાય. સામાન્ય જાણકારીના ઢગ ખડકાઈ જતા.

અને પિરીઅડ અગર હિસ્ટૃીનો હોય, તો તો રોમન, ઇસ્લામિક, યહૂદી હિસ્ટૃીઓની એવી એવી અદ્દભુત હકીકતો સાંભળવા મળતી કે અમે છક થઈ જતા ! મધ્યપૂર્વ ઉપરની રોમનોની ચઢાઈ, યહૂદીઓની કત્લેઆમ તથા મુસ્લિમોના હાથે ઈસાઈઓ − રોમનોની હારના કિસ્સા અમે પહેલી વાર, અમારા પ્રિન્સિપાલના મોઢે સાંભળ્યા હતા. આવા કિસ્સા કહેતી વખતે, મને યાદ છે ત્યાં સુધી તેઓ અખાની આ કાવ્યકંડીકા, બહુ છટાથી બોલતા :

ભાષાને શું વળગે ભૂર,
જે રણમાં જીતે તે શૂર
!

એ હતા અમારા પ્રિન્સિપલ ભીમભાઈ દેસાઈ. નામથી વિરુદ્ધ સુકલકડી ને ખાસા ઊંચા એવા ભીમભાઈ શિસ્ત, શિક્ષણની બાબતમાં કડક અને ઉસૂલપસંદ આદમી હતા. અવાજ પણ એવો જ ધારદાર, જાણે ખુલ્લી તલવાર ! અને પ્રતાપ એવો, કે મુલાકાતીઓ ગુણ ગાતા થઈ જતા ! − એમના પ્રતાપે અમારી શાળા સાચા અર્થમાં શાળા હતી. લોકો કહેતા, ‘હાઈ સ્કૂલ, તો ભાઈ, બારડોલીની !’ − લોકોના એ બોલ સાચા હતા. શિક્ષણ, શિસ્ત, શિષ્ટતામાં એનો જવાબ ન હતો. ઈતર પ્રવૃત્તિઓમાં પણ બેનમૂન !

ઈતર પ્રવૃત્તિઓમાં અહીં ઘણું હતું. સંગીત હતું, રાસગરબા, નાટક, ડિબેટ, રમતગમત, વગેરે. રમતગમતનો કાર્યક્રમ ખાસો ભરચક હતો. ઈનડોર − આઉટડોર બન્ને રમતો. ટેબલ ટેનિસ અને બેડમિન્ટન હતાં તો ક્રિકેટ અને વોલી બોલ તથા ખોખો ને હુતુતુતુ પણ હતાં.

ખાસ કરીને ક્રિકેટ તથા વોલી બોલમાં અમારી શાળાએ સારું નામ કાઢ્યું હતું. ગંગાધરા, કડોદ, વરાડ, નવસારી વગેરેની ટીમો સામે અમે રમેલા અને સિક્કો બેસાડ્યો હતો.

ઝળકદાર સિદ્ધિઓ પાછળ ભીમભાઈનો હાથ તો હતો . પરંતુ રમતગમતની અમારી કેળવણી તથા હામ-હોસલાની ખીલવણી, અમારા સ્પોર્ટટીચર પરમાર સાહેબના પરિશ્રમને આભારી હતી. સ્પોર્ટસ વિશેની તેમની જાણકારી વિશાળ હતી. તેઓ ક્રિકેટ તથા વોલી બોલના અચ્છા ખેલાડી હતા, તો કુસ્તીના દાવપેચ પણ જાણતા હતા. તેઓ ઘણું કરીને તાપીતટે આવેલા માંડવીના રહીશ હતા. અને ભીમભાઈ તેમને લઈ આવ્યા હતા

પરમાર સાહેબ એક પાણીદાર શખ્સ હતા અને દરેક વિદ્યાર્થીને પાણીદાર ખેલાડી બનેલો જોવા ઈચ્છતા હતા. તેમણે માટે મન મેલીને પ્રયાસો પણ કર્યા હતા. પરિણામે સ્પોર્ટસમાં અમારી નિશાળની પતાકા ફરકતી હતી.

ઈતર પ્રવૃત્તિમાં અત્રે અગર ડૃોઈંગકળાનો ઉલ્લેખ કરું તો નહીં નાઈન્સાફી કરી ગણાશે. અમારા ડૃોઈંગટીચર ગોકર્ણ એક અત્યંત કુશળ અને કાબેલ શિક્ષક હતા. તેમનાં પેન્સિલવર્ક તથા કલર-વર્ક કોઈ પણ જોનારને અચંબામાં નાખી દે એવાં હતાં. ખાસ કરીને તેમણે કરેલા, ફૂલ સાઈઝનાં બે ચિત્રો, ચોપાટીનો સૂર્યાસ્ત તથા ગૌતમ બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ તો અદ્દભુત હતાં !!

ગોકર્ણ સાહેબ સ્કેિચંગના પણ માહિર હતા. એક વાર વિખ્યાત નૃત્યકાર હિમ્મતસિંહ ચૌહાણનો, નૃત્યવિષયક જાણકારીનો એક કાર્યક્રમ રખાયો હતો. સમયે હિમ્મતસિંહના નૃત્યની મુદ્રાઓના, અંગભંગિના આબેહૂબ સ્કેચો તેમણે બ્લેકબૉર્ડ ઉપર કરી નાખ્યા હતા ! વખતે !

અમારી હાઈ સ્કૂલના પડખે એક વાડી હતી. અહીંથી ઘણી વાર વાનર ટોળકીઓ સ્કૂલ કમ્પાઉન્ડમાં ઘુસી આવતી, કૂદાકૂદ કરતી. ગોકર્ણ સાહેબ વાનરકૂદાકૂદના સ્કેચો પણ કરતા. એમણે શાળામાં ચિત્રકળાના કોર્સ શરૂ કરાવ્યા હતા. મેં એમની દોરવણી હેઠળ ચિત્રકળા શીખી હતી. અને બૉમ્બે ગવર્નમેન્ટ તરફથી 1945 તથા ‘46માં ઇલિમેન્ટરી તથા ઈન્ટર મીડિયેટની લેવાયેલી પરીક્ષાઓમાં હું ઉત્તીર્ણ થયો હતો.

કાબેલ શિક્ષક દક્ષિણ ભારતમાં ક્યાંકના રહેવાસી હતા. એકલા હતા. અને ગર્દન ગંઠાઈ ગયેલી હતી. એમને પણ ભીમભાઈ દેસાઈ લઈ આવ્યા હતા.

અમારી શાળા, બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈ સ્કૂલ(બી..બી.એસ. હાઈ સ્કૂલ)ની રોનક, સિદ્ધિ એના પ્રિન્સિપલ ભીમભાઈ દેસાઈના કુશળ સંચાલન, આયોજન તથા વ્યવસ્થાશક્તિને આભારી હતાં.

અલજિબ્રા અને જોમેટૃિ ભીમભાઈના પ્રિય વિષયો હતા. વિષયોની સમજૂતિ તેઓ રીતે આપતા કે ઠોઠ વિદ્યાર્થી પણ ટૃાઈએંગલની વ્યાખ્યા કરતો થઈ જતો. ભીમભાઈ ઘણી વાર કહેતા કે જોમેટૃિ જાણે તે માણસ રાજકારણમાં કંઈ ખાસ ઉકાળી શકે. એક વાર આપણા રાજકીય નેતાઓ તથા પક્ષોની કાર્યપદ્ધતિ અને નીતિની કડક આલોચના કરતાં કહેલું, હવે દેશનું વિભાજન નિશ્ચિત છે. એને કોઈ રીતે ખાળી શકાય એમ નથી. સિદ્ધાન્તને બહાને જમીની વાસ્તવિક્તાની એમ અવગણના કરી શકાતી નથી. આમ કહેતી વખતે મને સાંભરે છે ત્યાં સુધી, તેમનો ચહેરો ખિન્ન-મ્લાન હતો.

ભીમભાઈ શિસ્ત-શિક્ષણની બાબતમાં કડક હતા એમ સહૃદયી અને ઉદાર પણ હતા. નિશાળમાં રાઉન્ડ પર નીકળે ત્યારે નેતરની એક સોટી તેમના હાથમાં હોય. પરંતુ તેમણે ક્યારે ય કોઈ વિદ્યાર્થીને મેથીપાક ચખાડ્યો હોય એવું મારી જાણમાં નથી. સોટીના ચમચમાટથી વિશેષ તેમનો પ્રભાવ ચમત્કારી હતો. તોફાની - લડાકુ વિદ્યાર્થીઓ ય તેમની સામે મેવાડી બિલ્લી બની જતા!

તેમની એ નેતરની સોટી સામાન્ય રીતે તેમની ઓફિસમાં, તેમની મોટી મેજના એક પડખે પડી રહેતી. શા માટે ? જ્યારે કશા ઉપયોગમાં લેવાતી ન હતી તો પછી તે મેજ ઉપર શા માટે રહેતી હતી ? − મને સમજાયું નથી.

ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે તેમને ઘણી હમદર્દી હતી. વખતે વખતે શ્રીમંતો પાસેથી જરૂરી મદદ મેળવી આપતા. એજ્યુકેશન સોસાયટી સામે વકાલત કરીને ફીમાફી પણ મેળવી આપતા. એ વિદ્યાર્થીઓને સલાહ પણ આપતા કે મહેનત કરો. મહેનત એ જિંદગીનું બીજું નામ છે. જ્યાં મહેનત ત્યાં જિંદગી. જ્યાં મહેનત ત્યાં ઉન્નતિ !

ભીમભાઈના સમયમાં, અમારી નિશાળ, બી.એ.બી.એસ. હાઈ સ્કૂલ, માત્ર સ્કૂલ નહીં, બલકે એક મોટો કબીલો હોય એમ લાગતું હતું ! સંપ હતો, ભાઈચારો હતો, વિદ્યાપ્રાપ્તિની ખેવના હતી ને સાહસોનું શૂર હતું. આ કબીલાને વિદ્યાઅભ્યાસ અને અન્ય જરૂરી લાયકાતોથી સંપન્ન કરવામાં ભીમભાઈને એટલો રસ હતો, કે તેમના પ્રયાસોથી, દેશની આઝાદીના અનેક લડવૈયા અમારી નિશાળમાં પધાર્યા હતા, સંબોધનો કર્યાં હતાં અને ગાંઠે બાંધી રાખવા જેવી ઘણી કીમતી વાતો અમને કહી - સમજાવી હતી. હું માનું છું કે નિશાળની આ મૂલ્યવાન વાતો એ અમારા જીવનઘડતરની પ્રક્રિયાને એક નક્કર ભાગ હતો.

ભીમભાઈ દેસાઈ, મૂળ રહીશ ઘણું કરીને વલસાડના હતા. તેમના કુટુંબ કબીલા વિશે મારી પાસે માહિતી નથી. − પણ શા માટે નથી ? − કહીશ કે છે અને ઈન્કારી ન શકાય એવી માહિતી છે ! એમનું કુટુંબ હતું − બી.એ.બી.એસ. હાઈ સ્કૂલ અને એનાં વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓ ! અહીં તેઓ એક રસ થઈ ગયા હતા. તેમનું કુટુંબ કહો તો કુટુંબ ને કબીલો કહો તો કબીલો, બારડોલીની ઝળકદાર નિશાળ હતી. ભીમભાઈએ તેમના આ કબીલાને એટલી કાળજી અને યોજનાબદ્ધ રીતે ઉછેર્યો, કેળવ્યો હતો કે એણે સપૂતરત્નોથી બારડોલીનું દામન ભરી દીધું હતું, ધન્ય કરી ધીધું હતું ! − ભીંભાઈ દેસાઈનું આ દાન ક્યારે ય વિસરાશે નહીં.

"આ છે એક વિદ્વાન,
અનન્ય છે −
એ સાહિબનું દાન !"

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.] 

Category :- Profile