ભૂતકાળ

મનીષ પટેલ
29-08-2018

ઊગતા સૂરજની પાંખે દરરોજ
એક કાગડો મારા આંગણામાં આવે છે.
‘કા કા’ કરી કોઈના આગમનની વધામણી આપે છે.

હું દરરોજ ઊગમણી દિશામાં
અનિમિષ નયને જોયા જ કરું છું.
એમ કરતાં કરતાં એક્યાસી વહી ગયાં.

ધીરે ધીરે, આહિસ્તે આહિસ્તે
અંધકારના ઓળા પથરાવા લાગ્યા.
ક્યારે એમ બન્યું ખબરેય ના પડી.

ઓગણીસ વર્ષની સહારથી વડોદરાની up-down,
ગાડીઓની ગળાબૂડ ભીડમાં કેટલાં ય મળ્યાં,
ધક્કામુક્કી ને રોમાંચક રેશમી સ્પર્શ.
વાળમાં ચમેલીનું તેલ ને મોગરાની વેણીની સુગંધ
ભીડમાં મન ભરીને પીધી યે ખરી.
મધુર સ્વપ્નાં લઈ, છાનાં છપનાં કોઈને મળ્યાં યે ખરાં,
પછી ‘ફર્‌ર્‌ર્‌’ કરી પક્ષીની જેમ ઊડીયે ગયાં.
કંઈક યાદો એવી, પથ્થરની લકીર બની
લમણે લખાઈ ગઈ,
કંઈક એવી પાણીનો પરપોટો બની ફૂટી ગઈ.

ભૂખ લાગે ત્યારે હુંયે ભૂતકાળ ચાવ્યા કરું,
ખજાનામાંથી મોતી શોધ્યા કરું.
સારું છે, ભૂતકાળ જેવો કોઈ tense છે !

આ મેળામાં આપણે ક્યાંક તો મળ્યા હોઈશું ને !
નહિ મળ્યા હોય તો મળીશું, ‘શબ્દ સ્વરૂપે’.

૦૮.૧૦.૨૦૧૭

e.mail : manibhai.patel@yahoo.co.uk

Category :- Poetry