એક ગ્રામ્ય ચિત્ર − પચાસનો દસકો

મનીષ પટેલ
29-08-2018

ચંપા, ભરભાંખરું થયું. ઊઠ.
કોડમાં ભેંસ ભાંભરે, દોહી લે.
બે રોટલા ટીપી નાખ.

નાથાકાકા તો ક્યારનાયે પહોંચ્યા ખેતરે.

કંકુકાકી કાપડાની કસ બાંધી
હૈડફૈડ કરે છે.
છોકરાની વહુને અૉર્ડર આપે છે.
નાનિયાને ઘોડિયે હીંચકે છે.
સાથે છીંકણીનો સડાકોયે ખેંચે છે.

ભઈ આપણે દેવના દીધેલ નથી,
સાહુકારના ચોપડાની હિસાબની ભૂલ છે.
સોના પાંચસો આપ્યા.
તોયે સો બાકીના બાકી.
ઘાણીના બળદ જેવું,
ગોળ ગોળ ફરી, ઠેરના ઠેર.

ચંપા, રોટલાની પોટલી બાંધી દે,
બતકમાં પાણી ભરી દે,
ખીંટીએથી પાઘડી દઈ દે.
મારે ખેતરે હળ જોડવું છે.

૧૦.૧૦.૨૦૧૭

e.mail : manibhai.patel@yahoo.co.uk

Category :- Poetry