મુથુવેલ કરુણાનિધિ : જો એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત અને કરુણાનિધિને બે કે ત્રણ મુદ્દત રાજ કરવા મળ્યું હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત

રમેશ ઓઝા
10-08-2018

મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિરોધી બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આવ્યા પછી, કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે જોયું કે ગાંધીજી સવર્ણ હોવા છતાં બધાને બાથમાં લઈને ચાલે છે. આ બાજુ મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓના ધ્યાનમાં પણ આવ્યું કે ગાંધીજીની બાથ હરિજનો, બહુજન સમાજ, સ્ત્રીઓ અને મુસલમાનો સહિત બધાને સમાવી શકે એવી વધારે પડતી મોટી છે. તેમને એની સામે વાંધો હતો એટલે તેઓ કોંગ્રેસથી દૂર થયા અને હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. મદ્રાસ પ્રાંતમાં ઊંધું થયું. ત્યાં બ્રાહ્મણ કોંગ્રેસીઓ ગાંધીજીની સાથે રહ્યા એટલે બહુજન સમાજે કોંગ્રેસથી છેડો ફાડ્યો. શરુઆતના વર્ષોમાં પેરિયાર રામસ્વામી નાયકર ગાંધીજીના સિપાહી હતા અને મંદિર પ્રવેશના વાયકોમ સત્યાગ્રહમાં ભાગ પણ લીધો હતો.

આઝાદી પછી બ્રાહ્મણ વિરોધી, આર્યાવર્ત વિરોધી અને હિન્દી વિરોધી આંદોલનને આંદોલનમાંથી સત્તાના રાજકારણમાં ફેરવવાનું હતું. દ્રવિડ આંદોલનને રાજકીય ચહેરો આપવાનો હતો જે પહેલાં પણ હતો; પરંતુ એ આંદોલનનો ચહેરો હતો, સત્તાના રાજકારણનો નહોતો. પેરિયાર હવે પરવડે એમ નહોતા અને પેરિયારનું વ્યક્તિત્વ પણ લાંબો સમય સહન થઈ શકે એવું નહોતું. ક્યારે શું બોલશે અને કરશે એની કોઈ ખાતરી નહીં. અન્નાદુરાઈ, કરુણાનિધિ, નંદુ ચેળિયન, એમ.જી. રામચન્દ્રન અને બીજા દ્રવિડ આંદોલનના યુવાનોએ ગુરુ સાથે છેડો ફાડ્યો.

કેથેરિન ફ્રેન્કે લખેલા ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં કહ્યું છે કે કહેવાતી કામરાજ યોજનાના મૂળ તામિલનાડુમાં છે. પેરિયારના શિષ્યોએ ગુરુથી અલગ થઈને દ્રવિડ મુનેત્ર કળગમ (ડી.એમ.કે.) નામના પક્ષની સ્થાપના કર્યા પછી, તેઓ જે રીતે પક્ષની બાંધણી કરતા હતા એ જોઇને તમિલનાડુના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કામરાજ નાદરને સમજાઈ ગયું હતું કે હવે તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો પૂરા થઈ ગયા છે. કામરાજ નાદરે સિનિયર કોંગ્રેસીઓએ હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવું જોઈએ, એવી જે યોજના રાખી એની પાછળનું ખરું કારણ ત્યાગ કરીને પોતાનું કદ ઉઠાવવાનું અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનું હતું. કામરાજની કલ્પના સાચી પડી હતી. ૧૯૬૭માં પહેલીવાર તમિલનાડુમાં દ્રવિડોની સરકાર આવી તે આજ સુધી કોંગ્રેસને સત્તામાં પાછા ફરવાનો મોકો મળ્યો નથી.

અન્નાદુરાઈ સાથે એમ. કરુણાનિધિનો આમાં હાથ હતો. પાંચ ધોરણ સુધી માંડ ભણી શકેલા કરુણાનિધિનું અદ્ભુત ભાષા પ્રભુત્વ હતું. પોતાના પ્રાંતને અને પ્રજાને તસુએ તસુ જાણે અને આકંઠ પ્રેમ કરે. પક્ષ તેમનો પરિવાર હતો. પાછળથી ત્રણ પત્નીઓ દ્વારા થયેલા છ સંતાનોને નાનો મોટો રાજકીય વારસો આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના માટે કહેવાતું હતું કે હવે પરિવાર એ પક્ષ છે. પરિવારવાદમાં પણ કરુણાનિધિનો એક સ્ટેમ્પ જોવા મળશે. બાળ ઠાકરેની માફક ઝઘડતા ભાઈઓમાંથી એક ગમતાને વારસદાર તરીકે પસંદ નહોતો કર્યો, પરંતુ દાવેદારોને જાહેરમાં ઝઘડવા દીધા હતા. જેની ક્ષમતા હોય એ જીતે અને એ રીતે એમ. સ્તાલિનને અનુગામી બનાવવામાં આવ્યો છે.

૧૯૬૭માં તમિલનાડુમાં અન્નાદુરાઈની સરકાર રચાઈ જેમાં કરુણાનિધિ જાહેર બાંધકામ અને પરિવહન ખાતાના પ્રધાન હતા. તમિલનાડુમાં પરિવહન ક્રાંતિ કરીને બે વરસમાં જ તેમણે પોતાની ક્ષમતા સિદ્ધ કરી બતાવી હતી. ૧૯૬૯માં અન્નાદુરાઈનું અવસાન થયું એ પછી કરુણાનિધિને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સમયે પક્ષઅંતર્ગત સત્તાસંઘર્ષમાં એમ.જી. રામચન્દ્રને કરુણાનિધિને મદદ કરી હતી. બન્ને મિત્રો હતા અને કરુણાનિધિએ લખેલી પટકથાવાળી ફિલ્મોમાં રામચન્દ્રનને એક પછી એક સફળતા મળતી હતી. કરુણાનિધિ મુખ્ય પ્રધાન બન્યા એ પછી માત્ર બે વરસમાં બન્ને વચ્ચે વાંકુ પડ્યું હતું. રામચન્દ્રન અભિનેતા હોવાના કારણે પોપ્યુલર હતા અને તેમના મનમાં મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા પેદા થઈ હતી. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મારું એવું માનવું છે કે જો એમ.જી. રામચન્દ્રને નોખો ચોકો ન કર્યો હોત, અને કરુણાનિધિને એકધારું બે કે ત્રણ મુદ્દત માટે મુખ્ય પ્રધાન તરીકે શાસન કરવા દીધું હોત, તો માત્ર તામિલનાડુનો નહીં, દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. એક તો અસ્મિતાઓના રાજકરણને અને તેનાં નામે થતા સંઘર્ષોને ક્યાં સુધી ખેંચવા તેનું તેમને વિવેકભાન હતું. અન્યાય સામેના સંઘર્ષ અન્યાય કરનારાઓને અન્યાય કરીને કરવાના ન હોય એટલી તકેદારી તેઓ ધરાવતા હતા. આમ છતાં ય તેમણે તેમની દ્રવિડ ભૂમિકા પાતળી નહોતી પાડી. દ્રવિડ અસ્મિતાવાદી અને એ રીતે પ્રાંતવાદી હોવા છતાં તમિલનાડુને દિલ્હીની નજીક લઈ જવાનું કામ કરુણાનિધિએ કર્યું હતું. અખંડ હિન્દુસ્તાનમાં દરેક પ્રાંતનો પોતાનો અવાજ હોવો જોઈએ અને છતાં દેશ અખંડ શું કામ ન હોય, એવી તેમની ભૂમિકા હતી. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કરીને ઇન્દિરા ગાંધીની ખફા વહોરી લીધી હતી જેમાં ઇન્દિરા ગાંધીએ તેમની સરકારને બરતરફ કરી હતી. એ ફેડરલ ભારત માટે ચૂકવેલી કિંમત હતી. કરુણાનિધિ દેશના એકમાત્ર મુખ્ય પ્રધાન હતા જેમની સરકારને એક નહીં, બે વખત બરતરફ કરવામાં આવી હતી. 

તેઓ ગરીબતરફી હતા, પરંતુ બુકીશ સમાજવાદી નહોતા. તામિલનાડુના ઝડપી ઔદ્યોગીકરણનો તેમણે રસ્તો ખોલી આપ્યો હતો. દેશમાં સૌથી ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ પ્રજા જ્યાં વસે છે, એ તામિલનાડુમાં તેઓ નાસ્તિક હતા. તેમણે મત માટે પોતાની નાસ્તિકતા છુપાવી નહોતી કે ક્યારે ય ધર્મની કે ભગવાનની ઠેકડી ઉડાડી નહોતી. સમાધાનો કર્યા વિના નખશીખ સેક્યુલર રહીને પણ ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી જીતી શકાય છે અને પાંચ વખત મુખ્ય પ્રધાન બની શકાય છે એનું ઉદાહરણ કરુણાનિધિ છે.

આ બધું એ કરુણાનિધિએ સાબિત કરી આપ્યું છે જેને પોતાના મિત્ર એમ.જી. રામચન્દ્રનના કારણે ૧૩ વરસ સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. એ ૧૩ વરસ દરમ્યાન રામચન્દ્રને દરેક પ્રકારનું પોપ્યુિલસ્ટ રાજકારણ કર્યું હતું. રૂપિયે કિલો ચોખા અને મફત સાડી વગેરે એમ.જી.આર.-જયલલિતાના લ્હાણીના દિવસો યાદ હશે. તેમણે દરેક પ્રકારના રાજકીય સમાધાન કર્યા હતા. દરેક પ્રકારની ભ્રષ્ટ રીતરસમો અપનાવી હતી. કરુણાનિધિ પોતાના મિત્રના ખૂંટા વિનાના રાજકરણથી સાવ વિચલિત નહોતા થયા એમ તો ન કહી શકાય, તેમણે પણ કેટલાક સમાધાનો કર્યા હતા, પરંતુ પોતાનો મૂળ ખૂંટો પકડી રાખ્યો હતો.

હજુ એક વાત નોંધવા જેવી છે અને દેશના અને બીજા રાજ્યોના પક્ષોએ અપનાવવા જેવી છે. એમ.જી. રામચન્દ્રન અને કરુણાનિધિ અલગ થયા પછી એકબીજાનું મોઢું નહોતા જોતા. કરુણાનિધિ વિધાનસભામાં આવવાના હોય તો એમ.જી.આર. મુખ્ય પ્રધાન હોવા છતાં ગૃહમાં ન આવે. એમ.જી.આર. આવવાના હોય તો કરુણાનિધિ ન જાય. આમ છતાં એક વાતનો સંયમ કરુણાનિધિએ હંમેશ જાળવ્યો હતો. તામિલનાડુના વિકાસની યોજના હોય તો ડી.એમ.કે. તેનો ભાગ્યે જ વિરોધ કરતો. યુ.પી.એ. સરકારની દરેક યોજના આજે નરેન્દ્ર મોદી લાગુ કરી રહ્યા છે, પરંતુ ત્યારે તેઓ વિરોધ કરતા હતા. અહીં સવાલ થાય કે શાસકોને સહકાર આપવાથી શાસકપક્ષને ફાયદો થાય તો સત્તામાં પાછા કેમ ફરવું? એનો પણ જવાબ કરુણાનિધિના રાજકારણમાંથી મળે છે. પ્રાંતને અને પ્રાંતની પ્રજાને ઓળખીને. પ્રજાને આકંઠ પ્રેમ કરીને. પક્ષને પરિવાર બનાવીને. કાર્યકર્તાઓનો જુસ્સો જાળવી રાખીને અને છેલ્લે પોતાનો મૂળ ખૂંટો પકડી રાખીને.

ગંગા ગયે ગંગાદાસ અને જમુના ગયે જમનાદાસ જેવું સાવ હલકું રાજકારણ કરુણાનિધિએ નહોતું કર્યું. એટલે જ જો આગળ કહ્યું એમ એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. 

કરુણાનિધિના અવસાન સાથે એક યુગ પૂરો થાય છે, જે પેરિયાર રામસ્વામી નાયકર સાથે શરૂ થયો હતો. પહેલા જયલલિતા ગયાં અને હવે કરુણાનિધિ ગયા. ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે. તો સંકેલાઈ જશે, પરંતુ કદાચ સ્તાલિનના નેતૃત્વમાં ડી.એમ.કે. ટકી જશે એમ લાગે છે. સ્તાલિનમાં રાજકીય કુનેહ અને સંયમ બન્ને છે. એટલે તો તામિલ અભિનેતા રજનીકાંત અને કમલ હાસન રાજકારણમાં મોકો જોઇને પ્રવેશ્યા છે. દ્રવિડ પક્ષોમાં પેદા થયેલા શૂન્યાવકાશનો તેઓ લાભ લેવા માંગે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2018

Category :- Opinion / Opinion