મુથુવેલ કરુણાનિધિ (૧૯૨૪-૧૯૧૮) : એક અનોખા રાજકારણી

રમેશ ઓઝા
09-08-2018

ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃિતક રીતે પોતાના પ્રાંતને અને પ્રજાને તસુએ તસુ ઓળખનારા નેતાઓ આ દેશને મળતા રહ્યા છે. પ્રકાશ સિંહ બાદલ, ભૈરોસિંહ શેખાવત, દ્વારકા પ્રસાદ મિશ્ર, બિજુ પટનાયક, લાલુ પ્રસાદ યાદવ, શરદ પવાર વગેરે આવા નેતાઓ હતા અને છે.

શરદ પવાર વિષે એક કિસ્સો કદાચ તમે સાંભળ્યો હશે. એકવાર તેઓ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, ત્યારે પાયલોટે શરદ પવારને કહ્યું હતું કે નિર્ધારિત સ્થળે પહોંચી શકાય એટલું બળતણ નથી. પવારે પાયલોટને હેલિકોપ્ટર નીચે લેવા કહ્યું અને થોડીવાર નિરીક્ષણ કરીને પાયલોટને કહ્યું હતું કે નીચે જે નદી દેખાય છે, એની ઉત્તરે ફલાણા શહેરમાં ફલાણી શાળા છે જેનું મેદાન મોટું અને સમથળ છે ત્યાં હેલિકોપ્ટર ઊતારી શકાશે. ત્યાંથી દસ કિલોમીટર દૂર સાકર કારખાનું છે ત્યાંથી પેટ્રોલ મળી જશે. આ વાતમાં અતિશયોક્તિ હશે, પરંતુ એ સત્યની જ અતિશયોક્તિ હોવાની. પવાર જેટલું મહારાષ્ટ્રને, લાલુ જેટલું બિહારને અને પ્રકાશ સિંહ બાદલ જેટલું પંજાબને ઓળખે છે, એટલું જે તે પ્રદેશમાં કામ કરતા સમાજશાસ્ત્રીઓ પણ નહીં ઓળખતા હોય.

મંગળવારે ૯૪ વરસની વયે વિદાય લેનારા મુથુવેલ કરુણાનિધિ પણ આવા એક નેતા હતા. આજકાલ ચૂંટણીઓ ફાઈવ સ્ટાર હોટેલોમાં રચવામાં આવતા વૉર રૂમમાંથી સ્ટેટેિસ્ટક્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ફિલ્મના અભિનેતાની જેમ મેઇક ઓવર કરવામાં આવેલો નેતા અને મીડિયાના આધારે લડવામાં આવે છે. લોકોની વચ્ચે જવાની જરૂર શું છે જ્યારે વરરાજાને પ્રોજેક્ટ કરનારા અને વેચનારા સાધનો અને મતદાર ક્ષેત્રની માહિતી ઉપલબ્ધ છે. મુથુવેલ કરુણાનિધિ સહિત ઉપર ગણાવ્યા એ નેતાઓ જુદા પ્રકારના હતા. તેઓ પોતાના પ્રદેશને અને પ્રજાને પ્રેમ કરનારા હતા અને છે. કરુણાનિધિને તો પ્રજા ‘કલાઈગ્નાર’ એટલે કે રસિક સાક્ષર તરીકે ઓળખાવતી હતી. કરુણાનિધિ લેખક હતા, ફિલ્મો માટે પટકથાઓ લખતા અને ખૂબ સારા વક્તા હતા.

અસ્મિતાઓના નામે પ્રજા વચ્ચે દીવાલો રચનારા દરેક પ્રકારના સંકુચિત પૃથકતાવાદી રાજકારણનો હું વિરોધી છું પછી એ હિન્દુત્વનું હોય, આર્ય અસ્મિતાનું હોય, હિન્દી ભાષાનું હોય કે દ્રવિડ અસ્મિતાનું. સમસ્યા એ છે કે આપણા ઈચ્છવાથી અસ્મિતાઓનાં રાજકારણનો અંત આવતો નથી. હિન્દુત્વનું રાજકારણ કરનારા બહુમતી અસ્મિતાનું રાજકારણ કરે છે, એટલે આગ્રહી છે. આવું જ હિન્દી ભાષાનું છે. દરેક અસ્મિતા બહુમતી અસ્મિતાઓમાં સમાઈ જવી જોઈએ એવો તેનો આગ્રહ હોય છે. લઘુમતી અસ્મિતા વિક્ટીમ હોવાનું રાજકારણ કરે છે. આની વચ્ચે સંઘર્ષો થતા રહે છે. ભારતમાં અસ્મિતાઓ વચ્ચેના સંઘર્ષો આઝાદી પહેલાંથી શરૂ થયા હતા.

તામિલનાડુમાં દ્રવિડ અસ્મિતાના રાજકારણની શરૂઆત ૧૯૧૬માં જસ્ટિસ પાર્ટીની સ્થાપના સાથે થઈ હતી. તામિલનાડુ અને મહારાષ્ટ્ર એમ ભારતમાં બે રાજ્યો એવાં છે, જ્યાં સો વરસ પહેલાં બ્રાહ્મણ વિરોધી આંદોલન થયું હતું. આ રીતે તામિલનાડુમાં પેરિયાર ઈ.વી. રામસ્વામીના નેતૃત્વમાં દ્રવિડ આંદોલન શરૂ થયું એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. કાંજીવરમ નટરાજન અન્નાદુરાઈ, વી.આર. નંદુચેળિયન અને એમ. કરુણાનિધિ પેરિયારના શરૂઆતના સાથીઓ હતા. ફિલ્મ અભિનેતા એમ.જી. રામચન્દ્રન્‌ તેમના જુનિયર હતા, પરંતુ અભિનેતા હોવાના કારણે દ્રવિડ આંદોલનનો તેઓ જાણીતો ચહેરો હતા. અન્નાદુરાઈ પણ જાણીતા સાહિત્યકાર હતા. આમ અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ અને એમ.જી. રામચંદ્રને મળીને આંદોલનને પોપ્યુલર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડ્યું હતું. દ્રવિડ દ્રવિડ આંદોલન બ્રાહ્મણ વિરોધી હતું, આર્ય સંસ્કૃિત વિરોધી હતું અને હિન્દી વિરોધી હતું. એક સમયે દ્રવિડ આંદોલન ભારત વિરોધી અર્થાત્‌ અલગતાવાદી પણ હતું. દ્રવિડિસ્તાનની તેમની માગણી હતી.

એમ. કરુણાનિધિએ ૧૪ વરસની ઉંમરે જસ્ટિસ પાર્ટીનું કામ કરવાનું શરૂ કર્યું હતું અને ૯૪ વરસે અવસાન થયું, એટલે આઠ દાયકાના જાહેરજીવનનો ફલક હતો. કરુણાનિધિએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમના જ્યારે લગ્ન થયાં એ દિવસે તેઓ હિન્દી વિરોધી મોરચામાં સૂત્રોચાર કરીને નેતૃત્વ કરતા હતા. કોઈકે આવીને કહ્યું કે લગ્નનો સમય થવા આવ્યો છે, ત્યારે તેઓ સીધા મોરચામાંથી લગ્નમંડપમાં ગયા હતા. એ આંદોલનોનો યુગ હતો.

૧૯૪૪માં પેરિયાર રામસ્વામીએ જસ્ટિસ પાર્ટીનું નામ બદલીને દ્રવિડ કળગમ રાખ્યું હતું. તેમના સાથીઓ માટે આઘાતજનક બે ઘટના બની હતી. એક તો પેરિયારે આઝાદી પછી અલગ દ્રવિડિસ્તાનની માગણી કરી હતી, અને એ અરસામાં જ ૭૦ વરસના પેરિયારે સગીર જ કહી શકાય એવી નાની વયની કન્યા સાથે લગ્ન કર્યાં હતાં. અન્નાદુરાઈએ અલગતાવાદી રાજકારણનો અને લગ્નનો વિરોધ કર્યો હતો અને દ્રવિડ કળગમમાં વિભાજન થયું હતું. દ્રવિડ મુનેત્ર કળગમ નામનો પક્ષ એ પછી અસ્તિત્વમાં આવ્યો હતો.

ભારતમાં સંસદીય લોકતંત્ર ડાહ્યાઓને ગાંડા બનાવવાનું અને ગાંડાઓની સાન ઠેકાણે લાવવાનું એમ બન્ને કામ એક સાથે કરે છે. તામિલનાડુના દ્રવિડોને સંગઠિત કરવા હોય તો અસ્મિતા જગાડવી જોઈએ, પરંતુ આપણી પોતાની તાકાતે બહુમતી સાથે રાજ કરવું હોય તો દ્રવિડેત્તર મતની પણ જરૂર પડતી હોય છે. આને કારણે દ્રવિડ રાજકારણ દ્રવિડ રહેવા છતાં તેમાં જે તીવ્રતાની ધાર હતી એ બુઠ્ઠી થવા લાગી. દ્રવિડ મુનેત્ર કળગમે સંસદીય રાજકારણનો માર્ગ અપનાવ્યો, એ પછીથી પેરિયારના રાજકારણમાં અને એ પછીના રાજકારણમાં ઘણો ફરક પડવા લાગ્યો. ઉત્તર ભારત અને દિલ્હી સાથેની દુશ્મની ખતમ થઈ ગઈ. હિંદી સામેનો વિરોધ છે, પરંતુ હિન્દી વિરોધી હુલ્લડો થતાં એ યુગ પૂરો થઈ ગયો છે. દ્રવિડ આંદોલનના નેતાઓને સમજાઈ ગયું હતું કે સતત મોરચા માંડીને અને લડતા રહીને તામિલનાડુનો વિકાસ ન થઈ શકે.

આવી સમજણ વિકસાવવામાં અને તામિલનાડુમાં વ્યવહારવાદી રાજકારણ દાખલ કરવામાં કરુણાનિધિનો મોટો ફાળો હતો. શરદ પવારે એકવાર કહ્યું હતું એમ ક્યાં થોભવું અને ક્યાં મૂંગા રહેવું એનો જે વિવેક કરી શકે એ જ સફળ રાજકારણ કરી શકે. કરુણાનિધિ આનું ભાન ધરાવતા હતા, જેની વાત આવતીકાલે.  

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2018

Category :- Opinion / Opinion