સુખન

© દીપક બારડોલીકર
08-08-2018


કદી કોઈ પ્રેમાળ બાળી ગયું ’તું
હજી પણ એ દીપક બળે છે સુખનમાં

વહેતાં પાણી કહે છે :
વિચારોને વહેતા રાખો.
વહેતાં પાણી −
પ્રાણિત હોય છે,
દરિયે ભળી દરિયો બને છે !

માતાપિતાના
રાજીપાની ચાદર ઓઢી લો.
નડશે નહીં −
અમૂંઝણપ્રેત !

પૈસા,
પગ નથી તો પણ −
ચાલે છે !
દુનિયાને ચલાવે છે !
અગર પગ હોત તો ?
તો થઈ જાત
દુિનયા બેહાલ !

પી, ઓ મારાં ચક્ષુ, પી,
છલકે છે, સૌંદર્યજામ !

લીમડો કટુ :
મોર બેસવા તો દો,
લીમડો મધુ !

ઝાકળભીનાં ફૂલ,
આપે છે હંમેશ −
ખ્યાલો અફલાતૂન !

કરે નાશ અમરાઈનો, બાગનો, પણ
ઈરાદાનાં વૃક્ષો પછાડે, તો જાણું
ભલે ફૂંફવાટા ગજવ ’તું ઓ આંધી
મહોબતના દીવા બુઝાવે તો જાણું !

બાજ તો
આકાશનો રાજાધિરાજ !
કદાચ એટલે
પસંદ કરતો હશે
પહાડોની ટોચને !

હેસિયતથી મોટી તું વાતો ન કર
જાતને તારી હવે ધોખો ન આપ

તડકો
પાડી શકે ના તડ,
એને કહે છે વડ !

મહમૂદ ગઝનવી ગયો,
ફિરદોસી −
આજેય મોજૂદ છે !
કવિતા જિંદાબાદ !

મારી દુનિયા
પહાડની દુનિયા,
શાહબાજી −
વિચારની દુનિયા !

સ્નેહનો
સુંવાળો સહવાસ
બનાવી શકે છે
પાષાણને પ્યારા ગુલાબ !

માણસ એક
દરિયો : અંતરમાં
મોતી અખૂટ !

અંતિમવાદની આગ,
કરે છે રાખ,
સમાજની પ્રતિષ્ઠાને !

ગોરંભો નભે જાણે
ટોળાં છે વિહંગોનાં,
યા જાણે તમાશા છે
આકાશી ઉમંગોનાં

ઘડિયાળની
આ ‘ટિક-ટિક’ શું છે ?
એને
તમો કહી શકો છો :
સમયસુંદરીનો પગરવ !

હિમ્મતની
ખેરાત કરી શકાતી નથી !
પણ એ કેમ વિકસાવવી
એ શીખવી તો શકાય છે !

શહેરોમાં રોજગાર હોવાના
શહેરોમાં ગુનેગાર હોવાના

તારો ચહેરો
સૌંદર્યની સીમા છે !
મયંકમાં પણ
એવું તીખું
જાજ્વલ્ય હોતું નથી !

દિમાગમાં
ઘુમરાતા વિચાર,
જાણે ઠમકતા તોખાર !
તોખાર છે તો પાવર છે !
સાફલ્યની હાવળ છે !

એના પર દૃષ્ટિ પડી
ત્યાં એમ કંઈ લાગ્યું મને,
થઈ ગયો છે −
શિફ્ટ જાણે,
ચંદ્રમા ધરતી ઉપર !

તું અગર શાહીન છે,
આ મહેલાતો નહીં
તારા માટે છે પહાડ !

વૃક્ષની મોટાઈને
કોઈ નહીં પહોંચે.
કશા પરિચય વિના પણ
સૌને આપે છે શીળી છાંય,
ફળફૂલો, મધુર સુવાસ !

શું થશે આ દુનિયાનું
પાપની ધમાલો છે !
સચ્ચાઈની છે ઢગલી
જૂઠના પહાડો છે !

માણસ છું, દિલાવર છું.
દુનિયાની દશે દિશનો,
સ્વામી છું, હું નાયક છું !

પતીજ છે −
જિંદગીનું કીમતી ખનીજ.
પતીજ છે
તો જિંદગી છે, ચાંદની છે !
નહિ તો જાણે
કાળી ચાદર અમાસની છે !

હું પડું છું
તો પડવા દો,
ચિંતા ન કરો.
પડવી નહીં જોઈએ −
મારી પતાકા !
પતાકા છે તો હું છું,
મારી શાન છે, મારી મહત્તા છે !

તાકત છે,
હિમ્મત છે,
હિકમત છે તો તમો છો !
તમારું
સર્વ સલામત છે !

પારેવડાં,
મયૂર વગેરે પંખીડાં
મનોરંજન પૂરું પાડી શકે છે.
પરંતુ બાજ તો તમને
પાણીદાર પુરુષ બનવા પ્રેરી શકે છે !

લીડર છે સૌ શાહ સમાન
લોકો છે માગણ-મસ્તાન

Category :- Poetry