આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે, સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે

સુમન શાહ
28-07-2018

 'ક્રિટિક્સ ગિલ્ડ'

સાહિત્યક્ષેત્રે આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે

નીવડેલા તેમ જ નવા આપણા ઘણા સાહિત્યકારોને લાગે છે કે સાહિત્યક્ષેત્રે આજકાલ આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે. લીલો કે સૂકો દુકાળ પડ્યો હોય ત્યારે હંમેશાં મને વિવેચકો યાદ આવે છે. થાય કે એ લોકો ક્યાં સંતાઈ ગયા છે. વિવેચક તો સાહિત્યજગતનો રખેવાળ ગણાય. જરૂરી છે કે દુકાળનું નિરીક્ષણ કરે, દુકાળ કેમ પડ્યો તેનાં કારણો જણાવે ને દુકાળથી છુટાય એવા ઉપાય સૂચવે. ઈશ્વર નથી એમ માનતા હોઇએ તો માનવું રહે છે કે એ નથી એટલે સંસારમાં નરસું કંઇપણ બની શકે છે. વિવેચક નામનો વિવેકબૃહષ્પતિ નથી હોતો ત્યારે સાહિત્યજગતમાં પણ એમ જ બને છે. સૂકા દુકાળ વખતે ખોરાક અને દૂધપાણીના સાંસા પડતા હોય છે. લીલા દુકાળમાં ચોપાસ દુર્ગન્ધ અને પ્રાણઘાતક કચરો વધતો ચાલે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સંતાઇ ગયેલા વિવેચકો થોડીકેય દાઝથી બ્હાર નીકળે તો સૌ પહેલાં એમણે કચરો સાફ કરવો પડશે. પણ બ્હાર આવશે ખરા? કચરામાં હાથ નાખવા તૈયાર થશે ખરા? એ સળગતા સવાલના ઉકળાટ વચ્ચે થોડી ઉપયોગી વાતો કરું.

વરસો પહેલાંની વાત છે. મેં ખ્યાતનામ હિન્દી સાહિત્યકાર નામવર સિંહને (1927 -) કહેલું : નામવરજી, હમ સારે દેશ કે ગણમાન્ય સમીક્ષકો કા એક ગિલ્ડ બનાયે તો કૈસા? ક્રિટિક્સ ગિલ્ડ? : એ બહુ રાજી થયેલા : હોના ચાહિયે, અચ્છી બાત હૈ, આપ પ્રસ્તાવ બનાઇયે, મૈં જાનેમાને સભી સમીક્ષકો કો બતા દૂંગા કિ યહ કરના હૈ; ઔર, હો જાયેગા : પણ પછી હું શેમાં ય ખોવાઇ ગયો હોઇશ, ન થયું.

અહીં અમેરિકામાં 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' નામનું એક સંગઠન છે. એમાં અમેરિકાના ઘણા બુક-જર્નાલિસ્ટ્સ જોડાયેલા છે. તેઓ સાહિત્યિક પત્રકારો છે પણ સાહિત્યના જાણકાર-સમજદાર રસિક સમીક્ષકો પણ છે. શિષ્ટ સાહિત્યથી માંડીને પ્રવર્તમાન સાહિત્યની વાતો કરે, ચર્ચાઓ ઉપાડે, મૂલ્યાંકનો કરે, પુનર્મૂલ્યાંકનો કરે. વિવેચનપ્રવૃત્તિની પણ સમીક્ષા કરે. પ્રવર્તમાન સોશ્યલ મીડિયાએ સાહિત્યસર્જન વાચન અને સમીક્ષા બાબતે કેવા પ્રશ્નો ખડા કર્યા છે તેની નુક્તેચિની કરે. સમજો, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય પર ચાંપતી નજર રાખનારી સદા-જાગ્રત વ્યક્તિઓ. અને આ સંગઠન એટલે, વિકાસલક્ષી વાતોની એક આવકાર્ય અને દેશવ્યાપી જીવન્ત ચહલપહલ.

ભારતના પ્રાદેશિક સાહિત્યના લેખકો મતમતાન્તરો માટે સંગઠિત છે એટલા મતૈક્ય માટે નથી. મતૈક્ય માટે સંગઠિત ન હોય એ બાબત એક અર્થમાં તો સારી વસ્તુ છે કેમ કે એથી વિવાદો થાય ને તત્ત્વબોધ મળે. આપણે ત્યાં છઠ્ઠા-સાતમા દાયકામાં 'પરમ્પરાગત' અને 'આધુનિક' એવાં બે વિવેચનસ્વરૂપો સ્થિર થયેલાં. દરેકના પક્ષકાર એવા જૂના અને નવા વિવેચકો હતા. બન્ને વચ્ચે ઘણી સૈધ્ધાન્તિક અથડામણો થયેલી. પરિણામે, સાહિત્યકલાબોધ સ્વચ્છ અને સ્પષ્ટ થયેલો. આજે નથી એવા વિવેચકો કે નથી એવી અથડામણો. એટલે 'ક્રિટિક્સ ગિલ્ડ' હોત તો પણ એમાં જોડાવાનો તો પ્રશ્ન જ કેવો ! વળી, 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' જેવું સંગઠન ભારત માટે વ્યવહારુ ધોરણે શક્ય નથી. કેમ કે ભારત વિવિધ ભાષાઓના સાહિત્યોનો દેશ છે. વિવિધ ભાષાના સમીક્ષકોને અખિલ ભારત માટે જોડવા માટેના સર્વસામાન્ય મુદ્દા મળી આવે તો પણ વાત જે-તે પ્રાદેશિક ભાષામાં જ થયા કરવાની. સંગઠનનું માધ્યમ હિન્દી રખાય તો પણ અંગ્રેજી ભણી વળી જવું સમુચિત લાગવાનું …

હા પણ, પ્રશ્નો તો છે ! દરેક પ્રાદેશિક સાહિત્યમાં છે ! આપણી જ વાત કરીએ : પ્રશિષ્ટ અને શિષ્ટ સાહિત્ય તો જાણે ભુલાઇ ગયું છે. બાકી, દરેક વરસે કાલિદાસ શેક્સપિયર અને રવીન્દ્રનાથ વગેરેને તેમ જ ગોવર્ધનરામ મુનશી સુન્દરમ્ કે રાજેન્દ્ર શાહને જુદા જુદા હેતુ રચીને અવનવી રીતે પામી શકાય. સાર્ત્ર કાફ્કા કામૂથી ઓળખાતી આપણા જ સમયની વિશ્વકક્ષાની સાહિત્યકોટિથી પણ ક્યાં લગી વેગળા ને વેગળા રહેવું છે? પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યનાં રૂપાળાં લોકાર્પણો થાય છે, મભમ ગાણાં ગવાય છે, પણ એની મનભર સમીક્ષાઓ ક્યાં છે? પુનર્મૂલ્યાંકનોની વાત છોડો. કેમ કે મૂલ્યાંકનો થયાં હોય પછી પુનર્મૂલ્યાંકનો થાય. સુરેશ જોષી પછીના એક પણ સાહિત્યકારનું પાકા પાયે મૂલ્યાંકન થયું છે ખરું? આ સમયગાળાને આપણે 'અનુ-આધુનિક' કહીએ છીએ. 'આધુનિક' પછીનું એટલે 'અનુ-આધુનિક' એમ કહીએ, તો એ તો 'એકડે એક' કહેવા જેવું નર્યું પ્રાથમિક થયું. વિવેચકે બતાવવું જોઇએ કે કેટકેટલા ગુણોને કારણે એ 'અનુ' છે. 'ફેસબુક' વગેરેથી ફાલેલું સોશ્યલ મીડિયા અદ્ભુત અતળ મહાસાગર છે અને સાહિત્યકલાના અભ્યાસીઓ તેમ જ રસિયાઓ માટે અતિ અતિ ઉપકારક આવિષ્કાર છે. એમાં તરી શકાય ડૂબી શકાય ને કશુંક કીમતી લઇને બહાર આવી જવાય. પણ એમ કરતાં આવડે છે કેટલું?

સમાન હેતુને વરેલા અને એકમેકને સમજીવિચારીને મદદ કરનારા લોકોના સંગઠનને 'ગિલ્ડ' કહેવાય -સંઘ કે મહાજન. 'વેપારી મહાજન' છે એમ 'વિવેચન મહાજન' હોય. પણ એ માટે તમારી પાસે એકથી વધુ વિવેચકો હોવા જોઇએ. જન હોય તો મહાજન થાય ! પણ જુઓ, એકદમ શક્ય છે : એકોએક આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષય છે અને એના વિભાગમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ત્રણ અધ્યાપકો છે એવી મારી ધારણા છે. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં તો યુનિવર્સિટીના માભાને લીધે પણ મોટી સંખ્યા રખાતી હોય છે. એ બે-ત્રણમાંથી કોઇ એક અને મોટી સંખ્યાવાળામાંથી કોઇ બે એમ કુલ ત્રણ જણા નક્કી કરે કે સરજાતા સાહિત્યનું વિવેચન કરવું છે, તો બિલકુલ કરી શકે. બે દિવસમાં લીલા દુકાળની જડતી લઇ નાખે. લીલો દુકાળ એક રીતે સારો. સારા-નરસાનો ઝટ હૂઝકો પડે. સ્પષ્ટ દર્શાવી દે, કોણ સિદ્ધ થવા પાત્ર છે, કોણ ઘાસફુસ છે. કેમ કે સવાર પડ્યે આ અધ્યાપક લોકો કેટલા ય પુરોગામી સાહિત્યકારોને પોતાની વાતમાં જોડતા હોય છે. વિવેચનાત્મક અનેક વિભાવનાઓને પ્રયોજતા હોય છે. કેટલીયે કૃતિઓને તળે ઉપર કરતા હોય છે. કહેવાનો મતલબ, વિવેચન એમનો રોજિંદો વ્યવસાય છે.

કોઇ માંયકાંગલાને કે ભૂખ્યાતરસ્યાને ધનવાનની સમીક્ષા કરવાનું કહીએ તો મૂરખમાં ગણાઇએ. હું અધ્યાપકોને એટલે કહું છું કે તેઓ તરોતાજા ને શક્તિમાન છે. એમને સારા સમુચિત ઊંચા પગાર અને પ્રોફેસર હેડ આસિસ્ટન્ટ ઍસોસિએટ વગેરે માનપાનભર્યાં પદ-પદક અપાયાં છે. હંમેશાં ફૅશનેબલ વસ્ત્રોમાં હૅન્ડસમ અને બ્યૂિટફુલ દેખાતાં હોય છે. હા, મેં જોયાં છે એમને. લગભગ કોઇ પણ યુનિ-અધ્યાપક કાર-વાન છે. મતલબ, એવી કોઇ પણ વાતે પણ તેઓ સુ-સમ્પન્ન છે. મજાકમશ્કરી બાજુએ મેલીને જણાવું કે કશો પણ સુધાર કે વિકાસ થશે તો એમનાથી થવાનો છે. પેલા ત્રણ ને એમના દસ દસ સમાનધર્મા ભાઇબંધોનું એક ગિલ્ડ શું કામ ન હોય? ચાલો ને, હાલ ને હાલ એવું ગિલ્ડ બનાવીએ. બાકી આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે. સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે. પ્રજાને કે કોઇને ખબર નથી કે ગુજરાતી સાહિત્યનું ખરેખર શું થવા બેઠું છે. પણ, રે ભલા, આપણને સાહિત્યહિતના દાઝીલાઓને તો એની ખબર છે જ છે - ખરું કે નહીં?

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2018

Category :- Opinion / Literature