સામાજિક નિસ્બતનાં માલિક : નલિની મેડમ

પાર્થ ત્રિવેદી
19-07-2018

એચ.કે. આર્ટ્સમાં એડમિશન લીધું. પહેલો દિવસ અને સમાજશાસ્ત્રનો પ્રથમ વર્ગ. ૧૨ સુધી ભણ્યાં પછી પણ બાકી રહેલી કુતૂહલતાથી વર્ગમાં દાખલ થનાર અધ્યાપકની રાહ જોઈ રહ્યો હતો. સમાજશાસ્ત્ર વિષયનાં કોલેજનાં ત્રણ અધ્યાપકો દાખલ થયાં. જેમાંથી એક જરા ઉંમરે વડીલ દેખાય પણ બીજા બંને અધ્યાપકોની તુલનાએ સૌથી વધુ હસમુખ ચહેરે અને ઉત્સાહ સાથે વર્ગમાં દાખલ થયેલાં. એ જ ઉત્સાહ સાથે પોતાનો પરિચય આપ્યો અને સહુનો સાંભળ્યો. સમાજશાસ્ત્ર અને બીજી વિદ્યાશાખાઓ કઈ રીતે જોડાયેલી છે, તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું ‘એક ડોક્ટર ગામમાં કોઈ સ્ત્રીના ચામડીના રોગની સારવાર કરી રહ્યાં હતાં, દવાની અસર એક મર્યાદાથી વધુ ન થઇ. ડોકટરના ધ્યાનમાં આવ્યું કે એ સ્ત્રી ઘરમાં જ વધુ રહે છે. સૂરજના સંપર્કમાં વધુ આવવાનું થાય તો રોગ જલદી દૂર થઇ શકે. ડોક્ટર વ્યવહારુ સુચન કરે છે અને ધાર્યું પરિણામ મળે છે.’ વાતનો સાર સમજાવતાં અધ્યાપકે જણાવ્યું કે જો ડોક્ટરને સામાજિક રિવાજનો ખ્યાલ જ ન હોત તો ઉકેલ મળી શકે જ નહીં ..' ઉદાહરણ આપી ભણાવવું તે એમની વિશિષ્ટ શૈલી.

આ અધ્યાપક એટલે નલિની ત્રિવેદી, અમારા જેવા વિધાર્થીઓ માટે નલિની મેડમ અને વાચકો માટે નલિની કિશોર ત્રિવેદી. પ્રથમ વર્ગમાં જ મેડમની છબી અંકાઈ, તેમાં પરિચય વધતા રંગો પુરાતા ગયા અને એક રંગીન ચિત્ર બન્યું. કોલેજના ચોથા માળે છેલ્લા વર્ગમાં સમાજશાસ્ત્રના વર્ગો લેવાય. મેડમ સમાજશાસ્ત્રીય વિભાવનાનું પેપર લેતાં. પ્રમાણમાં પાયાનો અને મહત્ત્વનો વિષય પણ સામે એટલો જ નીરસ બની રહે તેવી સંભાવના. મેડમ કાયમ વિભાવનાઓ સમજાવવા પોતાનાં અનુભવ, ઘટનાઓ અને નવલકથાઓ, વાર્તાઓની મદદ લઈને વાત એટલી સરળતાથી મૂકે કે શીરાની જેમ ગળા નીચે ઊતરી જાય. વાર્તાઓ પ્રત્યે વિશેષ લગાવ … ખૂબ ભાવ સાથે વાર્તા કહી શકે … પોતે પણ ખોવાઈ જાય અને સાથે અમે પણ.

વર્ગમાં કોઈ દિવસ બેસીને ન ભણાવે. મેડમને બેસીને ભણાવવું જાણે પોતાનું અને વિધાર્થીઓ બંનેનું અપમાન લાગે. ક્યારેક બીમાર હોય અને બેસવું જરૂરી લાગે તો ઘણાં સંકોચ સાથે હાજર વિધાર્થીઓની અનુમતિ લે અને પછી બેસે … છતાં તેમને ગમે તો નહીં જ. ઘણી તૈયારી સાથે દરેક વર્ગમાં આવે. કોઈ દિવસ પરીક્ષાલક્ષી ન ભણાવે … સમજણલક્ષી વાત અને ભણાવવાની પદ્ધતિ પણ એવી જ. એટલે કેટલાક વિધાર્થીઓ સહજ જ વર્ગોમાં ન આવે. વળી આર્ટ્સમાં વિશેષ પ્રણાલી મુજબ હાજરીની જરૂર નહીં … બીજા થોડાં એટલે ન આવે, બાકી વધ્યા બે થી પાંચ વિદ્યાર્થીઓ અને બીજાં મુલાકાતી વિધાર્થીઓ. વર્ગમાં એક વિધાર્થી હોય તો પણ મેડમ એટલા જ ઉત્સાહ સાથે ભણાવે. તેમને કેટલું અઘરું પડતું હશે પણ કાયમી સ્મિતમાં કોઈ ફેર ન પડે. કાર્યક્રમ હોય અથવા વધુ વરસાદ હોય અને લાગે કે આજે વર્ગ નહીં જ હોય છતાં વર્ગનો સમય થાય એટલે મેડમ ચોથા માળના છેલ્લા વર્ગની બહાર ઊભા જ હોય. કોઈ એક વિદ્યાર્થી પણ કશું શીખવા આવી જાય તો એકદમ તૈયાર ..! વર્ગમાં શિસ્તના જરા વધુ આગ્રહી. ખાસ કરીને કોઈને બગાસું આવે અને મોઢું ફાડીને કોઈ ખાય તો એકદમ ગુસ્સે થઇ જાય કહે કે ‘બગાસું આવવું તદ્દન જૈવિક ક્રિયા છે પણ કેવી રીતે ખાવું તે સામાજિક ક્રિયા છે.’ આ માટે ઘણા વિધાર્થીઓને વર્ગમાંથી કાઢી મૂક્યાનું યાદ છે. સામાજિકરણની પ્રક્રિયા ઘણા ઉદાહરણો અને ભાવ સાથે સમજાવે. સામાજિકરણ કદાચ તેમનો ગમતો મુદ્દો. આજે મારા જેવાને સમાજશાસ્ત્રના કેટલાક મુદ્દાઓમાં એટલે જ રસ પડે છે કારણ કે મેડમે એક ભાવ અને સમજણ સાથે તે સમજાવ્યું છે.

જરા જૂની પેઢીના એટલે પાયાના પ્રશ્નો પૂછે, છેલ્લા વર્ગમાં શું ચાલ્યું તેની ઉઘરાણી પણ કરે. વળી સંદર્ભ ગ્રંથો અને વાંચવાં જેવાં પુસ્તકોનાં નામ પણ આપે. શાહબાનો કેસ હોય કે ભંવરી દેવીની વાત હોય કે પોતાનાં સંતાનનાં નામમાં માતાનું નામ લખવા માટે સંઘર્ષ કરનાર ગીતા હરિહરન, ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાંની વાર્તા કે સાત પગલાં સહિતની નવલકથાઓની વાત વર્ગમાં થાય. કેટલાક રસ ધરાવતા વિધાર્થીઓ માટે મેડમ વર્ગ પછી પણ કાયમ હાજર.

મારા જેવાને ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રસ. વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પુસ્તક સમીક્ષા કે વાદ-વિવાદ સ્પર્ધા હોય. મેડમ દરેક મદદ કરે. બે અનુભવો વિશેષ યાદ છે. નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલો અને નિબંધ કોણ સુધારી આપે તે પ્રશ્ન આવ્યો. મેડમે સહજ તૈયારી બતાવી લગભગ ચાર કલાક તેમના ઘરે બેસીને અમે આખો નિબંધ સુધાર્યો. મારા વિચાર અને મૌલિકતાને બદલ્યા વિના ઝીણીઝીણી ચીવટ સાથે ભૂલો બતાવતા જાય અને સુધારતા જાય. કોલેજમાં વિચાર મંચ કરીને અભ્યાસ વર્તુળનો ઉપક્રમ ચાલતો હતો, તેના મહત્ત્વના બે કાર્યક્રમ થયેલા; ખાસ તો નિર્ભયા ગેંગરેપ ઘટના બાદના કાર્યક્રમની પૂર્વતૈયારીની ચર્ચામાં મેડમે સમજણ સાથે સંવેદના વિકસાવવા ઘણી મદદ કરેલી. તૈયાર કરેલું પ્રેઝન્ટેશન પણ ઘણી ચિવટ સાથે જોઈ આપેલું. કોલેજની સ્પર્ધાઓમાં રજૂઆત સાંભળવા આવે અને સૂચન પણ કરે. આ બધું એકદમ સહજ અને મીઠાં સ્મિત સાથે થાય કે જરા પણ વાગે નહીં કે ભાર પણ લાગે નહીં. કોઈ સ્પર્ધામાં જીતીને આવીએ તો કોલેજનાં બે અધ્યાપકો પાસેથી તો પુસ્તક મળે જ તેમાંનાં એક નલિની મેડમ.

પ્રથમ દ્રષ્ટિએ મૃદુ અને સૌમ્ય લાગે અને સ્મિત કાયમ ચહેરા પર હોય. જો સહેજ પણ અંધશ્રદ્ધા કે અન્યાયી વાત કરીએ, તો એકદમ અસ્વસ્થ થઇ જાય અને એટલી જ તીવ્રતાથી વિરોધ કરે … વાતમાં મક્કમતા સાથે અહિંસક વિરોધ પણ એટલો અસરકારક કે સામેના વ્યક્તિને બે ઘડીનું આશ્ચર્ય થાય અને વિચારતા પણ કરી મૂકે. તેમનો નારીવાદ સંવાદી હતો અન્યાયના તીવ્ર વિરોધ સાથે તેમાં માણસાઈ તરફની ગતિ હતી. આજે મારી આ અંગે જેટલી પણ સમજણ કે સંવેદનાઓ વિકસી છે તેમાં મેડમનો નોંધપાત્ર ફાળો છે.

નર્મદા કાંઠે યોજાયેલ યુવા શિબિરનો વિષય ‘વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક નિસબત’. નલિની મેડમને પ્રથમ દિવસે હું અને મારું વ્યક્તિત્વ વિષય પર વાત કરવા આમંત્રણ આપ્યું. મેડમે ખૂબ સરળતાથી સ્વીકાર્યું. બે બસ બદલી શિબિર સ્થળ પર પહોચ્યાં. વક્તાઓની ભારેખમ પરોણાગત કરવાની હોય તેની સામે મેડમ અમારી સાથે એકદમ ભળી ગયાં. તેમની હાજરીનો સહેજ પણ ભાર તેમના પક્ષેથી ન લાગ્યો. રસોડામાં મદદ હોય કે શિબિરમાં સવારની સફાઈ હોય, મેડમ સહજ ભળ્યાં. શિબિરમાં વર્ગ પણ એટલી જ તૈયારી સાથે લીધો. બે દિવસનું રોકાણ એકદમ યાદગાર રહ્યું.

અવાજમાં તેમનું કામ અને યોગદાન નોંધપાત્ર રહ્યું. આજની સ્થિતિને લઈને જરા વ્યથિત, વળી અમારા જેવા કશું જુદું કરવા મથતા વિધાર્થીઓ માટે ચિંતિત પણ ખરા. કોલેજ પછી પણ જે કેટલાક અધ્યાપકો સાથે સંપર્ક રહ્યો, અને ઘણી વખત મળવાનું થયું તેમાં મેડમ. ઘરે અને ‘અવાજ’માં મળવા જઈ શકાય. વાત કરીને - ચર્ચા કરીને અને રડીને હળવા થઇ શકાય. કાયમ નાસ્તો કરાવે. બપોરે જઈએ તો સાથે ચા પીવાનું, ત્રણએક વખત બન્યું. પર્સમાંથી પણ ભાગ મળે જ સાકાર, સૂકો મેવો કે એકાદ ફળ કે મુખવાસ.

કેટલુંક તેમની પાસેથી શીખ્યા, કેટલુંક તેમનાં લખાણો, વાર્તાઓ અને લેખ વાંચીને પણ મેળવી શકાશે. સ્ત્રોતસ્વીની અને સખ્ય તેમના વાર્તા સંગ્રહો વિશેષ યાદ રહ્યાં છે. બીજું તેમનું કામ ઘણું વ્યાપક હતું. બીજા લોકો પણ લખશે. વિધાર્થી તરીકે આટલું યાદ કરવા જેવું લાગ્યું.

છેલ્લા દિવસોમાં વધુ મળવા નહીં જઈ શકાયું તેનો અફસોસ છે. તેમની પાસેથી આટલાં વર્ષોમાં કેટ કેટલું જાણવા, શીખવા, સમજવા અને ખાસ તો જીવવા મળ્યું. હવે તેમની પાસેથી સીધું કશું મેળવવાનો અવકાશ તો રહ્યો નથી … તેમની ચિત્તમાં અંકાયેલી છબી અને સંચવાયેલા શબ્દોમાંથી કશુંક મેળવવા પ્રયત્ન કરી શકાય અને કરીશું. હજી આંખ સામે મેડમનો સ્મિત સભર ચહેરો દેખાય … એટલું નિખાલસ અને નિ:સ્વાર્થ સ્મિત આપણા ચહેરા લાવી શકીએ તો પણ પૂરતું …. વંદન —

https://www.facebook.com/photo.php?fbid=1875217519188733&set=a.703475883029575.1073741825.100001015091245&type=3&theater

Category :- Samantar Gujarat / Samantar