ચાર કાવ્યો

દેવિકા રાહુલ ધ્રુવ
18-07-2018

ગઝલઃ

(૧)

ગમનાં ગાણાં દૂર મેલીને આગળ જઈએ.


ઘાવ સમયના ભૂલાવીને આગળ જઈએ.

કોણ કહે છે, કામે લાગે ભણતર ગણતર?


પાઠો સાચા વંચાવીને આગળ જઈએ.

ભીડ છે એકલતાની, ને ગામમાં સૂનકાર આ,

દૂર ક્યાંક બધું ય ફંગોળીને આગળ જઈએ.

છો ને વાદળ ઢાંકે, સંતાડે સૂરજને


આંખોમાં સપનું ઊગાડીને આગળ જઈએ.

રામ રહીમની વાતો કરતા માણસ ખોટાં,


ઉર-તરાજુ જોખાવીને આગળ જઈએ.

******

(૨)

અણધારી આ હલચલ થઈ ગઈ.


અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,


ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,


કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,


સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો,


પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,


બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,


આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.

******

ગીત –

(૧)

પલ ના પલકારે

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું.


સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.

કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલી


ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.


ક્ષણ મહીં સરતા આ ક્ષણ તણાં વ્હેણમાં,


એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.


પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?


કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું.

પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી


ચડતી જવાનીનાં પૂર જાય ઓસરી.


એક દિન દર્પણ દેખાડે કરચલીનાં જાળાં


ને અંગો સહુ માંગતા સમારકામ આળાં


ત્યારે દેહમાં પૂરાયેલ એક નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.


ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.

આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?

સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું ક્યારે કાયાને પલટતું.

******

(૨)


ખોલું ખોલું ને દિલ અચરજ ભરે, રસભીના દાણાઓ હાથમાં સરે.


એક એક કણ ને એક એક પડમાં, નક્શીદાર કેવી કરામત ઝરે.


ના દોરો, ના સોય, ના  યંત્ર ફર્યું,


કોણ રૂડેરું ગૂંથણકામ આ કરે?


જેમ સીવણના અદ્દભુત ટાંકા ભર્યું


કોઈ સુંદર મનોહર ભરત આ ભરે!!


અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.

હીરાથી અમોલા, શ્વેત કે રતુંબડા,


બિલોરી કાચથી ચોખ્ખા, હૈયે અડે.


ઝીણા જતનથી સ્પર્શીને ફોલતા,


આંગળીના  ટેરવે ભીનાશ ફરે.


અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.

જુલાઈ ૨૦૧૮


Email: Ddhruva1948@yahoo.com

Category :- Poetry