જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે

રમેશ ઓઝા
11-07-2018

જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હવે પછી શું થશે કે શું પરિણામ આવી શકે છે એનું અનુમાન કરવાની કે જાણી લેવાની ઉત્કંઠા માનવસહજ છે. એ એટલી જૂની વૃત્તિ છે જેટલો આદિમ માનવ છે. ખરું પૂછો તો જગતનો વિકાસ જ છણાવટો, અનુમાનો અને પરિણામલક્ષી જોખમો થકી થયો છે. એટલે તો જોખમ ખેડ્યું હતું એમ કહેવા માટે ‘દાવ લગાડ્યો હતો’ કે ‘જુગાર ખેલ્યો હતો’ એમ પણ કહેવામાં  આવે છે. માણસ જ્યારે પ્રાપ્ત હકીકતોની છણાવટ કરીને અને અનુમાનો બાંધીને દાવ લગાડે ત્યારે તેને તેમાં સફળતા મળે જ એવું નથી, પરંતુ એ સિવાય બીજો વિકલ્પ પણ નથી હોતો. સુખનો રસ્તો આ માર્ગે જાય છે. વર્તમાન એક પ્રગટ વાસ્તવિકતા છે, પરંતુ વર્તમાન એક ક્ષણમાં જતો રહેવાનો અને સમયના ગર્ભમાં રહેલા અપ્રગટ ભવિષ્યમાં આપણે જીવવાનું છે, એ બીજી વાસ્તવિકતા છે, સિવાય કે આ ક્ષણે જ મૃત્યુ આવે. હું આવતીકાલે હયાત હોવાનો એ ભરોસે માણસ જિંદગી જીવે છે અને માટે પ્રયત્નો કરે છે.

બીજી વૃત્તિ છે પ્રાપ્ત હકીકતોની કોઇ પણ પ્રકારની છણાવટ કર્યા વિના પરિણામ જાણી લેવાની ઉત્કંઠા. અહીંથી જ્યોતિષનો પ્રદેશ શરૂ થાય છે. શું પરિણામ આવશે એનો આધાર પ્રાપ્ત હકીકતો, તેની છણાવટ અને અનુમાન પર આધારિત નથી; પરંતુ ગ્રહદશા પર આધારિત છે. હકીકતોની છણાવટ કરવામાં તટસ્થવૃત્તિ જોઈએ અને તેનો સામનો કરતા કેટલાક લોકો ગભરાતા હોય છે. બીજી બાજુ આ કે પેલે પાર પરિણામ તો આવવાનું જ છે તો એમાં મારું શું થશે એના ડરથી પ્રેરાઈને માણસ જ્યોતિષના શરણે જાય છે.

ત્રીજી વૃત્તિ છે પરિણામો બદલી શકાય કે કેમ એની મથામણ કરવાની. અહીંથી ગુરુઓ, બાબાઓ, તાંત્રિકોનો પ્રદેશ શરૂ થાય છે. પરિણામ બતાવનારા જ્યોતિષીઓ અને પરિણામ બદલી આપવાનો દાવો કરનારાઓ આમ તો સહોદર હોય છે. પ્રાપ્ત હકીકતો, છણાવટો, અનુમાનો સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં અને છતાં ય કેટલાક લોકો પરિણામો બદલી આપવાનો દાવો કરતા હોય છે. મંત્રકૃપા, ગુરુકૃપા, માદળિયાં, રાખની પોટલી, વીંટી, યજ્ઞો, અનુષ્ઠાનો, માનતાઓ, જાત્રાઓના ભરોસે પરિણામો બદલવા માટે કેટલાક લોકો અથાક પ્રયત્નો કરતા રહે છે.

આપણે તેમને પૂછીએ કે આટલી મહેનત પ્રાપ્ત હકીકતોની ચકાસણી કરવા પાછળ તેમ જ બુદ્ધિપૂર્વક અનુમાનો કરીને જોખમ ઉઠાવવામાં અને જોખમ ઊંધું ન પડે એ માટે શક્ય એટલું બધું જ કરી છુટવા માટે કરી હોત તો? તો તેનો શું જવાબ મળે ખબર છે? તે મર્ત્ય માનવીની અસમર્થતા અને અમર્ત્ય ગ્રહોની સમર્થતાની વાત કરશે અને પ્રશ્ન પૂછનારને અજ્ઞાની અને અભિમાની સમજીને હસી કાઢશે.

તો એક બાજુ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને, ચકાસીને, અનુમાનો કરીને પોતાના ભરોસે જોખમ ઉઠાવનારાઓ છે અને બીજી બાજુ આવું કાંઈ જ કર્યા વિના પરિણામો જાણી લેવાની ઉત્કંઠા ધરાવનારાઓ અને પરિણામો બદલવા ઈચ્છનારાઓ છે. એક બાજુ પુરુષાર્થીઓ છે અને બીજી બાજુ કૃપાર્થીઓ છે.

આમાં કોઈક જગ્યાએ જુગાર આવે છે. આપણે જેને રૂઢાર્થમાં જુગારી કહીએ છીએ એ કૃપાર્થી કે શરણાર્થી કરતાં વધારે બુદ્ધિમાન કે હિંમતવાન હોય છે એમ મારું માનવું છે. દાવ લગાડ્યા વિના ભવિષ્ય જાણીને શું કરશો? દાવ લગાડ્યા વિના અનુકુળ ભવિષ્યની ઈચ્છા રાખનારાઓ બાબાઓના પગમાં આળોટતા હોય છે અને તેમને તેમાં ક્યારે ય અનુકુળ ભવિષ્ય હાથ લાગતું નથી. એ એવો પોસ્ટ ડેટેડ ચેક છે જે ક્યારે ય વટાવાતો નથી. કોઈ શંકા જ નથી કે તેમના કરતાં જુગારી વધારે બુદ્ધિમાન અને હિંમતવાન હોય છે. 

પણ જુગાર એ અનૈતિકતા છે એનું શું? કેટલાક પ્રકારના જુગાર કાયદાકીય રીતે ગુનો છે એનું શું? પાછા અનૈતિકતાના માપદંડ અને અને કાયદાકીય પ્રતિબંધો આખા જગતમાં એક સરખા નથી. એક જગ્યાએ જે ગુનો છે તે બીજી જગ્યાએ રમત છે. પાછા જુગારના પ્રકાર પણ આખા જગતમાં અનેક પ્રકારના છે. જેમકે ૧૯મી સદીમાં મુંબઈમાં આજે વરસાદ પડશે કે નહીં એ વાતે વરસાદનો જુગાર રમાતો હતો. માનવ સમાજમાં જેટલી ભાષાકીય અને અન્ય વિવિધતાઓ છે એટલી જ જુગારની પણ વિવિધતા છે, કારણ કે જુગાર એ અનુમાન કરીને દાવ લગાડવાની એક માનવસહજ વૃત્તિ છે અને એટલે રમત છે. તો બે વાત છે; એક છે અનુમાન કરવાની માનવસહજ વૃત્તિ અને બીજી દાવ લગાડીને નસીબ અજમાવવાની રમત. જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હાર-જીત એ ગુનાનો માપદંડ ન હોય શકે. જો એમ હોય તો શેર બજારમાં કે બીજા બજારોમાં કરવામાં આવતા વાયદાના સોદાઓ પણ જુગાર કહેવાય. જેમ ક્રિકેટમાં કઈ ટીમ મજબૂત છે, કોણ ખેલાડી ફોર્મમાં છે, કોણ કોચ છે, કેવી પીચ છે, ટીમ પર કેટલું પ્રેશર છે વગેરે વાસ્તવિકતાઓની છણાવટ કરીને અનુમાન બાંધવામાં આવે છે અને પૈસા લગાડવામાં આવે છે તો શેર બજારમાં કે અન્ય બજારમાં વાયદાના સોદા કરનારા પણ એ જ કરે છે. ફરક એટલો છે કે વાયદાના સોદા કોઈ જણસને લઈને થાય છે, જ્યારે અહીં જણસ નથી હોતી, માત્ર અનુમાનિત પરિણામના આધારે થાય છે અને માટે સમાજ તેને જુગાર તરીકે ઓળખે છે. વાત એક જ પણ સ્વરૂપ જુદું એટલે એક ધંધો અને બીજો જુગાર.

એટલે તો કાયદા પંચે સલાહ આપી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપવામાં આવે. માનવસહજ વૃત્તિ પર પ્રતિબંધ મુકનારા કાયદા સફળ ન થાય. તમે જો કોઈ ચીજને દુર્ગુણ તરીકે ઓળખાવતા હોય અને એ નિર્વિવાદ દુર્ગુણ હોય તો પણ રાજ્ય તેના પર અંકુશ મુકવામાં સફળ ન નીવડી શકે. માણસ ત્યારે જ સુધરે છે જ્યારે તેને પોતાને સુધરવાની પ્રેરણા થાય. જો બીજા થકી માણસ સુધરતો હોત તો આપણા દેશના અસંખ્ય બાબાઓએ અને બાપુઓએ ભારતને સ્વર્ગ બનાવી નાખ્યું હોત. કાયદાઓની જરૂર જ ન પડત. ઊલટું તેમના આશ્રમોમાં તમે જે કલ્પના કરી શકો એવી દરેક પ્રકારની પાપલીલાઓ થતી હોય છે.

કાયદા પંચે બીજી ભલામણ એ કરી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપીને તેનું નિયમન કરવામાં આવે. નિયમન માટેની ભલામણ પાછળનું કારણ એ છે કે આજકાલ જુગાર એ અબજો રૂપિયાનો અને પાછો વૈશ્વિક ધંધો થઈ ગયો છે. આ ધંધો છે માનવસહજ વૃત્તિને ધંધામાં રૂપાંતરિત કરવાનો ધંધો. અનુમાન કરીને દાવ લગાડનારા માટે અનુમાન કરવાનો આનંદ છે, દાવ લગાડવાની હિંમત છે, કદાચ લાલચ છે; પણ તેનું બેટિંગ લેનારા બુકીઓ માટે એ ધંધો છે. કાયદા પંચ કહે છે કે બેટિંગના આખા નેટવર્કનું નિયમન થવું જોઈએ. જેમ સેબી શેરબજારનું નિયમન કરે છે અને બીજી એજન્સીઓ વાયદાના સોદાઓનું નિયમન કરે છે એમ કોઈ એજન્સી હોવી જોઈએ જે બેટિંગનું નિયમન કરે. આનું કારણ છેતરપિંડી રોકવાનું છે. બન્ને જુગાર છે અને બન્નેનું સ્વરૂપ લગભગ એક સરખું છે. બન્નેમાં હાર-જીત થાય છે. જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 જુલાઈ 2018

Category :- Opinion / Opinion