દિમાગના અગડમ-બગડમ આદેશને અવગણીને એ પળને વીતી જવા દો

તરુ કજારિયા
11-07-2018

શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના બનાવો જેટલી સંખ્યામાં અને જે ઝડપે બની રહ્યા છે એ ધ્રુજાવી દે એવા છે. લગભગ દરરોજ આવા એક-બે સમાચાર તો વાંચવા-સાંભળવા મળે જ મળે. વૉટ્સઍપ અને ફેસબુક પર આત્મહત્યાના લાઇવ રેકૉર્ડિંગ ફરતાં રહે છે! નવમા ધોરણની છોકરીને બહુમાળી ઇમારતના આઠમા માળેથી પડતું મૂકતાં જોઈને ગમે તેવા પથ્થરદિલ ઇન્સાનનું પણ હૃદય ધબકારો ચૂકી ગયું હશે. આ બધામાં નવી દિલ્હીના એક પરિવારના અગિયાર સભ્યોની આત્મહત્યાના સમાચાર તો સાક્ષાત્‌ કોઈ હૉરર ફિલ્મ! અને હા, આ સંખ્યામાં પેલા દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલા ગરીબ ખેડૂતની આત્મહત્યાનો આંકડો સમાવિષ્ટ નથી!

આજકાલ થતી આત્મહત્યાઓ વિશે કોઈ સંશોધન કરે તો એક વાત ચોક્કસ નોંધે કે એમાંના મોટા ભાગના લોકોને નજીકથી જાણનારા પણ તેમની આત્મહત્યાનું કારણ કળી શકતા નથી, કેમ કે તેઓની જિંદગીમાંથી તેમને ક્યારે ય પણ આ વ્યક્તિ આવું પગલું ભરે એવો કોઈ જ અણસાર મળ્યો ન હોય. તાજેતરમાં જે કેટલીક વ્યક્તિઓએ આવાં પગલાં ભર્યાં છે તેમની જિંદગીમાં દેખીતી કોઈ જ કમી નથી લાગતી. ભૌતિક દૃષ્ટિએ ખાસ્સી સુખી એવી પોતાની જિંદગી માણતા હોય અને અચાનક જાન આપી બેસે એ વાત ગળે ઊતરે એવી નથી લાગતી. કાંદિવલીની એ વિદ્યાર્થિની ભણવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હતી. તેની સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટનું બિરુદ તેણે મેળવ્યું હતું અને તેણે એ ઘાતક પગલું ભર્યું એ દિવસે તે સ્કૂલમાં જે ટીચર્સ કે સ્ટુડન્ટ્સને મળી હતી એ સૌને તે એકદમ મજામાં જ લાગેલી! દિલ્હીના પરિવારની વાત કરીએ તો તેમની સામૂહિક આત્મહત્યાના માત્ર પંદર દિવસ પહેલાં એ પરિવારની એક દીકરીની સગાઈ થઈ હતી. એ સગાઈના ફંક્શનમાં પરિવારજનો, ઘરનાં કિશોર-કિશોરીઓ વગેરે મન ભરીને મહાલ્યાં હતાં! ટૂંકમાં જ તેનાં લગ્ન પણ હતાં. હવે આવા માહોલમાં રહેતા સુખી પરિવારના સભ્યો આમ જાન દઈ દે?

થોડા સમય પહેલાં મુંબઈમાં પોતાનું છ માળનું મકાન ધરાવતા પિસ્તાલીસ વર્ષના એક વેપારીએ બપોરે પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું. ના, તેને પણ કોઈ આર્થિક ટેન્શન નહોતું. પરંતુ હા, તે ડિપ્રેશનમાં હતો. આ ડિપ્રેશન પણ અનેક વ્યક્તિને છેલ્લે પાટલે પહોંચાડી દે છે અને જીવવા માટે કોઈ જ કારણ નથી બચ્યું એવી ખાતરી કરાવી દે છે. પરંતુ જેની જિંદગીમાં કોઈ જ કમી ન હોય તેને ડિપ્રેશન આવે? આ સવાલ સામાન્યપણે થાય. ઘણાં સંશોધનો અને કેટલીક જાણીતી વ્યક્તિઓનાં આ વિશેનાં મંતવ્યો અનુસાર આ સવાલનો જવાબ છે, હા! દીપિકા પાદુકોણે હમણાં જ એક મુલાકાતમાં આ ખુલાસો કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દીપિકા એક અત્યંત સફળ અને સિદ્ધિવંત અભિનેત્રી છે. તેણે કહ્યું હતું કે ‘૨૦૧૪માં જ્યારે મને ડિપ્રેશન આવ્યું ત્યારે મારી કારર્કિદી અત્યંત સફળ અને સુંદર મુકામ પર હતી. હું કલ્પના કરું એ બધું જ મારી પાસે હતું અને છતાં હું ડિપ્રેસ્ડ હતી! ડિપ્રેશન અચાનક મારી જિંદગીનો ભાગ બની ગયું હતું!’

બહુ કડવી લાગે એવી આ વાત છે પણ એ હકીકત છે. હિન્દી ફિલ્મોના જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા જેમણે હૉલીવુડમાં પણ પોતાની અભિનયકલા અજમાવી છે એ અનુપમ ખેરને હમણાં જ આઇફાનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો. તેઓ અભિનેતા ઉપરાંત લેખક અને લાઇફકોચ પણ છે. જિંદગી જીવવાના પાઠ શીખવતી કાર્યશાળાઓ અને સેમિનાર્સ પણ યોજે છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં હું ડિપ્રેશનમાં હતો! એ સાંભળીને તેમની મુલાકાત લેનાર અનુભવી પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમની વાતનો સૂર પણ લગભગ દીપિકા જેવો જ છે. હકીકતમાં અનુપમ ખેર જ્યારે સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવા ગયા ત્યારે લાઇફકોચ તરીકે પોતે લખેલું મોટિવેશનલ પુસ્તક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ’ લઈને ગયા હતા! આવી વ્યક્તિ પણ ડિપ્રેશનમાં હોઈ શકે એની નવાઈ મારા-તમારા જેવા માણસને થાય, પણ પેલા સાઇકિયાટ્રિસ્ટને અનુપમ ખેરનું નિદાન કરવામાં સમય નહોતો લાગ્યો અને તેમને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.

આજે દુનિયામાં થતી મોટા ભાગની આત્મહત્યાઓ માટે ડિપ્રેશન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અને ડિપ્રેસ્ડ વ્યક્તિઓમાં સુસાઇડલ ટેન્ડન્સિસ જોવા મળતી હોય છે અને એટલે જ ડિપ્રેશન વિશેની વધતી જાગૃતિ એક વાત પર અચૂક ભાર મૂકે છે કે ડિપ્રેસ્ડ વ્યક્તિઓને શક્ય હોય ત્યાં સુધી એકલી ન મૂકવી. તેમની સાથે સંવાદનો સેતુ અકબંધ રાખવો. તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળવી. બહુ શક્ય છે કે આવા સંવાદ અને સાથના સહારે તેઓ તેમના પર સવાર થઈ જતા સુસાઇડલ વિચારોના હવાલે થતા બચી જાય. અને એક વાર એ નબળી પળ પાર થઈ જાય તો તેમના અપમૃત્યુની આપત્તિ ટળી જાય.

દિલ્હીના ભાટિયા પરિવારની સામૂહિક આત્મહત્યા પાછળ દેખીતી રીતે આ ડિપ્રેશનનો હાથ નહોતો, પરંતુ કોઈ વિચિત્ર માનસિક પરિસ્થિતિ તો ચોક્કસ હતી એવું તપાસમાં તેમના ઘરના મંદિરમાંથી મળી આવેલી ડાયરીમાં લખેલી વિગતો જોતાં જણાય છે. ઘરની તમામ વ્યક્તિઓ જે હાલતમાં મળી આવી છે એ પેલી ડાયરીમાં લખેલી સૂચના પ્રમાણે જ છે. પરિવારે કોઈ ગૂઢ તંત્ર કે ગુરુની સૂચના અનુસાર આ પગલું ભર્યું હોવાનું લાગે છે. હવે વિચાર કરો કે એક સુખી પરિવાર, જેના ઘરમાં થોડા જ સમયમાં દીકરીનાં લગ્નનો માંડવો નખાવાનો છે એ આ રીતે સાગમટે પોતાની જાતને મોતને હવાલે કરી દેવાનો નિર્ણય લે એ ઘટના શું તેમની માનસિક સ્થિતિ વિશે સવાલો નથી ઊભા કરતી? ચોક્કસ કરે છે. બુદ્ધિપૂર્વક સમજી કે સમજાવી ન શકાય એવું કોઈ તર્કવિહીન અને પોતાની જાતને જોખમમાં મૂકી દેતું એવું વર્તન કોઈ વ્યક્તિ નૉર્મલ માનસિક સ્થિતિમાં તો ન જ લઈ શકે. કોઈ ધર્મગુરુ કે તાંત્રિકના પ્રભાવમાં કે સ્વપ્નમાં આવેલી વ્યક્તિની સૂચનાથી કોઈ પરિવારના તમામ સભ્યો મોતને ગળે વળગાડી દે એ પગલું લેનાર કોઈ પણ હોય, કમ સે કમ એ વખતે તેઓ પોતાની નૉર્મલ માનસિક સ્થિતિમાં હોય એમ લાગતું નથી. આમ આત્મહત્યા તરફ લઈ જતી દરેક શારીરિક ક્રિયા આખરે તો એ પળના ઍબ્નૉર્મલ માનસિક સ્ટેટસનું અને એના આદેશનું પરિણામ છે. એ કટોકટીની પળ વીતી જાય તો કદાચ વ્યક્તિ આવું ભયંકર પગલું લેતાં બચી જાય.

આ લેખનો આશય એ જ છે કે ક્યારે ય લાગે કે આપણું દિમાગ આપણને આ પ્રકારના કોઈ અગડમ-બગડમ આદેશ આપવા માંડ્યું છે તો ચેતી જવું. થોડા ધીમા પડી જવું અને એ પળને વીતી જવા દેવી. શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’, “ગુજરાતી મિડ-ડે”, 10 જુલાઈ 2018

Category :- Opinion / Opinion