કોઈ એની સાથે રમત રમે છે

પન્ના નાયક
08-07-2018

કામાક્ષીએ અધખુલ્લી આંખમાંથી સીલિંગ પર ચાલતો કરોળિયો જોયો. એક વાર એણે ટેલિવિઝન નીચે નાનકડો ઉંદર જોયેલો. ઉંદર ટેલિવિઝનની સ્વિચ ઑન/ઑફ કરતો હશે? પછી ઝેરી રસાયણથી એને મારી નાંખેલો. દિવસો સુધી એ સૂઈ નહોતી શકી. કરોળિયો ચાલતો ચાલતો ટેબલલૅમ્પ સુધી આવી ગયો.

કામાક્ષી ઊઠી. ક્લોઝેટ અધખુલ્લું હતું. ક્લોઝેટમાં એક બાજુ એનાં ડ્રેસ, સ્કર્ટ બ્લાઉઝ, કુર્તાં લટકતાં હતાં અને બીજી બાજુ ભરતનાં શર્ટ અને સૂટ. ભરત કામ માટે બહારગામ ગયો છે.

કામાક્ષીએ ક્લોઝેટનું બારણું ઘરેડી પર સરકાવી દીધું. બાથરૂમમાં ટૂથપેસ્ટ અધખુલ્લી હતી. મેડિકલ કૅબિનેટનું બારણું અધખુલ્લું હતું. શાવર-કર્ટન અધવચ્ચે હતો. રસોડું નીચે હતું. રસોડાની બારી અધખુલ્લી હતી. ચાનું પાણી અને કોર્નિંગની કીટલીમાં ઉકાળતી કીટલી પર ઢાંકણું અધખુલ્લું હતું. ચામાં ખાંડ નાંખતાં જોયું કે ખાંડ પરનું ઢાંકણું અધખુલ્લું હતું. કામાક્ષી એક કામ શરૂ કરે અને એ પૂરું થાય. એ પહેલાં જ બીજું શરૂ કરે. ફ્રીજ અધખુલ્લું હતું. અંદર દૂધનું કાર્ટન અધખુલ્લું હતું.

કામાક્ષી ઑફિસ જવા નીકળી ત્યારે ઘરનું બારણું અધખુલ્લું હતું. આગલી સાંજે એ ઘેર આવી ત્યારે બારણું અંદરથી લૉક કરીને ચાવી પર્સમાં મૂકી હતી. પર્સ અધખુલ્લી હતી. ગાડીમાં ડ્રાઇવરસાઇડનું બારણું અધખુલ્લું હતું. ગાડી સ્ટાર્ટ જ ન થાય. ‘ટ્રીપલ એ’ વાળાને બોલાવ્યા. એમણે ગાડી સ્ટાર્ટ કરી આપી. કામાક્ષીએ ગાડી સ્ટાર્ટ ન થવાનું કારણ પૂછ્યું તો કહેલું કે બારણું ખુલ્લું રહે તો ગાડીની લાઇટ ચાલુ રહે અને લાઇટ ચાલુ રહે તો ગાડીની બૅટરી ડ્રેઇન થઈ જાય. બૅટરી રિચાર્જ કરવી પડે. કદાચ સીટ નીચેથી કાંઈ કાઢ્યું હશે અને બારણાને ધક્કો મારવાનો રહી ગયો હશે.

કામાક્ષીએ ગરાજમાંથી ગાડી કાઢી એ જ વખતે પાડોશી બૉબ કાનમાં ઇયરફોન્સ પહેરી, હોઠ ફફડાવતો, અમેરિકન ફ્લૅગની છાપવાળાં કપડાંમાંથી બનાવેલા આઉટફિટ પહેરાવેલા એના કૂતરા સની પાછળ ઊંધો દોડી જોગિંગ કરતો હતો. એણે કામાક્ષીને જોઈ હાથ ઊંચો કરી ‘હાય’ કહ્યું પણ થોભ્યો નહીં. કામાક્ષીએ ગાડીનો કાચ ચડાવી દીધો. ઍરકન્ડિશનર હાઈ પર મૂક્યું. ટેઇપ શરૂ કરી. ટ્રાફિક લાઇટો આવતી હતી. લાલ લાઇટ પાસે એના પગ બ્રેક મારતા હતા. ગાડી ઊભી રહી જતી હતી. એક લાઇટ લીલી થયા પછી પણ ગાડી ઊભી હતી. પાછલી ગાડીમાંથી હૉર્ન વાગ્યું. પાછળવાળાએ લીલી લાઇટ તરફ આંગળી ચીંધી. કામાક્ષીએ ઑફિસના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી.

ઑફિસ ખૂલે પહેલાં એ પહોંચતી એટલે પાછલે બારણે દાખલ થતી. બારણાની બહાર રાખેલા બાંકડા પર ઑફિસના બે જેનિટરો બેઠા બેઠા સિગરેટ પીતા હતા. બેમાંના ધોળા જેનિટર સાથે કામાક્ષીને બોલાચાલી થયેલી.

કામાક્ષી સીધી લેડીઝરૂમમાં જતી. એના લૉકરમાં પર્સ મૂકતી. એક દિવસ એ લેડીઝરૂમમાં ગઈ ત્યારે એ ધોળો જેનિટર સિન્ક સાફ કરતો હતો. કામાક્ષીએ એને કહ્યું કે એ સફાઈ કરતો હોય ત્યારે બારણા બહાર સાઇન મૂકવી જોઈએ અથવા ખુરશી મૂકી બાથરૂમનું બારણું અધખુલ્લું રાખવું જોઈએ.

બીજા કાળા જેનિટર માટે એણે ફરિયાદ કરેલી. આ ફરિયાદ કર્યા પછી કામાક્ષી જ્યારે સલવાર-કુર્તું પહેરીને જતી ત્યારે એ કાળો જેનિટર બીજા જેનિટરોને કહેતો કે કામાક્ષી નાઇટસૂટ પહેરીને ઑફિસમાં આવે છે.

કામાક્ષી જેનિટરોને જોયા ન જોયા કરી અંદર આવી. લેડીઝરૂમનું બારણું અધખુલ્લું હતું. અંદર કોઈ નહોતું. એના લૉકરનું બારણું અધખુલ્લું હતું. લૉકરમાં રાખેલાં એક જોડી ચંપલ, શૂઝ, મેકઅપની સામગ્રી, સ્વેટર, છત્રી બધું એમ ને એમ હતું. એણે લૉકરનો નકૂચો ફેરવી જોયો. તૂટેલો નહોતો. લૉકરમાં પર્સ મૂકી એ લેડીઝરૂમની બહાર નીકળી. બારણા પાસે એની સાથે કામ કરતી છોકરી જીન મળી. બધાં એને ‘મીન જીન’ કહેતાં. ઑફિસમાં કોઈ આપસમાં કે ફોન પર લાંબી વાત કરે તો તરત જઈ સુપરવાઇઝરને ફરિયાદ કરતી. કામાક્ષીએ એની સામે જોઈ ‘હલો’ કહ્યું.

કામાક્ષી એના ડેસ્ક પાસેની ખુરશી પર બેઠી. જોયું તો ડેસ્કનું ખાનું અધખુલ્લું હતું. એણે આખું ખાનું ખેંચ્યું. સ્ટેશનરી, ક્લીનેક્સનો ડબ્બો, પર્ફ્યુમની શીશી, આગલી સાંજે તૈયાર કરેલા કાગળ બધું એની જગ્યાએ હતું. એણે ખાનું બંધ કર્યું. કમ્પ્યુટર ‘ઑન’ કર્યું. એને થયું કે બિલ્ડિંગ-સુપરવાઇઝરને ખબર આપવી જોઈએ. એ ટેલિફોન-ડિરેક્ટરી લેવા ઊઠી.

ઑફિસની વચ્ચેના ટેબલ પર ટેલિફોન-ડિરેક્ટરીઓ રહેતી. શહેરના વ્હાઇટ અને યલો પેજીસ પર બિલ્ડિંગસ્ટાફની ડિરેક્ટરી અધખુલ્લી પડી હતી. કામાક્ષીને એક-બે પાનાં જ ફેરવવાં પડ્યાં. ફોન જોડ્યો. ઘંટડી વાગી. બે ઘંટડી પછી ખાલી જગ્યા અને પછી ‘ક્લીક’ અવાજ. એણે ફરી ફોન જોડ્યો. બે ઘંટડી, ખાલી જગ્યા, ‘ક્લીક’.

કામાક્ષીએ કામ શરૂ કર્યું. ધીરે ધીરે ઑફિસનો સ્ટાફ આવ્યો. આછો ગણગણાટ, કમ્પ્યુટરો ટાઇપ થવાનો અવાજ, વચ્ચે વચ્ચે ફોનની ઘંટડીઓ. એક ફોન એની સેક્રેટરીનો હતો. કામ માટેના પ્રશ્નો હતા. કામાક્ષી સેક્રેટરીને મળવા ગઈ. પાછી આવી ત્યારે ડેસ્ક ઉપર સવારની ટપાલ હતી. ત્રણ પરબીડિયાં હતાં, અધખુલ્લાં. એક પરબીડિયું જમણા ખૂણાની સ્ટૅમ્પ પાસેથી મચડીને ખોલાયેલું હતું. બીજું ડાબે ખૂણેથી રિટર્ન એડ્રેસ પાસેથી. ત્રીજું, બંધ કરેલા પરબીડિયા પર ખાલી રહેલી જગ્યામાં આંગળી નાંખી ખોલાયેલું. ત્રણે કાગળો ઑફિસના જ કામના હતા. ભારતથી આવતા કાગળો ક્યારેક ફાટેલા મળ્યા છે. ક્યારેક કાગળો વિનાનાં માત્ર પરબીડિયાં જ. આ બધા અમેરિકામાંથી પોસ્ટ થયા હતા.

કામાક્ષીનું માથું ફરતું હતું. ઍરકન્ડિશન્ડ ઑફિસમાં એને ગરમી લાગતી હતી. પસીનો છૂટતો હતો. ગરમી હતી તો ય ચા પીવાની ઇચ્છા થઈ. સ્ટાફરૂમમાં એ ચા બનાવવા ગઈ. સ્ટાફરૂમમાં એનું ફૂડલૉકર છે. એમાં એ ખાંડ, મસાલો, ટી-બૅગ્સ, કપ, નેપકિન વગેરે રાખે છે. ફૂડલૉકર અધખુલ્લું હતું. સ્ટવ પર પાણી ઊકળતું હતું. એણે ચા બનાવી. લૉકર બંધ કર્યું. ચા સ્ટવ પાસે મૂકી લેડીઝરૂમમાં ગઈ. પાણી વહી જવાનો અવાજ આવતો હતો. સિન્કનો ગરમ પાણીનો નળ અધખુલ્લો હતો. ગરમ પાણી વહેતું હતું. એમાંથી વરાળ નીકળતી હતી. કામાક્ષીએ નળ ટાઇટ બંધ કર્યો. પડેલા નેપ્કિનથી હાથ લૂછ્યો. અરીસામાં મોં જોયું. અરીસા પર બાફ જામી ગયો હતો. હાથમાં હાથ લૂછેલો નેપ્કિન હતો. અરીસો લૂછ્યો. મોં જોયું. એની આંખો અધખુલ્લી હતી. હોઠ અધખુલ્લા હતા. બ્લાઉઝ અધખુલ્લું હતું. સ્કર્ટની ઝીપર અધખુલ્લી હતી. આંખો સિવાય બધું ચપોચપ ભીંસી દીધું. દોડીને લેડીઝરૂમની બહાર નીકળી. સ્ટાફરૂમમાં ગઈ. એની ચાનો કપ અધખુલ્લો હતો. અડધા ભાગ પર નેપ્કિન હતો.

કોઈક એની સાથે રમત રમે છે. પણ કોણ? એક હાથમાં ચાનો કપ લઈ એ ડેસ્ક પાસે આવી. ખુરશી પર કોઈ પુરુષ બેઠો હતો. કામાક્ષીનું ધ્યાન પુરુષે પહેરેલા શર્ટ પર ગયું. એણે પાછળ બટનવાળું શર્ટ પહેર્યું હતું. શર્ટ અર્ધખુલ્લું હતું. એમાંથી વાંસો દેખાતો હતો. વાંસો સફેદ હતો. વાંસા પર વાળ નહોતા. કામાક્ષી વધુ નજીક આવી. ડેસ્ક પર અધખુલ્લી પેન પડી હતી. ચા ડેસ્ક પર મૂકી. ડેસ્ક પાસેથી સ્વીવલ ચૅર ડેસ્કના અધખુલ્લા ખાનાને અડકીને ખાલી પડી હતી. ડેસ્કના અધખુલ્લા ખાનાને અડકીને પડેલી સ્વીવલ ચૅરમાં કામાક્ષી બેસી પડી.

Posted on જુલાઇ 1, 2018 by P. K. Davda

https://davdanuangnu.wordpress.com/2018/07/01/પન્ના-નાયકની-વાર્તા-૫-ક્/

Category :- Opinion / Short Stories