નવજીવન !

નિરંજના દેસાઈ
11-06-2018

રોજ સવારે ઊઠતાં,
ઈશ્વર સ્મરણ કરતાં,
દર્શન કરું મુજ હસ્તનાં,

પ્રાર્થું −

‘કરાગ્રે વસતી લક્ષ્મી
કરમૂલે સરસ્વતી,
કરમધ્યે તુ ગોવિંદમ્‌,
પ્રભાતે કર દર્શનમ્‌’

કિંતુ −

આજકાલ હસ્તદર્શન
વધારી દે હૃદયધડકન !
મનમાં ઊઠે મથામણ !
થાય શેં ગભરામણ !

− હાથની રેખાઓમાં
આછી થતી જીવનરેખા.
ફરી ફરી, ઝીણી આંખે
જોઉં એ લાઈફ લાઈનને
આયુષ્યના એ દોરને !

− ઘણો ભૂંસાઈ ગ્યો’તો
દોર જીવનદોરનો.
મેગ્નિફ્લાઇંગ ગ્લાસથી
ઝીણવટ થકી,
જોયું ફરી, જોયું ફરી !

પરંતુ −

એક વખતની
લાંબી પણછ શી
લાઈફ લાઈન મારી −
સાવ આછી - લુપ્ત થાતી
અર્ધી પર્ધી માંડ ભાળી !
પડી પેટમાં ફાળ,
વધી વધુ ધડકન !

તથાસ્તુ −

અવળચંડું મન કહે
હામ ધરને હવે !
બહોત ગઈ, થોડી રહી
ભજને હવે ઓમ શાંતિ !
અવસર આ ઉત્સવતણો,
સત્ત્વનો - પ્રયાણનો,
નવજીવનનો.

60, Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ [U.K.]

Category :- Poetry