આઝાદી

‘નવ્યાદર્શ’
09-06-2018

બાળપણમાં આમ તો કંઈ ખબર પડે નહિ
પણ પપ્પા કંઈ ન આપતા ત્યારે અમે
મોરચો માંડીને લડતાં
એક એ પણ હતી આઝાદી.
પપ્પાએ અમારી હરેક માંગને પૂરી કરી,
મામાને ઘરે જવું, પાંચના દશ રૂ. આપવાં,
આઈસ્ક્રીમ ખાવી, મેળામાં જવું,
ગમતી વસ્તુને ગમે તેમ મેળવવી
આ બધી જ આઝાદી.
એક દિવસ પપ્પા શહેર લઇ ગયાં
મને હોસ્ટેલમાં મૂકીને ચાલ્યાં ગયાં
... ... ...
કોને કહું ? શું કહું ?
બધી છોકરીઓ જાણે જેલમાં બંદ.
એક રડે, બીજી છાની રાખે, બીજી રડે ત્યારે ત્રીજી.
હું એ દિવસે ખૂબ રડી
અને શોધતી હતી આઝાદી ?
ક્યાં હતી આઝાદી ?
પણ ધીરે ધીરે સમજાયું
જે ગામડે હતી સહેલી
એના ખીલતાં પહેલાં જ હાથ પીળા થયાં.
બાકીની સહેલીઓ પોતાનાં લગ્નની તૈયારીઓમાં ...
તેમનાં ચહેરાઓ પર હતી કંઇક ગુમાવ્યાની લાગણી
શું એ જ હતી આઝાદી ?
એક દિવસ તું મને મળ્યો,
તારું મળવું એટલે વગડામાં કોયલનું ટહુકવું,
મારાં સ્વપ્નનો સારથિ,
મારી નીંદમાં આવનાર,
મારું સર્વસ્વ
એક અહેસાસ
બસ મારો જ શ્વાસ, એ જ ધબકાર.
બસ એક તું
તારી બાહોમાં રહી, આંખો બંદ કરી
સ્વપ્નમાં વિહરવું
એ હતી મારી આઝાદી.
એક દિવસ પરિવારમાં એની ખબર પડી,
શહેર અને ગામ વચ્ચેનું અંતર આજે વધી ગયું,
હૃદયના ધબકારા વધી ગયા,
આંખોમાં નીંદરે રજા રાખી
પરિવારની સામે કેદીની જેમ હું ઊભી રહી
શું આજ હતી આઝાદી ?
જે આઝાદીએ પ્રેમનો અહેસાસ આપ્યો
આજે એ જ પ્રેમ અને આઝાદી વચ્ચે દીવાલ બની પરિવાર ઊભો હતો
આઝાદી કે પ્રેમ,
પ્રેમ કે આઝાદી ?
મેં આઝાદી પસંદ કરી, થોડા સમયની
આજે
શહેર છે આ તારા વિનાનું,
હું અને આઝાદી બંને બેઠા છીએ ભીડથી દૂર
ખુલ્લા આકાશ નીચે,
પણ તારા વગર,
તારા પ્રેમના અહેસાસ સાથે.
આઝાદી મારી પર હસે છે
પણ, મારી આંખો ભીની છે.
પ્રેમ વગરની,
તારા વગરની આ કેવી છે આઝાદી ?
શું જોઈએ છે મારે
આ તારા વગરની આઝાદી ?

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry