અને મહાત્મા ગાંધીએ નક્કી કર્યુ કે, નાસી છુટવું એ નામર્દાઇ છે

આશિષ વશી
08-06-2018

મેરિત્સબર્ગના રેલવે સ્ટેશન પરની ઘટનાને 125 વર્ષ પૂર્ણ, મોહનદાસને પડેલો એક ધક્કાએ મોટા સામ્રાજ્યોનો ડોલાવ્યા

સાત જૂન 1883ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ મહાત્મા તરફનો રાહ પકડ્યો. દક્ષિણ આફ્રિકામાં તેમણે માનવીય હકો માટે લડવાનું નક્કી કર્યું. તેમનું આ પગલું સત્યાગ્રહ તરીકે દુનિયાભરમાં જાણીતું બન્યું. આજે આ વાતને 125 વર્ષ પૂર્ણ થશે. નેલ્સન મંડેલા હંમેશાં કહેતા કે તમે અમારે ત્યાં મોહનદાસ મોકલ્યા હતા અમે તમારે ત્યાં મહાત્મા મોકલ્યા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ લડેલી લડત ખાસ્સી સંઘર્ષમય હતી. આજે આપણે મોહનમાંથી મહાત્મા બનવાની વાત તેમના શબ્દોમાં જોઇએ. ગાંધીજીએ આ અંગે ‘સત્યના પ્રયોગો' અને ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ'માં વિસ્તારે વાત કરી છે.

વાત એવી હતી કે નાતાલની રાજધાની મેરિત્સબર્ગના રેલવે સ્ટેશન પર મોહનદાસ પ્રથમ વર્ગની ટિકિટ લઇને ટ્રેનમાં બેઠા. ત્યારે જ સાથી ઉતારુઓ સિપાઇની મદદથી તેમને છેલ્લા ડબ્બામાં જવા કહ્યું. ગાંધીજીએ કહ્યું કે, ‘હું જાતે નહીં જઉં. મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે. છેવટે સિપાઇઓએ તેમને ધક્કા મારી પ્રથમ વર્ગના ડબ્બામાંથી ઉતારી મુક્યા. તેમનો સામાન પણ ફેંકી દેવામાં આવ્યો. ત્યારબાદ ટ્રેન સ્ટેશન છોડી ગઇ. કડકડતી ઠંડીમાં ગાંધીજી વેઇટિંગ રૂમમાં બેઠા. તેઓ લખે છે કે, મારો ઓવરકોટ સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ના થઇ. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો.' 

પછી તેઓ ઉમેરે છે કે, ‘મેં મારો ધર્મ વિચાર્યો, કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવા અને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર જે દુ:ખ પડ્યું તે તો ઉપર ચોંટ્યું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ રંગદ્વેષ હતો. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર જે દુ:ખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો. આમ નિશ્ચય કરી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.'

ત્યારબાદ ગાંધીજી રંગદ્વેષ ખિલાફ લડવા માટે આજીવન કાર્યરત રહ્યા. આફ્રિકામાં તેના માટે તેમણે અનેક જુલમો સહ્યા. ગાંધીજી રેલવેના આ પ્રથમ અનુભવને વર્ણવી દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસમાં લખે છે કે, ‘આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા. હું તો માત્ર એક જ કેસને અર્થે ગયેલો, સ્વાર્થ અને કુતૂહલની દૃષ્ટિએ. એટલે એ વર્ષ દરમિયાન હું તો કેવળ આવાં દુ:ખોનો સાક્ષી અને અનુભવનાર રહ્યો. મારા ધર્મનો અમલ ત્યાંથી જ શરૂ થયો. મેં જોયું કે સ્વાર્થદૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા મારે સારુ નકામો મુલક હતો. જ્યાં અપમાન થાય ત્યાં પૈસા કમાવાનો કે મુસાફરી કરવાનો મને જરા ય લોભ નહતો.'

ગાંધીજી વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા તેમની પરિસ્થિતિ વિચારી રહ્યા હતા. તેમને ભાગી છૂટવાનો પણ વિચાર આવ્યો હતો. ટાઢથી તેમને ઊંઘ નહોતી આવતી. તેમનું મન ચકડોળે ચઢ્યું. તેઓ લખે છે કે, ‘નાસી છુટવું એ નામર્દાઇ છે, લીધેલું કામ પાર પાડવું જોઇએ. જાતીય અપમાન સહન કરી, માર ખાવો પડે તો ખાઇને પ્રિટોરિયા પહોંચવું જ.' ગાંધીએ આવો અડગ નિશ્ચય કર્યો. ત્યારબાદ તેમનું મન શાંત થયું. તેમનામાં થોડું જોર આવ્યું. જો કે તેમને ઊંઘ તો ન જ આવી.

ગાંધીજી પોતાનાં નિશ્ચયના આધારે આગળની સફર કરી. તેઓ લખે છે કે, ‘મારો નિશ્ચય બરોબર છે કે નહીં તેની પરીક્ષા અંતર્યામીએ સંપૂર્ણ કરી. પ્રિટોરિયા પહોંચતાં પહેલાં વધારે અપમાન સહવા પડ્યાં, પણ તે બધાની મારા ઉપર મારા નિશ્ચયમાં મને દૃઢ રાખવાની જ અસર થઇ.'

એક નિષ્ફળ વકીલ જે વેપારી પેઢીનો કેવળ કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલા તે દેશમાં પાછા ફર્યા ત્યારે મહાત્મા બનીને આવ્યા. એક સામાન્ય માનવમાંથી થોડા પ્રસંગોએ જોયેલા અને જાણેલા અનુભવો અને અડગ નિશ્ચયથી તેઓએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે શિંગડાં ભરાવ્યાં. તેમના જુલમો અને રંગભેદની નીતિ સામે લડવા માટે સત્યાગ્રહનું શસ્ત્ર અપનાવ્યું. તેમની આ લડત માનવજાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. અને માનવજાતની સમાનતા માટે લડવાનો ધક્કો તેમને રેલવે સ્ટેશન પર પડેલો. એ ઠંડી રાતે ગાંધીજીએ લીધેલા નિર્ણયે મહાન સામ્રાજ્યના પાયા હલાવી નાખ્યા હતા.

સૌજન્ય : ‘ ઢેન્ટેણેન’ નામક લેખકની કતાર, “નવગુજરાત સમય” 8 જૂન 2018

Category :- Gandhiana