ચપ્પલ

‘નવ્યાદર્શ’
30-05-2018

વાત આમ તો સાવ નજીવી છે
પણ વાત તો વાત છે.
હું સમજણી થઇ ત્યારે મારા પપ્પાએ મને એક ચપ્પલની જોડી લઇ દીધી હતી
હતાં તો સાવ સામાન્ય, પ્લાસ્ટીકનાં પોચાં ચપ્પલ
પણ મને બહુ ગમી ગયાં.
હું જ્યાં પણ જતી એ પે’રીને જતી,
રસ્તાઓ, પગદંડી, ખેતરો
અને ઝાડવાં ઉપર પણ તેની સાથે.
મને એ ચપ્પલે કેટલાં ય માર્ગો બતાવ્યાં,
કેટલાં ય કાંટાઓથી મને બચાવી,
પણ ક્યારેક એમાં કોઈ કાંટો રહી જતો
અને તે ક્યારેક ક્યારેક પગના તળિયે વાગતો.
ત્યારે કાંટાને શોધીને માંડ હું કાઢતી.
થોડા સમય પછી
પપ્પાએ હવે બીજાં ચપ્પલ પણ લઇ આપ્યાં,
હું નવાં પણ પહેરતી અને જૂનાં પણ.
મમ્મી હવે વઢતી,
‘આ ચપ્પલને ઉકરડે નાખ.’
હું તો નાખવાની રહી, મમ્મી ઉકરડામાં નાખી આવે,
સવારના જોઉં તો મળે નહિ
એને શોધતાં શોધતાં ઉકરડાં ફંફોસી નાખું.
ફરી એ ચપ્પલ ઘરે, મમ્મીની નજરની સામે પહેરું,
મમ્મીનું મો જોવા જેવું હોય ને પપ્પાનું મમ્મી પરનું હાસ્ય.
આજે આઠ વર્ષ થઇ ગયાં,
મેં એને ખૂબ સાચવ્યાં અને એણે મને.
એ ચપ્પલને કાઢવા ઘરનાં બધાં સભ્યો એક થયાં પણ મારી સામે કંઈ ન ચાલ્યું.
એક દિવસ અમે ઘર બદલ્યું,
નવા ઘરમાં અમે સામાન ફેરવ્યો
અને જૂનાં ઘરની પસ્તી, ભંગાર અને સાથે અનેક સામાન પણ
ભંગારમાં ગયો.
આ સામાનમાં મારા પેલાં ચપ્પલ પણ હતાં ...
ઘરનાં બધાં ખુશ હતાં આજે
અને હું પણ એટલી બધી ઉદાસ તો નહોતી
પણ કંઇક પોતાનું ખોવાનો ગમ જરૂર હતો
અને એક પ્રશ્ન
લોકો સ્ત્રીને પગની જૂતી કહે છે
શું આજ કારણે હશે ?

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry