સ્ટ્રેન્ડ બુકશૉપ, હવે ભૂતકાળ

પીયૂષ પારાશર્ય
17-05-2018

મુંબઈની પ્રતિષ્ઠિત - સ્ટ્રેન્ડ બુકશૉપ

અંગત-સ્પર્શનું અમૂલ્ય પ્રતીક - હવે એક ભૂતકાળ

અંગત-સ્પર્શ(પર્સનલ ટચ)ના પ્રતીક સમાન, મુંબઈના ધમધમતા ફોર્ટના વ્યાપારી વિસ્તારમાં આવેલી સ્ટ્રેન્ડ બુકશૉપ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે બંધ થઈ. પુસ્તકપ્રેમીઓ માટે અને ખાસ તો મુંબઈગરાંઓ માટે અને જ્યારે પણ મુંબઈ જવાનું થાય, ત્યારે આ પુસ્તકની દુકાનમાં જનારી વ્યક્તિઓ માટે એક મોટો અભાવ સર્જાયો. ખૂબ જ માહિતીસભર અને વિનમ્ર સ્ટાફ જોઈતું પુસ્તક મેળવી દેવા માટે ગ્રાહકને મદદ કરે અને જો હાજરમાં ન હોય, તો થોડોએક દિવસોમાં મેળવી આપવાનું વચન આપે. એ બધાંની પાછળ તેના સ્થાપક અને સદ્‌ગૃહસ્થ ટી.એન. શાનબાગ હતા, જેઓના પર્સનલ ટચથી સ્ટ્રેન્ડની પ્રતિષ્ઠા આસમાને હતી. દરેક પુસ્તક ઉપર ૨૦ ટકાનું વળતર એ દરેક ગ્રાહકને અચૂક અપાતો બીજો લાભ હતો અને બિલમાં દરેક પુસ્તકનું નામ તો લખ્યું જ હોય.

૧૯૪૮માં મુંબઈના સ્ટ્રેન્ડ સિનેમામાં શાનબાગે એક કિયોસ્ક મુકાવેલું અને તેથી જ્યારે મોટી દુકાન કરી, ત્યારે પણ એ જ નામ રાખ્યું અને શાનબાગનું ૨૦૦૯માં અવસાન થયું, ત્યાં સુધી આ જ નામ રહ્યું. સ્ટ્રેન્ડની દુકાનમાં વારંવાર જવાનું સદ્‌ભાગ્ય મને મળ્યું છે અને પૅંગ્વિનના પ્રકાશિત અનેક પેપરબૅક ત્યાંથી ખરીદ્યાં છે. જ્યાં પોલ સ્પોટ્‌ર્સ, આબ્બર્તો મોરાવિયા, અને બીજાં અનેક અને તેમાં ખાસ કરીને નોબેલ પ્રાઇઝ- વિજેતા લેખક સોલબેલોની નવલકથાઓ ‘હર્ઝોગ’ (જેના વિષે સ્વ. ડૉ. દિગીશ મહેતાએ ગ્રંથમાં આસ્વાદ કરાવેલો અને જે લેખક ઉપર ઉમાશંકર જોશીનાં પુત્રી સ્વાતિ જોશીએ ડૉક્ટરેટ કરેલું) અને ‘સીઝ ધડે’ શાન લાગે મારા હાથમાં મૂકેલાં ત્યારે ખૂબ જ રોમાંચ અનુભવેલો, અનેક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ગ્રંથસંગ્રાહકો, લેખકો અને અનેક રાજદ્વારી વ્યક્તિઓએ આ શોપમાંથી પુસ્તકો ખરીદ્યાં છે, જે પૈકી જવાહરલાલ નેહરુ, મનમોહનસિંહ, (જેઓ ત્યારે બાજુમાં જ આવેલી રિઝર્વબૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર હતા, એ.પી.જે. અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને બીજા અનેકોએ અહીંથી પુસ્તકો ખરીદ્યાનું નોંધાયું છે. જાણવા પ્રમાણે તો સ્ટ્રેન્ડમાં રહેલું દરેક પુસ્તક શાનબાગે વાંચેલું જ હોય અથવા તો એ પુસ્તક વિશે તેઓ વાત કરી શકતા અને તેમને જાણકારી તો હોય જ. તમને બીજે ક્યાં ય ન મળે પણ તમને જોઈતું પુસ્તક સ્ટ્રેન્ડમાંથી તો મળી જ રહે. તાત્કાલિક ન મળે, તો મેળવી આપશું, એ આશ્વાસન તો મળે જ.

આ પ્રકારની બુકશૉપ્સ અનેક મોટાં શહેરોમાં આવેલી છે, જેમ કે બૅંગ્લૉરમાં ‘બ્લોસમ્સ’, લખનઉમાં ‘અડવાણી’, દિલ્હીમાં ‘બેહરીસન્સ’ આ બધી દુકાનોનું સંચાલન કે માલિકી એવા લોકોના હાથમાં છે કે જેમને પુસ્તકો માટે અતિશય આદર છે, દુકાનો પણ આરામદાયક અને આત્મીયતનો અનુભવ કરાવે છે. પણ આ પૈકી ‘અડવાણી’ બંધ પડી છે.

શાનબાગનાં પુત્રી વિદ્યાવિરકરના મતે પુસ્તકોની દુકાન ચલાવવી એ હવે આર્થિક રીતે પરવડે તેવું રહ્યું નથી. લોકો હવે ડિજિટલ પુસ્તકો ખરીદે છે. અથવા તો ઑનલાઇન મેળવી લે છે. બીજાં કારણો પણ હોઈ શકે, જેમ કે જાણકારી ધરાવતા કુશળ કર્મચારીઓ ન મળે, બીજાં ઉદ્યોગગૃહો તરફથી સ્પર્ધા અને ખરે તો લોકો હવે પુસ્તકો ખરીદતાં નથી. અપવાદ રૂપે  અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં ‘ક્રૉસવર્લ્ડ’ની દુનિયા  સરસ ચાલે છે. આવી અન્ય શહેરોમાં પણ હશે જ.

પણ કદાચ આધુનિક સમયમાં લોકો પાસે નાની અને આત્મીય જગ્યાઓ માટે સમય કે ફુરસદ નથી. મુંબઈમાં ત્રણ વર્ષ પહેલાં જ કલાકારો, ફિલ્મનિર્માતાઓ, પત્રકારો અને સર્જકોએ મળવા માટેના આદર્શ સ્થાન સમાન ‘સમોવર’ નામની લીકર અને નાસ્તાની દુકાન બંધ થઈ ગઈ છે. તેના થોડા સમયમાં જ મુંબઈ અને કદાચ તો દેશનું સૌથી જાણીતું ‘રિધમહાઉસ’ બંધ થયું. બદલાતી ટેક્‌નોલૉજી સામે ઝીક ન ઝીલી શક્યું (ખબર પ્રમાણે આ નીરવ મોદીને વેચવામાં આવ્યું છે, જો કે સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં નથી આવી). મુંબઈમાં ઈરાની હોટેલો ગણીગાંઠી છે. દોડધામમાંથી આરામ અને શાંતિ બને તેવાં સ્થળો હવે ઘટતાં જાય છે. ‘મારાં માતા-પિતા’ હું નાનો હતો, ત્યારે મને અહીં લઈ આવ્યાં હતાં અને આજે હવે હું મારાં સંતાનોને લઈને આવ્યો છું. - આવી કૉફીશૉપ આવાં સ્થળોએથી થોડાં વર્ષોમાં અદૃશ્ય થઈ જશે.

‘સ્ટ્રેન્ડ’ બંધ થઈ રહ્યું છે, તે સમાચાર ફેલાતાં સંવેદનશીલ લોકોએ તીવ્ર આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને યાદ કરેલું કે શાનબાગે તેમને કેવું વળતર આપ્યું હતું અથવા તો પૈસા પછીથી આપજો એમ કહ્યું હતું. કોઈ પુસ્તકપ્રેમી નિરાશ થઈને જવો ન જોઈએ, એ તેનો મુદ્રાલેખ હતો.

તેની જગ્યાએ કંઈક નવું ઊભું થશે. ‘સ્ટ્રેન્ડ’ કદાચ ભુલાઈ જશે, પરંતુ ત્યાં નિયમિત રીતે જતા લોકો કે જેઓ બુકશેલ્ફમાંથી તેમને જોઈતાં પુસ્તકો મેળવી લેતાં અને ખાસ તો ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ સાથે અને શાનબાગ સાથેનું સગપણ, ચિરંજીવ રહેશે. ભાવનગર શહેરની પુસ્તકોની પ્રતિષ્ઠિત સંસ્થા ‘પ્રસાર’ બંધ થયાના સમાચાર ‘નિરીક્ષક’માં પ્રકાશિત થયા હતા. સંભવતઃ સમગ્ર ભારતમાં આજે આ દશા છે.

(પૂરક માહિતી : સૌજન્ય : સિદ્ધાર્થ ભાટિયા)

લખ્યા તા. ‘વિશ્વપુસ્તક દિવસ’, ૨૩-૪-’૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 19

Category :- Opinion / Opinion