વિદુષી ભારતીબહેન શેલત

હેતલ વાઘેલા
17-05-2018

તાજેતરમાં ગુજરાતના જાણીતાં લિપિશાસ્ત્રી, અભિલેખવિદ્દ અને ઇતિહાસકાર ડૉ. ભારતીબહેન શેલતનું અવસાન થયું. આટલા મોટા ગજાના સંશોધક વિશે ગુજરાતના વિદ્યાજગતમાં વિશેષ નોંધ લેવાઈ હોય એવું જણાતું નથી. તેથી ડૉ. ભારતીબહેન શેલત વિશે ‘નિરીક્ષક’ના માધ્યમથી થોડીક નક્કર વિગતો આપવાનો પ્રયાસ કરું છું.

ગુજરાતનાં એક સમર્થ ઇતિહાસકાર હોવા ઉપરાંત, તેઓ ઇતિહાસના મૂળ સ્રોતરૂપ અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, ઐતિહાસિક સંસ્કૃતસાહિત્યનાં સંશોધનના ક્ષેત્રમાં ઉન્નત સ્થાન ધરાવે છે. ૩ જુલાઈ, ૧૯૩૯ના રોજ મહેસાણા મુકામે જન્મેલા આ ઇતિહાસવિદ્દ નિખાલસ અને રમૂજી સ્વભાવનાં હતાં. તેમણે અભિલેખવિદ્યાના ક્ષેત્રે શિલાલેખો, તામ્રપત્રલેખો, જળાશયોના શિલાલેખો, પ્રતિમાલેખો તેમ જ અપ્રગટ અભિલેખોનાં વાચન અને સંપાદન દ્વારા ગુજરાતના રાજકીય અને સાંસ્કૃિતક ઇતિહાસમાં ખૂટતી કડીઓનું અનુસંધાન કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે.

ભારતીબહેને પ્રાથમિક શિક્ષણ મહેસાણા અને વડોદરામાં તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. તેમણે ૧૯૬૦માં મુખ્ય વિષય સંસ્કૃતમાં દ્વિતીય વર્ગ સાથે બી.એ.ની પદવી, ૧૯૬૨માં સંસ્કૃત (અભિલેખવિદ્યા) સાથે એમ.એ.ની પદવી મેળવી હતી. ૧૯૬૪થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન એમણે સંસ્કૃત (અભિલેખવિદ્યા) વિષયમાં ‘Chronological Systems of Gujarat’ શીર્ષક હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી. આ ઉપરાંત, યુ.એસ.એ.માં ટેક્સાસ વિમેન્સ યુનિવર્સિટી, ડેન્ટોનમાંથી ૧૯૭૨માં સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ.ની ડિગ્રી ‘એ’ ગ્રેડમાં મેળવી હતી.

ડૉ. ભારતીબહેન શેલતે સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ભારતીય અભિલેખવિદ્યા, ભારતીય પ્રાચીન સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, પ્રાચીન લિપિવિદ્યા જેવા વિષયોમાં સંશોધનકાર્ય કર્યું છે. ડૉ. ભારતીબહેન શેલત લિપિવિદ્યાનાં જાણકાર હોવાથી તેઓએ પ્રાચીન અભિલેખો, સિક્કાઓ અને હસ્તપ્રતોમાં પ્રયોજાયેલી લિપિઓને ઉકેલી ઇતિહાસની મહત્ત્વની વિગતોને બહાર લાવવાનું કાર્ય કર્યું છે.

એમણે ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં ભારતીય સંસ્કૃિત વિષયના વ્યાખ્યાતા તરીકે ૧૯૭૬થી ૧૯૮૨ સુધી, રીડર તરીકે ૧૯૮૨થી ૧૯૯૭ સુધી સેવાઓ આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત ભાષા વિભાગમાં ૧૯૮૬થી ૨૦૦૨ સુધી અનુસ્નાતક અધ્યાપક તરીકે તથા ભો.જે. વિદ્યાભવનમાં ૧૯૯૭થી ૨૦૦૫ સુધી નિયામક તરીકેની કામગીરી પણ સંભાળી હતી. ડૉ. શેલત ગુજરાત ઇતિહાસ પરિષદની કારોબારી સમિતિનાં કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ અને પ્રમુખપદે રહ્યાં હતાં. તેમનાં માર્ગદર્શન હેઠળ કાલગણના, અભિલેખો અને હસ્તપ્રતોના વિષયોમાં પાંચ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. જૂન ૨૦૦૭થી ૨૦૧૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃિત વિભાગમાં ભારતીબહેને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.

ડૉ. ભારતીબહેન શેલતે પોતાની કારકિર્દીના ઘડતર અને જીવનઘડતરની સાથે વિભિન્ન વિષયોમાં આઠ જેટલા મૌલિક ગ્રંથો લખ્યા, ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિ, Jain Image Inscriptions of Ahmedabad જેવા ૧૨ ગ્રંથોનું સંપાદન, ૩૬ જેટલા સંપાદિત ખતપત્રો અને સંશોધન-સામયિકોમાં અંદાજે ૭૯ જેટલા સંશોધનાત્મક લેખો લખ્યા છે.

‘ભારતીય સંસ્કારો’ (૧૯૮૩) ગ્રંથમાં સંસ્કારો વિશેની માહિતીના સ્રોત અને તેના ઉદ્દેશોની ચર્ચા કરી છે. આ ઉપરાંત, ‘આદિમ જાતિઓની સંસ્કૃિતઓ’ (૧૯૮૩), ‘ભારતનો આદ્ય-ઇતિહાસ’ (૧૯૮૫), ‘Chronological Systems of Gujarat’ (૧૯૮૭), ‘ગુજરાતના અભિલેખો : સ્વાધ્યાય અને સમીક્ષા’ (૧૯૯૧), ‘મહાક્ષત્રપ રુદ્રદામા ૧લાના ગિરનાર શૈલલેખ’ (૨૦૦૫), ‘લિપિ’ (૨૦૦૫) વગેરે જેવા ગ્રંથોનું લેખનકાર્ય કર્યું છે. ભારતીબહેને ઇતિહાસ-સંશોધનના ક્ષેત્રે કેટલાક મૌલિક ગ્રંથો આપવાની સાથે ગુજરાતના ઇતિહાસના કેટલાક ગ્રંથોનું સંપાદનકાર્ય પણ કર્યું છે, જેમાં ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃિતક ઇતિહાસ’ (ગ્રંથ-૧, ૭, ૮ અને ૯), Jain Image Inscription of Ahmedabad’ અને ‘ભાગવતપુરાણની સમીક્ષિત આવૃત્તિ’નું સંપાદન મુખ્ય છે.

ડૉ. ભારતીબહેન શેલતે પોતાની અધ્યયન-સંશોધનયાત્રા દરમિયાન કુમાર, બુદ્ધિપ્રકાશ, સામીપ્ય, ગુજરાત સંશોધન મંડળ, પથિક, વિદ્યાપીઠ, Journal of Oriental Institute જેવાં સામયિકોમાં પરિચયાત્મક અને સંશોધનપૂર્ણ એવા ૮૦ જેટલા લેખો લખ્યાં હતાં. સંશોધનલેખમાંના કેટલાક તેમણે ડૉ. પ્રવીણચંદ્ર પરીખ, ડૉ. જયકુમાર શુક્લ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. કાન્તિલાલ સોમપુરા સાથે લખેલાં છે. સંશોધનલેખોમાં ‘કચ્છના અભિલેખોઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’ (ઈ.સ. ૧૩૦૪ સુધી), ‘ઇન્ડોનેશિયાના સંસ્કૃત અભિલેખો’, ‘ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના સંસ્કૃત સ્રોતો’, ‘જૈન ઇતિહાસ અને શિલાલેખ’, ‘પ્રાચીન ભારતીય રાજ્યસંસ્થાઓ અને શાસનપ્રણાલી’, અમદાવાદનું પારસી અગ્નિમંદિર’ અને ‘પ્રાચીન અભિલેખોમાં હિન્દુધર્મ’ વગેરે લેખો પણ અર્થઘટન અને સંશોધનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે.

તેઓ કુશળ સંશોધકની સાથે સારા વહીવટકર્તા પણ હતાં. નિયામક તરીકે તેમણે ભો.જે. વિદ્યાભવનમાં મ્યુિઝયમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પ્રાચ્યવિદ્યાની માહિતી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. તેમ જ તેમણે નિયામકની સાથે એક પ્રાધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃિત અને પ્રાચ્યવિદ્યાની તેઓ જાણકારી મેળવે તેવા પ્રયત્નો અને અન્ય વિદ્યાકીય પ્રવૃત્તિઓ પણ કરી હતી.

ગુજરાતના ઇતિહાસલેખન ક્ષેત્રે ડૉ. ભારતીબહેન શેલત અગત્યનું સ્થાન ધરાવે છે. તેમના ગ્રંથો તથા સંશોધનલેખોમાં તેમની વિદ્વત્તા તેમના તલસ્પર્શી જ્ઞાનનો પરિચય કરાવે છે. તેમનાં જેવાં વિદુષી જતાં અભિલેખવિદ્યા અને લિપિવિદ્યાના ક્ષેત્રે મોટો શૂન્યાવકાશ સર્જાયો છે.

[લેખિકાએ તાજેતરમાં જ ‘ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃિતના ક્ષેત્રના સંશોધનમાં ડૉ. ભારતીબહેન શેલતનું પ્રદાન’ વિષયક સ્વાધ્યાયપૂર્વક ‘એમ.ફિલ.’ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 15

Category :- Samantar Gujarat / Samantar