હવા

રમણીક અગ્રાવત
16-05-2018

સાંજનો કે સવારનો સૂર્ય
માંદલો ફિક્કોફસ ઊગે / આથમે દિલ્હીમાં
જ્યાં કોઈ ને કોઈની સત્તાનો સૂર્ય
કદી આથમતો નથી.
અંકલેશ્વરના હવાપ્રદૂષણથી થાકીને ગયાં હરિદ્વાર
તો ત્યાં ય એ જ હાલહવાલ
અંકલેશ્વર કે દિલ્હી,
ભરૂચ કે કાનપુર,
નર્મદાનગર કે હરિદ્વાર,
ઘરમાં કે ઘરબહાર,
એક જ નાવમાં સવાર
ગોળગોળગોળ ફરીફરીને
છેવટ સામે એનું એ જ -
છલકાતી કચરાટોપલી
આરસપહાણની ફરસ પર હોય
કે ગાર લીંપેલ ફળિયે,
કચરાનો નિકાલ ક્યાંક કે ક્યાંક થવાનો
આની આ જ ધરતીની છાતી પર!
શ્વાસ ઘડીભર રોકી લઉં
કે ઊંડા શ્વાસ લેવાની કરું મથામણ
પૃથ્વી નામે આ બંધ ઓરડે
ગમે ત્યાં આની આ, આની આ
આની આ જ-

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ — 392 015

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 14

Category :- Poetry