‘ગરીબોના બેલી’ હાજીભાઈ દેદા

મેતર અબ્દુલકાદર કાસમભાઈ
02-05-2018

કૌટુંબિક પરિસ્થિતિ :

હાજીભાઈના પિતા હાસમભાઈ જેમલભાઈ દેદા અને તેમના બે ભાઈઓ અને બે બહેનો જૂનાગઢ જિલ્લામાં ગીર માધુપુરમાં માલધારી હતા. ગાય-ભેંસોના માલિક હતા. તેના પર જીવનનિર્વાહ ચાલતો હતો. હાસમભાઈ સ્વભાવે ઉગ્ર હતા. લીલીગીરમાં પશુપાલનના વ્યવસાયની અનુકૂળતાને લીધે તેઓ સારા પ્રમાણમાં દૂધાળાં ઢોર રાખીને માલઘાટનું જીવન સંતોષપૂર્વક વ્યતિત કરતા હતા. એ દરમ્યાન તેમના પરિવાર અને બીજા માલધારી વચ્ચે ઘર્ષણ થતાં સ્વમાનભેર જિંદગી જીવવા નવાબનું રાજ છોડી જામનગરમાં આવીને વસવાટ કર્યો.

આ ગાળા દરમ્યાન તા. ૭-૦૫-૧૯૩૯ના રોજ જામનગરમાં લાલપુર રોડ, જ્યાં બાળ અદાલત છે ત્યાં, હાજીભાઈનો જન્મ થયો. જામનગરમાં સ્થિર થવા સંઘર્ષ કરતા આ કુટુંબની આર્થિક સ્થિતિ વિકટ હતી. આવા નબળા સંજોગોમાં હાજીભાઈનો ઉછેર થયો. માત્ર છ વર્ષની ઉંમરે બટનના કારખાનામાં બાળમજૂર તરીકે સંઘર્ષયાત્રા શરુ કરી હતી. હાજીભાઈ શાળાકીય શિક્ષણથી વંચિત રહ્યા, પરંતુ વાચનનો શોખ આજીવન રહ્યો.

૧૩ વર્ષની ઉંમરે હર્ષદ મિલમાં નોકરીએ લાગ્યા. ઈ.સ. ૧૯૫૩માં હાજીભાઈ લગ્નબંધનથી જોડાયા. તલાલાગીરના સુમારભાઈ ઈબ્રાહીમ જમીનદારના પુત્રી હવાબહેન સાથે લગ્ન કર્યા. નાની ઉંમર, આર્થિક ઉપાર્જનની જવાબદારી, લગ્નજીવનની જવાબદારી છતાં કામદારોના હક્ક માટે હર્ષદ મિલ કામદાર યુનિયનમાં સક્રિય થયા. કામદારોના હક્કો માટે ભૂખ હડતાલમાં જોડાયા. માલિકોએ દમન કર્યું. ધરપકડ કરાવી, પરંતુ હાજીભાઈ ડર્યા નહીં.

આ દરમ્યાન ઈ.સ. ૧૯૫૪માં પોરબંદરમાં વજુભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને કામદારોનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરે હાજરી આપી હતી. આ બધા  આગેવાનોનાં ભાષણો તથા વિચારોથી હાજીભાઈ ખૂબ જ પ્રભાવિત થયા. નવા ઉત્સાહ અને ધગશથી જામનગરમાં શાંતિલાલ વસાની આગેવાની હેઠળ વેચાણવેરાની લડતમાં ભાગ લીધો. તે સમયે કોમી રમખાણો થતાં શહેરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે બનતા તમામ પ્રયાસો કર્યા. શાંતિલાલ વસા, ભીખુભાઈ વાઘેલા અને અન્ય ૫૦ કામદારોના સમૂહ સાથે જામનગરમાં શેરી-ગલીઓમાં ફરીને શાંતિ-ભાઈચારા-કોમી એખલાસના નારા સાથે ભાઈચારો સ્થાપવા મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ઈ.સ. ૧૯૫૬માં વુલનમિલમાં નોકરી મળી. આ ગાળા દરમ્યાન હાજીભાઈના સસરા અને સાળાનાં તલાલાગીરમાં મૃત્યુ થયાં, આથી હાજીભાઈએ ત્યાં જવું પડ્યું. હાજીભાઈના નાના ઈબ્રાહીમ સુલેમાન કે જેઓ હવાબહેનના દાદા થાય, તેમણે પોતાની તમામ માલ-મિલકત, પોતાની જમીન બધું જ હાજીભાઈ તથા હવાબહેનનાં નામ કરી આપ્યું. આથી તલાલાગીરમાં રહેવાની ફરજ પડી. ત્યાં ખેતી સંભાળવાનું શરૂ કર્યું, પરંતુ આ કામદારોના ઉત્થાન માટે કંઈક કરી છૂટવાની ભાવના માટે હાજીભાઈ જામનગર પરત આવ્યા. વુલનમિલની નોકરી ગુમાવી, પણ ઈ.સ. ૧૯૫૭માં બ્રુક બોન્ડ ઇન્ડિયામાં નોકરીમાં જોડાયા. ત્રણ મહિના બાદ કાયમી થયા. કામદાર યુનિયનની ચૂંટણી થતાં બ્રુક બોન્ડ કામદાર યુનિયનના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. આથી તેઓ બ્રુક બોન્ડ કામદારના હિતો માટે ઘણી જ પ્રવૃત્તિઓ કરતા રહ્યા.

૧૯૫૯માં મહાગુજરાતની લડત વધુ ઉગ્ર બની. જેલ ભરો આંદોલનનો નારો બુલંદ બન્યો. જામનગરમાંથી હાજીભાઈના પ્રથમ પત્ની હવાબહેન, સુંદરબહેન ગાંધી, સારાબહેન ઓસ્માણ રૂંઝાએ જામનગર મહિલા પાંખનું પ્રતિનિધિત્વ કરી, ૧૪૪ની કલમનો ભંગ કરી ધરપકડ વહોરી લીધી. આ બધી બહેનોને રાજકીય કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવી. આમ મહાગુજરાતની લડતમાં ભાગ લીધેલ બહેનોને આ લડતે કાંઈક નવી જ પ્રેરણા આપી, નવી દિશા મળી, સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાની અને સ્ત્રીઓના ઉત્કર્ષ, હક્ક, અધિકાર માટે કાર્ય કરવાની તમન્ના જાગી. પરિણામે હર્ષદમિલની ચાલીમાં મીટિંગો ભરાવા લાગી. રાત્રિ ક્લાસ સ્ત્રી શિક્ષણ માટે શરૂ કર્યા. આવી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે હાજીભાઈએ તલાલાગીરની જમીન-મિલકત વેચી નાખી.

ઈ.સ. ૧૯૬૦માં હાજીભાઈએ બ્રુક બોન્ડ કામદાર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરી ત્યારે હવાબહેન દેદાએ તે સમયે રૂ. ૨૦૦૦/- કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના માટે હાજીભાઈને આપ્યા હતા. આથી જ મંડળીના લાભ માટે કામદારો વ્યાજની ચુંગાલમાંથી છૂટ્યા હતા, અને વધારે પ્રમાણમાં સહાય મેળવતા થયા હતા.

ઈ.સ. ૧૯૬૨માં ચીનના સરહદી વિવાદના કારણે સામ્યવાદી પક્ષનું વિભાજન થયું. સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી પક્ષના બે ભાગ થયા. હાજીભાઈ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેમની સાથે બ્રુક બોન્ડ કામદાર યુનિયનના આગેવાનો તથા મેમ્બરો જોડાયા, ત્યારે ગુજરાત તથા જામનગરમાંથી મોટાભાગના માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા.

આ જ સમયમાં માર્ક્સવાદી સામ્યવાદી કાર્યકર્તાઓની ધરપકડનો દોર શરૂ થયો. ગુજરાતમાંથી આગેવાનોની ધરપકડ થઈ. હાજીભાઈ દેદાની ધરપકડ માટે પણ તપાસ થઈ. બ્રુક બોન્ડના લીગલ એડવાઈઝર વાઘવાણી સાહેબે સ્પષ્ટતા કરી હતી કે હાજીભાઈ કોઈ હાનિકારક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ નથી. માત્ર યુનિયનની કાર્યવાહી શાંતિપૂર્વક કરે છે તેવું LIBને જણાવ્યું હતું.

૧૯૬૫માં જામનગરમાં બ્રાસ ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થયો. તેમાં કામ કરતા કામદારોની નોકરીની કોઈ સલામતી ન હતી. કાયદાનું પાલન થતું ન હતું. હક્ક રજા, બોનસ, અકસ્માત વળતર મળતું ન હતું. કામદારોને ઓછું વળતર આપી માલિકો શોષણ કરતા હતા. આથી હાજીભાઈએ બ્રાસ ઉદ્યોગના કામદારોને સંગઠિત કર્યા.

૧૯૬૬માં કામદારોની હડતાલ પડી. એ ઐતિહાસિક બની ગઈ. માલિકો કામદારોને કોઈ પણ લાભ આપવા તૈયાર ન હતા. બ્રાસ ઉદ્યોગના નાના મોટા આશરે ૨,૦૦૦ કારખાનાઓના ૧૫ થી ૨૦ હજાર કામદારો રોજી મેળવતા હતા. તે બધાના હિતનો પ્રશ્ન હતો. માલિકો સંગઠિત થઈને કામદારોને દબાવતા હતા. તે સમયે કારખાનાના માલિકોના આગેવાન તરીકે કેશુભાઈ ધનાણી મુખ્ય હતા.

હડતાલ તોડી પાડવા પૂરા પ્રયત્નો થતા હતા. આ ૧૫ થી ૨૦ હજાર અસંગઠિત અને અભણ કામદારોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય મુશ્કેલરૂપ હતું. તે સમયે જામનગરના કડક પોલીસ ઓફિસર (DCP) તખુભા રાણા હતા. કામદારોમાં ગભરાટ હતો. સભા, મીટિંગો ભરવી મુશ્કેલ હતી, ત્યારે જામનગરના અગ્રણી મુસ્લિમ નેતા બાવન જમાતના આગેવાન શેઠ જનાબ અલ્લારખા હશન હમીરકાએ હાજીભાઈને ખૂબ જ સાથ-સહકાર આપ્યો હતો. ઈદ મસ્જિદના ગ્રાઉન્ડમાં સભા ભરવાની સલાહ આપી હતી. આથી હાજીભાઈ રોજ સાંજે મીટિંગ કરતા. રાત્રિના સમયે દરેક વિસ્તાર, ગરીબ વિસ્તાર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ મીટિંગો ભરતા અને હડતાલને સફળ બનાવવાનું સફળ આયોજન કરતા. છેવટે જામનગર નગરપાલિકાના પ્રમુખ લીલાધરભાઈ પટેલની મધ્યસ્થીથી વિવાદનું સમાધાન થયું હતું. આથી કામદારોનો પગારવધારો, ભઠ્ઠી કામદારોના કાસ્ટીંગ કામ વળતરમાં વધારો થયો હતો. તેમ જ કોઈ પણ જાતનું શોષણ ન થાય તેવા પ્રશ્નોનો નિકાલ થતાં ૧૦ હજારથી વધુ કામદારોનું વિજય સરઘસ હાજીભાઈ દેદાના નેજા હેઠળ નીકળ્યું હતું અને કામદારોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

ઈ.સ. ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થયું હતું. જામનગરમાં તે સમયના જિલ્લા કોંગ્રેસ (આઈ)ના કન્વીનર કે.ટી. વ્યાસે હાજીભાઈનો સંપર્ક કરી વિશાળ પ્રમાણમાં કામદારો તથા સમાજના બહોળા વર્ગના આગેવાનોને સાથે લઈ કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૬૯થી ૧૯૭૧ના સમયે કોંગ્રેસની જુદી જુદી પાંખ હરિજન સેલ, લઘુમતી સેલ, સેવાદળ, યૂથ કોંગ્રેસ તથા મહિલા સેલ તમામમાં કામદાર આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું હતું.

૧૯૭૧માં ભારત-પાક. યુદ્ધના સમયમાં બાંગ્લાદેશના શરણાર્થીઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, કપડાં-લતાં, ખોરાક વગેરેની વ્યવસ્થા કરી હતી.

ઈ.સ. ૧૯૭૩માં મજૂર સેવા સંઘના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ૧૯૭૫માં રાજકીય પરિસ્થિતિ વણસતા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે.પી. શાહ હતા. તેઓની આગેવાની હેઠળ લોકજાગૃતિ કેળવવા પદયાત્રાઓ કરવામાં આવી હતી. જેમાં હાજીભાઈ જોડાયા હતા. આથી સમાજના પ્રશ્નોને વધારે સમજી શક્યા હતા. જેથી મજૂર સેવા સંઘ(ઇન્ટુક)ની પ્રવૃત્તિઓએ ખૂબ વેગ પકડ્યો હતો. પોર્ટ, સોલ્ટ ઉદ્યોગ, મીઠાપુર-દ્વારકા-ખંભાળિયા ઓઈલ મિલ ઉદ્યોગ, શિપિંગ કંપની જેવા સંગઠિત અને અસંગઠિત વિભાગના કામદારો મોટા પ્રમાણમાં ઇન્ટુકમાં જોડાયા. જેની આગેવાની હાજીભાઈ દેદાએ લીધી હતી.

૧૯૭૭ના અરસામાં ફરીથી બ્રાસ ઉદ્યોગમાં કામદારોના હક્ક, હિસ્સા અને અધિકારોની માંગણી અંગે અસંતોષ પેદા થયો. ઔધોગિક શાંતિ ડહોળાય તેવા સંજોગો પેદા થયા. બ્રાસ ઉદ્યોગના માલિકોએ પીસ-રેટ (ઉધડ કામ)ની મજૂરીમાં વધારો ન કરવા, ભાવ વધારાનો લાભ ન આપવા, હક્ક હિસ્સા આપ્યા વગર છૂટા કરી દેવા જેવાં પગલાં લીધાં. આની સામે પણ હાજીભાઈ દ્વારા ઇન્ટુક મારફત ઉપરોક્ત માંગણીઓ સાથે આંદોલન છેડવામાં આવ્યું. લડત ચાલુ થઈ, હડતાલ પડી, ૫ હજાર કારખાના અને ૨૫ હજાર કામદારોને અસર કરતા પ્રશ્નોને લઈ લડત શરૂ થઈ. આ લડતમાં જાણીતા વકીલ લીલાબહેન ત્રિવેદી અને જનકસિંહ જાડેજાનો સાથ-સહકાર મળી રહ્યો. સભા-સરઘસ-ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો થયા. પરિણામે લેબર ઓફિસર ગુસાઈ સાહેબની દરમ્યાનગીરીથી કામદારોની માંગણીનો સ્વીકાર થયો. કામદારો અને માલિકો વચ્ચે સમાધાન થયું અને લડતનું પરિણામ સારું આવ્યું હતું.

સામાજિક પ્રવૃત્તિઓ :

ગુજરાતમાં તે સમયે શ્રમજીવીઓના હિતરક્ષક મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકી હતા. પછાત તથા આદિવાસીઓના હમદર્દ જીણાભાઈ દરજી કાર્યરત હતા. તે સમયમાં જ ગુજરાત સરકારે બક્ષીપંચના અહેવાલનો સ્વીકાર કર્યો. આ સંદર્ભમાં જામનગર જિલ્લાના જામખંભાળિયામાં સૌ પ્રથમ મીટિંગ સચિવ પ્રેમશંકરભાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં જામનગરની બધી પછાત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે મીટિંગમાં જ જામનગર જિલ્લા બક્ષીપંચ સેવા સમાજની રચના કરવામાં આવી હતી. જેના પ્રમુખ તરીકે હાજીભાઈ દેદાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. આથી પછાત જાતિના લોકોને જાગૃત કરવા તથા બક્ષીપંચથી મળતા લાભો મેળવવા માટે સરકારની જુદી જુદી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવા હાજીભાઈએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. આથી જીણાભાઈ દરજી સાથે સંપર્ક ખૂબ વધ્યા અને તેઓની વિચારસરણી અને પ્રેરણાથી હાજીભાઈ ગાંધીવાદી વિચારધારા તરફ ઢળ્યા. આથી સામ્યવાદીને બદલે માનવતાવાદી, ગરીબોના બેલી તથા હમદર્દ તરીકે માનવતાવાદી કાર્ય તરફ ઢળ્યા.

ઈ.સ. ૧૯૮૪ થી ૧૯૮૯ના વર્ષો દરમ્યાન સામાજિક પ્રવૃત્તિ, કામદાર પ્રવૃતિ, તથા ઝુંપડપટ્ટી, બક્ષીપંચ, રાજકીય અને સહકારી પ્રવૃતિઓને વધારે વેગ આપવા ખૂબ જ જહેમત ઉઠાવવા લાગ્યા.

તે સમય દરમ્યાન જામનગર ઝૂંપડા સમિતિની રચના કરવામાં આવી હતી. તેના પ્રમુખ તરીકે હાજીભાઈએ ગરીબ, આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રોજી, રોટી, રહેઠાણની સગવડ મળી રહે તે માટે સરકારમાં જે તે વિભાગમાં જોરદાર રજૂઆતો કરી હતી. જેનાથી લાખો રૂપિયાની સબસીડીનો લાભ જામનગરના લોકોને મળ્યો હતો.

૧૯૯૦માં જામનગર જિલ્લાને લેબર કોર્ટ મળી. જેનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્યના નાયબ મજૂર પ્રધાન ઠાકોરભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું અને પ્રથમ જજ તરીકે ભટ્ટસાહેબ નિમાયા હતા. આ કામગીરી બજાવવામાં હાજીભાઈનો મહત્તમ ફાળો રહ્યો હતો. ૧૯૯૨માં પ્રથમ લોક અદાલત જામનગર ખાતે થઈ. જેમાં કામદારો, મજૂરોના વધારે ને વધારે કેસોનો નિકાલ, હાજીભાઈના યુનિયનના કામદારોના સમાધાન થયા હતા. આ રીતે પ્રથમ લોક અદાલત હાજીભાઈના પ્રયાસથી સફળ થઈ હતી.

૧૯૯૫માં સૌરાષ્ટ્રના મુસ્લિમ બુદ્વિજીવીઓનું એક સંમેલન હાજીભાઈએ બોલાવ્યું હતું. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના આગેવાનોએ મુસ્લિમ સમાજમાં રહેલા કુરિવાજો, શેક્ષણિક જ્ઞાનનો, આરોગ્ય વિષયક તથા સહકારી પ્રવૃત્તિનો અભાવ વિષે સૌએ પોતાનાં મંતવ્ય આપ્યાં હતાં. આ આગેવાનોનાં પ્રવચનોમાંથી જામનગરના આગેવાનોને સહકારી પ્રવૃત્તિની પ્રેરણા મળી હતી.

૧૯૯૭માં ધી પ્રગતિ ક્રેડિટ કો. ઓ. સોસાયટી લિ.ની સ્થાપના કરવામાં આવી. જેના પ્રથમ પ્રમુખ તરીકે જનાબ એમ.ડી. લોહાની સાહેબને જવાબદારી સોંપવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે હાજીભાઈ દેદા અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અલ્લારખાભાઈ સુથારની નિયુક્તિ કરવામાં આવી હતી.

સહકારી કાયદાના અનુભવી હાજીભાઈ દેદાએ સોસાયટી રજિસ્ટર કરવા માટેની કાર્યવાહી સહકારી કાયદા મુજબ કરી. તમામ મંડળીના નો-ઓબ્જેક્શન સર્ટિફીકેટ (NOC) મેળવ્યા હતા. હાજીભાઈ બ્રુક બોન્ડની સહકારી પ્રવૃત્તિના ક્ષેત્રે વર્ષોથી કાર્ય કરતા હતા અને સહકારી આગેવાનોથી પરિચિત હતા. આથી સોસાયટી રજિસ્ટર કરાવવામાં ઘણું આસાન થઈ શક્યું હતું. શરૂઆતમાં હાજીભાઈ ઉપપ્રમુખ હતા, પરંતુ ત્યાર બાદ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી, જે સોસાયટી આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. શરૂઆતમાં ૧૨૭ સભ્યોથી શરૂ કરવામાં આવેલી સોસાયટી આજે ૧,૩૦૦ જેટલા સભ્યો ધરાવે છે. તેથી મંડળીએ ખૂબ જ પ્રગતિ કરી છે. જામનગર જિલ્લામાં આ સોસાયટી સહકારી ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવે છે. જામનગર જિલ્લા ક્ષેત્રે સારી કામગીરી બજાવવા માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીને ૨૦૧૦માં પત્રથી હાર્દિક અભિનંદન આપેલ અને ધી પ્રગતિ ક્રેડિટ કો. ઓ. સોસાયટી લિ.ને તૃતીય શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત થયેલ છે. જે લઘુમતી સમાજ દ્વારા ચલાવવામાં આવતી મંડળીને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે.

હાજીભાઈના પ્રયત્નોથી સોસાયટીની વેલ્ફેર યોજનાઓ, સભાસદોના કલ્યાણ માટે મૃત્યુ સહાય અને આરોગ્ય સહાય તથા ધિરાણ લેનાર સભાસદ ગુજરી જાય તો તેના વારસદારોને રૂપિયા ૧૦ હજારની સહાય આપવામાં આવે છે. સભાસદોનાં બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવે છે. દર વર્ષે ડિવિડન્ડ આપવામાં આવે છે. સોસાયટીનું પોતાની માલિકીનું મકાન છે. તમામ કામકાજ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવેલ છે.

મુસ્લિમ સમાજમાં મેરેજ બ્યુરોની જરૂર લાગતાં રચના કરવામાં આવી છે. જીવનસાથીની પસંદગી અંગે પણ ઓફિસમાંથી કાર્યવાહી થાય છે. આ રીતે જામનગરના આણદાબાવા આશ્રમ કે જેણે એકીસાથે ૫૦ મુસ્લિમોના નિકાહ પોતાના પટાંગણમાં કરાવ્યા હતા, ૫ હજાર મુસ્લિમોનો જમણવાર કર્યો હતો, હજારો રૂપિયાનો માલ મુસ્લિમ દુલ્હનોને દીકરી તરીકે કરિયાવરરૂપે ગૃહસ્થી વસાવવા માટે આપ્યો હતો.

ઈ.સ. ૨૦૦૪માં આ સમૂહ શાદીના પ્રસંગને સુખરૂપ પાર પાડવા માટેનો જશ હાજીભાઈ દેદાને તથા ધી પ્રગતિ ક્રેડિટ કો. ઓ. સોસાયટીના ફાળે જાય છે. આણદાબાવા આશ્રમના મહંત દેવીપ્રસાદ મહારાજનું ઘણા વર્ષોનું સ્વપ્ન હતું કે ૫૦ જેટલી મુસ્લિમ દીકરીઓનો શાદીનો પ્રસંગ પોતાના આશ્રમમાં થાય અને હજારો મુસ્લિમો આ પ્રસંગે હાજર રહી પ્રસાદનો લાભ લે. ૫ હજારથી વધારે મુસ્લિમોએ હાજર રહી બપોરના જમણવારનો લાભ લીધો હતો. આ રીતે મહંતનું સ્વપ્ન સાકાર કરવામાં હાજીભાઈનો અમૂલ્ય ફાળો છે. આ રીતે જામનગરમાં હિંદુ-મુસ્લિમ એકતાને સુદઢ બનાવવા હાજીભાઈની બહુ જ મોટી સેવા છે.

જામનગરના મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ચાલતી રંગૂનવાલા હોસ્પિટલના બાંધકામ માટે પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય વિદેશમાં રહેતા અનુયાયીઓએ ઇન્ડિયા એબ્રોડ થકી લાખો રૂપિયા દાન ભેટ સ્વરૂપે આપ્યા છે. આથી હોસ્પિટલ થઈ શકી છે. આમ રંગૂનવાલા હોસ્પિટલ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે. આ હોસ્પિટલનો સંગે-બુનિયાદ નાખવામાં હાજીભાઈ દેદાની અથાગ મેહનત છે. સંગે-બુનિયાદના પ્રસંગે હિંદુ, મુસ્લિમ, જૈન, ઈસાઈ, શીખ વગેરે તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને પ્રવચનો કર્યા. તે માટેની પૂરેપૂરી મહેનત હાજીભાઈ દેદાની છે.

મુસ્લિમોની સમસ્યા અંગે ભારત સરકારના વડાપ્રધાનના સચિવાલયે ૯મી માર્ચ, ૨૦૦૫ના આદેશથી જાહેરનામા દ્વારા જસ્ટિસ રાજેન્દ્ર સાચરના વડપણ હેઠળ સાત સદસ્યોવાળી વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય (હાઈ લેવલ) સમિતિને મુસ્લિમ સમુદાયના સામાજિક, આર્થિક, શેક્ષણિક સ્થળ અંગે અહેવાલ તૈયાર કરવા માટે રચવામાં આવી હતી. આ કમિટિએ તા. ૭ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ અમદાવાદના શાહીબાગ ગેસ્ટ હાઉસમાં મુસ્લિમોની સમસ્યા અંગે મીટિંગ યોજી હતી. સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમુદાયના જુદા જુદા જિલ્લાના લોકોએ પોતાની સમસ્યાઓ વર્ણવી હતી. આ પ્રસંગે હાજીભાઈ દેદા તથા અબ્દુલકાદરભાઈ મેતર જામનગર જિલ્લાના મુસ્લિમોની સમસ્યા વિષે લેખિત આવેદનપત્રો તથા મૌખિક પ્રવચનો કરી, જસ્ટિસ  સાચરસાહેબ સમક્ષ રજૂઆત કરી હતી. જેનું ઘણું જ સારું પરિણામ આવ્યું હતું. આ મીટિંગમાં જામનગરના એક માત્ર મુસ્લિમ આગેવાન હાજર રહેતા હાજીભાઈએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી કોમની સેવા કરી છે. કોમના હંમેશાં હમદર્દ રહ્યા છે.

દેશમાં શાંતિ અને સદ્દભાવના સ્થાપિત થાય અને લોકોમાં રાષ્ટ્રભાવના સુદઢ બને તે હેતુસર હાજીભાઈએ જામનગરમાં એક સદ્દભાવના કમિટિ બનાવેલ છે. તેના દ્વારા નવેમ્બર ૨૦૦૮માં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રણામી ધર્મના સંત સુરેન્દ્ર્જી, ગુજરાતના જાણીતા પત્રકાર દિગંતભાઈ ઓઝા, જમાતે ઇસ્લામી હિન્દના ગુજરાતના પ્રમુખ જનાબ મહંમદશફી મદની, ખાસ દિલ્હીથી પધારેલા સૈયદ અમીનુલ્લહનાન, અમદાવાદના પ્રખર વક્તા ડો. શકિલ એહમદ, શહેરના જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો. કલ્પનાબહેન ખંઢેરિયા, થિંકિગ ટુગેધરના વિજયભાઈ આશર વગેરેએ સમાજમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે જોરદાર પ્રવચનો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હાજીભાઈએ કર્યું હતું.

જામનગરની ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ સંસ્કૃિતક સંસ્થા, રોજેદાર બાળકોનો સન્માન સમારંભ, જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો. દાઉદભાઈ ઘાંચી સાહેબનો સન્માન સમારંભ, ગુજરાત બિરાદરીના કાર્યક્રમો કે આઈફી સંસ્થા માટે કાર્યક્રમો યોજવા હોય તો હાજીભાઈ હંમેશાં ખડે પગે સેવા આપે. જામનગરમાં મુસ્લિમ સમાજના લોકો તથા ખાસ બહેનોનો આર્થિક વિકાસ થાય તે માટેની યોજનાઓ તથા સંસ્થાનો વિકાસ થાય તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહે.

છેલ્લે, જોઈએ તો હજીભાઈએ ૧૯૮૮માં હજ અદા કરી છે. ગરીબીમાં જન્મેલા અને અતિ અલ્પ શિક્ષણ પામેલા હાજીભાઈએ પોતાની બે પુત્રીઓને બી.એ. ગ્રેજ્યુએટ કરાવેલ છે અને પુત્રને એલએલ..બી. એડવોકેટ બનાવેલ છે.

નસીબની બલિહારી એ છે કે હાજીભાઈનાં પ્રથમ પત્ની મર્હૂમ હવાબહેન કે જેઓ પોતાનાં મા-બાપના એકમાત્ર જીવિત સંતાન હતાં. માતા-પિતા તલાલાગીરમાં સુખી ખેડૂત હતાં. તેઓ લાખો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત ધરાવતા હતા. તે બધી જ સંપતિ મર્હૂમ હવાબહેનના ભાગે આવી અને હવાબહેનના પતિ હોવાના નાતે હાજીભાઈને આ બધી સંપત્તિ મળી.

પ્રથમ પત્ની હવાબહેનનાં મૃત્યુ બાદ હાજીભાઈના નસીબમાં બીજી પત્નીનો યોગ લખાયેલ હશે, તેના લીધે આફ્રિકાના ઝામ્બિયા રાજ્યના છિપાટા શહેરમાં વસવાટ કરતા ઓસમાણ હશન સુંડીની પુત્રી મરિયમબહેન હાજીભાઈના બીજીવારનાં ધર્મપત્ની બન્યાં છે. તેઓ નેક નમાઝી છે. જોગાનુજોગ આ કુટુંબમાં પણ એક પુત્ર અને એક પુત્રી જ હતાં. બીમારીના કારણે પુત્ર શરીફભાઈ જન્ન્તનશીન થયા અને મરિયમબહેન ફક્ત એક જ જીવિત વારસદાર તરીકે રહ્યાં છે. આમ જિંદગીમાં બે વખત હાજીભાઈને તેઓની ધર્મપત્ની દ્વારા વારસામાં લાખોની મિલકતો મળી, પરંતુ આ બંને વારસાનો હાજીભાઈએ સંપૂર્ણપણે સ્વીકાર કરેલ નથી, ફક્ત વહીવટ ચલાવે છે.

જામનગરના સામાજિક ક્ષેત્રે જનાબ હાજીભાઈ હાસમભાઈ દેદાનું પૂરેપૂરું પ્રદાન છે. જેમાં બે મત નથી. આ રીતે તેઓ માનવતાવાદી કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

(હાજીભાઈનું તા. ૨૬-૦૧-૨૦૧૮ના રોજ અવસાન થયું. ગુજરાત બિરાદરીની નિયમિત બેઠકમાં તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી. – સંપાદક)

સૌજન્ય : “બિરાદર”, 15 માર્ચ 2018; પૃ. 05-10

Category :- Profile