સ્મશાનગૃહ સૌનું

નિકુંજ લીંબાભાઈ રાઠોડ
02-05-2018

અંબાલાલભાઈ ઉપાધ્યાયની આત્મકથા અંગે ઉલ્લેખ જોયો.

અહીં એક વાત મને યાદ આવે છે કે ૧૯૬૨ની સાલમાં મોડાસા તાલુકાપંચાયતના અધ્યક્ષ અંબાલાલભાઈ હતા, ત્યારે મારા બાપુજી લીંબાભાઈ રાઠોડ સામાજિક ન્યાયસમિતિમાં ચૂંટાયા હતા. અંબાલાલભાઈ જ્યારે કાર્યક્રમ અંગે ગામડે જાય, ત્યારે મારા બાપાને સાથે લઈ જતા. રજા હોય તો હું પણ બાપાની જોડે જતો હતો.

માલપુર તાલુકાના એક ગામે ગ્રામપંચાયત ઘરનું ઉદ્‌ઘાટન અંબાલાલભાઈના હાથે રાખ્યું હતું. પંચાયત-ઑફિસ આગળ સુંદર મંડપ અને મંચ બાંધ્યો હતો. ગામલોકો મંડપમાં ભરચક બેઠા હતા. અંબાલાલભાઈ મંચ ઉપર જઈને બેઠા, ત્યારે તેઓની નજર મંડપની બહાર ખૂણામાં પચાસની સંખ્યામાં બેઠેલાં પુરુષ, મહિલાઓ અને બાળકો ઉપર પડી. અંબાલાલભાઈએ રસપંચને પૂછ્યું, ત્યાં બેઠેલા લોકો કોણ છે? સરપંચે જવાબ આપ્યો કે ત્યાં બેઠા છે તે બરાબર છે. અંબાલાલભાઈએ ફરી પૂછ્યું, ત્યાં બેઠેલા કઈ જ્ઞાતિના લોકો છે ? એટલે સરપંચે ઉડાઉ જવાબ આપ્યો કે ગામડામાં તો આમ જ ચાલે, આપણે કાર્યક્રમ શરૂ કરીએ.

અંબાલાલભાઈએ સરપંચને ગુસ્સાથી કહ્યું, મંડપની બહાર ખૂણામાં બેઠેલા ભાઈઓ હરિજનભાઈઓ હોય, તો તેઓની જોડે આભડછેટનો વ્યવહાર રાખવા માટે તમારી સામે પોલીસકેસ નોંધાવું છું અને સરપંચમાંથી ગેરલાયક ઠેરવવા રિપોર્ટ કરું છું. સરપંચ ગભરાયા અને દોડતા મંડપની બહાર જઈ ખૂણામાં બેઠેલા ભાઈઓને હાથ પકડી મંડપમાં  બેસાડ્યા.

આજે ય જિલ્લામાં કોઈ પણ સ્થળે હરિજનોને અન્યાયની વાત હોય ત્યાં અંબાલાલભાઈ જૈફ વયે પણ દોડી જાય છે.

હું અંબાલાલભાઈના ગામનો છું. આઝાદી પહેલાં તેઓએ ૧૬ વર્ષની ઉંમરે ગામમાંથી ૨૫ જેટલા  હરિજન યુવકોને લઈ જઈ તળાવમાં સમૂહસ્નાન કરાવી મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો, ત્યારથી અમારા ગામમાં તમામ જાહેર સ્થળોમાં રોકટોક વગર હરિજનો માટે ખુલ્લા છે.

અમારા ગામે હરિજનોનું પાકું સ્મશાનગૃહ ન હતું, એટલે હરિજનોએ અંબાલાલભાઈને રજૂઆત કરી કે પાકું સ્મશાનગૃહ બંધાવી આપો. ત્યારે તેઓએ કહ્યું કે ગામમાં સવર્ણોનું જે પાકું સ્મશાનગૃહ છે, તેની સો ટકા ગ્રાન્ટ સરકારે આપેલી છે અને ગ્રામપંચાયત તેનો વહીવટ કરે છે, એટલે તે સ્મશાનગૃહનો હરિજનો કાયદેસર ઉપયોગ કરી શકે છે. ત્યારે સામેથી હરિજન આગેવાનોએ કહ્યું કે અમારાથી ઉપયોગ થાય નહીં, અમારા ઉપર લોકો હુમલો કરે, ત્યારે અંબાલાલભાઈએ કહ્યું કે ગામમાં હવે પછી કોઈ પણ હરિજનનું મૃત્યુ થાય, તો ય મને જાણ કરશો. સવર્ણોના સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવા હું સાથે આવીશ.

એક જ માસમાં એક વૃદ્ધ હરિજનનું મૃત્યુ થતાં અંબાલાલભાઈને જાણ કરી મુડદાને સવર્ણોના સ્મશાનગૃહમાં લઈ ગયા ત્યારે ત્યાં અંબાલાલભાઈ આવીને બેઠેલા હતા. અગ્નિસંસ્કાર થયા પછી તેઓ ગયા. ત્યારથી અમારા ગામે હરિજનો સવર્ણોના સ્મશાનગૃહોમાં વર્ષોથી વિના રોકટોક ઉપયોગ કરે છે.

મુ.પો. લીંભોઈ, તા. મોડાસા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 14-15

Category :- Samantar Gujarat / Samantar