મિ. ઇન્ડિયા

આશા વીરેન્દ્ર
28-04-2018

‘બેટા, શું નામ છે તારું?’ સંતોષે લાગણીભર્યા, કોમળ અવાજે બગીચાની બેન્ચ પર એની સાથે બેઠેલા બાળકને પૂછ્યું.

‘તમારે મારું નામ જાણીને શું કામ છે? ને પહેલાં તમે તમારું નામ કહો તો હું તમને મારું નામ કહીશ.’ બાળકને જરાયે અજાણ્યું નહોતું લાગતું. સંતોષ હસી પડ્યો. પણ એણે જોયું કે એ સુન્દર, નાનકડા બાળકની આંખોમાં જાણે દુનિયાભરની ઉદાસી ઠલવાયેલી હતી. સાત–આઠ વર્ષના એ માસુમ બાળકના શરીર પર સફેદ શર્ટ અને વાદળી રંગની ચડ્ડીનો યુનિફોર્મ તો હતો; પણ એની પાસે સ્કૂલ–બેગ, પાણીની બોટલ કે લંચબૉક્સ કશું દેખાતું નહોતું. બાળક તરફ મિત્રતાનો હાથ લમ્બાવતાં એણે કહ્યું :

‘મારું નામ છે સન્તોષ અને હવે તારું નામ મને જાણવા મળશે?’

‘ગોપી.’

‘અત્યારે સાંજે ચાર–સાડાચાર વાગ્યે તું સ્કૂલને બદલે અહીં બગીચામાં કેમ છે?’

‘કેમ કે સ્કૂલમાં લઈ જવાની મારી બધી ચીજ–વસ્તુઓ ઘરમાં પડી છે અને ઘરને તાળું છે. કહો, હું સ્કૂલે કેવી રીતે જાઉં?’

એનો જવાબ સાંભળી સન્તોષને નવાઈ લાગી; પણ એની સાથે મૈત્રી કેળવવાના ઈરાદાથી એણે હસીને કહ્યું :

‘હું એક સાઈકિયાટ્રીસ્ટ છું. એટલે શું તે ખબર છે? જેમ ડૉક્ટર આપણા શરીરની માંદગીનો ઉપાય કરે, એમ અમે સાઈકિયાટ્રીસ્ટ મગજની બીમારીનો ઈલાજ કરીએ.’ ધીમે ધીમે એને વિશ્વાસમાં લેતાં સન્તોષે પૂછ્યું :

‘તારાં મમ્મી–પપ્પાનું નામ શું?’

ગોપીનો ચહેરો આ પ્રશ્ન સાંભળતાં જ ઝાંખો ધબ્બ થઈ ગયો. જાણે ખુલ્લા આકાશમાં અચાનક કાળું વાદળ ધસી આવ્યું ન હોય! કડવો ઘૂંટડો ગળે ઊતારતો હોય એવું મોં કરીને એણે કહ્યું : ‘જો એમ કહું તો નવાઈ ન પામશો કે મારા પપ્પા ‘અલ્શેિશયન’ છે અને મારી મમ્મી ‘પોમેરિયન’ છે.’

સન્તોષને આંચકો લાગ્યો. આ તે કેવી વાત? ગોપીને પોતાની નજીક વધુ ખેંચીને પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતાં એણે કહ્યું,

‘ગોપી, સારાં છોકરાંઓ પોતાનાં મા–બાપને કૂતરાં કહે? આવું ન બોલાય, બેટા!’

ગોપીએ સન્તોષનો હાથ ઝટકાથી દૂર કર્યો અને રોષથી કહેવા લાગ્યો,

‘કેમ ન કહેવાય? એ બન્ને રોજેરોજ કૂતરાંની જેમ જ ઝઘડે છે. કૂતરાં એકબીજાં સામે ભસે, તેમ ભસે છે ને કૂતરાંની જેમ જ એકમેકને નખોરિયાં ભરે છે.’

આટલું બોલતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. વાત બદલવાના ઈરાદાથી સન્તોષે પૂછ્યું,

‘તેં સવારથી કશું ખાધું છે કે ભૂખ્યો જ છે?’

સવારે એક ગ્લાસ બોર્નવીટા પીધા પછી, અત્યારે પાંચ વાગ્યા સુધી એણે કંઈ ખાધું જ નથી એ જાણીને, સન્તોષે એને સામેની રેસ્ટોરાંમાં લઈ જઈને સેન્ડવીચ ખવડાવી અને કૉફી પીવડાવી. હવે ગોપીને એની પર ભરોસો બેઠો હોય એમ પોતાની મેળે જ કહેવા લાગ્યો,

‘આજે સવારે શું થયું, ખબર છે? હજી તો હું પથારીમાંથી ઊભો પણ નહોતો થયો, ત્યાં મને રસોડામાં કાચનાં વાસણો ફૂટવાનો અને મા–પાપા બન્નેનો જોરજોરથી ઝઘડવાનો અવાજ સંભળાવા લાગ્યો.

‘અલ્શેિશયન – સોરી, પાપા કહેતા હતા કે તારાથી થાય એ કરી લે. હું તો જેમ રહેતો આવ્યો છું, એમ જ રહીશ અને જેવું વર્તન કરું છું, એવું જ કરીશ.

‘પાપા આવું બોલ્યા, એટલે મા સખત ગુસ્સે થઈને હાથમાં સાણસી લઈને બહાર આવી અને ડાઇનિંગ ટેબલ પર સાણસી પછાડીને કહેવા લાગી, બસ, હવે મારાથી એક દિવસ પણ તારા જેવા બેકાર અને મુફલીસ માણસ સાથે રહેવાશે નહીં. આજે ને આજે મારું આ ઘર ખાલી કરીને જા.’

‘તમે રહો છો એ ઘર તારી મમ્મીનું છે?’

‘હા, આ ઘર મમ્મીને એના પિતાજી તરફથી લગ્નની ભેટ તરીકે મળ્યું છે.’ આટલું કહેતાં ગોપી ડૂસકાં ભરીને રડવા લાગ્યો.

એને આશ્વાસન આપતાં સન્તોષે કહ્યું, ‘ચિન્તા ન કર. બધું ઠીક થઈ જશે. પતિ–પત્ની વચ્ચે નાના–મોટા ઝઘડા તો દરેક ઘરમાં ચાલતા હોય છે.’

‘ના, મને ખબર છે. હવે કશું ઠીક નહીં થાય. આજે મા ઘરમાંથી નીકળતી વખતે બોલી હતી કે હું આજે જ વકીલ પાસે જવાની છું. મારે છૂટા .. કે એવું કંઈક જોઈએ છે. આ છૂટા .. એટલે શું, અંકલ?’

સન્તોષનું મન ભરાઈ આવ્યું. મા–બાપના ઝઘડામાં બાળકના કૂમળા મનની શી હાલત થાય છે તે જોવાની એમને પડી જ ન હોય? આંખો લૂંછીને ગોપી બોલ્યો,

‘ગુસ્સામાં ને ગુસ્સામાં પાપા એની કારમાં બેસી જતા રહ્યા અને બારણે તાળું મારીને મમ્મી એના સ્કુટર પર ચાલી ગઈ. મારું દફતર, પાણીની બૉટલ બધું જ ઘરમાં રહી ગયું; પણ કોને કહું? જતી વખતે બેમાંથી કોઈએ મારી સામે જોયું પણ નહીં. પછી હું ચાલતો ચાલતો અહીં આવીને બેઠો.’

એક મનોચિકિત્સક હોવા છતાં આ બાળકને અત્યારે શું કહેવું એ સન્તોષને સમજાયું નહીં. મુંઝાયેલા ગોપીએ ચિન્તાતુર અવાજે એને પૂછ્યું,

‘રાત સુધી પણ જો એ બન્ને ઘરે નહીં આવે તો હું ક્યાં જઈશ, અંકલ? જેમ જેમ અંધારું વધતું જાય છે એમ મને બહુ ડર લાગે છે.’

‘ડરવાની જરાયે જરુર નથી. તને હું મારે ઘરે લઈ જઈશ. ખબર છે? મારા ઘરે તારા જેવા આઠ દોસ્તો છે. હું પણ એક વખત તારી જેમ જ એકલો–અટુલો હતો. અનાથાશ્રમમાં મોટો થયેલો અને ભણેલો. ભણીગણીને કમાતા થયા પછી, આપણા જેવા ભાઈબન્ધો માટે એક નાનકડું ઘર લીધું છે. એમાં અમે બધા સાથે રહીએ છીએ અને મઝા કરીએ છીએ.’

આ સાંભળીને ગોપીને પોતે જોયેલી ફિલ્મ યાદ આવી ગઈ. એના ઉદાસ મુખ પર હાસ્ય પ્રગટ્યું અને એ બોલ્યો,

‘અચ્છા, તો તમે ‘મિસ્ટર ઇન્ડિયા’ છો?’ એને ગળે વળગાડતાં સન્તોષે કહ્યું,

‘હા, તેં મને બરાબર  ઓળખ્યો, દોસ્ત. હું સન્તોષ નહીં; પણ ‘મિ. ઇન્ડિયા’ છું.’

(‘ગિરિરાજ શરણ અગ્રવાલ’ની ‘હિન્દી’ વાર્તાને આધારે)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 399 –April 29, 2018

Category :- Opinion / Short Stories