રજનીશપુરમ: રજનીશનું રામરાજ્ય અને અચ્છે દિનનું યુટોપિયન પ્રોમિસ

રાજ ગોસ્વામી
16-04-2018

યુટોપિયાની સૌથી મોટી જોખમી બાબત ગણાવવી હોય તો કહી શકાય કે એમાં ઇન્સાનની નિજી આઝાદીનું બલિદાન લેવામાં આવે છે

અમેરિકામાં નેટફ્લીક્સ ઉપર Wild Wild Country નામની દસ્તાવેજી ફિલ્મ અત્યારે જબરદસ્ત ચાલે છે. નેટફ્લીક્સ મનોરંજનની સૌથી મોટી કંપની છે, જે ઓન-ડિમાન્ડ વીડિયો અને ડી.વી.ડી. આપે છે. દુનિયાભરમાં એના 12 કરોડ (અમેરિકામાં 5.7 કરોડ) સબ્સ્ક્રાઇબર્સ છે. 16મી માર્ચે નેટફ્લીક્સે 6 ભાગમાં ચાલતી 6 કલાકની ડોક્યુમેન્ટરી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી રિલીઝ કરી હતી. એક જ મહિનામાં એ એટલી લોકપ્રિય થઇ છે કે એના સર્જકો એની સિક્વલ બનવાનું વિચારી રહ્યા છે. આ ડોક્યુમેન્ટરી આચાર્ય, ભગવાન, ઓશો રજનીશના અમેરિકન ખ્વાબ ‘રજનીશપુરમ’ના આરંભ અને અંતની કહાની છે.


અમેરિકાનું સૌથી વધુ વંચાતું સમાચારપત્ર ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ આ ડોક્યુમેન્ટરીને ‘ગન, સેક્સ અને ગુરુની જંગલી કહાની’ ગણાવે છે. ‘ધ એટલાન્ટિક’ નામનું સામયિક લખે છે, ‘આમાં ભગવાન રજનીશની આગેવાનીમાં એની મંડળીએ કેવી રીતે ઓરેગોનમાં 64,000 એકર જમીન ખરીદીને એક આદર્શ નગરીના પાયા નાખ્યા હતા, અને પછી ત્યાં કેવો આતંક મચ્યો હતો એની અકલ્પનીય કથા છે.

‘ધ વાયર’ નામનું ઓનલાઈન ન્યૂઝ-મેગેઝિન લખે છે, ‘હજારો લોકો આ રજનીશપુરમના સંમોહનનો શિકાર હતા. લિયો ટૉલ્સટૉયે લખ્યું હતું - મહાન સાહિત્યમાં બે જ વાર્તા હોય છે; એક માણસ સફર ઉપર નીકળ્યો હોય, અથવા એક અજનબી શહેરમાં આવ્યો હોય. રજનીશપુરમની કહાનીમાં તો મજલ પર નીકળેલો માણસ નગરમાં આવીને અજનબી બની ગયો હતો.’

ઓરેગોનનું એન્ટેલોપ તો નગર પણ નો’તું. ત્યાં 40 લોકો રહેતા હતા.

રજનીશે એને 1981માં (આજના) દોઢ કરોડ ડૉલરમાં ખરીદી લીધું હતું, અને 12 કરોડ નાખીને રજનીશપુરમ નામના સ્વર્ગની ઇંટો ચણી હતી. ત્રણ વર્ષમાં 7,000 રજનીશીઓ અને પોલીસ, એરપોર્ટ, ફાયર, પોસ્ટ ઑફિસ, રેસ્ટોરન્ટ, દુકાનો, બસો, હોસ્પિટલ, બાગ-બગીચાઓ અને છોગામાં ‘ભગવાન’ની 99 રોલ્સ રોયસ કાર સાથેનું રજનીશપુરમ ‘અચ્છે દિન’નું પ્રોમિસ હતું.

એ પછીની કહાની સ્થાનિક લોકો સાથે ઝઘડા, કાવાદાવા, હિંસા, ચૂંટણીમાં ઘાલમેલ, ખોરાકી ઝેર (બાયો-ટેરરિઝમ), ઇલેક્ટ્રિક ફેન્સિંગ, સેમી-ઑટોમેટિક હથિયારોની આયાત, ફોન-ટેપિંગ, બૉમ્બ બ્લાસ્ટ, કોર્ટ કેસ, હત્યાના પ્રયાસ, ઈમિગ્રેશન કાનૂનોના ભંગ અને રજનીશ અને તેમની લેફ્ટનન્ટમાં આનંદ શીલા (જે મૂળ વડોદરાના ભાયલી ગામની પટેલની દીકરી છે, અને આજે જર્મનીમાં ત્રીજા પતિની શીલા બર્નસ્ટેલ બનીને વિકલાંગ બચ્ચાંની સ્કૂલ ચલાવે છે) તેની ધરપકડ, જેલવાસ અને હકાલપટ્ટીની છે.

દુનિયાભરનાં સમચારપત્રોમાં ત્યારે ફ્રી-સેક્સના આ સંપ્રદાયનો કેવો ધબડકો થયો તે ‘હોટ ન્યૂઝ’ હતા. વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીમાં શીલાથી લઈને અનેક પૂર્વ સંન્યાસીઓ, સ્થાનિક અધિકારીઓના ઈન્ટરવ્યૂ કરીને આ કહાની ફરીથી પેશ કરવામાં આવી છે.


રજનીશપુરમ નામનું ‘સ્વર્ગ’ ઊભું કરવાના ઇતિહાસ વિષે શીલા કહે છે, ‘ઓરેગોનમાં અમારું આવવું એ જાણે ક્ષિતિજના છેડે આવવા જેવું હતું. અમને લાગતું હતું કે અમે કોઈક ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છીએ. એ એક એવું બિયાબાં હતું, જ્યાં ભગવાન લોકો અને લોકોના ન્યુરોસિસ(વિક્ષિપ્ત માનસિકતા)થી દૂર રહીને આદર્શ માણસ અને આદર્શ સમાજની રચના કરી શકે.’


નવા માણસ કે નવા સમાજની રચનાનો ભ્રમ પોષવાવાળા રજનીશ પહેલા નથી. એમના પ્રિય બુદ્ધ અને લાઓ ત્ઝુએ ‘નવા માણસ’ની વાત કરી હતી. નિત્સેએ ઓવરમેન અને મહર્ષિ અરવિંદે સુપરમેનની કલ્પના કરી હતી. જ્યોર્જ ગુર્જએફ કહેતા કે, અમુક લોકો ‘સૂતેલા’ છે, અમુક ‘જાગેલા.’ ટેક્નોલોજીમાં અત્યારે લેબોરેટરીમાં સાઈબોર્ગ(રોબોટ)ની જે કલ્પના છે તે પણ એનું જ એક્સ્ટેન્શન છે. ફર્ક એટલો છે કે અાધ્યાત્મિક પુરુષોએ વ્યક્તિગત તૌર પર અંદરની ક્રાંતિની વાત કરી હતી, રજનીશે એ ક્રાંતિનો જમીન પર દીવાલો ચણીને ઇલેક્ટ્રિક વાડ વચ્ચે સામૂહિક પ્રયોગ કરેલો. એ પ્રયોગ એટલે રજનીશપુરમ.


જેટલી પણ રાજકીય વિચારધારાઓ અને વ્યવસ્થાઓ છે તે આદર્શ સમાજ બનાવા માટેની કોશિશ છે. ધર્મએ (હથેળીમાં) જે ચાંદ બતાવાનું શરૂ કર્યું હતું, રાજનીતિમાં પણ એ જ કાર્યક્રમ આગળ ચાલ્યો. નવા માણસ અને યુટોપિયાનો ઇતિહાસ બદતર છે. 20મી સદીના ઇટલીમાંથી પૂરા યુરોપમાં ફેલાઈ ગયેલા ફાસીવાદની બુનિયાદી સોચ જ ‘નવા માણસ’ની હતી, જે લડાઈ, હિંસા અને વીરતાથી ભરેલો હોય, જેનામાં હુંપણું કે વ્યક્તિવાદ ન હોય અને એ શિસ્તબદ્ધ સમૂહનો એક ભાગ હોય. રજનીશનું જ્યારે પતન થવા તરફ હતું ત્યારે એ પોતાને હિટલર સાથે સરખાવતા હતા. એ કહેતા હતા કે, નવો માણસ સર્જવા માટે કામ કરનાર હિટલરને પણ મારી જેમ જ ગલત સમજવામાં આવ્યો હતો. 


રામરાજ્યનો અર્થ ભગવાન રામનું શાસન એવો થતો નથી. રામરાજ્યનો મતલબ થાય છે યુટોપિયા(Utopia); સંપૂર્ણ કે આદર્શ સમાજવ્યવસ્થા હોય એવો કાલ્પનિક ટાપુ. 1516માં ઈંગ્લિશ ઈસાઈ વિચારક થોમસ મોરે દક્ષિણ અમેરિકમાં એટલાન્ટિક સમુદ્રના કિનારે એક કાલ્પનિક ટાપુની કહાની લખી હતી જેનું શીર્ષક ‘યુટોપિયા’ રાખ્યું હતું, ઈશુ પૂર્વે 380ની સદીમાં સોક્રેટિસના સંવાદ તરીકે ગ્રીક ચિંતક પ્લેટોએ ‘રિપલ્બિક’ નામથી સિટી-સ્ટેટની જે કલ્પના કરી હતી તે પહેલું રામરાજ્ય હતું.


ઇતિહાસમાં આવા નિજી, રાજનૈતિક, આર્થિક અને સામાજિક રામરાજ્યોના અનેક પ્રયોગ થયા છે. અમેરિકામાં 16મી સદી આવાં રામરાજ્યોનો સુવર્ણ કાળ ગણાય છે. ત્યાં એ સમયમાં આવા 100 કમ્યુન(સમુદાય)ના પ્રયોગ થયા હતા. આપણે ત્યાં જે આશ્રમો અને સંપ્રદાયો પ્રત્યે જે મોહ છે તે પણ યુટોપિયન કલ્પના છે. માણસ અધૂરો છે, કાચો છે એટલે એના માટે પરિપૂર્ણ સમાજ બનાવી શકાય છે તેવી ધારણા યુટોપિયન રામરાજ્યના મૂળમાં છે. મોટાભાગનાં આવાં રામરાજ્યો નિષ્ફળ જાય છે તેનું કારણ જ એ છે કે એમાં માનવીય સ્વચ્છંદતા(સ્વાયત્તતા)ની બુનિયાદી વૃત્તિને સામૂહિક રીતે કંટ્રોલ કરવામાં આવે છે.


અધૂરા માણસને આદર્શ બનાવાની ભાવનામાંથી જ મોટાભાગનાં કમ્યુન આતંકનાં, જોરજબરદસ્તીનાં કેન્દ્ર બની જાય છે. સામ્યવાદ એક સમયે સૌથી આદર્શ સમાજનો રસ્તો ગણાતો હતો, અને એમાંથી જ કમાન્ડ-કંટ્રોલવાળા તાનાશાહો પણ આવ્યા હતા. 19મી સદીના મોટાભાગના યુટોપિયન પ્રયોગો નિષ્પાપ અને નિર્દોષ હતા, કારણ કે લોકોની ભાગીદારી ઓછી હોવાથી એમાં રાજકીય કે આર્થિક મજાલ ન હતી. પણ જેવો એનો જનાધાર અને પૈસાનો પાવર વધ્યો કે રામરાજ્યના દેવ દાનવમાં તબદીલ થઇ ગયા.


20મી સદીના માર્ક્સવાદી-લેનીનવાદી-સ્ટાલિનવાદી રશિયામાં, ફાસીવાદી ઇટાલીમાં અને નાઝી જર્મનીમાં આદર્શ સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણ ઊભું કરવા માટે થઈને લાખો લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. 1920માં સ્ટાલિને તો એના એક બાયોલોજિસ્ટ ઈલ્યા ઈવાનોવને બંદરો અને મનુષ્યો વચ્ચે સંભોગ કરાવીને પરફેક્ટ ઇન્સાન પેદા કરવાનું કામ સોંપ્યું હતું. સંભોગથી સમાધિનો એક આવો પ્રયોગ પણ થયો હતો.

હિટલરનું મહાયુદ્ધ અને કત્લેઆમ પૂરા જગતમાં ‘નવી વ્યવસ્થા’ (ન્યૂ ઓર્ડર) સ્થાપવાના ખયાલમાંથી આવ્યું હતું. 20મી સદીના બીજા ભાગમાં કંબોડિયા, નોર્થ કોરિયા અને સંખ્યાબંધ આફ્રિકન-સાઉથ આફ્રિકન દેશોમાં ધરતી પર સ્વર્ગ લાવવાના ધખારામાં હત્યાઓ, સામૂહિક કત્લેઆમ, જાતિસંહાર, લોહિયાળ ક્રાંતિઓ અને ગૃહયુદ્ધો થયાં હતાં.


ઓશોનું રજનીશપુરમ હોય કે મુસોલિની-હિટલરનાં રામરાજ્ય, યુટોપિયાની સૌથી મોટી જોખમી બાબત એ છે કે એમાં ઇન્સાનની નિજી આઝાદીનું બલિદાન લેવામાં આવે છે. મુક્ત સમાજમાં આઝાદી એટલે કોઈ બાબતને નાપસંદ કરવાનો અધિકાર. તમે કોઈ વસ્તુ, કોઈ વિચાર, કોઈ વ્યક્તિને નાપસંદ કરો છો તેનો ઓટોમેટિક અર્થ એવો થાય કે, એ પરફેક્ટ નથી. યુટોપિયામાં ઈમ્પર્ફેક્ટને સ્થાન નથી, એટલે ત્યાં પસંદ-નાપસંદની આઝાદી છીનવી લેવાય છે.


યુટોપિયન ખયાલોના પતનનું કારણ જ એ હકીકતમાં છે કે, પરફેક્ટ સમાજ અથવા પરફેક્ટ ઇન્સાન અસંભવ છે, અને એને પરફેક્ટ બનવાના તમામ પ્રયાસો જોર-જબરદસ્તીમાં પરિણામે છે. આમ છતાં મોટાભાગના લોકોને એ સ્વીકારવા તૈયાર જ નથી કે રામરાજ્ય અશક્ય છે. એટલે દરેક માણસ આદર્શ બનવા ઈચ્છુક છે એવા ભ્રમ સાથે લોકો રામરાજ્યના ઝાંસામાં આવી જાય છે. આ જ કારણે દરેક નવો બાવો અને દરેક નવો લીડર ધરતી પર સ્વર્ગની સ્કીમ વેચતો રહે છે.

તા.ક.

- ખુશ થાવ કે જૂનો મનુષ્ય મરી રહ્યો છે, રાત્રિ વિદાઈ લઇ રહી છે, અને ક્ષિતિજ પર પોહ ફાટી રહ્યો છે: રજનીશ, ‘નયા મનુષ્ય’માં.

- હું એ મસીહા છું જેનો અમેરિકાને ઈન્તેજાર હતો: રજનીશ, જૂન 1981, જેએફકે એરપોર્ટ, ન્યૂ યૉર્ક.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 15 અૅપ્રિલ 2018

Category :- Opinion / Opinion