કાશીબાનું રસોડું

આનન્દરાવ લિંગાયત
14-04-2018

‘હલો ....’

‘અલ્યા, કાશીબા આવ્યાં છે. તને બહુ યાદ કરે છે.’ પ્રવીણનો અવાજ હતો.

‘કાશીબા? આપણી કૉલેજવાળાં કાશીબા?’ મને આશ્ચર્યનો ધક્કો લાગ્યો.

‘કેવી રીતે આવ્યાં? એમની ઉંમર તો ..’

‘હું ઇન્ડિયા ગયો હતો. મારી સાથે પરાણે ખેંચી લાવ્યો છું. બીજી વાત પછી ..’ એણે ફોન મૂકી દીધો.

કાશીબાના હાથના રોટલા ખાઈને જ તો પ્રવીણ આજે શીકાગોનો મોટો શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયો છે.

મારી સ્મૃિતમાં રહેલી કાશીબાની યાદ સળવળી ઊઠી. એમની સાથે કશું સગપણ તો નહોતું. ‘દર મહિનાની પહેલી તારીખે પૈસા લો અને તમારે રસોડે અમને જમાડો.’ બસ, આ અમારું સગપણ. અમે કુલ ચાર વિદ્યાર્થીઓ હતા. નવા નવા કૉલેજના પહેલા વર્ષમાં દાખલ થયેલા. સાંકળમુકડ ભાડાની એક રૂમમાં રહેતા અને સામે આવતી જિન્દગી વિશેના જાતજાતનાં રંગબેરંગી સપનામાં રાચતા રહેતા.

કાશીબાના રસોડા વિશે પ્રવીણે જ કહેલું એટલે અમે એમને મળવા પહોંચી ગયેલા. અમારા રૂમની નજીક જ હતાં. જગ્યા બહુ નાની હતી. એક જ રૂમ હોય એવું લાગ્યું. એક ખૂણામાં પિત્તળના બે સ્ટવ પડ્યા હતા. સ્ટવની બાજુમાં એક નાના ખોખામાં દીવાસળીની પેટી, સ્ટવની એકબે પીન અને સ્ટવ સળગાવવાનો કાકડો પડ્યાં હતાં. બાજુના પાણિયારા પર બે માટલાં અને પિત્તળનો ડોયો લટકતો હતો. બારણા પાછળના ખૂણામાં ગ્યાસતેલનો ડબ્બો અને પંપ મૂકેલા હતા. લાકડાનો એક પટારો દેખાતો હતો એમાં એમની બીજી બધી ઘરવખરી હશે એવું લાગતું હતું.

‘આવો, ભૈ ....’ કાશીબા એક કથરોટમાં લોટ ચાળતાં હતાં. એ બંધ રાખી એમણે લોટની એ કથરોટ અને ચાળણી બાજુમાં મુક્યાં અને અમને આવકાર્યા. અમે પલાંઠી વાળીને નીચે ગોઠવાઈ ગયા.

‘નમસ્તે કાશીબા ....’ કહી મેં શરૂઆત કરી. ‘કાશીબા, અમારે તમારા રસોડામાં જમવાની ગોઠવણ કરવી છે.’

‘તમારા ચાર જણ માટે ?’

‘હા,’ મેં કહ્યું.

‘ભૈ, ચાર જણાનું રાંધવાનું તો મારાથી નહીં પહોંચી વળાય. અત્યારે મારે ત્યાં બે જણ જમે છે. એમાંથી એક જણ ભણી રહ્યો છે, એટલે એ જવાનો છે. એની જગ્યાએ હું એક જણને જમાડું. બહુ તો બે જણાને. ચારે જણાને તો નહીં. પણ ભૈ, તમને અહીં મારે ત્યાં આવવાનું કોણે કહ્યું?’

‘એણે જ. જે ભણી રહ્યો છે એ પ્રવીણે જ. અમે એમને ઓળખીએ છીએ .. એ હવે અમેરિકા જાય છે.’

‘એ તો મને કહેતો હતો કે પરદેશ જવાનો છે!’

‘એ જ, પરદેશ એટલે જ અમેરિકા. ત્યાં ભણવા જવાનો છે.’

‘એ મૂઓ, ભણવામાં બહુ હોશિયાર. પણ ખાવા–પીવામાં જરાયે ધ્યાન નહીં. ધમકાવીને પરાણે મારે એની થાળીમાં મૂકીને ખવરાવવું પડે. ભૈ, ઊગતું શરીર હોય એટલે શરીરને બરાબર પોષણ તો આપવું જ પડે ને! આ ભાવે ને પેલું ન ભાવે એવું નાના છોકરા જેવું કંઈ ચાલે? ચાર વરસથી હું એને જમાડતી આવી છું; પણ મારે તો રોજનો જ કકળાટ.’

એમ કહીને કાશીબા એકાએક ગળગળાં થઈ ગયાં. એમના ‘મૂઓ’ શબ્દમાં પણ વહાલ હતું. આંખો ને નાક લૂછી આગળ બોલ્યાં, ‘એ જમવા નહીં આવે તે દહાડે મને ....’ અમે ગમગીન બનીને કાશીબા તરફ જોતાં જ રહ્યા.

‘ભૈ, બહુ હારુ.... એ તો જ્યાં જશે ત્યાં ભણીને નામ કાઢશે. મને કહ્યા કરતો હતો કે અહીંની કૉલેજમાં પણ પોતે પહેલા નંબરે પાસ થાય છે. ભૈ, છોકરો ભલો અને સીધો છે. નોકરી કે ધંધો કરીને બહુ કમાશે. ફક્ત એના ખાવા–પીવાનું ધ્યાન રાખે એવી બૈરી એને મળી જાય, એટલે બસ.’

કાશીબાને ત્યાં જમનારા છોકરાઓ માત્ર એમના ‘ઘરાક’ જ નહોતા તે આ વાતચીત દરમિયાન મેં કાશીબાને બરાબર ઓળખી લીધાં. એ માત્ર પૈસા માટે રાંધવાવાળાં ‘રસોયણ બાઈ’ નહોતાં. પૈસા લઈને જમાડવા કરતાં કાળજી વધારે રાખતાં. સાથે ‘વાત્સલ્ય’ અને ‘માતૃત્વ’ પણ પીરસતાં.

કાશીબા હા–ના કરતાં રહ્યાં અને સમજાવી–પટાવીને મેં અમારા ચારેનું જમવાનું એમને ત્યાં ગોઠવી દીધું. પહેલા મહિનાના પૈસા પણ આપી દીધા. કાશીબાએ અઠવાડિયાની વાનગીમાં શું શું જમાડશે તે અમને સમજાવી દીધું. એક કડક સૂચના પણ આપી દીધી. થાળીમાં સહેજ પણ એંઠું રાખીને અનાજ અને પૈસાનો બગાડ પોતે નહીં ચલાવી લે. ભાવે કે ન ભાવે, બધું જ ખાવાનું.

કાશીબાની મારા પર બહુ ઊંડી અને ઉમદા છાપ પડી. વિધવા હતાં. પચાસેકની ઉમ્મર, પ્રેમાળ અને સૌમ્ય ચહેરો. એકલે હાથે જિન્દગી સામે ટક્કર ઝીલી રહ્યાં હોય એવું લાગ્યું.

*  *  *

ચારેક મહિના વિત્યા. અમારું ભણતર બરાબર ગોઠવાઈ ગયું હતું. કાશીબાને ત્યાં જમવાનું તો અમે ધાર્યું હતું તેના કરતાં ક્યાં ય વધારે સારી રીતે જામી ગયું હતું. અમે ચારે જણા એકસાથે જમવા જઈ શકતા નહોતા. મને બે ત્રણ ટ્યુશનો મળી ગયાં હતાં. એટલે હું અનિયમિત થઈ ગયો હતો. પણ કાશીબા મારી થાળી બરાબર ઢાંકીને મારી રાહ જોતાં. હું પહોંચું કે સ્ટવ પર બધું ફરી ગરમ કરીને મને વહાલથી જમાડતાં.

એક સાંજે હું જમતો હતો.

‘અલ્યા, પેલો રમણ ગઈકાલે સાંજે જમવા ન્હોતો આયો. આજે બપોરે પણ નહીં દેખાયો. કમ નો આયો ?’ દાળ પીરસતાં કાશીબાએ પૂછ્યું.

‘કાશીબા, એને શરદી–તાવ છે. એટલે સૂઈ રહ્યો છે.’

‘સાવ ભૂખ્યો? પેલા બે જણા આવીને જમી ગયા; પણ મને કશું કહ્યું નહીં! તુંયે મૂંગો રહ્યો છું.’ કાશીબાએ મને તતડાવ્યો.

એમણે તરત બે ઢેબરાં બનાવી નાખ્યાં. ચોખાની બે પાપડી શેકી નાખી. અભેરાઈ પરથી નાનું થરમસ ઉતાર્યું. આદુનો ઉકાળો બનાવીને તેમાં ભર્યો.

‘આ લઈ જા. ગરમ ગરમ એને પીવરાવજે. મસાલાવાળાં થેપલાં અને આ પાપડીથી એનું મોઢું સારું થશે. પેટમાં રાહત થશે. તમારી રૂમમાં બામ કે એવી કોઈ દવા રાખો છો ? નહીંતર આ ડબ્બી લઈ જા. એના કપાળે ઘસજે. સાજે–માંદે એકબીજાની કાળજી રાખતા રહો. ચાર ભાઈઓની જેમ પ્રેમથી જીવો. બાકી આ દુનિયામાં બીજું કંઈ નથી.’

*  *  *

દર રવિવારે કાશીબા અમને મીઠાઈ જમાડતાં. વાનગીઓ પણ વધારે બનાવતાં; પણ પછી સાંજે રસોડું બન્ધ ! એમને એટલો આરામ મળતો. અમે સાંજે ભૂખ્યા ન રહીએ માટે અમને થોડી મીઠાઈ અને બીજું કોરું સાથે બાંધી આપતાં.

એક રવિવારની સાંજે બસમાંથી ઊતરીને હું મારી રૂમે જતો હતો. સામે કાશીબા મળ્યાં. બહુ જ અસ્વસ્થ લાગતાં હતાં. એક હાથમાં શાકભાજીની મોટી થેલી હતી. બીજા હાથમાં નાની થેલી હતી. તે થેલી છાતી સરસી દાબીને ઉતાવળે પગલાં માંડતાં હતાં.

‘કાશીબા, લાવો, આ શાકની થેલી મને આપી દો. હું આવું છું તમારી સાથે.’ પરાણે મેં થેલી લઈ લીધી. અમે કાશીબાની ઓરડીએ પહોંચ્યાં. કાશીબાએ ચાવી કાઢીને તાળું ખોલ્યું. મેં શાકની થેલી દીવાલ પાસે મૂકી. પેલી નાની થેલી કાશીબા ખીંટી ઉપર લટકાવવા જતાં હતાં; પણ થેલી નીચે પડી ગઈ. એમાંથી ફ્રેમ કરેલો એક ફોટો બહાર પડ્યો.

‘આ કોનો ફોટો છે, કાશીબા?’ ફોટો ઊઠાવતાં મેં પુછ્યું.

કાશીબા ધ્રૂસકે ચડી ગયાં.

‘બેટા આ મારો એકનો એક દીકરો હતો. એ અને એના બાપા બન્ને જણા એક ખટારાની હડફેટમાં આવીને ગુજરી ગયા. આજે હોત તો તારી ઉમ્મરનો હોત. આજે એનો જન્મ દિવસ છે. એટલે મંદિરે પગે લગાડવા લઈ ગઈ’તી.’

કાશીબાને ત્યાં જમતા બધા છોકરાઓમાં એમને એમના આ દીકરાનું પ્રતિબિમ્બ દેખાતું હશે. માટે જ આટલો પ્રેમ આપીને બધાને લાડથી જમાડતાં હશે.

આ સંસારમાં કાશીબા તો એકલાં જ હતાં.

સર્જક–સમ્પર્ક : 23834-Palomino Dr., Diamond Bar, CA 91765-USA

eMail:  gunjan_gujarati@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 398 –April 15, 2018

Category :- Opinion / Short Stories