ગાંધીજીના જીવનમાં હિંદુ-મુસલમાન સંબંધોઃ ભારત પાછા ફરતાં પહેલાં

ઉર્વીશ કોઠારી
12-04-2018

હિંદુ-મુસલમાન એકતા ગાંધીજીના જીવનનાં મહત્ત્વનાં ત્રણ કાર્યોમાંનું એક ગણાય છે (બાકીનાં બેઃ અસ્પૃશ્યતાનિવારણ અને સ્વરાજ.) હિંદુ મુસલમાન વિખવાદના મુદ્દે ગાંધીજીને સફળતા ઓછી ને નિષ્ફળતા ઘણી મળી છે. એક હિંદુ અંતિમવાદી દ્વારા થયેલી તેમની હત્યા એ હકીકતની પરાકાષ્ઠા છે. હિંદુ-મુસલમાન સંબંધો અંગેના ગાંધીજીના ઘણા અભિપ્રાય હવામાંથી ઉપાડી લેવાયેલા અથવા ઇરાદાપૂર્વક ફેલાવાયેલાં જૂઠાણાં છે. એ સંદર્ભે ગાંધીજીની અહિંસાનાં પણ સગવડિયાં અર્થઘટન હજુ થતાં રહે છે. પરંતુ આ મુદ્દે ગાંધીજીનો અભિગમ સમજવા માટે તેમના ઘડતરની પ્રક્રિયા પર નજર નાખવી જરૂરી છે.

ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરીમાં ભારત આવ્યા, ત્યારે તેમની ઉંમર ૪૬ વર્ષની હતી. જીવનના આ સાડા ચાર દાયકામાં તેમના મન પર હિંદુ-મુસલમાન સંબંધોને લઈને અનેક છાપ અને સંસ્કાર પડ્યાં હતાં અને અભિપ્રાયો પણ બંધાયા હતા. સ્વદેશાગમન પછી તેમણે ૧૯૧૯માં ’નવજીવન’ સાપ્તાહિક શરૂ કરવાના મુખ્ય ઉદ્દેશોમાં એક તેમણે હિંદુ-મુસલમાન એકતાનો પણ દર્શાવ્યો હતો.1

‘નવજીવન’માં જ હપ્તાવાર શરૂ થયેલી આત્મકથામાં વાતનો આરંભ ગાંધીજીએ તેમના દાદા ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધીથી કર્યો છે અને તે ટેકીલા હોવાનું નોંધ્યું છે.2 તેમની સાથે બનેલો એક પ્રસંગ પ્રભુદાસ છગનલાલ ગાંધીએ ‘જીવનનું પરોઢ’માં નોંધ્યો છે. "ગાંધીજીના દાદા, પોરબંદરના દીવાન ઉત્તમચંદ - ઓતાબાપાને એક વાર રાજ સાથે સંઘર્ષનો પ્રસંગ આવ્યો અને રાણીએ ઓતાબાપાના ઘરે લશ્કરી ટુકડી મોકલી, ત્યારે ઓતાબાપાના ઘરના દરવાજે આરબ અંગરક્ષકોની ટુકડી હતી. આરબોએ બાપાને કહી દીધું કે અમારા બધાનાં માથાં વધેરાયાં પછી જ આપને કોઈ હાથ અડાડી શકશે.”3

ગાંધીજીનું કુટુંબ વૈષ્ણવ, પણ તેમનાં માતા પૂતળીબાઈ પ્રણામી સંપ્રદાયનાં હતાં. આ સંપ્રદાય હિંદુ અને ઇસ્લામધર્મોના સમન્વય જેવો ગણાય છે. કેટલાક રૂઢિચુસ્તો પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓને પ્રચ્છન્ન મુસ્લિમ પણ કહેતા હતા. તેમની પ્રાર્થના કરવાની રીત મુસ્લિમોની બંદગી કરવાની રીત સાથે મળતી આવતી હતી.4 અલબત્ત, ગાંધીજીએ આત્મકથામાં તેમની માતાના પ્રણામી સંપ્રદાયની કે પોતાના પર તેની કોઈ છાપ પડી હોય એવું લખ્યું નથી.

ચોથા ધોરણમાં તેમને સંસ્કૃત અને ફારસી એ બંનેમાંથી એક વિષય પસંદ કરવાનો પ્રશ્ન આવ્યો. વિષય સહેલો ધારીને વિદ્યાર્થી મોહનદાસ એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠા, ત્યારે તેમના સંસ્કૃતના શિક્ષકે દુઃખી થઈને મોહનદાસને બોલાવ્યા અને કહ્યું, “તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા નહીં શીખે? તમને જે મુશ્કેલી હોય તે મને બતાવ ...”5 શરમાઈને ગાંધીજી ફરી સંસ્કૃતના વર્ગમાં બેઠા. તે બહુ આગળ ન વધી શક્યા, પણ એટલું તો નોંધ્યું, “પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.” એ જ પ્રકરણમાં ઉચ્ચશિક્ષણમાં અરબી-ફારસી શીખવવી જોઈએ, એવી હિમાયત પણ કરી હતી.6

બાળપણમાં શેખ મહેતાબ સાથે મોહનદાસની દોસ્તી એકથી વધુ દુઃખદ પ્રસંગ માટે કારણભૂત બની. તેમાં માંસાહાર, વેશ્યાવાડે ગયા પછી શરમાઈને પાછા આવવાની ઘટના તથા પત્ની પ્રત્યે વહેમાઈને તેને દુઃખ દેવાનો સમાવેશ થાય છે.7 આત્મકથામાં ગાંધીજીએ એ મિત્રનું નામ લખ્યું નથી અને મિત્રના આ પ્રકારના વલણને તેમના મુસલમાન હોવા સાથે સાંકળ્યું નથી. આ જ શેખ મહેતાબ દક્ષિણ આફ્રિકામાં થોડો સમય તેમની સાથે, તેમના ઘરમાં રહ્યા, ત્યારે તેમનો માઠો અનુભવ ગાંધીજીને થયો. આત્મકથામાં તેમણે ‘ઘરકારભાર’ પ્રકરણમાં ‘એક સાથી’ તરીકે શેખ મહેતાબના નામ વિના એ અનુભવ લખ્યો છે. આ જ મહેતાબ પછી સત્યાગ્રહમાં ગાંધીજીના ખરા સાથી બન્યા.’ ઇન્ડિયન ઓપિનિયન’માં સત્યાગ્રહ અને સત્યાગ્રહીઓ વિશેની તેમની કવિતાઓ પ્રગટ થતી હતી9 અને મહેતાબનાં પત્ની ૧૯૧૩ના સત્યાગ્રહમાં ભાગ લેનાર પહેલાં મુસ્લિમ મહિલા હતાં.10

પિતા કરમચંદ ગાંધી સપરિવાર પોરબંદરથી રાજકોટ સ્થાયી થયા, ત્યારે તેમના મુસલમાન અને પારસી મિત્રો પણ હતા. તે ઘરે આવે, પોતપોતાના ધર્મની વાતો કરે. કરમચંદ ગાંધી એ ‘માનપૂર્વક’ અને ‘રસપૂર્વક’  સાંભળે. “આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.’11

બ્રિટનથી બૅરિસ્ટર બનીને પાછા આવ્યા પછી મુંબઈમાં ને પછી રાજકોટમાં સ્વમાન અને સ્વતંત્રતા જાળવીને વકીલાત કરવાનું અઘરું લાગતું હતું, ત્યારે તેમને દક્ષિણ આફ્રિકામાં મોટો વેપાર ધરાવતા મેમણ દાદા અબ્દુલ્લાની પેઢીનું કાનૂની અને કંઈક અંશે નવોદિત માટે હોય એવું કામ મળ્યું. દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબદુલ કરીમ ઝવેરીએ બૅરિસ્ટર મોહનદાસને કહ્યું કે તમારે રહેવાનું અમારા બંગલામાં જ થશે.12 એ વખતે એક મુસલમાનના ઘરમાં રહેવા અંગેનો કોઈ ખચકાટ મનમાં ઊગ્યો હોય એવું ‘આત્મકથા’માં નોંધાયું નથી. દાદા અબ્દુલ્લાને "ઇસ્લામનું અભિમાન હતું ... અરબી ન આવડતું, છતાં કુરાનશરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મસાહિત્યની માહિતી સારી ગણાય. દૃષ્ટાંતો તો હાજર હોય. તેમના સહવાસથી મને ઇસ્લામનું વ્યાવહારિક જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા, ત્યાર પછી તે મારી સાથે ધર્મચર્ચા પુષ્કળ કરતા.”13

દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રોની સાથે મુસલમાન સંપર્કો પણ હતા. દાદા અબ્દુલ્લા તેમને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવતા હતા. એટલે, પહેલી વાર તેમણે “સેલનું કુરાન ખરીદીને તે વાંચવાનું ચાલુ કર્યું.”14 દક્ષિણ આફ્રિકાથી ૧૮૯૬માં છ મહિના માટે ભારત પાછા આવતાં સ્ટીમરમાં ડેકના ઉતારુઓમાંથી એક મુનશી શોધીને તેની પાસે ઉર્દૂ શીખવાનો પ્રયાસ કર્યો.15

નાતાલ(દક્ષિણ આફ્રિકા)માં ભારતીયોની મતાધિકારની માગણીના મુદ્દે અંગ્રેજ સરકારે ફૂટ પડાવવાની કોશિશ કરી, ત્યારે પણ ગાંધીજીએ તેનો સાફ વિરોધ કર્યો હતો. અને લખ્યું હતું કે "હિંદુઓને મુસલમાનોની સામે લડાવવાનો આ સૌથી તોફાની પ્રયાસ" છે.16 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ જનરલ સ્મટ્‌સ સાથે સમાધાન કર્યું, ત્યારે તેમને કેટલાક પઠાણોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું. એ સિલસિલામાં જાહેરજીવનમાં ગાંધીજી પર પહેલો હુમલો ૧૯૦૮માં મીર આલમખાન નામના પઠાણે કર્યો હતો.17 એ જ મીર આલમખાન પછી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહનો સાથી બન્યો, તેની ધરપકડ થઈ અને તેને ભારત પાછો મોકલી આપવામાં આવ્યો.18

૧૯૦૮માં બ્રિટનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વખતે સ્ટીમર-મુસાફરીમાં તેમણે ‘હિંદ સ્વરાજ’નું લખાણ લખ્યું, જે તેમના પત્રકારત્વના પહેલા સાહસ, ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયું. ભારતની જમીની સ્થિતિથી ઝાઝા પરિચિત નહીં એવા ગાંધીજીનો હિંદુ-મુસલમાન સંબંધો અંગેનો પરિચય ત્યારે મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાકેન્દ્રી હતો, ત્યારે પણ તેમણે વ્યક્ત કરેલા અભિપ્રાયો પાકા હતા. પછીનાં વર્ષોમાં હિંદુ-મુસલમાન સંબંધો અને વિખવાદ અંગે ગાંધીજીનાં મોટા ભાગનાં મહત્ત્વનાં વલણનું દર્શન ‘હિંદ સ્વરાજ’ના પ્રકરણ ‘હિંદુસ્તાનની દશા(ચાલુ)’માં થાય છે. જેમ કે,

‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું હતું, “... આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.”19 પણ ૧૯૧૪માં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે મુસલમાનો સાથેના તેમના સંબંધોનું સરવૈયું મિશ્ર રહ્યું. તેમણે ઘણા મુસલમાન શુભેચ્છકો, સાથીદારો મેળવ્યા, તો મુસલમાનો દ્વારા તેમની હત્યાનાં કાવતરાં ઘડાયાંની વાતો પણ ત્યાં બની. ૧૯૦૯માં જોહાનિસબર્ગમાં કેટલાક પઠાણોએ તેમની હત્યાનું કાવતરું કર્યું હોવાનું તેમણે જાણ્યું, ત્યારે મગનલાલને તેમણે લખ્યું હતું કે તેમના દેશવાસીના હાથે મળનારા મોતને તે આવકારશે. કારણ કે તે "હિંદુઓ અને મુસલમાનોને જોડશે.”20

૧૯૧૪ના માર્ચમાં કેટલાક મુસલમાનો તરફથી તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ વાત આવી. ત્યાં આવેલી તપાસસમિતિ ફક્ત એક જ પત્નીને મંજૂરી આપશે, એવું ટ્રાન્સવાલના મુસલમાન વેપારીઓને જાણવા મળ્યું. તેમાં એમને પોતાના ધર્મનો ભંગ થતો લાગ્યો અને ગાંધીએ તેમનાં હિતો તથા તેમના ધર્મના મામલે છેતરપિંડી કરી હોય એવું લાગ્યું. ગાંધીજીએ ૧૧ માર્ચ, ૧૯૧૪ના રોજ તેમના ભત્રીજા છગનલાલ ગાંધીને એક પત્રમાં આ સંભવિત કાવતરા વિશે જાણ કરી અને લખ્યું કે "એવું થાય તો એ મારા જીવનનો આવકાર્ય અને યોગ્ય અંત બની રહેશે." પોતાની હત્યા થાય. તો કુટુંબીજનોએ શું કરવું, તેની સૂચનાઓ સુધ્ધાં તેમણે આપી દીધી હતી.21

વિવિધ ધર્મો વિશેની વ્યાખ્યાનમાળામાં ઇસ્લામ વિશેના તેમના વ્યાખ્યાનમાં નીચલી ગણાતી જ્ઞાતિના હિંદુઓને મુસલમાન બનાવવામાં આવ્યા હતા, એ મતલબના તેમના નિવેદનથી ઘણા મુસલમાનો નારાજ થયા હતા. ગાંધીજીએ તેમના વિરોધને ઇન્ડિયન ઓપિનિયનના પાને પ્રગટ કર્યો અને પોતાનું વલણ પણ પકડી રાખ્યું કે નીચલી જ્ઞાતિના હિંદુઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય, તો તે ઇસ્લામ માટે ગૌરવ લેવા જેવું ગણાય.22

કોમી એકતા વિશે બ્રિટન અને આફ્રિકાનાં વર્ષોના પોતાનાં વલણ વિશે તેમણે પછીથી લખ્યું હતું, "૧૮૮૯માં હું જુવાનિયા તરીકે વિલાયત ગયો, ત્યારે પણ મને એને વિશે આજે જેટલી જાગૃત શ્રદ્ધા છે, તેટલી જ હતી. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયો, ત્યારે પણ મેં મારા જીવનનું પ્રત્યેક પગલું એ ઐક્યને કેન્દ્રમાં રાખીને ઘડ્યું હતું. આવો દૃઢમૂળ પ્રેમ આખા જગતનું રાજ્ય મળતું હોય તો પણ ત્યજી શકાય એમ નથી.”23

બાળપણથી તે આ બાબતે કેવા સભાન હતા એ પણ તેમણે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમ એકતા કંઈ નવી વાત નથી. લાખો હિંદુઓ અને મુસલમાનો એ ઝંખે છે. છેક બાળપણથી હું એને માટે મથતો આવ્યો છું. હું જ્યારે નિશાળમાં હતો, ત્યારે મેં મુસલમાન અને પારસી છોકરાઓની દોસ્તી ચાહીને કરી હતી. તે કુમળી વયથી હું માનતો થયો હતો કે હિંદુસ્તાનમાં હિંદુઓએ બીજી કોમો સાથે સુલેહસંપથી રહેવું હોય, તો તેમણે પાડોશીધર્મનું બરોબર પાલન કરવું જોઈએ. હિંદુઓ સાથે મહોબ્બત કરવા હું ખાસ કશું ન કરું તોયે વાંધો નહીં, પણ થોડાઘણા મુસલમાનો જોડે તો મારે મિત્રાચારી હોવી જ જોઈએ, એવું હું સમજતો હતો.”24

દક્ષિણ આફ્રિકામાં મુખ્ય અસીલ દાદા અબ્દુલ્લાથી માંડીને બીજા ઘણા મુસલમાનો સાથે તે કામ પાડી ચૂક્યા હતા. એ સંદર્ભે હિંદુ-મુસલમાન સંબંધોનું મૂલ્યાંકન કરતાં ગાંધીજીએ લખ્યું હતું,

“હિંદુ-મુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંનેની વચ્ચેની ખટાશ મટે તેવો એક પણ ઉપાય હું ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હું સમજતો આવ્યો હતો કે મારી અહિંસાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ ઐક્યને અંગે થવાનાં છે.”25

સંદર્ભ :

1. ગાંધી, મોહનદાસ. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯. ‘અમારો ઉદ્દેશ’ નવજીવન. પૃ.૩

2. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૩

3. ગાંધી, પ્રભુદાસ. ૧૯૪૮. જીવનનું પરોઢ. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૪  

4. દેસાઈ, નારાયણ. ૨૦૧૩. મારું જીવન એ જ મારી વાણી. (પ્રથમ ખંડ). અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૩

5. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૫

6. એજન. પૃ.૧૬

7. એજન. પૃ.૧૯-૨૧

8. એજન. પૃ.૧૩૯-૧૪૨

9. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p.૩૨૩

10. ibid, p . ૪૭૦

11. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. પૃ.૨૯

12. એજન. પૃ.૮૯

13. એજન. પૃ.૯૪

14. એજન. પૃ.૧૨૦

15. એજન. પૃ.૧૪૨

16. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p. ૯૮

17. ibid, p. ૨૭૪

18. ibid, p. ૩૨૮

19. ગાંધી, મોહનદાસ. ૨૦૦૬ હિંદસ્વરાજ. અમદાવાદઃ નવજીવન પ્રકાશનમંદિર પૃ.૨૮

20. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p.૫૪૪

21. ibid, p . ૫૧૨

22. ibid, p. ૧૮૨

23. ગાંધી, મોહનદાસ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૩૦. ‘પ્રશ્નોત્તરી’ નવજીવન.

24. ગાંધી, મોહનદાસ. ???? ગાંધીજીનો અક્ષરદેહ ૭૬. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ. ૪૦૫

25. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૅપ્રિલ 2018; પૃ. 08 - 10 અને 11

Category :- Gandhiana