શિક્ષણમાં સીધું અંગ કયું?

રોહિત શુક્લ
12-04-2018

પેલા શિયાળ અને ઊંટનો વાર્તાલાપ કવિ દલપતરામે ઠીક વર્ણવ્યો છે. ઊંટ ફરિયાદ કરતાં કૂતરાની વાંકી પૂંછડી, ભેંસના વાંકાં શિંગડાં અને વાઘના વાંકા નખની ટીકા કરે છે. ઊંટને દુનિયામાં બધું જ વાંકું દેખાય છે. પણ શિયાળ ધીમે રહીને કહે છે, ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.’ જેના બધાં જ અંગ વાંકાં છે તેવું ઊંટ બીજાની ટીકા કરે છે. શિક્ષણની બાબતમાં આપણા આ ‘વાઈબ્રન્ટ’, ‘ગતિશીલ’ અને ‘પ્રગતિશીલ’ ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યો અને અન્ય પક્ષોની સરકારના મુકાબલે જે ‘વાંકાપણું’ વર્તે છે તે જોતાં દલપતરામની આ કવિતા યાદ આવે તે સ્વાભાવિક છે.

પ્રાથમિક શિક્ષણમાં પૂરતી સંખ્યામાં સલામત ઓરડા નથી. ઘણી શાળાઓને કંપાઉન્ડ વોલ નથી અને ઘણામાં છોકરીઓ માટેનાં અલગ શૌચાલયો પણ નથી. વોટરએઈડ નામની સંસ્થાએ ૨૦૧૭નો અહેવાલ સમગ્ર દેશ માટે પ્રકાશિત કર્યો છે. તે કહે છે કે ભારતમાં સંડાસની સગવડ વગરના કુલ ૭૩.૨ કરોડ લોકો છે. લગભગ ૩૫.૫ કરોડ સ્ત્રીઓ અને બાળાઓએ ખુલ્લામાં જ કુદરતી હાજતે જવું પડે છે. આ રિપોર્ટ લખે છે કે જો આ બધા કતારબંધ ઊભા રહે તો પૃથ્વીના ચાર આંટા થાય! જુલાઈ ૨૦૧૭નો ‘ઇન્ડિયા સ્પેન્ડ’નો અહેવાલ જણાવે છે, છોકરીઓ શાળામાં પ્રવેશ લેતી નથી અથવા વહેલી છોડી દે છે તેનું કારણ સંડાસની સગવડનો અભાવ છે. ગ્રામીણ ભારતની ૨૩ ટકા કન્યાઓએ શાળા છોડવાનું કારણ આ સગવડનો અભાવ ગણાવ્યું છે. ભારતની આ એકંદર પરિસ્થિતિ કરતાં ગુજરાત વધારે ખુશી ઉપજે તેવી હાલતમાં નથી.

જરૂરી અને પૂરતા શિક્ષકોની ભરતી ન કરવી, જેમની ભરતી કરાય તે કચડાઈ જાય તેવો ઓછો અને બાંધ્યો પગાર આપવો. જાત-જાતનાં કારણો ઊભાં કરી સભાઓમાં સંખ્યા-ટોળાં સર્જી પોતાની લોકપ્રિયતા બતાવવી, મેલેરિયા, વસતિ ગણતરી, ચૂંટણી, રોગ નાબૂદી, ટીકાકરણ, મતદાર યાદી સુધારણા વગેરે જેવાં કામોમાં આ કચડાયેલા શિક્ષકોને જોતરવા તે બધું હવે સામાન્ય ગણાય છે. પણ પછી ‘ગુણોત્સવ’ થાય ત્યારે સ્વાભાવિક જ સાંપડતાં ચિંતાજનક પરિણામોને ચર્ચા માટે મૂકવાને બદલે સંતાડવામાં આવે છે.

૨૮મી માર્ચ, ૨૦૧૮ના સમાચાર છે કે આરટીઈનાં સાત વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી લોકરે કહ્યું છે કે ભારતમાં માત્ર ૪ ટકા શાળાઓ આરટીઈનાં ધોરણોનો અમલી કરી શકી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા અને જરૂરી સગવડો સિવાયનો ફી અને સંચાલકોની જોહુકમીનો પણ ગંભીર મુદ્દો છે. છેલ્લા લગભગ એક વરસથી ફીના મુદ્દે સરકાર શાળા સંચાલકો સામે કડક થઈ શકતી નથી. ધરણા કે શાંત દેખાવો કરવા વાસ્તે એકઠા થવા માંગનાર ઉપર કડક પગલાં ભરતી સરકારને, વધારે તો સામેની સેનામાં શાળા સંચાલકો દેખાય ત્યારે હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જતું લાગે છે, સરકારને ‘અર્જુન વિષાદ યોગ’ થઈ આવે છે. શાળા સંચાલકોમાં ‘મામકા’ જોઈને સરકારનું શૂરાતનપણું કોકડું વળી જાય છે. આખા રાજ્યની અનેક શાળાઓનાં વાલી મંડળોએ ફીના નામે ચાલતી લૂંટનો વિરોધ કર્યો છે. પણ તેમાં ઉકેલની દિશામાં કોઈ પગલાં ભરવાને બદલે સરકાર બને તેટલો સમય વેડફે રાખે છે. કેન્દ્ર કક્ષાએ રાતોરાત નોટબંધી કે જી.એસ.ટી. દાખલ કરવામાં પાવરધી સરકારને શિક્ષણના આ તમામ પ્રશ્નોની બાબતમાં ‘કાન પે જૂ નહીં રેંગતી’ જેવો ઘાટ થાય છે.

આ સાથે છેલ્લાં ઘણાં વર્ષોથી, અનુદાનિત સંસ્થાઓ પ્રત્યેના વલણને પણ જોડવું રહ્યું. ખાનગી સંસ્થાઓ માત્ર નફાખોરી વાસ્તેના પોતાના મામકાઓની બની રહે અને તેની સામે મજબૂત વિકલ્પ આપી શકે તેવી અનુદાનિત સંસ્થાઓને તોડી પડાય, તે આ સરકારનો, હવે છૂપો નહીં રહેલો એજન્ડા છે.

કૉલેજ અને યુનિવર્સિટીના શિક્ષણમાં તો આ વલણ માત્ર પ્રત્યાઘાતી જ નથી રહ્યું, આત્મઘાતી બની ચૂક્યું છે. હમણાં જ રાજ્યમાં શિક્ષણની ત્રણ કૉલેજોને તાળાં મારવાની નોબત આવી ત્યારે આ સરકારને લાગ્યું હશે કે ‘હા, હોં થોડાક અધ્યાપકોની ભરતી તો કરવી પડશે.’ પ્રિન્સિપાલો વગરની કૉલેજો હવે કોઈ નવાઈની વાત નથી. ગ્રંથપાલો વગરનાં ગ્રંથાલયો, વ્યાયામ શિક્ષક વગરનાં મેદાનો અને ખેલ-મહાકુંભો, અધ્યાપકો વગરના સેમેસ્ટર અભ્યાસો, પટાવાળા કે કારકુન વગરની વ્યવસ્થા એ કોઈ નવાઈની બાબત નથી. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના આખા ક્ષેત્રમાં નહીં પુરાયેલાં સ્થાનોની સંખ્યા ૫૦,૦૦૦ને આંબી જાય છે.

આ પ્રકારના નીંભર મૌન સાથેના અને સંવેદનહીન વલણને કારણે ગુજરાતના યુવાધનની એક આખી પેઢી ખતમ થઈ ગઈ છે. યુવાઓમાં ઘેરી હતાશા ફરી વળી છે. મોટાં શહેરોમાં મનોચિકિત્સક ડૉક્ટરોનાં દવાખાનાં આવા રોગીઓથી ઊભરાઈ રહ્યાં છે. પણ સરકાર જેનું નામ ...! આમ છતાં, સરકાર તરફથી આટઆટલા અવરોધો છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ શિક્ષણને પૂર્ણપણે સમર્પિત રહીને સમાજનું કાર્ય કરી રહી છે.

સવાલ ઉઠાવવો હોય તો એવો પણ ઉઠાવી શકાય કે આ નીંભરતા સરકારના કયા પાસાંની દેન છે. સત્તાધારી પક્ષની ચૂંટાયેલી પાંખના મહાનુભાવો સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા બાબતે વિચારતા જણાયા છે, પરંતુ તેનો અમલ થઈ શકતો નથી. પ્રધાન ઇચ્છે છતાં અમલ ન થાય તે માટે કોણ કારણભૂત હોઈ શકે તે સમજવું અઘરું નથી. આ મહાનુભાવો ગુજરાતની ભાવિ પેઢીના હિતનો જ વિચાર કરતી હશે ને! ગુજરાતના યુવાધનને સારું શિક્ષણ ન મળે, શિક્ષણ ખૂબ ખર્ચાળ અને મોંઘું બને અને શિક્ષક કે અધ્યાપકો વગર જ શિક્ષણ થાય તેને જ ઉત્તમ શિક્ષણ ગણવામાં આવી ગયું છે. આવા તંત્ર અને આવા મહાનુભાવો શિક્ષણની કોફિન ઉપર ખીલા ઠોકતા જ જાય છે.

પ્રાથમિક, ઉચ્ચ અને ટેક્‌નિકલ એવી વિવિધ શાખા-પ્રશાખામાં ફેલાયેલા આ શિક્ષણ નામના પ્રાણીનું એક પણ અંગ સીધું કે સુરેખ નથી. જો ગુજરાતના વિકાસના મોડલની અંતર્ગત એવી આ પદ્ધતિનો રાષ્ટ્ર કક્ષાએ વિનિયોગ થશે તો માત્ર નિરાશા જ વધશે. તાજેતરમાં એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભારતના એન્જિનિયરો રશિયા અને ચીનના એન્જિનિયરોની તુલનાએ નવા વિચારો અને નવોન્મેષોની બાબતમાં સાવ પછાત છે.

સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં શિક્ષણને આધુનિકતા અને તેની સાથેના સામાજિક નિસ્બતના વિચારથી ખાસ્સું વિખૂટું પાડી દેવાયું છે. ભારતના સ્તરે જે.એન.યુ., ટિસ ઇન્સ્ટિટ્યૂટ, જાધવપુર યુનિવર્સિટી, હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ટિસ બાબતમાં સરકારના જે ઈરાદાઓ બહાર આવી રહ્યા છે તે શિક્ષણ માટે ઉત્સાહવર્ધક નથી. અને આ બધું અપૂરતું હોય તેમ ભારતીય રાષ્ટ્ર ભાવનાના પર્યાયરૂપે વિજ્ઞાન વિશેની અવૈજ્ઞાનિક બાબતોના, સરકારના ઉચ્ચ કક્ષાના મહાનુભવોનાં ઉચ્ચારણોનો છે. ભારતની પ્રાચીન ભવ્યતામાં આધુનિક વિજ્ઞાન કરતાં, પણ ભારતનું વિજ્ઞાન આગળ હતું એમ કહેવાનો કે તેવો પ્રચાર કરવાનો પ્રયાસ હવે હાંસીને પાત્ર ઠરતો જાય છે. પણ શિક્ષણ અને નવી પેઢીને જે નુકસાન થયું તે તો થયું જ ને!

અને આ બાબતે તાજતરમાં જ રાજ્ય સરકારને સાવધ કરવાનો એક પ્રયાસ ખુદ કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કર્યો પણ અન્યના જ ‘વાંકા’ દેખનારી સરકાર એમ શેની સ્વીકારે? હવે ‘કેગ’ - કમ્પ્ટ્રોલર ઍન્ડ ઍડિટર જનરલનો અહેવાલ (૨૫મી માર્ચ, ૨૦૧૮) રાજ્યની વિધાનસભામાં પેશ થયો છે. આ તટસ્થ સંસ્થા જણાવે છે કે ૨૦૧૨-૧૩માં દેશનાં રાજ્યોનો સરાસરી શિક્ષણ ખર્ચ રાજ્યોની જી.ડી.પી.ના ૧૭.૭૦ ટકા હતો. પરંતુ આ ‘વિકાસશીલ’, ‘ગતિશીલ’ ઇત્યાદિ ઇત્યાદિ રાજ્યનો ખર્ચ ૧૫.૨૮ ટકા હતો. ૨૦૧૬-૧૭માં સ્થિતિ સહેજ ‘સુધરી’ છે. અન્ય રાજ્યોનો સરાસરી ખર્ચ ઘટીને ૧૫.૨૦ ટકા થયો અને ગુજરાતનો ખર્ચ ૧૫.૬૦ ટકા થયો. આખા દેશની લીટી નાની કરી ત્યારે આપણી લીટી મોટી બની.

બીજી તરફ, ખેદજનક બાબત છે કે સરકારની અનુદાનિત અનેે અન્ય સરકારી શાળાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનું શિક્ષણ આટલી દયાપાત્ર સ્થિતિમાં ક્યારે ય ન હતું!

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૅપ્રિલ 2018; પૃ. 02 - 04 

Category :- Samantar Gujarat / Samantar