છ કાવ્યો -

© ધનિક ગોહેલ, જૂનાગઢ
10-04-2018

- 1 -

• તો કેવું! •

થર થર કંપતા આ હાથને,
કોઈ ટેકો મળે તો કેવું!
મને સાથ આપવાનું કહી ને,
તે જ છોડી જાય તો કેવું!

વિચારોની ઊર્મિ પ્રગટે ને,
એને મુકામ મળે તો કેવું!
આપણા દૂષણો ડામવાને,
કોઈ મહામંત્ર મળે તો કેવું!

બારી વગરનાં મારા ઘરને,
માત્ર બારણાં હોય તો કેવું!
જેને આવવું હોય તે આવે ને,
મને વ્હાલ કરે તો કેવું!

મધદરિયે કોઈ પ્રેમિકા મળે ને,
મને પ્રેમી બનાવે તો કેવું!
અંતરની મારી આ વ્યથાને,
કોઇ ચોરી જાય તો કેવું!

યાદોની સરવાણી ફૂટે ને,
કોઈ મિત્ર મળે તો કેવું!
ને જીવનના પંથે પેલે પાર,
મને ઈશ્વર મળે તો કેવું!

- 2 -

• વેદના •

ખુદાના બનાવેલા આ સંસારમાં,
એ પોતે જ ભટકી ગયો છે આજ.

કોને હાકલ કરે? કોને સત્ય પૂછે ?
એ પોતે જ મુકબધિર બન્યો છે આજ.

પોતાના ઈશારે નચાવતો સંસારને,
એ પોતે જ પ્રેક્ષક બની ગયો છે આજ.

ન હતી ખબર એને કે આવું પણ થશે!
એ પોતે જ અવાક બન્યો છે આજ.

કેમ કરીને કહે પોતાની વેદના, ધનિક
એ પોતે જ દુઃખી બની ગયો છે આજ.

- 3 -

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નિત્ય છું, હું સૌમ્ય છું.

હું આજનો નવીન ઉર્ષ છું

 

હું કવિ છું, હું કવિતા છું.

હું પ્રેમનો નવીન શબ્દ છું.

 

હું રાત છું, હું દિવસ છું.

હું ઊગતો નવીન સૂર્ય છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું સંવેદના છું, હું લાગણી છું.

હું ભાવોની નવીન ઊર્મિ છું.

 

હું જન્મ છું, હું મૃત્યુ છું.

હું પ્રાણનો નવીન શ્વાસ છું.

 

હું પ્રેમી છું, હું વિરહ છું.

હું પ્રણયનો નવીન હકાર છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નદી છું, હું પર્વત છું.

હું જળનો નવીન ધોધ છું

 

હું સર્વ છું, હું સમાસ છું.

હું ઊંચાઈની નવીન ટૂંક છું

 

હા હું છું, હું ધનિક છું.

હું મારો નવીન આભાસ છું

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

- 4 -

• દિલ •

હીંચકે ઝુલતા ઝુલતા યાદ આવી ગયું કોઈ,
પછી કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું આ દિલ.

ધીરે ધીરે પ્રસરતી ગઈ ચારેકોર સુવાસ એની,
ન હતી ખબર કે સાલું લુભાય જશે આ દિલ.

મહેનત તો ખૂબ કરી પાછું લાવવા મૂળ સ્થાને,
પણ મજબૂતીથી જકડી રાખ્યું એણે આ દિલ.

કેમ કરીને પાછી લાવું મારી આ અમાનતને,
પ્રેમના ઘટ્ટ આવરણથી ઢંકાઇ ગયું આ દિલ.

હજી સમજતી નથી તું મારી આ લાગણીઓને,
હકીકતે તો તારામાં જ સમાઈ ગયું છે આ દિલ.

- 5 -

• ખોજ •

“મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

હરતા ફરતા દૈવીય શક્તિ રૂપ,
એ જ્ઞાની મહાપુરુષોને ખોજ.

તારા અજ્ઞાનને દૂર કરવા,
પ્રકાશ રૂપ દીવાને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

અધ્યાત્મના પૂર્ણ દર્શનને કાજ,
ગીતાના એ અર્જુનને ખોજ.

પૂર્ણ રૂપના શરણે જવા,
એ પૂર્ણપુરુષોત્તમને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

શબરીના બોર ચાખવા
એ ભક્તિ ભાવને ખોજ.

તારા અને મારા જીવનમાં,
પ્રેમ રૂપી ઔષધિ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

રાક્ષસ રૂપી દુર્ગુણો ડામવા,
રામના એ ધનુષને ખોજ.

જીવનનું સત્ય સમજવા,
શમર્થ ગુરુનું શરણ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

- 6 -

• કા'ન •

આ વાંસળીને મોરપંખ મને આપી દે ને કા'ન.
મને પણ ગોપીઓ વચ્ચે રાસ રમવા દે ને કા'ન.

દ્વારિકાનાથને મથુરાનો બાળ થવા દે ને કા'ન.
મને પણ વૃંદાવનનો નટખટ બનવા દે ને કા'ન.

માખણ ને મિશરીનો ભોગ આરોગવા દે ને કા'ન.
મને પણ એ વિશ્વરૂપના દર્શન કરાવી દે ને કા'ન.

પીળું પીતાંબર ને કેસરી ખેસ પહેરવા દે ને કા'ન.
મને પણ સુદામાના એ તાંદુલ ચાખવા દે ને કા'ન.

રાધાનો પ્રેમ ને અર્જુનનું બળ આપી દે ને કા'ન.
મને પણ ગીતાનો ઉપદેશ સંભળાવી દે ને કા'ન.

આમ ક્યાં સુધી માંગતો રહીશ તારી પાસે કા'ન.
મને પણ હવે તું તારા જેવો જ બનાવી દે ને કા'ન.

e.mail : dhanikgohel96@yahoo.com

Category :- Poetry