ભગતસાહેબ : એક અધ્યાપક, એક વિશ્વવિદ્યાલય

કૃષ્ણાદિત્ય
06-04-2018

વર્ષો વીત્યાં છે. તાજેતરમાં જ વડોદરામાં વિજ્ઞાનની એક શાખામાં સ્નાતક-કક્ષાની ઉપાધિ લઈ અનુસ્નાતક અભ્યાસ માટે હું અમદાવાદ આવ્યો હતો. શિક્ષણ તથા વ્યાવસાયિક વ્યવસ્થા મુજબ રહેઠાણ નગરગૃહ  પાસે આવેલા મા.જે. પુસ્તકાલયથી ચાલતાં જતાં પાંચેક મિનિટ દૂર હતું. શાસ્ત્રીય પદ્ધતિએ આપણે સાહિત્યપદાર્થ શીખેલા નહીં. એટલે અવકાશપ્રાપ્ત સમયમાં સાહિત્યના તરસ્યા વિદ્યાર્થી તરીકે એક પુસ્તકાલય આટલું નજીક હતું એ ફાવતું ગોઠવાઈ ગયું હતું. આ ત્યારની વાત છે, જ્યારે કવિ હસમુખ પાઠકના ત્યાં ગ્રંથપાલ તરીકેના કાર્યાલયનું છેલ્લું એકાદ વર્ષ હતું.

એક દિવસ હું મા.જે. પુસ્તકાલયમાં ગયો. સાહિત્યમાં નાટક એ રસનો વિષય. સંસ્કૃત નાટકો, જૂની રંગભૂમિનાં નાટકો, આધુનિક નાટકો તક મળે વાંચતો હતો, ભજવાય તો જોતો હતો. એ અરસામાં વિદેશી સાહિત્યમાં જ્યૉર્જ બનાર્ડ શૉ અને ઇબ્સનનાં નાટકો વાંચવાના સંદર્ભમાં લુઈજી પિરાંદેલોનાં નાટકો વિશે જાણવા મળ્યું હતું. એટલે પિરાંદેલો વિશે કશુંક વધારે વાંચવાની અને પછી કંઈક લખવાની ઇચ્છા હતી. પુસ્તકાલયમાં તપાસ કરી તો પિરાંદેલો વિશે પુસ્તકો તો બેત્રણ હતાં, પણ ક્રમાંક પ્રમાણે જ્યાં હોવાં જોઈએ, ત્યાં અલમારી પર હતાં નહીં, એટલે પૂછવા માટે હું ગ્રંથપાલના કાર્યાલયખંડમાં ગયો. ગ્રંથપાલે ખૂબ સજ્જનતાપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક સમજાવ્યું કે ઘણી વાર પુસ્તકો આડાઅવળાં મુકાઈ જાય છે, જેમાં પુસ્તકાલયના સદસ્યોનો તેમ જ કર્મચારીનો પણ ફાળો હોય છે, પરંતુ અમુક અલમારીમાં જુઓ, એક પ્રકારની ગેરસમજને લીધે આ ક્રમાંકનાં પુસ્તકો ભૂલથી ત્યાં મુકાઈ ગયાં હોય તેવી શક્યતા છે.

મને જોઈતી માહિતી મળી ગઈ, એટલે હું ત્યાંથી નીકળવા જતો હતો ત્યાં ખંડમાં બાજુની એક ખુરશીમાં અત્યાર સુધી મૌન બેઠેલા એક સજ્જને - જેમના પર હજી સુધી મારું ધ્યાન નહોતું ગયું એમણે - મને ઉદ્દેશીને કહ્યું કે તમને યુરોપીય નાટકોમાં રસ હોય એમ લાગે છે. અને એમણે પછીની થોડીક મિનિટો સુધી અસ્ખલિત વાણીપ્રવાહમાં ટૂંકમાં શેક્સપિયર અને શૉની તુલનાત્મક આલોચના, શૉની અને ઇબ્સનની નાટ્યકલાથી એક નવીન પ્રકારની આધુનિક નાટ્યકલાનો આરંભ શાથી મનાય છે અને એ જ શ્રેણીમાં પિરાંદેલો આવે છે, એમ કહ્યું. પછી ખાસ ભાર દઈને ઉમેર્યું કે તમને આ દિશામાં રસ છે, તો એક બીજા લેખક છે નામે સેમ્યુઅલ બેકેટ, એમનું નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’, જેનો મૂળ ફ્રૅન્ચમાંથી અંગ્રેજી અનુવાદ થયેલો છે, તે પુસ્તકાલયમાં છે પણ ખરું, તે જરૂર વાંચજો, આ લેખક આધુનિકોમાં અગ્રેસર છે. આ વાત ત્યારની કે જ્યારે હજુ બેકેટને નોબલ પારિતોષિક મળવાને બેએક વર્ષની વાર હતી ત્યારે બેકેટનું આંતરરાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન અમદાવાદના એક પુસ્તકાલયમાં અમદાવાદના એક નાગરિક દ્વારા થયું હતું, જેનો હું સાક્ષી હતો.

આ વક્તવ્યની શરૂઆત થઈ - એમને ક્યાંક તો જાહેર કાર્યક્રમમાં જોયા હશે - એટલે મેં ઓળખ્યા હતા કે આ તો કવિશ્રી નિરંજન ભગત છે. અથવા યથાર્થ શબ્દોમાં કહું તો, આ તો ભગતસાહેબ છે. ત્યારે જ સમજી લીધું કે આ ભગતસાહેબ છે તે કોઈ ખુરશીને આધારે થયેલા સાહેબ નથી, વિદ્વત્તાની ખુમારી થકી થયેલા સાહેબ છે. કવિઓને અને વિદ્વાનોને સાહેબ કહેવામાં આવે છે તે પ્રમાણપત્રથી એ સાહેબ હતા. સાહિબે ઇલ્મ હતા. એમણે માત્ર જોયું કે અહીં કોઈ અજાણ્યા વિદ્યાર્થીને કશીક વાજબી જિજ્ઞાસા છે અને એમની પાસે એ સંતોષાય તેવી સમજૂતી છે. એટલે કોઈ નામઠામ, જાતપાત વિશેની પૃચ્છા નહીં અને સીધો વાર્તાલાપ વર્ગવહીન વિદ્યાદાન.

આના થોડા સમય પછી પિરાંદેલોના નાટક ‘છ પાત્રો : લેખકની શોધમાં’નો મેં અનુવાદ કર્યો હતો, જે ‘સંસ્કૃિત’માં પ્રગટ થયો હતો - તેમાં આ એક આકસ્મિક ટૂંકી મુલાકાતના યોગદાનનો પણ હું ઋણસ્વીકાર કરું છું.

કેટલાકને યાદ હશે, ત્યારે નગરગૃહના પ્રાંગણમાં એક બાજુ હેવમોર રેસ્ટોરાં હતું. ભગતસાહેબનું રહેઠાણ એની બાજુમાં જ હતું, ‘જલદર્શન’ હજુ થયું નહોતું. કેટલી ય સાંજથી માંડીને ઘણીવાર મધરાત સુધી એમની બેઠક જામતી હતી. જ્વલ્લે જ કોઈ ખાસ મહેમાન એમની સાથે હોય તે સિવાય જેને રસ પડે તે એમના ટેબલની આજુબાજુ ખુરશી ગોઠવી મહેફિલની ચર્ચામાં નહીં તો શ્રોતા તરીકે તો અવશ્ય જોડાઈ શકતો.

કેટલીક સાંજે આ ચર્ચા રેસ્ટોરાંમાં બેઠા હોય ત્યાં જ નહીં, પરંતુ બધાની સાથે ચાલતા જતા હોય, ત્યાં પણ ચાલુ રહેતી. કોઈ - Peripatetic હરતાફરતા દાર્શનિકની જેમ.

અખાના છપ્પાનો અંગ્રેજી અનુવાદ કર્યો, ત્યારે કવિ સમય કાઢીને આખો જોઈ ગયા હતા. અનુવાદ વિશે જ્યાં જરૂર લાગી, ત્યાં સચોટ આલોચના પણ કરી. અનુવાદમાં જ્યાં સ્પષ્ટતા પૂરતી નહોતી તે ઉપર પણ ધ્યાન દોર્યું. અખા ઉપરના નિબંધનું નર્મદાશંકર મહેતાનું અપ્રાપ્ય પુસ્તક (ઈ.સ. ૧૯૨૭) એમના અંગત પુસ્તકસંગ્રહમાંથી કાઢી મને આપ્યું કે જેથી મને કામ આવે. બધી વિવેચના કર્યા પછી કહે કે હું જે કહું છું કે તે સાંભળી લેવાનું, પણ અનુવાદ તમારી પોતાની જે સમજ થઈ છે અને જે શૈલી પકડાઈ છે, તે પ્રમાણે કરવાનો.

વળી, હું અવઢવમાં હતો કે ઉમાશંકર જોશી પાસે મળી આ અનુવાદ વિશેના કેટલાક પ્રશ્નો મારા મનમાં છે, તે માટે એેમનો સમય લેવાય કે કેમ. મને હિંમત આપી કે તમારે જવું જ જોઈએ અને ઉમાશંકર જોશી સાથે મુલાકાતનો સમય નક્કી કરી જલદર્શનથી મને સાથે લઈ એક સવારે  તેમને ત્યાં મૂકી ગયા. પછી એ તો નીકળી ગયા. અને સવારથી લગભગ સાંજ સુધી અખાના છપ્પાના વિવિધ ખંડોમાંથી તત્ત્વદર્શનની અને અનુવાદની કેટલીક સમસ્યાઓ હતી, તે વિશે ચર્ચાવિચારણા થઈ. આ બંને કવિવિદ્વાનોનો દાખલો કોઈ પ્રબુદ્ધ ઉદારદિલ આચાર્ય કોઈ શિખાઉ અભ્યાસીના પ્રયત્નને એક સોપાન ઊંચું મૂકી આપવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, તેનું અવિસ્મરણીય ઉદાહરણ છે.

જલદર્શનમાં એમને મળવાનું થાય અને કાવ્યપાઠ ન થાય એવું બન્યું નથી. ‘પરબ’માં પ્રગટ થયેલાં અને ‘પુનશ્ચ’માં ગ્રંથસ્થ થયેલાં ઘણાં બધાં કાવ્યો એમની પાસેથી પ્રકાશિત થયાં પહેલાં સાંભળવાનો મોકો મળ્યો છે. કાવ્યપઠન કેવી રીતે થાય એ માટેના એમને સ્પષ્ટ ખ્યાલો વિશે એમના સંપર્કમાં કોઈ પણ સર્જકને કે સાહિત્યરસિકને જવલ્લે જ મનમાં સંદેહ હશે. જલદર્શનમાં એમના કાવ્યપાઠ વિશે અચૂક પૂછે, કંઈ નવી રચના હોય તો સંભળાવો. વર્ષો પહેલાં એક રચના સંભળાવતાં મેં પહેલી પંક્તિનું પઠન કર્યા પછી ફરીથી એ જ પંક્તિ વાંચી. પછી તો જે થવાનું હતું તે થયું. એમની અધ્યક્ષતામાં થયેલા કોઈ પણ કવિસંમેલનના સંચાલકોને જે સર્વથા વિદિત હોય છે, તે કાવ્યપઠનની કલા વિશેનું સંક્ષિપ્ત પ્રવચન મને પણ ઉપલબ્ધ થયું, જે આજ સુધી મને તાજું યાદ છે. મને પૂછ્યું કે તમે આ પંક્તિ બે વાર લખી છે? તો પછી બે વાર વાંચો છો શા માટે. એક ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ શિષ્ટ નાટક દા.ત., શેક્સપિયરના સંવાદો, ગદ્યમાં હોય કે પદ્યમાં, અભિનેતા દોહરાવતો નથી. દોહરાવી ના શકે, નાટ્યકારને અભિપ્રેત અર્થ તથા ભાવને હાનિ પહોંચાડ્યા વિના. કવિના આ અભિપ્રાયને છંદના અને લયના એક સત્યાગ્રહી કથન તરીકે કોરાણે મૂકતાં પહેલાં, ઉર્દૂ ભાષાના ગદ્યપદ્યના એક સુપ્રસિદ્ધ પાઠક ઝિયા મોહિયુદ્દીનના આ જ મતલબના એક મંતવ્યને - કે શાયરીના પઠનમાં શેઅરને ચાવીચાવીને પુનરાવર્તન કરી કરીને ના રજૂ કરવા જોઈએ, નહિ તો ગઝલના અર્થબોધને અચૂક હાનિ થાય, એ મંતવ્યને - પણ ધ્યાનમાં લેવું જોઈશે.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગતના એકબીજા પ્રત્યેના સદ્‌ભાવ અને સન્માન વિશે ગુજરાતી સાહિત્યજગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. કવિની કવિતાસર્જન પ્રક્રિય થંભી ગઈ હતી, ત્યારે અંગ્રેજ કવિએ તે વિશે ટકોર કરી હતી. જલદર્શનમાં એક વાર અમે બેઠા હતા, થોડા દિવસ પહેલાં જ પ્રકાશિત ‘પુનશ્ચ’નું પુસ્તક હાથમાં હતું, ત્યારે આ વાત ભગતસાહેબ યાદ કરતા હતા. મેં એમને એક પ્રસંગ કહ્યો કે ઉમાશંકરે કોઈ પ્રસંગે તમને જ નહિ, પરંતુ બીજા પ્રસંગોએ બીજાઓની આગળ પણ કાવ્યસર્જનના સંદર્ભે તમને યાદ કર્યા છે. અમેરિકા-પ્રવાસ દરમિયાન ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારમાં એક ગામના રહેઠાણમાં બીજા માળના છજામાં ઉમાશંકરની સાથે અમે ત્રણેક જણ ઊભાં હતાં. ગામનો ધોરી રસ્તો પાર કરી સામે નાની ટેકરીઓથી વીંટળાયેલું એક જળાશય હતું. ઢળતા સૂરજનો સમય હતો. આ જોઈને ઉમાશંકરના મોમાંથી વાક્ય નીકળી પડ્યું, “કેવું સુંદર દૃશ્ય છે, નિરંજન અત્યારે આ જુએ તો આપણને એક સરસ સૉનેટ મળે.”

અમેરિકામાં નિરંજન ભગત પહેલી વાર આવ્યા, ત્યારે બોસ્ટન વિસ્તારમાં ગુજરાતીઓની ઝાઝી વસ્તી નહોતી. સાહિત્યમાં રસ લેનારની સંખ્યા તો સ્વાભાવિક રીતે એનાથી ય ઓછી હતી. કાનોકાન સંદેશ પહોંચાડતા ઍપાર્ટમેન્ટના એક ખંડમાં પંદરેક શ્રોતાઓ એકઠા થયા હતા. મોટા ભાગના યુવાન અને પ્રૌઢવયના હતા. એક પરિચિત મિત્રદંપતીનાં વયોવૃદ્ધ માજી પણ આવ્યાં હતાં. વિવિધ વયનો શ્રોતાસમૂહ હતો. તે જોઈ અમને આનંદ થયો હતો. વાર્તાલાપનો વિષય ભગતસાહેબે જાતે નક્કી કર્યો હતો, એ મીરાંબાઈ વિશે બોલવાના હતા. દોઢ-બે કલાક ચાલેલા આખા કાર્યક્રમમાં માજી પણ એકચિત્તે સાંભળતાં હતાં. વક્તવ્ય પૂરું થયું. અલ્પાહાર બાદ સૌ વિખરાંતા હતાં ત્યારેે યજમાન તરીકે શિષ્ટાચારમાં આવજો, ફરી મળજોની વિધિ ચાલતી હતી. ત્યાં એ માજીના દીકરા કહે કે મારાં બા કોઈ ભગત મીરાં વિશે બોલવાના છે, એટલે આવ્યાં હતાં. પણ એમ છતાં એમને ખૂબ રસ પડ્યો. મેં આ વાત ભગતસાહેબને કરી તો એમને રમૂજ પડી. ગેરસમજથી આવેલા શ્રોતા પણ સમજ લઈને જાય એવું એમનું વક્તવ્ય હતું. પછી પોતાની અટક વારસામાં કેવી રીતે મળી હતી, તેની અમને ટૂંકમાં વાત કરી.

બોસ્ટનમાં શેક્સપિયરના નાટક ‘લવ્ઝ લેબર લૉસ્ટ’ ‘વ્યર્થ પ્રેમનો શ્રમ’નો પ્રયોગ ચાલતો હતો. કવિને લઈને એ જોવા માટે જવું એમ નક્કી કર્યું હતું. સમયપત્રકથી સીમાબદ્ધ દિનચર્યાને કારણે હું જાતે એમની સાથે જઈ શકું તેમ નહોતું, એટલે બીજા એક ભાઈને વિનંતી કરી કે કવિને લઈ જાય. અને એ બંને જઈ આવ્યા. હમણાં જ નિરંજન ભગતના નિધનના સમાચાર આવ્યા પછી એ ભાઈ મળ્યા, ત્યારે એમણે તરત જ કવિની સાથે પોતે નાટક જોવા ગયા હતા, તે આટલાં વર્ષે યાદ કર્યું. એટલું જ નહીં પરંતુ એ શેક્સપિયરનું નાટક હતું અને નાટક જોવા જતાં પહેલાં, નાટકના મધ્યાંતર દરમિયાન તથા ઘેર પાછા આવતાં સુધીમાં કવિએ શેક્સપિયર વિશે અને તે નાટક વિશે કેટલી રસપ્રદ રીતે બધું સમજાવ્યું હતું, તે એ ભાઈએ યાદ કર્યું. ભાઈ કહે, ‘મને તો એમ કે શેક્સપિયર એટલે તો આપણનેે કશું સમજ ના પડે. પણ ભગતસાહેબે સમજાવેલું તે નાટક તો ખૂબ મજા પડે એવું હતું. સંવાદો ય સમજાય એવા હતા.’ એ ભાઈના કહેવા પ્રમાણે જ જેમણે પોતે એ નાટક જોયા પહેલાં કે ત્યાર પછી ક્યારેક શેક્સપિયરનું નાટક કે અન્ય કોઈ લખાણ વાંચ્યું નહોતું અને વાંચ્યું નથી કે કોઈ નાટક જોયું નહોતું અને જોયું નથી, તે ભાઈને આટલાં વર્ષો પહેલાં શેક્સપિયર વિશેનું ત્રૂટકછૂટક અપાયેલું એક અનૌપચારિક વ્યાખ્યાન હજુ યાદ રહી ગયું છે, તેવા આ વ્યાખ્યાતા હતા.

બોસ્ટનથી આશરે વીસેક માઈલના અંતરે કોન્કર્ડ નામનું ગામ છે. હેન્રી ડેવિડ થૉરો ઓગણીસમી સદીમાં ત્યાંના રહેવાસી. આપણે એમને મોટે ભાગે ગાંધીજીના નાતે વાયા સવિનય કાનૂનભંગ (કાયદા સામે થવાની ફરજ)ના વિચાર દ્વારા જાણીએ. ત્યાં વૉલ્ડન નામનું સરોવર આવેલું છે, જે શીર્ષક હેઠળ થૉરોએ ક્રાંતિકારી વિચારો પ્રતિપાદિત કરતું એક પુસ્તક લખ્યું છે. કવિને એ સ્થાન જોવું હતું, એટલે અમે ગયા હતા. વૉલ્ડન સરોવર પાસે થૉરોએ જાતે બાંધેલી મૂળ કુટિરની પ્રતિકૃતિ રૂપે એના ઐતિહાસિક સ્મરણચિન્હ રૂપે એક કુટિર પણ બાંધેલી છે. ત્યાં કોન્કર્ડ ગામ વિશે, થૉરોના પડોશી અને સહૃદયી વડીલ એવા રાલ્ફ વાલ્ડો ઍમર્સન વિશે, ઓગણીસમી સદીના અમેરિકા વિશે, આમ અનેકવિધ જાણકારીથી સજ્જ એવો એક અમેરિકી યુવાન, અમૂલ્ય ઐતિહાસિક વારસો સ્થળે યાત્રાળુઓને માટે ભોમિયા તરીકે માહિતી આપવા હાજર હતો. મોટા ભાગે મહાશાળાનાં છેલ્લાં વર્ષોના અથવા વિશ્વવિદ્યાલયના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ખંડસમયમાં આ કાર્ય કરતા અને પોતાને માટે થોડી ઘણી આવક ઊભી કરતા. અમે ગયા એટલે અમારા જૂથ પાસે એ તરુણ આવ્યો અને એની પાસે હતી તે માહિતી આપવા માંડ્યો. એમાંથી કવિ સાથે થોડો સંવાદ થયો. હવે ભોમિયાને પોતાને કંઈ પ્રશ્ન થયો. આપણા યાત્રી પાસે એ પ્રશ્નનું સમાધાન હતું. વાતમાંથી વાત નીકળતાં કવિએ સમજાવવા માંડ્યું. એમર્સનની થૉરો ઉપરની અસર, ગ્રીકથી માંડી ભારત સુધીના વિવિધ તત્ત્વદર્શનની થૉરો ઉપર અસર, થૉરોની વિશ્વના વિવિધ વિચારકો ઉપર થયેલ અસર, ગાંધી સાથે થૉરોનો વૈચારિક અનુબંધ, ઇત્યાદિ. દસેક મિનિટ અનાયાસ ચાલેલી વાત પછી એ તરુણ ભોમિયાએ આ પ્રવાસીનો આભાર માન્યો કે તમારી પાસેથી મને નવીન દૃષ્ટિકોણથી ઘણું નવું જાણવા સમજવા મળ્યું. અમેરિકામાં એક અમેરિકી યુવાનને એના પોતાના તળના ગામના અને વ્યક્તિવિશેષના ઇતિહાસનું દાર્શનિક જ્ઞાન પ્રદાન કરનાર, વિશ્વના બીજા છેડેથી આવેલા, ગુજરાતના નગર અમદાવાદના એક કવિ અધ્યાપક હતા. એક જંગમ વિશ્વવિદ્યાલય હતા.

Email : thakerp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 13-14

Category :- Profile