બે કાવ્યો

‘નવ્યાદર્શ’
01-04-2018

નખ
 
નખનું શું હોય
વધે એટલે કાપી નાખવાના.
વધારવાનો તો મને શોખ નહિ
એટલે જ્યારે વધે ત્યારે કાપી જ નાખું.
પણ આજ કાલ,
નખ કાપતા કાપતા હૃદયમાં કંઈ કંઈ થાય છે.
એ દિવસે,
હું એનાથી બહુ દૂર જવા માટે મળી.
કેટલો પ્યારો અને સોહામણો લાગતો હતો એ,
માસુમ.
પણ મેં એને સ્પષ્ટ કહી દીધું,
‘જો પ્રેમને ને મારે ૩૬નો આંકડો,
એટલે આજથી તું અને હું અલગ અલગ’
કહેતા તો કહેવાઈ ગયું, પણ સાથ છોડી જઈ ન શકી.
એની બાહોમાં જઈ પડી,
સંધ્યાના રંગો જેમ વિલાતા ગયા
તેમ કહેતી રહી,
‘તારી બાહોમાં મને ઘુટન થાય છે,
મને મુક્ત કર ....’
અને મારી બાહોની પકડ મારાથી જ મજબૂત થતી જતી હતી.
તે શું ધારતો હતો ખબર નહિ ...
એણે મને બાહોમાંથી મુક્ત કરી, કહ્યું,
‘જો આ તારો નખ અને નખની ટોચ,
તારો પ્રેમ મારા માટે આટલો જ છે.
એક દિવસ કાપી નાખજે આ નખ.
એટલે તું મુક્ત.’
આજે નહિ, કેટલા ય દિવસથી આ નખ કાપ કાપ કરું છું.
કાચો નખ પણ કાપી નાખ્યો ત્યારે દર્દ પણ થયું.
મને શાંતિ થઇ, પણ ફરી નખ વધી જ જાય ...
શું કરું ?
જેમ જેમ નખ કાપતી રહી,
લાગતું હતું તેનો પ્રેમ ભૂલાતો ગયો,
પણ જેમ જેમ હું નખ કાપતી એમ એમ નવો નખ ઊગતો ગયો.
નખ વાટે એ પ્રેમ મારી અંદર પ્રવેશી ગયો
મને ખબર જ ના રહી.
હું ફરી નખ કાપવા જાઉં છું
અને કાચો નખ કપાતા લોહી નીકળી આવે છે
અને આંખોમાંથી આંસુ.

 - 2 -

લાલ કીડી

 
એનામાં શું છે ?
મને ખબર નથી.
સાવ સાધારણ,
કોઈવાર પાસેથી પસાર થઇ જાય તો પણ ખબર ન પડે.
એને જોવો પડે, ધીરે ધીરે તે આંખો દ્વારા હૃદયમાં ઊતરી જાય,
ત્યારે ફરી ભૂલવો પણ અઘરો થઇ પડે.
એક દિવસ હસતા હસતા એણે
સાવ સાધારણ રીતે જ કહ્યું,
‘તારા ખેતરમાં અને તારા ઘરમાં હું કઈ રીતે આવું ?”
મેં કહ્યું, “ના. આવવાની કોઈ જરૂર નથી.”
એણે ફરી હસતા હસતા કહ્યું,
“હું તો લાલ કીડી છું. તારા ના પડવાથી હું કંઈ માનવાનો છું.”
હું મારા ઘરમાં જ્યારે વાસીદું કરું તો લાલ કીડી દેખાવા લાગી,
જમવાનું બનાવતાં બનાવતાં પણ લાલ કીડી.
પોતું મારતાં મારતાં તો વચ્ચે જ આવે.
હું શું કરું એનું ?
એક દિવસ ખેતર પર ગઈ
અને બપોરના ખરા તડકે જમીને સૂઈ ગઈ.
તેનો મને અહેસાસ થયો, બંધ આંખોની અંદર
હું શું કરું એનું, જાણે લાલ કીડી મારી ડોક પર ચટકા ભરી રહી હતી
પહેલા તો લાગ્યું સ્વપ્ન જ છે, પણ આખરે જાગી.
જોયું તો ખરેખર લાલ કીડીએ મારી ડોક લાલ કરી નાખી હતી.
માએ કહ્યું કે, ‘માટી લગાવી લે.’
ધોરવિયાની ચીકણી માટી મેં ગળે લગાવી
અને શાંતિ થઈ.
એક દિવસ એ મને મળ્યો,
ઠંડા પવનમાં અને તારાઓની સાક્ષીએ
એણે મારા ગળા પર ગાઢ ચૂંબન કર્યું.
મારાથી બોલાઈ ગયું.
‘ઓ મા, લાલ કીડી ...
આ ચટકાને મટાડવા કઈ માટી લઉં ?”
એ તો જોતો જ રહ્યો,
અને એનું દર્દ મારા હૃદયમાં અંદર ને અંદર ઊતરતું જ ગયું.

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry