ત્રણ કાવ્યો

‘નવ્યાદર્શ’
13-03-2018

- ૧ -

પરિચિત દુનિયા

 
તારા શહેરમાં આવીને હું શું કરું ?
તારા શહેરની ગલીઓ, રસ્તાઓ
બધું અજાણ્યું છે મારા માટે,
અને તું !
તારા હોવાથી કંઈ શહેરની ગલીઓ,
રસ્તાઓ પરિચિત નહીં બની જાય.
તું જે રસ્તા પરથી લઈ જાય છે મને
ત્યારે હું તને જોઉં કે રસ્તાઓને ?
તું જે ગલીઓ, બાગમાં મને લઈ જાય છે
હું તને અનુભવું કે બાગ-ગલીઓને ?
તું એટલી પ્રતીક્ષા ન કર મારી,
ન કોઈ જીદ્દ કર,
હું બહુ દૂર છું, મને તું સ્વપ્નાંઓ ન બતાવ મને
કારણ કે,
હું જ્યાં રહું છું, એ પરિચિત દુનિયામાં
મારા કોઈ સપનાઓ મારા નથી.

•••

- ૨ -

મુગ્ધા

 
તે મને એક દિવસ કહ્યું હતું કે,
‘હું મુગ્ધા છું’
મને ખબર નથી કે હું શું છું.
પણ જ્યારથી તને સમજવા લાગી છું
ત્યારથી તારાથી બહુ દૂર થતી જાઉં છું.
તારાથી દૂર હોવું મને બહુ પાસે લાગે છે
અને દૂર રહીને હું તારી કાળજી પણ લઈ શકું.
તારું સામે હોવું
તને ક્યાંથી ખબર હોય
કે એ હોવું મારું સર્વસ્વ હોય છે
તું મારું પ્રતિબિંબ છે,
મારા ભાવોની અભિવ્યક્તિ છે,
મારા ચેહરાના બદલાતા ભાવો છે
અને તારી સામે હોવું એટલે આંસુના બંધને રોકી રાખવું.
તારું મળવું, સામે હોવું
મારા હોવાની અનુભૂતિ છે
અને તારાથી દૂર જવું
જુદાઈની એ એક પળ વસમી હોય છે ...
આજે હું તારા માટે પરાઈ છું
મેં ક્યારે ય વિચાર્યું નોહ્તું કે
તારા શ્વાસોમાં હું હોઈશ
અને મારી આંખોમાં આંસુ નામે તું હોઈશ.
હું શું કહું તને ?
‘અલવિદા’ ?
જે તારાથી દૂર જતા પણ કહી શકતી નથી
કદાચ કહી પણ નહીં શકું
અને કહ્યા વગર જ એક દિવસ બહુ દૂર ચાલી જઈશ તારાથી.

•••

- ૩ -

સાધારણ છોકરી 

 
હું સાવ સાધારણ છોકરી છું
આકાશ નીચે અને જમીન પર રહું છું.
મારી પાસે મારાં નાનાં નાનાં સ્વપ્નાંઓ છે
બસ એ કહે છે કે
મારી મોટી આંખોથી હું
નાનાં સ્વપ્નાંઓ પણ મોટી રીતે જોઉં છું.
પણ હું છું કરું,
હું તો જેવી છું તેવી જ છું.
જ્યારે કોયલ આંગણાના ઝાડ પર બેસી બોલે છે
ત્યારે હું પણ બોલી ઊઠું છું
અને કોયલની ચાડી કરું છું. 
ખેતરમાં જો કોઈ મજૂર ન આવે
તો હું ખુદ મજૂર બની કામ કરવા લાગુ છું,
પપ્પાને શું હોય ?
પણ જ્યારે તેને ઊંઘ ન આવે ત્યારે
માથું દબાવી સુવડાવી દઉં છું,
મમ્મી તો વઢ વઢ કરી આખા ગામને સંભળાવે
તો ય મોડી ઊઠીને પણ ઘરનું બધું જ કામ કરી લઉં
હું તો બસ સાવ સાધારણ છોકરી છું.
પણ મને સ્વપ્નાંઓ બહુ મોટાં આવે
ઘરનો ઉંબરો ઓળંગવાના અને આકાશમાં ઉડવાના,
પણ હું શું કરું ?
મને બાંધી લે છે, મમ્મી ને પપ્પાની આંખો,
અને કપાઈ જાય છે મારી નાજુક, નમણી પાંખો ...
કારણ કે, હું સાવ સાધારણ છોકરી છું ને !  

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry