દુનિયાની નજર ...

‘નવ્યાદર્શ'
10-03-2018

મારાં સ્વપ્નાંઓ  
બહુ જીદ્દી બની ગયાં છે, 
આવતાં જ નથી આંખોમાં.  
હવે તું બહુ જ  
ઉદાસ થઈ ગયો છે, 
તારી પર હવે પ્રેમ નહિ  
પણ, દયા આવે છે. 
એક દિવસ તો તે જ કહ્યું હતું ને,  
'હું સંવેદનાઓને છોડું, 
દુનિયાને દુનિયાની નજરથી જોઉં.' 
આ દુનિયામાં તું પણ રહે છે. 
મારી નજરથી જ્યારે જ્યારે જોયો છે તને  
મારી જ દુનિયા તું હતો, 
આજે મેં દુનિયાની નજરથી તને જોયો, 
સાવ સામાન્ય,  
પ્રેમ ન કરી શકાય એવો,  
જમીન પર લાચાર ઊભેલો, 
પ્રેમની ભીખ માંગતો … 
હવે હું તને પ્રેમથી નહિ, 
દયાની દૃષ્ટિથી જોઉં છું. 
તે આપેલી નજરથી જોને તું જ મપાય ગયો છે. 
આમ છતાં, 
આજે પણ જ્યારે તું મને મળે છે 
ત્યારે દુનિયાની નજરથી તને દૂર લઈ જવાનું 
અને દુનિયાથી છુપાવવાનું ઘણું મન થઈ આવે છે 
એ જ સાંજના રંગોમાં  
તારો હાથ થામી હું ફરી દુનિયાથી દૂર  
તારા પ્રેમના પ્રદેશમાં આવું છું,  
તું પણ અજીબ છે,  
તારી લાચારી અહીં ખુમારી બની જાય છે 
અને તારા પરની દયા પ્રેમ બની જાય છે. 
હું મારી આંખોને બંદ કરી દઉં છું 
અને દુનિયાથી દૂર આવી લાગું છું 
તારી બાહોમાં. 
તારો પ્રેમ એટલો પણ સામાન્ય નથી હો 
કે દુનિયા મને તારાથી દૂર લઈ જાય 
અલવિદા, દુનિયાની નજર ..... 

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry