એક વૃત્તાંતકાવ્ય

પ્રવીણ પંડ્યા
18-02-2018

એ છેલ્લી સભાનો
કોઈ સ્પષ્ટ એજન્ડા ક્યાં હતો?
અને હોય પણ કેવી રીતે?
પણ
નિરંજન ભગત,
તમારા મનમાં
સ્પષ્ટ હતું બધું;
બધું એટલે
અમારાં મન
એના તળિયે  છીપમાં પાકવા મથતાં મૂલ્યનાં મોતી
વચ્ચે ચંચળ ગતિએ
દિશાહીન દોડતાં દિવાસ્વપ્નનાં રંગીન મત્સ્ય,
મુખ પર સ્પષ્ટ દેખાતી
શબ્દની ગરિમાને આળોપવા
ઉતાવળી થતી મૂખર મહત્ત્વાકાંક્ષાઓ,
આ બધું
નિરંજન ભગત,
તમે જોઈ રહ્યા હતા
એ છેલ્લી સભા વખતે.

બપોરથી તડકામાં  જાણે ઉદાસી વધતી હતી
વસંતના પવનમાં પણ વૃક્ષો ઝૂમતાં નહોતાં,
અહીંની સાબરમતી તો
ક્યારનીયે તટ-વિહોણી બની ગઈ હતી
પણ
આજે એવા જ લાગતાં હતાં અમારાં મન -
ભર્યાંભર્યાં ને તો ય ઠાલાં-ખાલી,
ગોવર્ધનભવનનાં ભીંત ચિત્રોમાંનું લખાણ
ફ્રેમમાંથી ભોંયે જતું લાગે,
બાજુએ મુકાયેલી  ગો.મા.ત્રિ.ની પ્રતિમા  સામે જોતા -
પહેલા અંદર શૂળ જેવું ખટકતું - પછી ખૂંચતું કશુંક,
કોઈ સ્પષ્ટપણે ખોંખારીને કશું ન બોલે,
ડોકાય અંધારું સહુની આંખની બખોલે -
એ છેલ્લી સભા વખતે.

એક તરફ
તમે
જમાનાના ખાધેલ નિરંજન ભગત,
બીજી તરફ
અમે
જમાનાના ખેલથી ગાફેલ નિરંજન ભગત!
અને વચ્ચે
ન કરવાનું-કરવા જીદે ચડેલો સમૂહ,
નાવમાં સવાર નાખુદાઓ જ
વારંવાર જાણ્યે-અજાણ્યે ઝંઝાવાત નોતરતા
ને’ તમે વારંવાર જીવ પર આવી બેડલીને તારવા મથતા,
તમારાં ઉઘાડ-બંધ થતાં પોપચાંમાં
ઓેલવાતા-પ્રકટતા રહ્યા અમારા ચહેરા
રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મના
અંતિમ
કરુણતમ!
કૃત્રિમ દૃશ્ય જેવાં
એ છેલ્લી સભા વખતે.

તમે જોયો હતો ઉમાશંકર સાથે
મંગલ શબ્દની સત્તાનો ઉદય
સ્વાતંત્ર્ય-લોકતંત્ર સહિતના આધુનિક મૂલ્ય સાથે
મુક્તપણે હરતોફરતો
ધબકતો માટીમાં
માનવી બનું
જપતો
પડઘાતો
આખેઆખી ભાષામાં,
ને’ એ જ આંખે જોઈ રહ્યા હતા,
ઉદય પામતા
સહુ પર આધિપત્ય જમાવતા
સત્તાના સરમુખત્યારી શબ્દને.

સત્તાનો શબ્દ,
જે આજ દીન સુધી
મંદિરની બહાર ઉતારેલાં જૂતાં જેવો
પડ્યો રહેતો હતો
આ ગોવર્ધનભવનની બહાર -
પરિક્ષિતમાં કળી પ્રવેશે
એમ એ પ્રવશ્યો હતો,
આજે 
આ છેલ્લી સભા વખતે.

પહેલા એકબે મુખેથી પ્રકટ્યો
પછી વ્યાપક રીતે મૌનમાં સંચર્યો,
વહેતી કરી હળવેકથી એણે
પદ-પ્રતિષ્ઠા  ને’ પુરસ્કારની ભાષા
જેની અહીં સહુને
હમણાં-હમણાંથી રહેતી ભારે આશા,
સહુ તણાય તે પહેલાં
તમે લાગલું પારખ્યું તરકટ
ને’ ન કેમ પારખો?
તમારું તો પોત જ પોતે બળકટ,
તમે જોયા
મહાકવિ ગથેએ દેખાડેલા એવા 
અત્યંત મેધાવી, પણ ભારે મહત્ત્વાકાંક્ષી
એવા એક નહીં પણ ત્રણ-ચાર ફાઉસ્ટ
ને’
એની પણછે રહેલા મરક-મરક કરતા
શિંગડાધારી મેફિસ્ટોફિલીસને પણ તમે વર્ત્યા,
તત્ક્ષણ પામી લીધું ધ્વસ્થ થવામાં છે શબ્દની સત્તા,
સ્હેજ આંખ મીંચી
ભેરુને યાદ કરી મનોમન બોલ્યા હશો તમે;
‘શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.’ (૧)

પછી આંખ ખોલી
જોયું આજુબાજુ
માંડી નજર
નવા-જૂના સહુની સામે
જોયો શબ્દની સત્તા સામે
ટોળે વળેલો સત્તાનો શબ્દ
જે કપટ ને’ ચતુરાઈથી
માંગતો હતો વધુ ને વધુ સમય
પોતાની જાળ પાથરવા ....
‘જે આપતો આશા ને લઈ લે ભાષા’
પણ
તમે
આપી નહીં એને સ્હેજેય ઢીલ,
અહીં નાની મોટી સત્તાની હવેલી લેવા
અતિ ઉત્સાહી બનેલાઓને જોઈ
ફરી યાદ કર્યું હશે તમે ભેરુનું ગુર્જરગાન;
‘મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરીમોરી રે.’(૨)

અને
જે છેલ્લાં દસેક વર્ષથી
અહીંથી ત્યાં
સભાઓમાં સામસામું અથડાતું હતું
ન પરખાતું-પકડાતું કે સમજાતું હતું
તે
લડતલડત
કે
રમતરમત જેવું
અથવા કહો
ગૂચવાયેલા દોર જેવું -
એને સડસડાટ ઉકેલતા
તમે કહ્યું :
‘સમય તો વહી ગયો છે-
ખબર છે
જે માગી રહ્યા છો
તે જ તો ગુમાવી રહ્યા છો જાતે’
પણ
સમજે કોણ?
અહીં સહુ ચિંતા કરે કેવળ ઊપજ-નીપજની
પડી તી’ કોને મૂલ્યની અમૂલ્ય જણસની!

એ છેલ્લી સભા
જેમાં જોયું
દલીલો
અને એને સમર્થન દેતા
મીંઢા મૌનથી તૈયાર થતું
તમારું અંતિમ વસ્ત્ર
ને’ ઉઘાડા થતા કેટલાકના આત્મા!
હબક તો ત્યાં જ ખાઈ ગયો.
તમે લથડ્યા
માથું તમારું ઢાળ્યું
મારી છાતીમાં
પછી મુખ
પછી ખુમારીયુક્ત સ્મિત
ફરફરતા વાળ
છેલ્લી વાત કરતા ફફડતા હોઠ
તમારો હાથ અમારા હાથમાં
જાણે કહેતો હોય :
‘લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે?
તમારા હાથમાં તો કેટલુંયે ...
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે ....
શુ-શું નથી હોતું તમારા હાથમાં?’ (૩)

સાયરન જેમ વાગે શ્વાસ
ઍમ્બ્યૂલન્સ દોડે ચાર પગે
નિરંજન ભગત,
તમે સ્હેજ આંખ ખોલો
અડધી નજરે અમને જુઓ
મને સાંભરે
એ અનેક બેઠકો,
જેેમાં તમે
ક્યારેક બોદલેર
ક્યારેક એઝરા પાઉન્ડ ને’ એલિયેટ,
ક્યારેક દયારામ ને’ ન્હાનાલાલ
ક્યારેક મીરાંની કરેલી વાતો
જેમાં વચ્ચે-વચ્ચે આવતા મૂછાળા બલ્લુકાકા
જે મહાત્માનેય કહી શકતા મોહનદાસ,
આવતા સરકારે કરેલા ગોળીબારની વાત સાંભળી,
હોઠે માંડેલી  ચા પડતી મૂકી,
પ્રજા વચ્ચે દોડી જતા
મહાગુજરાત વખતના જયન્તિ દલાલ,
ને’ કટોકટી લાદતી સરકાર સામે
સંસ્કૃિતનું કોરું પાન મૂકતા ઉમાશંકર,
મુંબઈ,
પૅરિસ
કેેટલું બધું યાદ આવે
આ છેલ્લી સભા વખતે.
ને’
પેલું વાક્ય
મારા મનમાં ખૂંચણિયા જેવું
તીરછું ખૂપી ગયેલું
જે કહેલું તમે તમારા દીવાનખંડમાં અમને
લોકશાહી અને સાહિત્યકારની સ્વાયત્તતા સંદર્ભે
‘ઉમાશંકરનું કર્યું  ધૂળ થોડું થવા દેવાય?’
નિરંજન ભગત,
ભગતસાહેબ,
ઓગણીસો ઓગણાએંશીના મૉડર્નિઝમમાં
તમને બીતા-બીતા
દૂરથી જોયેલા હેવમોરમાં પહેલી વાર
ને’ આજે જોયા
છેલ્લી બેઠકમાં
છેલ્લી વાર
જ્યારે તમે ઢાળ્યું માથું મારી છાતી પર,
ઘેનભર્યાં પોપચાં
યોદ્ધાના હોય એવાં
ભીડ્યાં મારી છાતી પર
છેલ્લી વાર
છેલ્લી બેઠકમાં,
એ પોપચાં તમે ખોલશો
મારી છાતીમાં
તો
હું
શું જવાબ આપીશ?
તમારા પેલા સવાલનો
-‘સમય તો વહી ગયો છે,
જે માંગી રહ્યા છો
તે જ તો અભાનપણે ગુમાવી રહ્યા  છો જાતે.’
બહાર લડવાની લડાઈ ઘરમાં લડાય, તે કેવું?
સાથે રહે તે સામે પણ જઈ ભળે, તે કેવું?
ભીતરથી જ ત્રંાજવું-કાંટો-બાટ બધું ગાયબ?
અહીં કોણ ચલાવે આ ખેલ, અકળ અને અજાયબ.
રોજેરોજ નિતનવા તળ એક પછી એકના ખુલતા,
પતનના બધા પર્યાય લાગે અધૂરા-ને અપૂરતા.

કેવું અજીબ દૃશ્ય હતું એ છેલ્લી સભા વખતનું,
જીવલેણ નિરાકરણ આવ્યું નજીવી મુસીબતનું.

તારીખ : ૧, ફેબ્રુઆરી, નિરંજન ભગતની વિદાયવેળાએ

ઇટાલિકમાં લખેલી,૧,૨, નિશાનીવાળી કાવ્યપંક્તિઓ ઉમાશંકર જોશીની છે, ૩, નિરંજન ભગતની છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 11-13

Category :- Poetry