કેટલાંક ચૂંટેલાં કાવ્યો

નિરંજન ભગત
18-02-2018

કાવ્યવંદના

મૃત્યુને


મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.
પણ ત્યારે તો તું દૂર, દૂર.
દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો-ઝાંખો,
ક્યારેક કઠોર, ક્યારેક કોમળ.
જેમજેમ હું જીવતો ગયો,
તેમતેમ હું તારી નિકટ થતો ગયો.
તોયે હજીયે તું દૂર.

હવે આજે તું નિકટ.
નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,
સદા શાન્ત, સદા સૌમ્ય.
હવે આજે તું અતિ નિકટ.
ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.

૧૮ મે ૨૦૧૭

•••

મૃત્યુને

મૃત્યુ, તું માને છે કે હું તારાથી ડરીશ,
તું આવીશ એ ક્ષણે તને કાલાવાલા કરીશ.

એ ક્ષણ મારા જીવનની અંતિમ ક્ષણ હશે,
એ ક્ષણે મારી ચિરવિદાયનો ઉત્સવ થશે.
એને અંતે શું તું એ જાણે છે કે તું ક્યાં ઠરીશ?

એ ઉત્સવમાં તું સતત મારી સાથે રહીશ,
એ ક્યારે સમાપ્ત થશે તે તું જ મને કહીશ,
પછી હું તો મરીશ પણ સાથે તુંયે મરીશ.

[“કુમાર”, જાન્યુઆરી ૨૦૧૮]

•••

નેવુમે : કાવ્ય અને કૃતાર્થતા

મિત્રો,

આજે મને નેવુ વર્ષ પૂરાં થાય છે. વર્ષોથી તમે સૌ મિત્રો પ્રેમ વરસાવો છો. આજે તમે સૌએ સાથે મળીને જે પ્રેમ વરસાવ્યો છે, એ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા પ્રેમને હું પ્રણામ કરું છું. એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું અને ધન્યતા અનુભવું છું.

મનુષ્યની અનેક વિશેષતાઓ છે. એને કાળનું ભાન છે. એ એની એક મુખ્ય વિશેષતા છે. એથી એ જાણે છે કે એના આયુષ્યને અવધિ છે. ઉપનિષદના ઋષિએ આયુષ્યની સો વર્ષની અવધિ આંકી છે. મને લાગે છે કે હું સો વર્ષ જીવી શકીશ. તમારો પ્રેમ મને જિવાડશે.

આજના જન્મદિવસ માટે મેં એક કાવ્ય રચ્યું છે : ‘નેવુમે’. નેવુ વર્ષ થયાં હોય અને દસમા દાયકામાં પ્રવેશ થવાનો હોય, ત્યારે એક વાર મૃત્યુ તરફ નજર નાંખવી જોઈએ. આ કાવ્યમાં મૃત્યુને સંબોધન છે, પણ આ મૃત્યુનું કાવ્ય નથી. આ જિજીવિષાનું કાવ્ય છે, જીવવાની ઇચ્છાનું કાવ્ય છે.

નેવુમે

મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી,
તારે આવવું નથી એવું નથી, પણ તું ફાવતું નથી.
નેવુ વરસ લગી તો તારે ધીરજ ધરવી!
એક દાયકો રહ્યો, ત્યાં શું અધીરાઈ કરવી?
આ તો તને સહજ પૂછ્યું, બાકી તને કોઈ તાવતું નથી.
આવવું છે? આવ! તને કોઈ રોકટોક નથી,
તું જો આવીશ, તો મને કોઈ હર્ષશોક નથી;
હું જાણું છું તું તો સાવ મૂંગું છે, કદી કશું ક્‌હાવતું નથી.

૧૮ મે, ૨૦૧૬

[“પરબ”, સપ્ટેમ્બર ૨૦૧૬]

દર્શક ફાઉન્ડેશનના ઉપક્રમે 2016ના મેની 18મીએ અમદાવાદમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના રા.વિ. પાઠક સભાગૃહમાં નેવુંમા જન્મદિવસ નિમિત્તે એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. એમાં ભગતસાહેબના મિત્રોએ સંસ્મરણો રજૂ કર્યાં હતાં. એના પ્રત્યુત્તરમાં તેમણે બે કાવ્યો રજૂ કર્યાં હતાં, તેમાંનું આ એક.

•••

નેવ્યાશીમે - નેવુમા વર્ષમાં પ્રવેશ

વાતમાં ને વાતમાં નેવ્યાસી વર્ષો તો ગયાં, કાલથી નેવું થશે,
બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે?
આજ લગી વરસોવરસ જેવું સુખે ગયું હવે એવું જશે ?

જન્મપૂર્વે ને મૃત્યુ પછી અંધકાર છે, એ સત્ય હું ગ્રહી શકું,
જન્મ્યા પછી હવે પ્રકાશ મેં જોયો નથી એવું નહિ કહી શકું;
આ જગતમાં પ્રકાશથી વિશેષ એવું કશું જોવા જેવું હશે?

મારું મોટું સદ્‌ભાગ્ય! મને પ્રેમ મળ્યો. મૈત્રી મળી, કાવ્ય મળ્યું;
આયુષ્ય જાણે કે એક સપનું હોય એમ ફૂલ્યું-ફાલ્યું ને ફળ્યું;
અંતે આ દેહ ભસ્મમાં ભળી જશે, પછી જેવું હતું તેવું થશે.

૧૮ મે, ૨૦૧૫

[“પરબ”, જુલાઈ ૨૦૧૬]

2015ના મેની 18મીએ નેવ્વાસીમી જન્મતિથિ નિમિત્તે ડૉ. પ્રીતિ મહેતા અને ડૉ. રૂપેશ મહેતાએ એમના નિવાસસ્થાને મિત્રમિલન અને રાત્રિભોજન યોજ્યું હતું, તે પ્રસંગે વંચાયું.

•••

સત્યાશીમે

વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું.
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.

હે અગ્નિ! તમે મારા અણુઅણુમાં વસ્યા,
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;
એમાં મારા ચૈતન્યસ્વરૂપે હું સાક્ષાત્‌ કરી રહું.

હે અગ્નિ! તમે બીજપ્રક્ષેપો કર્યાં-કર્યાં,
તે સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.

હે અગ્નિ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં ભળી જાય;
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.

૧૮ મે, ૨૦૧૩

[“પરબ”, જુલાઈ ૨૦૧૩]

•••

મિત્રો થવું કાંઈ સહેલું નથી

પુરુષ : આપણે બે મિત્રો ન થયાં તે ન જ થયાં.
           આપણે મિત્રો થવા મથ્યાં, એમાં કેટકેટલાં વર્ષો ગયાં.

સ્ત્રી :   શું મારું માન અભિમાન કારણ હશે?
          શું તમારો સંકોચ સંયમ ભારણ હશે?
          આશ્ચર્ય છે કે આપણે એકમેકને આટલાં વર્ષો સહ્યાં.

પુરુષ : વર્ષો ગયાં? મૈત્રીમાં મોડુંવહેલું નથી,
           કારણ? મિત્રો થવું કાંઈ સહેલું નથી,
           તો ભલે આપણે આમ એકમેકથી દૂર એકલાં રહ્યાં.

[“કુમાર”, જાન્યુઆરી ૨૦૧૮]

•••

હણી નહિ શકો

તમે મારા અસ્તિત્વને હણી નહિ શકો,
ભૂતકાળને ભૂલી તમે સ્વપ્નોની જાળ વણી નહિ શકો.
કાળની ચિરગતિમાં આજની કાલ થતી હોય છે,
સ્મરણોની સ્થિતિમાંથી કાલ ક્યારેય જતી હોય છે?
મને, તમારા ભૂતકાળને તમે અવગણી નહીં શકો.

આજ પછી તમે જે કૈ મનમાન્યાં ગીત ગાયાં હશે,
તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે.
વિસ્મૃિત ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો.

[“પરબ”, મે ૨૦૧૬]

•••

કોઈ ભેદ નથી

હવે તમે મને ચાહો કે ન ચાહો એમાં કોઈ ભેદ નથી,
હવે તમે નિકટ હો કે દૂર હો એનો કોઈ ભેદ નથી.
તમે મને ચાહ્યો’તો એ કથા શું શૂન્યમાં શમી જશે?
આયુષ્યના અંત લગી એ તો સ્મરણોમાં રમી જશે.
અતીત અને અનાગત એ બેની વચ્ચે કોઈ છેદ નથી.

મારા અસ્તિત્વને તમે ક્યારેય તે નહિ હરી શકો,
જે હતું તેને ન હતું એવું તમે નહિ કરી શકો;
જે મિથ્યાનેયે સત્ય માને એવો પાંચમો કોઈ વેદ નથી.

[“પરબ”, ડિસેમ્બર ૨૦૧૫]

•••

હવે

આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,
હવે શું દૂર? શું પાસે? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.

હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;
હવે શું વાણી? શું વાદ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.

હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;
હવે શું જન્મ? શું મૃત્યુ? જ્યાં ભેદ ભ્રાંતિનો ટળ્યો.

૨૦૧૩

[“પરબ”, માર્ચ ૨૦૧૩]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 08-09

Category :- Poetry